રાતે જમવામાં ભાત ખવાય કે રોટલી? ડૉક્ટરોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
લોકોમાં ઘણીવાર ચર્ચા થાય છે કે ભાત ખાવું સ્વાસ્થ્યપ્રદ છે કે રોટલી. ઘણા લોકો રાત્રિભોજનમાં ભાત અને રોટલી બંને ખાય છે, બંને વચ્ચે એક પ્રકારે સંતુલન પણ લાગે છે.
ભલે બંને અનાજ હોય, ભાત કે રોટલી ખાવાની પસંદગી સામાન્ય રીતે પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, બિહાર, પશ્ચિમ બંગાળ અથવા ઓડિશા જેવાં રાજ્યોમાં, ભાત મુખ્ય ખોરાક છે, જ્યારે પંજાબ અથવા મધ્યપ્રદેશ સહિત કેટલાક અન્ય પ્રદેશોમાં, લોકો રોટલી પસંદ કરે છે.
જોકે, નિષ્ણાતો આ ચર્ચાને ફક્ત ભાત અને રોટલીના આધારે જોતા નથી.
તમારી રાત્રિભોજનની થાળીમાં રોટલી હોવી જોઈએ કે ભાત, તે ઘણાં પરિબળો પર આધાર રાખે છે, જેમાં તમે કયા પ્રકારના ભાત કે રોટલી ખાઈ રહ્યા છો તે મહત્ત્વપૂર્ણ છે.


ઇમેજ સ્રોત, Getty Images
ભાત હોય કે રોટલી, બંનેમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રોટલીમાં ભાત કરતાં ઓછા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે એટલે આરોગ્યની દૃષ્ટિએ તે વધું ઉત્તમ છે.
ડાયેટિક્સ ફૉર ન્યુટ્રિફાઇ ટુડેનાં વડાં અને બૉમ્બે સ્થિત ડાયેટિશિયન નાઝનીન હુસૈન કહે છે, "જો તમે જાડો લોટ અથવા ઉચ્ચ ફાઇબરમાંથી બનેલી રોટલી ખાઓ છો, તો તે ઠીક છે, પરંતુ જો તમે સંપૂર્ણપણે રિફાઇન્ડ લોટમાંથી બનેલી રોટલી ખાતા હોવ તો તે ચોખા જેવું જ છે અને તેને ખાધા પછી પણ, ખાંડનું સ્તર ઝડપથી વધે છે."
તેમનું કહેવું છે કે પૉલિશ્ડ ચોખા સ્વાસ્થ્ય માટે સારા નથી પણ પૉલિશ વગરના ટૂંકા ચોખા આ સંદર્ભમાં વધુ સારા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઇબરને ધ્યાનમાં રાખીને, ડૉકટરો અથવા ડાયેટિશિયન ઘણીવાર લોકોને બ્રાઉન રાઇસ અથવા અનપૉલિશ્ડ રાઇસ ખાવાની સલાહ આપે છે.
બીજી એક સલાહ એવી આપવામાં આવે છે કે દાળ, દહીં અથવા શાકભાજી સાથે ભાત ખાવા જોઈએ. ચોખાની ખિચડી કે પુલાવ બનાવીને ખાવાથી પણ શરીરને ફાયદો થાય છે.
દિલ્હીની ગંગા રામ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. એમ. વાલી કહે છે, "આજે આપણે જે પ્રકારનો લોટ ખાઈ રહ્યા છીએ તે ખાંડ, રિફાઇન્ડ લોટ અને મીઠા જેવું સફેદ ઝેર બની ગયો છે."
"આપણે રોટલી વધુ અને શાકભાજી ઓછા ખાઈએ છીએ. જો તમે ભાત સાથે વધુ શાકભાજી ખાઓ છો, તો તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ સુધરે છે, જેનો અર્થ એ થાય કે તેમાંથી ઉત્પન્ન થતી ખાંડ શરીરમાં ધીમે ધીમે ઓગળી જાય છે."
ડૉ. વાલી કહે છે કે, ''જો તમે રોટલીનો લોટ લીલા પાંદડાવાળા શાકભાજી કે દૂધી સાથે ભેળવો, એટલે કે જો રોટલી ફક્ત લોટમાંથી ન બનાવી હોય તો એ વધારે સારું છે''

ભાત અને રોટલી વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે જેમને વધુ ઊર્જાની જરૂર હોય છે, જેમ કે જેઓ તીવ્ર શારીરિક શ્રમ કરે છે તેમના માટે ભાત વધુ સારા છે.
પરંતુ જો તમે વધારે પડતું ભોજન કરવા માગતા નથી અથવા તો વધારે વાર ખાવા માગતા નથી તો રોટલી એક સારો વિકલ્પ છે કારણ કે તેમાં વધુ ફાઇબર હોય છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે.
દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નાં ડાયેટિશિયન માલા મનરાલ કહે છે, "જો તમે સારા પ્રોટીનવાળી રોટલી લો તો તે વધુ સારું રહેશે. માંસાહારી લોકો માટે ઘણા વિકલ્પો છે, અને શાકાહારીઓ રોટલી સાથે શાકભાજી અથવા દાળ વગેરે લઈ શકે છે."
માલા મનરાલ કહે છે, "તમારે શું ખાવું જોઈએ તે તમારા કામ અને જીવનશૈલી પર આધાર રાખે છે. જો તમે બેઠા બેઠા કામ કરો છો, તો તમને ઓછી કેલરીની જરૂર પડે છે. અમે આવા લોકોને રોટલી ખાવાની સલાહ આપીએ છીએ, કારણ કે જો તેઓ વધુ પડતા ભાત ખાય છે, તો સ્થૂળતાનું જોખમ રહેલું છે."

ઇમેજ સ્રોત, Getty Images
માલા મનરાલ કહે છે, "દરેક વ્યક્તિને તેની શારીરિક પ્રવૃત્તિ અને ઉંમરના આધારે ચોક્કસ માત્રામાં કેલરીની જરૂર હોય છે. ધારો કે કોઈને 1600 કિલો કેલરીની જરૂર હોય, તો અમે ખાતરી કરીએ છીએ કે તેને તેમાંથી 60 ટકા કાર્બોહાઇડ્રેટ્સમાંથી, 20 ટકા પ્રોટીનમાંથી અને લગભગ 20 ટકા ચરબીમાંથી મળે."
આમાં કાર્બોહાઇડ્રેટ્સ માટે રોટલી, ભાત, ઇડલી, ઉપમા અને પ્રોટીન માટે દાળ અથવા માંસાહારી લોકો માટે ઈંડાં જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
વ્યક્તિએ ભાત ખાવા જોઈએ કે રોટલી, તે મોટાભાગે તેમના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે ભાત ટાળવાની અને ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.
અહીં એક વાત નોંધનીય છે કે ફ્રીજમાં રાખેલા ચોખા ફાઇબરની દૃષ્ટિએ વધુ સારા માનવામાં આવે છે.
નાઝનીન કહે છે, "ચોખાને ફ્રીજમાં રાખવાથી, તેનો પ્રતિરોધક સ્ટાર્ચ ફાઇબરમાં રૂપાંતરિત થાય છે. એટલે કે તેને ખાવાથી ખાંડનું પ્રમાણ અચાનક વધતું નથી."

ઇમેજ સ્રોત, Getty Images

શું લોકોનો ખોરાક પણ કોઈ પ્રદેશને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે?
એવું માનવામાં આવે છે કે બાળપણથી આપણે જે પણ ખાવા માટે ટેવાયેલા છીએ તે સામાન્ય રીતે આપણા માટે પચવામાં સરળ હોય છે અને તે જ ખોરાક આપણને સંતોષ પણ આપે છે.
નાઝનીન હુસૈન, "કોઈ ચોક્કસ વિસ્તારમાં જે પણ ઉત્પાદન થાય છે તે તે વિસ્તારનો મુખ્ય ખોરાક બની જાય છે અને સામાન્ય રીતે લોકોએ આવો ખોરાક ખાવો જોઈએ."
ઉદાહરણ તરીકે, કાશ્મીરના લોકો માટે ચોખા મુખ્ય ખોરાક છે, તેમના માટે રોટલી ભાત કરતાં વધુ સારી નથી.
ડૉ. વલી કહે છે, "હું જોઉં છું કે ઘણા વિસ્તારોમાં લોકોને રોટલી કેવી રીતે બનાવવી તે પણ ખબર નથી. જો તમે ભારત તરફ નજર કરો તો, મોટાભાગના લોકો ભાત ખાય છે. દક્ષિણ ભારતમાં, ડાયાબિટીસના દર્દીઓ પણ ભાત ખાય છે, પરંતુ આ ભાતમાં ઘણી બધી વસ્તુઓ ઉમેરીને રાંધવામાં આવે છે જેથી તેનું પાચન કરવામાં પૅન્ક્રિયાઝ પર દબાણ આવતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












