'શ્રી 420'નાં 70 વર્ષઃ ઈમાન ગિરવી મૂકનારા છોકરાની કહાણીએ આટલો જાદુ કેવી રીતે સર્જ્યો?

ઇમેજ સ્રોત, JH THAKKER VIMAL THAKKER
- લેેખક, વંદના
- પદ, સીનિયર ન્યૂઝ એડિટર, બીબીસી ન્યૂઝ
"રાજ કપૂર ફિલ્મના સંદર્ભમાં લંડનથી મૉસ્કો પહોંચ્યા એ સમયની વાત છે. કોઈ ગેરસમજને કારણે તેમની પાસે યોગ્ય દસ્તાવેજો ન હતા, પરંતુ વીઝા ન હોવા છતાં તેમને મૉસ્કોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આખરે તેઓ રાજ કપૂર હતા."
"રાજ કપૂર બહાર નીકળીને ટૅક્સીમાં બેઠા, પરંતુ તેમણે જોયું કે ટૅક્સી આગળ નથી વધતી પણ ઉપર જઈ રહી છે. રાજ કપૂરને જોઈને મૉસ્કોમાં જબરી ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોએ ટૅક્સીને ખભા પર ઉઠાવી લીધી હતી."
ઋષિ કપૂરે સંભળાવેલો આ કિસ્સો થોડો અવિશ્વસનીય લાગે. એવું લાગે છે કે આવું તે કંઈ થતું હશે, પણ આ કિસ્સો દર્શાવે છે કે રાજ કપૂર સોવિયત સંઘમાં કેટલા વિખ્યાત હતા. તેઓ આ લોકપ્રિયતા દાયકાઓની મહેનતથી 'આવારા' અને 'શ્રી 420' જેવી ફિલ્મો વડે કમાયા હતા.
આ 'શ્રી 420' ફિલ્મ આજથી 70 વર્ષ પહેલાં 1955ની છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. 'શ્રી 420'માં ગામડેથી શહેરમાં આવેલો રાજ (રાજ કપૂર) ડિગ્રી હોવા છતાં નોકરી મેળવી શકતો નથી અને પસ્તીવાળાની દુકાને પોતાનો એ મેડલ ગિરવી રાખીને ચાલ્યો જાય છે, જે તેને ઇમાનદારી માટે મળ્યો હતો.
રાજ કહે છે, "મેં ઈમાન બેચના ચાહતા હૂં, સચ્ચાઈ કે લિયે મિલા ઈનામ. આપ ઈસ ઈમાન કી ક્યા કિમત લગા રહે હો." 1955માં પ્રદર્શિત રાજ કપૂર અને નરગિસની ફિલ્મ 'શ્રી 420' આ નૈતિક દ્વિધાની કથા છે. એક તરફ ભણેલોગણેલો, નૈતિક મૂલ્યોવાળો બેરોજગાર યુવાન છે અને બીજી તરફ નવા શહેરની ઝળહળતી ગુનાખોરીની દુનિયા, જેમાં શ્રીમંત થવાનો માર્ગ આસાન છે.
ઈઝરાયલી દળે ઓળખી લીધી 'ઈચક દાના'ની ધૂન

ઇમેજ સ્રોત, RITU NANDA
ભારતીય ફિલ્મોની વૈશ્વિક લોકપ્રિયતાની જે વાતો આજે થાય છે તેનો સ્વાદ રાજ કપૂરે ભારતવાસીઓને ચખાડ્યો હતો.
ઈરાન, ચીનથી માંડીને સોવિયત સંઘ સુધી આ ફિલ્મ અને રાજ કપૂરનો જોરદાર ક્રેઝ હતો. ઇઝરાયલમાં પણ 'શ્રી 420'નાં ગીતો હિટ છે. ઘણા લોકો તમને 'ઈચક દાના' ગાઈ સંભળાવશે.
2018માં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું ત્યારે બૅન્ડમાં 'ઈચક દાના' ગીત વાગતું હતું. એ વખતે ઇઝરાયલી પ્રતિનિધિમંડળના લોકોએ જણાવ્યું હતું કે તેમને આ ગીત ગાતા આવડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કિસ્સો ભૂતપૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેએ ખુદ મીડિયા પ્રતિનિધિઓને જણાવ્યો હતો. 'શ્રી 420' એટલી મશહૂર હતી કે તેનું પ્રીમિયર ઈરાનમાં પણ યોજવામાં આવ્યું હતું. સૂટ-બૂટમાં ત્યાં પહોંચેલા રાજ કપૂરને જોઈને ઈરાની જનતા જોરશોરથી બૂમો પાડવાલાગી હતી.
ઉઝબેકિસ્તાનમાં આ ફિલ્મ આજે પણ 'જનોબ 420' નામે મશહૂર છે.
રાજ કપૂરનો હિન્દુસ્તાન પ્રત્યે પ્રેમ અને દેશ પરનો કટાક્ષ

ઇમેજ સ્રોત, Film Heritage Foundation
'શ્રી 420'નું મુકેશે ગાયેલું ગીત 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' એક રીતે રાષ્ટ્રીય ગીત બની ગયું હતું. આ ગીત હિન્દુસ્તાન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, પરંતુ 'શ્રી 420' હિન્દુસ્તાનની આર્થિક અને નૈતિક પરિસ્થિતિ વિશે સવાલ ઊઠાવવાનું પણ ચૂકતી નથી.
અંધરાષ્ટ્રભક્તિથી ભરેલો આ વિરોધાભાસ જ આ ફિલ્મની સુંદરતા છે. ફિલ્મનાં અનેક નાનાં દૃશ્યોમાં રાજ કપૂર રાજકીય કટાક્ષ કરે છે.
આ ફિલ્મની શરૂઆતમાં રાજ કપૂર દરિયાકિનારે શીર્ષાસન કરતા હોય છે ત્યારે એક કૉન્સ્ટેબલ આવીને તેમને મારવા લાગે છે.
એ વખતે રાજ કહે છે, "સાચી વાત એ છે હવાલદાર સાહેબ કે આટલી ઊલટી દુનિયાને સીધી જોવી હોય તો માથાભેર ઊભું રહેવું પડે છે. જાણો છો હવાલદાર સાહેબ, મોટા મોટા નેતાઓ સવારે ઊઠીને શીર્ષાસન કરે છે ત્યારે દેશને સીધો કરી શકે છે."
આ સાંભળીને તમે મનોમન સ્મિત કરો છો.
રાજ કપૂર, નરગિસ અને વરસાદ

ઇમેજ સ્રોત, Randhir Kapoor
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'શ્રી 420' આટલી સફળ કેમ થઈ હતી તેનો અંદાજ કાઢવાનું ફિલ્મ જોયા પછી મુશ્કેલ નથી. ચાર્લી ચેપ્લિન જેવો સીધો-સાદો, શિખાઉ રાજ અને તેના પ્રેમમાં પડેલી નરગિસ. આ બંનેને વરસાદમાં એક છત્રી નીચે 'પ્યાર હુઆ, ઈકરાર હુઆ' ગીત ગાતા આજે પણ સાંભળો તો એવું લાગે છે કે એ દિવસના વરસાદના છાંટામાં આજ સુધી પ્રેમી-પ્રેમિકાઓ આજે પણ ભીંજાઈ રહ્યાં છે.
જોકે, 'શ્રી 420' વરસાદ અને રોમાન્સથી ઘણી આગળની ફિલ્મ છે. 'શ્રી 420'એ ભારતને દર્શાવે છે, જે આઝાદ તો થઈ ગયું છે, પરંતુ તેમાં ભણેલાગણેલા લોકો પાસે નોકરી નથી.
શ્રીમંતો અને ગરીબોમાં આભ-જમીનનો ફરક છે. યુવકો ગામડેથી શહેરોમાં પલાયન કરવા મજબૂર છે. ફિલ્મનો હીરો રાજ પ્રમાણિકતાના રસ્તે ચાલે છે, પણ તેને કશું મળતું નથી.
એ સ્થિતિમાં રાજે બેરોજગારી તથા ગરીબી અને અપરાધ તથા અમીરી એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે ત્યારે તે અપરાધની પસંદગી કરે છે. તેનું માધ્યમ માયા (અભિનેત્રી નાદિરા) બને છે.
માયાને ખબર પડે છે કે રાજ ગંજીફો ચીપવામાં કુશળ છે અને તેના વડે મોટી કમાણી કરી શકાય. પણ રાજની સામે નૈતિક પડકાર બનીને ઊભી છે વિદ્યા એટલે કે નરગિસ, જે રાજને પ્રેમ કરે છે.
'મૂડ મૂડ કે ના દેખ'

ઇમેજ સ્રોત, RK Films
'મૂડ મૂડ કે ના દેખ' આ ફિલ્મનું "મૂડ મૂડ કે ના દેખ" બહુ લોકપ્રિય છે. વાસ્તવમાં આ ગીત તેના શબ્દો, પ્રકાશ આયોજન અને પડછાયાના ખેલ મારફત રાજ કપૂરની નૈતિક દ્વિધાને બહુ સર્જનાત્મક રીતે દર્શાવે છે.
એ દૃશ્યમાં દિવાળીની રાતે ઉજવણી કરવા રાજ કપૂર નરગિસને પાર્ટી માટે એક મોંઘી હોટલમાં લઈ જાય છે. મામૂલી સ્કૂલ ટીચર નરગિસને ખબર પડી જાય છે કે રાજ આ પૈસા ખોટી રીતે કમાયો છે અને એ રાજને છોડીને હોટલમાંથી રવાના થાય છે.
રાજ પાછો વળીને વિદ્યાને જુએ છે ત્યારે માયા એટલે કે નાદિરા ગીત ગાવાનું શરૂ કરે છે, "મૂડ મૂડ કે ના દેખ..." ગીતમાં એ ક્ષણે તમે જોશો તો રાજ કપૂર દરવાજાના ઉંબરે દ્વિધામાં ઊભા છે અને તેમની ચારે તરફ અંધારું છે. પછી અચાનક તેમના ચહેરા પર પ્રકાશ રેલાય છે.
બૅકગ્રાઉન્ડમાંથી તેઓ ફોરગ્રાઉન્ડમાં આવી જાય છે અને તેમના ચહેરા પર સ્મિત હોય છે. કશું કહ્યા વિના તમને સમજાઈ જાય છે કે રાજ ઈમાનદારીથી બેઇમાનીનો ઉંબર પાર કરી લીધો છે અને તે વિદ્યાની દુનિયાથી માયાના દુનિયામાં પ્રવેશી ચૂક્યો છે.
સિનેમેટોગ્રાફર રાધૂ કરમાકરે અદભૂત પ્રકાશ સંયોજન વડે કોઈ સંવાદ વિના બધું સમજાવી દીધું છે. માત્ર એક સંવાદ છે, 'ઈસ રસ્તે પર તુમ્હેં વિદ્યા કી નહીં, માયા કી જરૂરત હૈ.'
"મૂડ મૂડ કે ના દેખ" આશા ભોંસલેની કારકિર્દીના પ્રારંભનું હીટ ગીત હતું. એ ગીતમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર્સમાં તમને સાધના પણ જોવા મળશે. સાધનાનું ત્યાં સુધી લૉન્ચિંગ થયું ન હતું.
ગીતોની વાત કરીએ તો રાજ કપૂરના અવાજ ગણાતા મુકેશે 'શ્રી 420'નાં બધાં ગીતો ગાયાં ન હતાં. "પ્યાર હુઆ, ઈકરાર હુઆ" અને "દિલ કા હાલ સુને દિલવાલા" જેવાં ગીતો મન્ના ડેએ ગાયાં હતાં. તેનું કારણ એ હતું કે એ દિવસોમાં મુકેશ ગાયનની સાથે-સાથે ઍક્ટિંગ પર પણ ધ્યાન આપતા હતા અને 'અનુરાગ' જેવી પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા.
બાકી જોડીદાર તો એ જ હતા. શંકર-જયકિશનનું સંગીત. હસરત જયપુરી અને શૈલેન્દ્રનાં ગીતો.
'શ્રી' પણ અને 'શ્રી 420' પણ
'શ્રી' પણ અને 'શ્રી 420' પણ ફિલ્મમાં ચરિત્ર કલાકારો પણ ઘેરી છાપ છોડી જાય છે. ભૂખ્યો-તરસ્યો રાજ બૉમ્બેમાં ભટકતો હોય છે ત્યારે કેળા વેચતી એક ગરીબ સ્ત્રી (લલિતા પવાર) તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. એની સાથે આ ફિલ્મ મોટા શહેરોની ઉદાસિનતા પણ દર્શાવે છે.
એક ફિલ્મમાં નરગિસ કેળાની છાલ પરથી લસરી પડે છે ત્યારે બધા તેને જોઈને હસે છે. એ લોકોમાં રાજ કપૂર સૌથી મોખરે હોય છે. થોડા સમય પછી ખુદ રાજ કપૂર કેળાની છાલ પરથી લસરી પડે છે ત્યારે બધા સાથે મળીને તેમના પર હસે છે અને સાથેની એક વ્યક્તિ કહે છે, "યહ બમ્બઈ હૈ મેરે ભાઈ, યહાં દૂસરોં કો દેખકર સબ હંસતે હૈં."
ખ્વાજા અહમદ અબ્બાસની કથા આમ તો નૈતિકતાની કથા છે, પરંતુ તે ઇમિગ્રન્ટ્સની હિજરતની વાર્તા પણ છે, જે આજે પણ ચાલુ છે.
ફિલ્મનું ટાઇટલ 'શ્રી 420' વિરોધાભાસી લાગે છે. રાજ કપૂર અને ખ્વાજા અહમદ અબ્બાસ કદાચ એવું દર્શાવવા ઇચ્છતા હશે કે ક્યારેક ચાલાક અને કપટી લોકો સમાજમાં આદરણીય વ્યક્તિના વેશમાં છુપાયેલા હોય છે.
તેથી જ 'શ્રી' અને '420'ને જોડીને 'શ્રી 420' નામ રાખવામાં આવ્યું હતું. છેલ્લે એક નાનકડી પણ મોટી વાતઃ ફિલ્મની ક્રેડિટ્સમાં પહેલાં નરગિસ તથા નાદિરાનાં નામ આવે છે અને પછી રાજ કપૂરનું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત












