'એ દર્દીને મારી નાખો' કોરોનાકાળ દરમિયાન બે ડૉક્ટરો વચ્ચેની કથિત વાતચીતનું રેકૉર્ડિંગ વાયરલ થતા ખળભળાટ

કોરોનાકાળ, J.n1 વૅરિયન્ટનો ફેલાવો રસીથી ફાયદો, કોરોના સમયે ધર્મઆધારિત ઓક્સિજન કાઢી નાખવાની ચર્ચા, મહારાષ્ટ્ર લાતુર ઉદગીર, સોશિયલ મીડિયા ક્લિપ વાયરલ, બીબીસી ગુજરાતી સમાચાર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, મુસ્તાન મિર્ઝા
    • પદ, બીબીસી મરાઠી માટે

કોરોના મહામારી દરમિયાન તબીબી તંત્ર દર્દીઓના જીવ બચાવવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ હવે તબીબી ક્ષેત્રનું મસ્તક શરમથી ઝૂકાવી દે એવી કથિત ઘટના પ્રકાશમાં આવી છે.

ચોક્કસ સમુદાયના "કોરોના દર્દીને મારી નાખો" એવું કહેતા એક વરિષ્ઠ ડૉક્ટરની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ ઘટનાને કારણે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. શહેર પોલીસ સ્ટેશનમાં સંબંધિત ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

દર્દીના પરિવારે કરેલી ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવામાં આવ્યો છે.

આરોપી ડૉક્ટરનું નામ શશિકાંત દેશપાંડે છે. આ સ્ટોરી સંબંધે તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

પોલીસ એફઆઈઆર મુજબ, આ ઘટના 2021માં કોરોના સમયગાળા દરમિયાન બની હતી. તે સમયે રોગચાળો ચરમસીમાએ હતો. હૉસ્પિટલો દર્દીઓથી ભરેલી હતી અને જરૂરી સુવિધાઓ અપૂરતી હતી.

એ સમયગાળાની આ ઓડિયો ક્લિપ હવે બહાર આવી છે.

આ સંબંધે ડૉ. શશિકાંત દેશપાંડે વિરુદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતાની (ઇન્ડિયન પીનલ કોડ, આઈપીસી) કલમ ક્રમાંક 292-એ (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) તથા અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે આરોપી ડૉ. દેશપાંડેને કાયદેસરની નોટિસ મોકલી છે.

પોલીસ હાલ પ્રસ્તુત ઓડિયો ક્લિપની ખરાઈ કરી રહી છે. આ કેસમાં ડૉ. શશિકાંત ડાંગેને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

ઉદગીરના પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ ગાડેએ કહ્યું હતું, "ડૉક્ટર જિલ્લા બહાર છે. અમે તેમનો મોબાઇલ ફોન જપ્ત કરીને તપાસ કરીશું."

ખરેખર શું બન્યું હતું?

કોરોનાકાળ, J.n1 વૅરિયન્ટનો ફેલાવો રસીથી ફાયદો, કોરોના સમયે ધર્મઆધારિત ઓક્સિજન કાઢી નાખવાની ચર્ચા, મહારાષ્ટ્ર લાતુર ઉદગીર, સોશિયલ મીડિયા ક્લિપ વાયરલ, બીબીસી ગુજરાતી સમાચાર, ડૉ. શશીકાંત દેશપાંડે
ઇમેજ કૅપ્શન, ડૉકટર શશિકાંત દેશપાંડે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોશિયલ મીડિયા પર બહુચર્ચિત આ ઓડિયો ક્લિપમાં કથિત રીતે એક ડૉક્ટર કહે છે, "એ દર્દીને મારી નાખ. તને પણ પહેલાંથી જ તેની (એક ચોક્કસ ધર્મનો ઉલ્લેખ કરીને) આદત છે. એ દર્દી બહુ મોટા પ્રમાણમાં ઑક્સિજન લઈ રહી છે."

તેના જવાબમાં બીજા ડૉક્ટર કહે છે, "રાત્રે ઑક્સિજન ઘટાડ્યો હતો. બધાને બે લિટર સુધી લાવ્યા છીએ."

આ કથિત વાતચીત ઉદગીર સરકારી હૉસ્પિટલના તત્કાલીન જિલ્લા સર્જન શશિકાંત દેશપાંડે અને ડૉ. શશિકાંત ડાંગે વચ્ચેની હોવાનું કહેવાય છે.

ડૉ. દેશપાંડે 2021માં ઉદગીર હૉસ્પિટલના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ સર્જન હતા, જ્યારે ડૉ. ડાંગે ઉદગીર કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા હતા.

કથિત ઓડિયો ક્લિપમાં ડૉ.દેશપાંડે ડૉ. ડાંગેને કહે છે, "ચોક્કસ જાતિની એ મહિલાને મારી નાખો. તે ખૂબ વધારે પડતો ઑક્સિજન લઈ રહી છે."

તેના પ્રતિભાવમાં ડૉ. ડાંગે કહે છે, "હા, હા. બધાનો ઑક્સિજન રાત્રે બે લિટર સુધી ઘટાડ્યો છે."

સંબંધિત મહિલા દર્દીના પતિની ફરિયાદને આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપીઓમાં ડૉ. દેશપાંડે અને ડૉ. ડાંગેનો સમાવેશ થાય છે.

દર્દી કૌસર ફાતિમા 53 વર્ષના દયામી અઝીમુદ્દીન ગૌસુદ્દીનનાં પત્ની છે. તેઓ બીમારીમાંથી સાજા થઈ ગયાં હતા.

ગૌસુદ્દીનની ફરિયાદના આધારે પોલીસે ડૉ. દેશપાંડે વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી દ્વેષપૂર્ણ કૃત્ય કરવા સબબ કાયદેસરની જોગવાઈ અનુસાર 24 મેના રોજ કેસ નોંધ્યો હતો.

એફઆઈઆરમાં શું છે?

બીબીસી ગુજરાતી, કોરોનાકાળ, દર્દીનું ઓક્સિજન હઠાવવાની ઓડિયો ક્લિપ વાયરલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ફરિયાદીએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે 2021માં 41 વર્ષની વયનાં તેમનાં પત્ની કૌસર ફાતિમાને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો.

તેમને ઉદગીરની સરકારી હૉસ્પિટલમાં 2021ની 15 એપ્રિલે ઇન-પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યાં હતાં.

નાંદેડ રોડ પરની આંખની હૉસ્પિટલ સામેની ઇમારતમાં હૉસ્પિટલના સંચાલન હેઠળ ડૉ. ડાંગે કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.

પીડિત મહિલાને એ જગ્યાએ 10 દિવસ ઉપચાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. દાખલ થયાના સાતમા દિવસે પીડિતાના પતિ ડૉ. ડાંગેની બાજુમાં બેઠા હતા.

ડૉ. ડાંગે ભોજન કરી રહ્યા હતા, ત્યારે ડૉ. દેશપાંડેનો ફોન આવ્યો હતો. એ પછી ડૉ. ડાંગેએ ફોનનું સ્પીકર ચાલુ કર્યું હતું અને બન્ને ડૉક્ટર વચ્ચે હૉસ્પિટલની સ્થિતિ બાબતે વાતચીત શરૂ થઈ હતી.

વાતચીત દરમિયાન ડૉ. દેશપાંડેએ હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા બાબતે પૂછપરછ કરી હતી. ડૉ. ડાંગેએ તેમને જણાવ્યું હતું કે એકેય બેડ ખાલી નથી.

પછી ડૉ. દેશપાંડેએ કહ્યું હતું, "એ દર્દીને મારી નાખો. તમને આવા લોકો સાથે વ્યવહાર કરવાની આદત પડી ગઈ છે." આવું દર્દીના પતિએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે.

ડૉ. ડાંગે અને ડૉ. દેશપાંડે વચ્ચેની વાતચીત દરમિયાન જાતિ માટે અપશબ્દનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે એ સાંભળીને તેઓ ચોંકી ગયા હતા, પરંતુ પત્નીની સારવાર ચાલી રહી હોવાથી તેમણે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું.

થોડા દિવસ પછી તેમનાં પત્ની સ્વસ્થ થઈ ગયાં હતાં અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દરમિયાન 2025ની બીજી મેએ કથિત વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર બહાર આવી હતી.

ફરિયાદીએ જણાવ્યું હતું કે એ જ ત્રાસદાયક વાતચીત સાંભળીને તેમને બહુ દુઃખ થયું હતું અને તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી.

ખાસ કરીને ધર્મ સંબંધિત અપમાનજનક ટિપ્પણીઓને કારણે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

દર્દીના સંબંધીઓ શું કહે છે?

કોરોનાકાળ, J.n1 વૅરિયન્ટનો ફેલાવો રસીથી ફાયદો, કોરોના સમયે ધર્મઆધારિત ઓક્સિજન કાઢી નાખવાની ચર્ચા, મહારાષ્ટ્ર લાતુર ઉદગીર, સોશિયલ મીડિયા ક્લિપ વાયરલ, બીબીસી ગુજરાતી સમાચાર, ઉદગીર પોલીસ સ્ટેશન
ઇમેજ કૅપ્શન, ઉદગીર પોલીસ સ્ટેશન

આ ઘટના બાબતે વાત કરતાં દર્દીના સંબંધીઓએ કહ્યું હતું, "આ પ્રકરણથી અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. જો ડૉક્ટર જ જાતિના આધારે દર્દીની સારવાર કરતા હોય, તો અમારા સમાજના લોકોએ ક્યાં જવાનું?"

"આ રીતે કેટલા લોકોના જીવ ગયા છે તેની સંપૂર્ણ તપાસ વહીવટી તંત્રે કરવી જોઈએ."

સ્થાનિક સામાજિક કાર્યકર વકીલ અલ્તાફ કાઝીએ આ સંદર્ભે કહ્યું હતું, "તબીબી વ્યવસાય 'માનવસેવા એ જ પ્રભુસેવા'ના સિદ્ધાંત પર આધારિત હોય છે. ખાસ કરીને આપત્તિ કે રોગચાળાના દરમિયાન ડૉક્ટર્સ જ સમાજ માટે આશાનું કિરણ હોય છે."

"તેથી જે ડૉક્ટર કોઈ દર્દીની હત્યાનું સૂચન કરે અથવા ધાર્મિક દ્વેષની ભાષાનો ઉપયોગ કરે તે ફક્ત એક વ્યક્તિનો જ નહીં, પરંતુ સમગ્ર સમાજનો વિશ્વાસઘાત કરે છે."

આ વાતચીત સાચી હોય તો તે ફક્ત નૈતિક અને વ્યાવસાયિક નિષ્ફળતા નહીં, પરંતુ માનવતા વિરુદ્ધનો એક અમાનુષ ગુનો છે, એમ પણ અલ્તાફ કાઝીએ જણાવ્યું હતું.

ઍડ્વોકેટ કાઝીએ માંગ કરી હતી કે ડૉ. શશિકાંત દેશપાંડે વિરુદ્ધ ગુનો નોંધવો જોઈએ અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ નિવેદન તપાસમાં સાચું સાબિત થાય તો ડૉ. દેશપાંડેને શક્ય તેટલી આકરી સજા કરવી જોઈએ.

દરમિયાન, બીબીસીએ ડૉ. દેશપાંડેના સંપર્કના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો પ્રતિસાદ મળી શક્યો નથી. તેઓ પ્રતિસાદ આપશે તો આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન