PM મોદી પર ટિપ્પણી : ભારતમાં આકરી પ્રતિક્રિયા, માલદીવે શું સ્પષ્ટતા કરી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત અંગે માલદીવ સરકારમાં મંત્રી મરિયમ શિઉના અને અન્ય નેતાઓની આપત્તિજનક ટિપ્પણીઓ અંગે મામલો ગરમાયો છે.

ભારતમાં ઘણી હસ્તીઓથી માંડીને સામાન્ય લોકો સુધી આ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં સોશિયલ મીડિયા પર #BycottMaldives ટ્રેન્ડ થઈ રહ્યું છે.

બીજી તરફ માલદીવમાં પણ ઘણા મંત્રી મરિયમ અને આ પ્રકારના નિવેદન આપનારા નેતાઓની ટીકા કરી રહ્યા છે.

દરમિયાન માલદીવની મોહમ્મદ મુઇઝ્ઝુ સરકાર મામલો સંભાળવાની કોશિશમાં જોતરાઈ ગઈ છે.

માલદીવ સરકારે અગાઉ એક નિવેદન જાહેર કરીને પોતાની જાતને મંત્રીઓની ટિપ્પણીથી અલગ કરી લીધી હતી. તે બાદ મીડિયા રિપોર્ટોમાં માલદીવ સરકારેના હવાલાથી દાવો કરાયો કે ટિપ્પણી કરનારા લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે.

ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકરે મંત્રીઓના સસ્પેશનની કરી પુષ્ટિ

રિપોર્ટો અનુસાર માલદીવ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું, “પાડોશી ભારતને અપમાનિત કરતી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે. સરકારમાં પદે રહીને જે લોકોએ સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કરી છે, તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.”

મીડિયા રિપોર્ટો અનુસાર મરિયમ શિઉના સિવાય માલશા શરીફ અને મહઝૂમ માજિદને પણ સસ્પેન્ડ કરાયાં છે.

માલદીવનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને સાંસદ ઇવા અબ્દુલ્લાહે મંત્રીઓના સસ્પેન્શનની વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે માલદીવ સરકારે ભારતના લોકોની માફી માગવી જોઈએ.

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર તેમણે કહ્યું, “એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે કે સરકારે પોતાની જાતને મંત્રીઓનાં નિવેદનોથી અલગ કરી લીધી. મને ખ્યાલ છે કે મંત્રીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે, પરંતુ મને લાગે છે કે માલદીવ સરકાર ભારતના લોકોની માફી માગે એ મહત્ત્વપૂર્ણ છે.”

તેમણે આગળ કહ્યું, “મંત્રીએ જે ટિપ્પણી કરી એ શરમજનક છે. તેઓ નસલવાદી છે, એ વાત ચલાવી ન લેવી જોઈએ. આ વાતો ભારત અને ભારતના લોકો માટે માલદીવનો અભિપ્રાય નથી. અમે એ વાત જાણીએ છીએ કે અમે કેટલી હદે ભારત પર આધારિત રહ્યા છીએ. જ્યારે પણ અમને જરૂર પડી છે, ભારતે સૌપ્રથમ મદદ કરી છે.”

ઇવા અબ્દુલ્લાહે કહ્યું, “અમે આર્થિક સંબંધો, સામાજિક સંબંધો, સ્વાસ્થ્ય, શિક્ષણ, કારોબાર, પ્રવાસન વગેરે માટે ભારત પર જ આધારિત છીએ. લોકો આનાથી વાકેફ છે અને તેઓ એ માટે આભારી છે. તમામ રાજકીય દળો, ભૂતપૂર્વ મંત્રીઓ અને હાલની સરકારના ગઠબંધનના સહયોગીઓ સહિત તમામે અપમાનજનક ટિપ્પણીની નિંદા કરી છે.”

આ પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે નિવેદન પર આપત્તિ વ્યક્ત કરતા સરકારને સલાહ આપી હતી કે તેમણે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.

મામલો આગળ વધતાં માલદીવની સરકારે આધિકારિકપણે સ્પષ્ટતા કરવી પડી છે.

માલદીવ અને ભારતના સંબંધોમાં હાલના મહિનામાં બદલાવ જોવા મળ્યા છે. ખાસ કરીને નવેમ્બર 2023માં મોહમ્મદ મુઇઝ્ઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદથી કડવાશ વધી છે.

મુઇઝ્ઝુ અગાઉ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ હતા અને તેમની સરકારે ‘ઇન્ડિયા ફર્સ્ટ’ની નીતિ લાગુ કરેલી હતી. જોકે, મુઇઝ્ઝુ ‘ઇન્ડિયા આઉટ’ના નારા સાથે ચૂંટણીમાં ઊતર્યા હતા. જીત હાસંલ કર્યા બાદ મુઇઝ્ઝુના નિર્ણયોથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર થતી જોવા મળી.

મુઇઝ્ઝુને ભારતની સરખામણીએ ચીનની નિકટના નેતા માનવામાં આવે છે. તેમની સરકારમાં મંત્રી મરિયમ શિઉનાના આપત્તિજનક નિવેદન બાદ બંને દેશોના સંબંધો વધુ વણસે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો વડા પ્રધાને પોતાના આધિકારિક એક્સ હૅન્ડલ પર મૂકી હતી.

તસવીરો શૅર કરતા વડા પ્રધાન મોદીએ લખેલું કે જે લોકો ‘રોમાંચ પસંદ કરે છે તેમણે લક્ષદ્વીપની મુલાકાત જરૂર લેવી જોઈએ.’

તેમણે આ દરમિયાન સ્નોર્કલિંગ પણ કર્યું અને એક પ્રકારે તેઓ લક્ષદ્વીપના પ્રવાસનને પ્રમોટ કરતા હોય એવું લાગ્યું.

આ તસવીરો જોયા બાદ લાખો લોકો ગૂગલ પર એકાએક લક્ષદ્વીપ વિશે સર્ચ કરવા માંડ્યા અને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે લોકોએ પોતાની રજા માલદીવના સ્થાને લક્ષદ્વીપમાં માણવી જોઈએ.

નોંધનીય છે કે ભારતમાંથી લગભગ બે લાખ કરતાં વધુ લોકો દર વર્ષે માલદીના પ્રવાસે જાય છે.

માલદીવના ભારતીય હાઇ કમિશન પ્રમાણે વર્ષ 2022માં બે લાખ 41 હજાર અને વર્ષ 2023માં લગભગ બે લાખ ભારતીયો માલદીવ પહોંચ્યા હતા.

મુઇઝ્ઝુનાં મંત્રીની આપત્તિજનક ટિપ્પણી

જ્યારે માલદીવના સ્થાને લક્ષદ્વીપના પ્રવાસે જવાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ગતિ પકડી તો માલદીવ તરફથી પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગયું.

એક ટિપ્પણી માલદીવ સરકારમાં મંત્રી મરિયમ શિઉનાની પણ હતી. તેમણે વડા પ્રધાન મોદીની તસવીરો પર આપત્તિજનક વાતો કહી.

બાદમાં તેમણે પોતાનું એક ટ્વીટ ડિલીટ કરી દીધું. જોકે, બીજા એક ટ્વીટમાં મરિયમે કહ્યું, “માલદીવને ભારતીય સૈન્યની કોઈ જરૂરિયાત નથી.”

મરિયમ સોશિયલ મીડિયા પર એવાં ઘણાં ટ્વીટ શૅર કરે છે, જેમાં માલદીવની સુંદરતા જોવા મળે છે અને લોકોને માલદીવ આવવા આમંત્રણ અપાયું હોય છે.

મરિયમ સિવાય માલદીવના ઘણા અન્ય નેતાઓએ પણ એવી ટિપ્પણીઓ કરી જે લોકોને પસંદ નથી પડી રહી.

આવાં નિવેદનો અંગે આકરી પ્રતિક્રિયા આવવા લાગી. સામાન્ય લોકો સિવાય બોલીવૂડ સ્ટાર અને ખેલાડીઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આની અસર માલદીવમાં જોવા મળી. માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે દેશની સરકારને સલાહ આપી છે કે તેમણે મામલાને સંભાળવો જોઈએ.

મોહમ્મદ નશીદે સોશિયલ મીડિયા પર લખ્યું, “માલદીવ સરકારમાં મંત્રી મરિયમ કેવી ભયાવહ ભાષા બોલી રહ્યાં છે, એ પણ એક એવા પ્રમુખ સહયોગી દેશના માટે જેઓ માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે. મુઇઝ્ઝુ સરકારે આવાં નિવેદનોથી દૂર રહેવું જોઈએ. સાથે જ સ્પષ્ટ કરવું જોઈએ કે આ સરકારના વિચાર નથી.”

માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહે આવાં નિવેદનોને સંવેદનહીન અને સંબંધ બગાડનારાં ગણાવ્યાં છે.

તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “ભારત વિરુદ્ધ માલદીવના સરકારી અધિકારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર નફરતભરેલી ભાષાનો પ્રયોગ કરવાની વાતની હું નિંદા કરું છું. ભારત હંમેશાં માલદીનો મિત્ર રહ્યો છે અને આ બંને દેશોની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર કરનારાં આ પ્રકારનાં નિવેદન આપવાની આપણે પરવાનગી ન આપવી જોઈએ.”

આ સિવાય માલદીવના ભૂતપૂર્વ વિદેશમંત્રી અબ્દુલ્લા શાહીદે એક્સ પર પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે, “હાલની માલદીવ સરકારના ઉપમંત્રીઓ અને સત્તારૂઢ ગઠબંધનના રાજકીય દળનાં એક નેતા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરાયેલ અપમાનજનક ટિપ્પણી નિંદનીય અને ઘૃણાસ્પદ છે.”

“સરકારે આ અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. સાર્વજનિક પદો પર બેઠેલા લોકોએ મર્યાદા જાળવવી જોઈએ. તેમણે સ્વીકારવું જોઈએ કે સોશિયલ મીડિયા વધુ ઍક્ટવિઝ્મ નહીં થાય અને લોકો દેશનાં હિતોના રક્ષણની જવાબદારી ભજવશે.”

તેમણે લખ્યું, “અમારો સંબંધ એકમેક પ્રત્યેના સન્માન, ઇતિહાસ, સંસ્કૃતિ અને જનતા વચ્ચે મજબૂત સબંધોના પાયા પર ટકેલો છે. ભારત એક પાકો મિત્ર દેશ છે.”

માલદીવ સરકારની સ્પષ્ટતા

અમુક કલાકો બાદ માલદીવ સરકારે આ મામલે એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે.

રવિવારે અપાયેલા એક નિવેદન અનુસાર, “વિદેશી નેતા અને શીર્ષ વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર અપમાનજનક ટિપ્પ્ણી વિશે માલદીવ સરકારને માહિતી છે. આ વિચારો અંગત છે અને માલદીવ સરકારના દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ નથી કરતા.”

નિવેદન અનુસાર, “સરકારનું માનવું છે કે વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદાર રીતે કરવો જોઈએ, જેથી નફરત, નકારાત્મકતામાં વૃદ્ધિ ન થાય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે માલદીવના સંબંધ પર અસર ન પડે.”

નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે, “સરકારના સંબંધિત વિભાગ એવા લોકો પર ઍક્શન લેતા નહીં ખચકાય, જેઓ આ પ્રકારની અપમાનજક ટિપ્પણી કરે છે.”

વડા પ્રધાન મોદી સમર્થનમાં ઊતરી હસ્તીઓ

બોલીવૂડ ઍક્ટર અક્ષયકુમારે પોતાના સોશિયલ મીડિયા પર માલદીવની એ મોટી હસ્તીઓના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે, જેમણે ભારતીયો વિરુદ્ધ નસલવાદી ટિપ્પણીઓ કરી છે.

અક્ષયકુમારે લખ્યું, “મને એ વાતનો આશ્ચર્ય છે થાય છે કે આ લોકો આવું એ દેશ સાથે કરી રહ્યા છે, જે સૌથી મોટી સંખ્યામાં પોતાના પ્રવાસીઓને ત્યાં મોકલે છે. અમે અમારા પાડોશીઓ માટે સારા છીએ, પરંતુ આપણે આવી નફરતભરેલી ટિપ્પણીઓ શું કામ વેઠવી જોઈએ? હું ઘણી વખત માલદીવ ગયો છું અને ત્યાંની પ્રશંસા પણ કરી છે, પરંતુ આત્મસન્માન પહેલો આવે. આવો આપણે આપણા ભારતીય દ્વીપોને એક્સપ્લોર કરવાનો નિર્ણય કરીએ અને પોતાના દેશના પ્રવાસનનું સમર્થન કરીએ.”

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર અક્ષયકુમારના ટ્વીટને રિપોસ્ટ કરતાં ક્રિકેટર સુરેશ રૈનાએ લખ્યું કે તેઓ પણ માલદીવના લોકો તરફથી કરાયેલી નફરતભરેલી ટિપ્પણીઓ જોઈને દુ:ખી છે.

તેમણે લખ્યું, “આ કેટલું ખોટું છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત તેમના અર્થતંત્રથી માંડીને અન્ય ઘણા પ્રકારનાં સંકટોનો સામનો કરવામાં આટલું મહત્ત્વપૂર્ણ યોગદાન કરે છે.”

રૈનાએ લખ્યું કે તેઓ પણ ઘણી વખત માલદીવ જઈ ચૂક્યા છે અને ત્યાંની સુંદરતાની પ્રસંશા કરી છે, પરંતુ હવે સમય પાકી ગયો છે કે જ્યારે આપણે આત્મસન્માનને પ્રાથમિકતા આપવી જોઈએ.

તેમણેય લોકોને ભારતીય દ્વીપોને એક્સપ્લોર કરવાની અપીલ કરી.

ઍક્ટર જૉન અબ્રાહમે પણ માલદીવની તસવીરો શૅર કરતાં લખ્યું કે, “ભારતની જબરદસ્ત સત્કાર ભાવના અને અતિથિ દેવો ભવ:નો વિચાર. સાથે જ ફરવા માટે વિશાળ સમુદ્રી જીવન. લક્ષદ્વીપ ફરવાલાયક જગ્યા છે.”

આ હસ્તીઓ દ્વારા #exploreindianislands નો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.

સચીન તેંડુલકરે પણ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કાંઠાનો વીડિયો શૅર કર્યો. તેમણે કહ્યું, “ભારત આવા સુંદર કિનારા અને દ્વીપોથી સંપન્ન છે. આપણા અતિથિ દેવો ભવ:ના વિચાર સાથે ઘણું બધું શીખવાની જરૂરિયાત છે. ઘણી બધી યાદો પોતાના સર્જનની રાહ જોઈ રહી છે.”

આ તમામ સિવાય શ્રદ્ધા કપૂરે જેવી હસ્તીઓ પણ માલદીવ અંગે ટ્વીટ કરી રહ્યા છે.