ભારત-ચીન સીમાવિવાદ : ચીને ગલવાનમાં ભારતીય સૈનિકો સાથેની અથડામણમાં થયેલા નુકસાનનું સત્ય છુપાવ્યું?

વર્ષ 2020માં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ વિશે એક રિપૉર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એ અથડામણમાં ચીને પોતાના નુકસાનને ઓછું ગણાવ્યું હતું.

સમાચાર એજન્સીઓ પીટીઆઈ અને એએનઆઈ અનુસાર ઑસ્ટ્રેલિયાના એક અખબાર 'ધ ક્લૅક્સન'એ પોતાના એક સંશોધિત રિપૉર્ટમાં દાવો કર્યો છે કે ચીન તરફથી ચાર સૈનિકોનાં મૃત્યુનો આંકડો જણાવાયો હતો પરંતુ એનાથી 9 ગણા વધારે, ઓછામાં ઓછા 38 પીએલએ જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

શોધકર્તાઓ અને ચીનના બ્લૉગર્સને ટાંકીને રિપૉર્ટમાં આ માહિતી અપાઈ છે. સુરક્ષાના કારણે એમનાં નામ પ્રકાશિત નથી કરાયાં.

રિપૉર્ટમાં ઘણા 'વીબો યૂઝર્સ' (ચીનનું માઇક્રોબ્લૉગિંગ નેટવર્ક)ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એ રાત્રે એક જુનિયર સાર્જન્ટ સહિત ઓછામાં ઓછા 38 પીએલએ સૈનિકો ડૂબી ગયા હતા, તો, સત્તાવાર જે આંકડા બહાર પડ્યા હતા એમાં ચાર લોકોનાં મૃત્યુની વાત કહેવાઈ હતી અને માત્ર જુનિયર સાર્જન્ટ જ ડૂબી ગયાનો ઉલ્લેખ કરાયો હતો.

15 જૂન 2020એ થઈ હતી ગલવાનમાં હિંસક અથડામણ

ભારત અને ચીન વચ્ચે વર્ષ 2020માં ગંભીર સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. તારીખ પહેલી મે 2020ના રોજ બંને દેશના સૈનિક વચ્ચે પૂર્વીય લદ્દાખની પૅંગોંગ ત્સો ઝીલના નૉર્થ બૅન્કમાં અથડામણ થઈ હતી.

એમાં બંને તરફના ડઝનબંધ સૈનિકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ 15 જૂને ગલવાન ઘાટીમાં ફરી એક વાર બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

આ અથડામણ અંગે 16 જૂને ભારતીય સેનાએ એક નિવેદન આપ્યું હતું.

એમાં કહેવાયું હતું કે, "અથડામણ થઈ એ જગ્યાએ ડ્યૂટી પર રહેલા 17 સૈનિકોનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કારણે મૃત્યુ થયું છે. આ અથડામણમાં મૃત્યુ પામનારા સૈનિકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે."

ચીને પણ નિવેદન આપ્યું પરંતુ એનાથી એ સ્પષ્ટ ન થયું કે એના કેટલા સૈનિકો મૃત્યુ પામ્યા. પરંતુ ઘણા મહિનાઓ પછી ફેબ્રુઆરી 2021માં ચીને ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં મૃત્યુ પામેલા પોતાના ચાર સૈનિકોને મરણોપરાંત મેડલ આપવાની જાહેરાત કરી.

બેઇજિંગે છુપાવ્યાં હતાં ઘણાં તથ્યો — રિપૉર્ટ

'ધ ક્લૅક્સન'ના રિપૉર્ટમાં કહેવાયું છે કે, "ચીનના નુકસાનના દાવા નવા નથી. જોકે, જે પુરાવા સોશિયલ મીડિયા રિસર્ચર્સના ગ્રૂપે એકઠા કર્યા તે એ વાતનું સમર્થન કરે છે કે બેઇજિંગે કરેલા ચાર સૈનિકોના દાવા કરતાં ઘણા વધારે સૈનિકોનું ચીનને નુકસાન થયું હતું."

"પુરાવાથી જાણવા મળે છે કે ગલવાનમાં થયેલી અથડામણની ચર્ચાને બંધ કરવા માટે ચીન કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ખાસ કરીને વાત જ્યારે ચીનના સૈનિકોના મૃત્યુની વાસ્તવિક સંખ્યાની હોય ત્યારે."

અખબારે પોતાના રિપૉર્ટમાં કહ્યું છે કે, "ત્યાં ખરેખર શું થયું હતું, એ વિશેનાં ઘણાં તથ્ય બેઇજિંગે સંતાડી દીધાં છે. ચીન તરફથી જે વાતો જણાવાઈ એ મોટા ભાગે મનઘડંત વાર્તાઓ છે. ઘણાં બધાં બ્લૉગ અને પેજ ચીની અધિકારીઓએ હટાવી દીધાં હતાં. પરંતુ ડિજિટલ આર્કાઇવ્સ જુદી જ કથા કહે છે."

એએનઆઈ અનુસાર, 'ધ ક્લૅક્સન' પાસે ચીનના મીડિયા તરફથી જાહેર કરાયેલાં લડાઈનાં ફૂટેઝ પણ છે, જે રિપૉર્ટના દાવાને સમર્થન આપતાં જણાય છે.

રિપૉર્ટમાં રિસર્ચર્સને ટાંકીને જણાવાયું છે કે 15 જૂનની ખૂની અથડામણ એક કામચલાઉ પુલ માટે થઈ હતી, જેને ભારતીય સૈનિકોએ 22 મેએ ગલવાન નદીના એક છેડા પર તૈયાર કર્યો હતો.

રિપૉર્ટ અનુસાર, ભારત અને ચીનની સેનાના અધિકારીઓ વધતી જતી તંગદિલીને ઓછી કરવા માટે એક 'બફર ઝોન' માટે સંમત થયા હતા. પરંતુ ભારતે કહ્યું કે ચીન એ વિસ્તારમાં ગેરકાયદે માળખાનું નિર્માણ કરી રહ્યું છે, તંબુ ઊભા કરી રહ્યું છે અને પોતાની મશીનરી લાવી રહ્યું છે.

રિપૉર્ટમાં લખવામાં આવ્યું છે કે, "આ ક્ષેત્રમાં કામ કરવાનો દાવો કરનારા એક વીબો યૂઝર અનુસાર, પીએલએ આ બફર ઝોનમાં બુનિયાદી માળખાનું નિર્માણ કરીને આંતરિક સમજૂતીનું ઉલ્લંઘન કરતું હતું અને પોતાના પૅટ્રોલિંગની લિમિટ વધારી રહ્યું હતું."

એમાં આગળ લખવામાં આવ્યું છે કે 22 મેએ કર્નલ સંતોષના નેતૃત્વમાં ભારતીય સૈન્યએ એક કામચલાઉ પુલ બનાવ્યો, જેનાથી ચીનના સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય.

રિપૉર્ટમાં એવું કહેવાયું છે કે ચીન એક તરફ બફર ઝોનમાં જાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું હતું પરંતુ જ્યારે ભારત તરફથી એક કામચલાઉ પુલ બન્યો તો પીએલએ તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

ચીને સમજૂતીનું પાલન નથી કર્યું — રિપૉર્ટ

રિપૉર્ટ અનુસાર, 6 જૂને 80 ચીની સૈનિકો પુલને તોડી પાડવા માટે આવ્યા અને 100 ભારતીય સૈનિકો એને બચાવવાની કોશિશ કરતા હતા.

તારીખ છ જૂનની આ ઘટના પછી બંને તરફના અધિકારીઓ બફર ઝોન પાર કરનારા બધા સૈનિકોને પાછા બોલાવવા અંગે સહમત થયા હતા. પરંતુ ચીને સમજૂતીનું પાલન ન કર્યું.

ચીનના સૈન્યએ પોતાના માળખાને તો ન હઠાવ્યું પણ ભારતીય સેનાએ તૈયાર કરેલા કામચલાઉ પુલને તોડી પાડ્યો.

15 જૂને કર્નલ સંતોષ અને ભારતીય સૈનિકો ગલવાન ઘાટીમાં અથડામણવાળા ક્ષેત્રમાં પાછા આવ્યા જેથી ચીન તરફથી કરાયેલા અતિક્રમણને દૂર કરી શકાય.

એ સ્થળે પહેલેથી જ ચીનના 150 સૈનિકો તૈનાત હતા. વાતચીત કરવાના બદલે પીએલએના કર્નલે પોતાના સૈનિકોને બૅટલ ફૉર્મેશનનો આદેશ આપી દીધો.

'ગલવાન ડિકોડેડ' નામના આ રિપૉર્ટમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

ચાર દાયકાનો સૌથી ગંભીર સંઘર્ષ

પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂન 2020ના રોજ થયેલા સંઘર્ષને ભારત-ચીન સરહદે છેલ્લા ચાર દાયકામાંની સૌથી ગંભીર અથડામણ ગણાવાઈ છે.

આ અથડામણમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં. ભારતે પોતાના સૈનિકો મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત કરી દીધી હતી.

પરંતુ ચીને પોતાના સૈનિકોના નુકસાનની કોઈ જાહેરાત હજુ સુધી નહોતી કરી. જોકે, ભારત તરફથી કહેવાતું રહ્યું છે કે ચીનના સૈન્યને પણ ખાસ્સું એવું નુકસાન થયું છે.

ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે ઘણી વખત વાટાઘાટ થઈ.

છેવટે બંને દેશના વિદેશમંત્રીઓની બેઠકમાં થયેલી સહમતી પછી ફેબ્રુઆરી 2021માં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે 14 વખત સૈન્ય-વાટાઘાટ થઈ ચૂકી છે, પરંતુ કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી. છેલ્લે બંને દેશ વચ્ચે 12 જાન્યુઆરીએ ચીનની ચુશુલ-મોલ્દો સરહદે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો