ફ્રેન્ચ નેતા નેપોલિયન ખરેખર એક 'ક્રૂર અને ભયાનક' હતો?

નેપોલિયન

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, નીલ આર્મસ્ટ્રોંગ
    • પદ, બીબીસી કલ્ચર

ફ્રાન્સના સૈનિક કમાંડર અને શાસક રહેલા નેપોલિયનનું પાત્ર ઇતિહાસના સૌથી ચર્ચિત પાત્રોમાં આવેલું છે. તેમના જીવનચરિત્રની કહાણીઓનો ઉલ્લેખ પુસ્તકોથી નીકળીને ફિલ્મો સુધી પહોંચ્યો છે અને વિવાદમાં પણ રહ્યો છે.

પીઢ બ્રિટિશ દિગ્દર્શક રીડલી સ્કૉટે નવેમ્બરમાં રજૂ થનારી તેમની લૅટેસ્ટ ફિલ્મ ‘નેપોલિયન’ના મુખ્ય પાત્ર વિશે ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. તેમણે નેપોલિયનની સરખામણી ઍડોલ્ફ હિટલર અને જોસેફ સ્ટાલિન સાથે કરી હતી, પણ સચ્ચાઈ શું છે?

હકીકત એ છે કે રીડલી સ્કૉટ તેમની નવીનતમ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા.

તેમની ફિલ્મ ‘નેપોલિયન’ સમ્રાટના ઉદયનું મહાકાવ્ય હોવાનું કહેવામાં આવે છે. તેમાં નેપોલિયનનું પાત્ર જોક્વિન ફીનિક્સે ભજવ્યું છે અને તેમાં નેપોલિયનના તેમની પ્રથમ પત્ની જોસેફાઈન (વેનેસા કિર્બી) સાથેના કટુતાભર્યા સંબંધનું નિરૂપણ છે.

આ ફિલ્મ રજૂ થવાની છે ત્યારે રીડલી સ્કૉટે ફિલ્મ સામયિક એમ્પાયર સાથેની મુલાકાતમાં કરેલી ટિપ્પણીઓને પગલે આ બાયૉપિક બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

નેપોલિયનના પાત્ર વિશેના પોતાના દૃષ્ટિકોણને સમજાવતાં તેમણે કહ્યું હતું, "હું નેપોલિયનની તુલના ઍલેકઝાન્ડર ધ ગ્રેટ, ઍડોલ્ફ હિટલર અને જૉસેફ સ્ટાલિન સાથે કરું છું. તેના વ્યક્તિત્વની ઘણી ખરાબ બાબતો બહાર આવી છે."

ફ્રેન્ચ લોકોએ તેનો જવાબ આપવામાં અને અવિવેકી બ્રિટિશ દિગ્દર્શકની ભૂલ સુધારવામાં જરાય સમય બગાડ્યો ન હતો.

ફાઉન્ડેશન નેપોલિયનના ઍકેડૅમિક ડિરેક્ટર પિયર બ્રાન્ડાએ ધ ટેલિગ્રાફ અખબારને જણાવ્યું હતું કે "હિટલર અને સ્ટાલિને કશું જ નિર્માણ કર્યું ન હતું. માત્ર વિનાશ કર્યો હતો. નેપોલિયને કરેલું સર્જન આજે પણ છે."

ફાઉન્ડેશન નેપોલિયનના થિએલી લેન્ટ્ઝે એ જ સુરમાં કહ્યું હતું, "નેપોલિયને ફ્રાન્સ કે યુરોપના વારસાનો નાશ કર્યો ન હતો. તેના વારસાને બાદમાં ઊજવવામાં, સ્વીકારવામાં અને વિસ્તારવામાં આવ્યો છે." આ સંદર્ભે સત્ય શું છે? સ્કૉટ પાસે નક્કર પુરાવા છે?

ખ્યાત લશ્કરી કમાન્ડર નેપોલિયન

નેપોલિયન

ઇમેજ સ્રોત, Alamy

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેજસ્વી લશ્કરી કમાન્ડર નેપોલિયને ફ્રેન્ચ ક્રાંતિ બાદ ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતાના સમયગાળા દરમિયાન 1799માં સત્તા કબજે કરી હતી.

પ્રશંસકો કહે છે કે તેમણે ફ્રાન્સને ક્રાંતિ પૂર્વેના શાસન હેઠળના દેશ કરતાં બહેતર બનાવ્યું હતું. તેમણે સરકારનું કેન્દ્રીકરણ કર્યું હતું. બૅન્કિંગનું પુનર્ગઠન કર્યું હતું. શિક્ષણમાં સુધારા કર્યા હતા અને નેપોલિયનિક કોડની સ્થાપના કરી હતી.

તેનાથી કાયદાકીય પ્રણાલીમાં વ્યાપક પરિવર્તન થયું હતું અને અન્ય ઘણા દેશોએ તેને એક મૉડલ તરીકે અપનાવ્યું હતું.

નેપોલિયને સમગ્ર યુરોપમાં શ્રેણીબદ્ધ લોહિયાળ યુદ્ધ લડ્યાં હતાં, એક સામ્રાજ્યની સ્થાપના કરી હતી, જેનો સૂર્ય મધ્યાહ્ને હતો ત્યારે તે ઈબેરિયન દ્વીપકલ્પથી મોસ્કો સુધી વિસ્તરેલું હતું. 1812 સુધીમાં બ્રિટન, પોર્ટુગલ, સ્વિડન અને ઓટ્ટોમન સામ્રાજ્યના સીધા અથવા કઠપૂતળી સરકાર કે જોડાણ હેઠળ અંકુશિત ન હોય તેવા વિસ્તારો જ નેપોલિયનના નિયંત્રણ બહાર હતા.

આખરે 1815માં વોટરલૂના યુદ્ધમાં બ્રિટનની આગેવાની હેઠળના રાષ્ટ્રોના જોડાણ સામે તેમનો પરાજય થયો હતો.

નેપોલિયન અને તેમનાં યુદ્ધો તે સમયના અને એ પછીના સમયના બ્રિટિશ લોકોની સ્મૃતિમાં જડાયેલાં રહ્યાં હતાં. કાર્ટૂનિસ્ટોને તેમનું વળગણ હતું. જેન ઓસ્ટિનની નવલકથાઓની પશ્ચાદભૂમાં એ જોવા મળે છે.

દાખલા તરીકે 1813માં પ્રકાશિત નવલકથા ‘પ્રાઇડ ઍન્ડ પ્રિજ્યુડિસ’માં એવા લશ્કરની વાત કરવામાં આવી છે, જે નેપોલિયનના અપેક્ષિત આક્રમણને ખાળવા માટે બનાવવામાં આવ્યું હતું. શાર્લોટ બ્રોન્ટે નેપોલિયનની મૂળ શબપેટીના એક ટુકડાની વાત કરી હતી, જે તેમને બ્રસેલ્સમાં એક શિક્ષકે આપ્યો હતો.

આર્થર કોનન ડોયલના મહાન જાસૂસ શેરલૉક હોમ્સ ખલનાયક પ્રોફેસર મોરિયાર્ટીને “ગુનાખોરીનો નેપોલિયન” કહેતા હતા. 1945માં પ્રકાશિત જ્યૉર્જ ઓરવેલની નવલકથા ‘એનિમલ ફાર્મ’માં સરમુખત્યાર બનેલા ડુક્કરને નેપોલિયન કહેવામાં આવ્યું હતું.

સવાલ એ છે કે નેપોલિયનને સરમુખત્યાર કહેવા અને તેમને અન્ય કુખ્યાત સરમુખત્યારો સાથે સરખાવવા ખરેખર વાજબી છે?

નેપોલિયન વિશે કોણ, શું માને છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Jacques Luis David

ઑસ્ટ્રેલિયાની ન્યૂકેસલ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ફિલિપ ડ્વાયરે નેપોલિયનનું જીવનચરિત્ર ત્રણ ભાગમાં લખ્યું છે. તેઓ આવું માનતા નથી.

તેમણે કહ્યું હતું, “નેપોલિયન જુલમી હતો કે નહીં એ બાબતે ચર્ચા કરી શકાય. હું તેમને જુલમી ગણું છું, પરંતુ તે હિટલર કે સ્ટાલિન તો ચોક્કસ ન હતો. એ બે સરમુખત્યારોએ લોકો પર નિર્દયતાથી જુલમ કર્યા હતા અને તેના પરિણામે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.”

તેમના કહેવા મુજબ, કેટલાક એવી દલીલ પણ કરે છે કે નેપોલિયનનું સામ્રાજ્ય એક ‘પોલીસ સ્ટેટ’ હતું, કારણ કે તેમાં ગુપ્ત બાતમીદારોની જટિલ પ્રણાલી હતી, જે લોકમત પર ચાંપતી નજર રાખતી હતી.

“નેપોલિયન તેને સત્તા પરથી ઊથલાવવાના કાવતરામાં સંડોવાયેલા કેટલાક ઉમરાવો અને પત્રકારોને જ ફાંસીની સજા કરી હતી. મારે નેપોલિયનની સરખામણી કોઈ સાથે કરવાની હોય તો હું તેની સરખામણી લુઈ સોળમા સાથે કરીશ. સર્વસત્તાધીશ લુઈ સોળમો સંખ્યાબંધ બિનજરૂરી યુદ્ધ લડ્યો હતો અને તેમાં હજારો નિર્દોષ લોકો હોમાઈ ગયા હતા.”

તેમણે ઉમેર્યુ હતું, “યુદ્ધ તો નેપોલિયન પણ લડ્યો હતો, હજારો લોકોને તેની માઠી અસર થઈ હતી, પરંતુ તે જરૂરી હતાં કે નહીં ચર્ચાનો વિષય છે. એ યુદ્ધોમાં કેટલા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્યા ગયા હતા તે આપણે જાણતા નથી.”

નેપોલિયનની સરખામણી હિટલર કે સ્ટાલિન સાથે ન કરી શકાય, એ વાત સાથે ફ્રેન્ચ પત્રકાર અને ધ ટેલિગ્રાફ અખબારના કટારલેખક એની-એલિઝાબેથ માઉટ સંમત છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “નેપોલિયને યાતના કૅમ્પ્સ બનાવ્યાં ન હતાં. તેણે લઘુમતીઓના હત્યાકાંડ કર્યા ન હતા. ચાંપતી રાજકીય વ્યવસ્થા હતી, પરંતુ સામાન્ય લોકો ઇચ્છે તેમ જીવી શકતા હતા અને ઇચ્છે તે બોલી શકતા હતા.”

માઉટના જણાવ્યા મુજબ, ફ્રેન્ચ લોકો નેપોલિયનને મુખ્યત્વે સુધારક માને છે.

તેમના કહેવા મુજબ, “તેમનું દિમાગ અદ્ભુત હતું અને તેમણે ઘડેલા કાયદાઓ તથા સંસ્થાઓ આજે પણ જીવંત છે. ફ્રાન્સમાં ઘણા લોકો સામંતી કાયદાને બદલે ફ્રેન્ચ શાસન હેઠળ ખુશ હતા એવું માનવું આપણને ગમે છે અને તે સંપૂર્ણપણે ખોટું પણ નથી.”

જોકે, લિવરપૂલ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર અને ‘નેપોલિયન્સ વૉર્સઃ એન ઇન્ટરનેશનલ હિસ્ટરી 1803-15’ સહિતના નેપોલિયન વિશેનાં અનેક પુસ્તકોના લેખક ચાર્લ્સ એસ્ડેઈલ અલગ મત ધરાવે છે.

તેમણે કહ્યું હતું, "હું નેપોલિયનને યુદ્ધખોર ગણું છું. તે અત્યંત મહત્ત્વાકાંક્ષી અને એકદમ નિર્દય હતો. ફ્રાન્સ અને અમુક અંશે યુરોપના નિર્માણ વિશે તેનો સ્પષ્ટ દૃષ્ટિકોણ હતો."

"એક પછી એક યુદ્ધ લડતા રહેવા માટે નેપોલિયનને તેની જરૂર હતી. તે કોઈ પ્રકારનો મુક્તિદાતા હતો કે ભવિષ્ય-પુરુષ હતો એવી કલ્પના નેપોલિયન વિશેની દંતકથાઓનો હિસ્સો છે."

નેપોલિયન

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, વૉટરલૂ ફિલ્મમાં પણ નેપોલિયનનું પાત્ર દર્શાવામાં આવ્યું હતું.

"નેપોલિયનના સામ્રાજ્યમાં પ્રચાર-વ્યવસ્થા બહુ શક્તિશાળી સાધન હતી અને નેપોલિયનના બધા યુદ્ધ માટે વિશ્વાસઘાતી બ્રિટિશરો જવાબદાર હોવાની કથા એ પ્રચાર વ્યવસ્થાએ જ ઘડી કાઢી હતી," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું, "ફ્રાન્સ કોઈની સામે નહીં, પણ બધા ફ્રાન્સની સામે યુદ્ધ લડતા હતા. નેપોલિયન સંબંધી આ શક્તિશાળી દંતકથા આજે પણ યથાવત્ છે. નેપોલિયનની હાજરી જીવંત છે. મૃત્યુ પછી પણ તેનો પ્રભાવ ઓસર્યો નથી. આપણે તેને જે સ્વરૂપમાં નિહાળીએ છીએ, એ સ્વરૂપમાં તે ઢળતો રહે છે."

જોકે, હિટલર અને સ્ટાલિન સાથે નેપોલિયનની સરખામણીનો એસ્ડેઈલ પણ અસ્વીકાર કરે છે.

તેમણે કહ્યું હતું, "નેપોલિયનમાં ઘણી ખામીઓ હતી અને તે ઘૃણાસ્પદ વ્યક્તિ હતો, પરંતુ નાઝી શાસનના આધારરૂપ વંશીય વિચારધારા તેમાં ન હતી."

"નેપોલિયન નરસંહાર માટે દોષિત નથી. નેપોલિયને સંખ્યાબંધ વિરોધીઓને ખતમ કર્યા ન હતા. તેના શાસનકાળમાં રાજકીય કેદીઓની સંખ્યા પ્રમાણમાં મર્યાદિત હતી."

"હિટલર અને સ્ટાલિન સાથે તેની તુલના કરવી તે ઐતિહાસિક બકવાસ છે."

અલબત્ત, ફિલ્મ ઉદ્યોગના માંઘાતા અને ટાઈટન, બ્લૅડ રનર, ગ્લેડિયેર, થેલ્મા ઍન્ડ લુઈસ, એલિયન તથા અન્ય ઘણી ફિલ્મોના દિગ્દર્શક રીડલી સ્કોટ લાંબા સમયથી બિઝનેસમાં છે, તેમજ પોતાની ફિલ્મનો પ્રચાર કેવી રીતે કરવો તે બરાબર જાણે છે. (નેપોલિયન ચાર દાયકા પહેલાં રજૂ થયેલી તેમની પહેલી ફિલ્મ ધ ડ્યુઅલિસ્ટ્સના પરિવેશમાં રચાયેલી છે) હિટલર અને સ્ટાલિન વિશે ટિપ્પણી કરવાથી નવી ફિલ્મનો સારી રીતે પ્રચાર કરી શકાશે એ તેઓ નિશ્ચિતપણે જાણતા હશે અને તેથી તેમણે આવી ટિપ્પણી કરી છે.

નેપોલિયન ફિલ્મ રજૂ થશે ત્યારે તેને નિહાળવા એસ્ડેઈલ જશે?

તેમણે મજાક કરતાં કહ્યું હતું, "મને લાગે છે કે ફિલ્મ જોવા જવું પડશે, પરંતુ રોડ સ્ટીગરે નેપોલિયનનું પાત્ર ભજવ્યું નથી એટલે તેમાં ભલીવાર નહીં હોય. 1970ની ફિલ્મ વૉટરલૂમાં ઘણું ખોટું હતું, પરંતુ નેપોલિયન તરીકે સ્ટીગરે ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો."

રેડ લાઇન
રેડ લાઇન