ફ્રાન્સમાં ચૂંટણીઃ રાષ્ટ્રપતિ મૅક્રોંની પાર્ટી માટે આગામી ચૂંટણી કેટલી મુશ્કેલ

ફ્રાન્સમાં ચૂંટણી

ઇમેજ સ્રોત, REUTERS

રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોં દ્વારા ચૂંટણી યોજવાની જાહેરાતને પગલે ફ્રાન્સના મતદારો સંસદના નવા સભ્યોની પસંદગી માટે 30 જૂન અને સાતમી જુલાઈએ મતદાન કરશે.

યુરોપીયન ચૂંટણીમાં જમણેરી પક્ષ નેશનલ રેલીની સફળતા બાદ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી અને 'ચરમપંથીઓને નકારવાની' હાકલ લોકોને કરી હતી.

જોકે, ઓપિનિયન પોલ્સ સૂચવે છે કે નેશનલ રેલી ફ્રાન્સની સંસદમાં સૌથી મોટો પક્ષ બનવાની તૈયારીમાં છે.

ફ્રાન્સની સામાન્ય ચૂંટણી શું છે અને તે ક્યારે યોજાવાની છે?

આ ચૂંટણી 577 બેઠકો ધરાવતા ફ્રાન્સની સંસદના નીચલા ગૃહ નેશનલ ઍસેમ્બ્લીના સભ્યોને ચૂંટવા માટેની છે. નેશનલ ઍસેમ્બ્લી કાયદા બનાવે છે. (ઉપલા ગૃહ સેનેટના સભ્યોની ચૂંટણી સ્થાનિક અધિકારીઓ તેમજ નેશનલ ઍસેમ્બ્લીના સભ્યો દ્વારા કરવામાં આવે છે)

30 જૂનના રોજ મેઈનલેન્ડ ફ્રાન્સ અને તેના વિદેશી વિભાગો તેમજ પ્રદેશોના તમામ 577 ચૂંટણી જિલ્લાઓમાં મતદાન થશે. વિદેશમાં રહેતા ફ્રેન્ચ નાગરિકો પણ મતદાન કરી શકશે. સંસદમાં દરેક જિલ્લાનો એક પ્રતિનિધિ હોય છે.

પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારો વચ્ચે સાતમી જુલાઈના રોજ રન-ઑફ ચૂંટણી થશે. પ્રથમ રાઉન્ડમાં 12.5 ટકાથી વધુ મત મેળવનાર કોઈ પણ આગળ વધે છે. તેથી સામાન્ય રીતે બે કે ત્રણ ઉમેદવારો રન-ઑફ માટે લાયક ઠરે છે.

સંસદમાં બહુમતી મેળવવા માટે કોઈ એક પક્ષે કે પક્ષોના ગઠબંધને ઓછામાં ઓછી 289 બેઠકો જીતવી જરૂરી છે.

બીબીસી ગુજરાતી

રાષ્ટ્રપતિ મૅક્રોંએ ચૂંટણી યોજવાની જાહેરાત શા માટે કરી?

ફ્રાન્સમાં ચૂંટણી

ઇમેજ સ્રોત, Reuters

જૂનની શરૂઆતમાં યુરોપીયન સંસદની ચૂંટણીના પરિણામથી રાષ્ટ્રપતિ મૅક્રોં ચિંતિત હતા. એ ચૂંટણીમાં મરીન લે પેનના ફાર-રાઇટ પક્ષ નેશનલ રેલીને 31.4 ટકા મત મળ્યા હતા.

તેમના પોતાના પક્ષ રેનેસા અને તેના ગઠબંધનના સહયોગીઓને 15 ટકાથી ઓછા મત મળ્યા હતા.

રાષ્ટ્રપતિ મૅક્રોંએ નેશનલ ઍસેમ્બ્લીના નીચલા ગૃહને વિખેરી નાખ્યું હતું. તેઓ જાક શિરાક પછી આવું કરનાર પહેલા રાષ્ટ્રપતિ છે. જાક શિરાકે 1997માં આવું કર્યું હતું. મૅક્રોંએ જણાવ્યું હતું કે કશું થયું જ નથી એમ ધારીને હું આગળ વધી શકું નહીં.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે નેશનલ રેલી માટે મતદાન કરનાર લોકોએ તેમનો ગુસ્સો પ્રદર્શિત કર્યો છે.

તેમણે ફ્રાન્સના મતદારોને કહ્યું હતું, "અમે તમારો સંદેશો સાંભળ્યો છે અને હું તેનો પ્રતિભાવ જરૂર આપીશ."

તેમણે ચૂંટણીમાં "ચરમપંથીઓને નકારવાનો" આગ્રહ મતદારોને કર્યો હતો અને જણાવ્યું હતું કે મધ્યમમાર્ગી પક્ષો "આ ચરમપંથી જુવાળમાં જોડાઈ શકે નહીં." તેમણે તેની વિરુદ્ધ એક થવું જોઈએ.

શું દાવ પર લાગ્યું છે?

આ ચૂંટણીના પરિણામની અસર રાષ્ટ્રપતિ તરીકેની મૅક્રોંની વ્યક્તિગત સ્થિતિ પર થશે નહીં. તેઓ 2022માં બીજીવાર ચૂંટાયા હતા અને તેઓ 2027 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવાના છે.

જોકે, નેશનલ રેલી જેવા વિરોધ પક્ષને સંસદમાં બહુમતી મળે તો તેને સરકારનું નેતૃત્વ કરવાની અને વડા પ્રધાનની નિમણૂંક તક આપવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ રાષ્ટ્રપતિ મૅક્રોં પાસે હશે નહીં. તેમણે નેશનલ રેલી સાથે શાસનમાં જોડાવું પડશે. આ પરિસ્થિતિ ફ્રેન્ચ રાજકારણમાં "સહવાસ" તરીકે ઓળખાય છે.

તેનાથી ફ્રાન્સ માટેનો પોતાનો રાજકીય એજન્ડા આગળ ધપાવવાની મૅક્રોંની ક્ષમતા અત્યંત મર્યાદિત થઈ જશે. તેનો અર્થ એવો પણ થઈ શકે કે તેમણે તેઓ મૂળભૂત રીતે અસંમત હોય તેવા નીતિ વિષયક પગલાંઓનો પણ સ્વીકાર કરવો પડશે.

ક્યા પક્ષો ચૂંટણી લડી રહ્યા છે?

ફ્રાન્સમાં ચૂંટણી

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેશનલ રેલી ઇમિગ્રેશન વિરોધી અને યુરોસેપ્ટિક પક્ષ છે. તાજેતરમાં ભંગ કરવામાં આવેલી નેશનલ ઍસેમ્બ્લીમાં તેની 88 બેઠકો હતી.

જોર્ડન બાર્ડેલા તેના વડા છે, જ્યારે મરીન લે પેન સંસદીય પક્ષનાં વડાં છે. મરીન લે પેને તેમના પિતા જીન-મેરી લે પેન પાસેથી અગાઉ પક્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું અને તેનું નેશનલ ફ્રન્ટ નામ બદલ્યું હતું. મરીન લે પેનને તેમના પક્ષમાં વાસ્તવિક શક્તિના સ્રોત ગણવામાં આવે છે અને તેઓ 2027માં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીનાં સંભવિત ઉમેદવાર પણ છે.

મરીન લે પેન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંનાં સૌથી મોટાં રાજકીય પ્રતિસ્પર્ધી છે. તેઓ 2017 અને 2022ની રાષ્ટ્રપતિપદની બે ચૂંટણીમાં અનુક્રમે 34 ટકા તથા 41 ટકા મત મેળવીને મૅક્રોં સામે રન-ઑફ તબક્કામાં પ્રવેશ્યાં હતાં.

સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી એ પહેલાં રાષ્ટ્રપતિ મૅક્રોંની રેનેસા પાર્ટી તથા તેના સહયોગી પક્ષોએ નેશનલ ઍસેમ્બ્લીમાં 250 બેઠકો જીતી હતી. પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાને કારણે મૅક્રોંએ, તેમના તથા તેમના પક્ષની ઇચ્છા અનુસારના કાયદા પસાર કરાવી શકાય એટલા માટે, ઘણીવાર અન્ય પક્ષો પર આધાર રાખવો પડતો હતો અથવા હુકમનામા દ્વારા તેમના પર દબાણ કરવું પડતું હતું.

સમાજવાદીઓ, ગ્રીન્સ અને લા ફ્રાન્સ ઇન્સોમિસ જેવા અન્ય ડાબેરી પક્ષોના ઢીલા ગઠબંધનની 149 બેઠકો હતી.

મધ્યમમાર્ગી જમણેરી પક્ષ રિપબ્લિકન્સ પાસે 61 બેઠકો હતી. પોતાના નેતા એરિક સિઓટીએ નેશનલ રેલી સાથે કરાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હાંકી કાઢવા માટે રિપબ્લિકન્સે મતદાન કર્યું હતું. અલબત, તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યાંય જવાના નથી અને પદ છોડવાનો ઇનકાર કરે છે.

ઓપિનિયન પોલ્સ શું દર્શાવે છે?

10 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા ટોલુના ઇન્ટરઍક્ટિવ ઓપિનિયન પોલનાં તારણો સૂચવે છે કે આગામી ચૂંટણીમાં નેશનલ રેલીને 235થી 265 બેઠકો મળી શકે છે.

સંપૂર્ણ બહુમતી માટે 289 બેઠકો જીતવી જરૂરી છે, પરંતુ તે નેશનલ ઍસેમ્બ્લીમાં સૌથી મોટો પક્ષ બનશે.

આ ઓપિનિયન પોલમાં એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે મૅક્રોંની રેનેસા પાર્ટી અને અન્ય સાથી પક્ષોને માત્ર 125થી 155 બેઠકો મળે તેવી શક્યતા છે.