You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ ત્રીજો પક્ષ બનીને રહી ગયો છે, ગોપાલ ઇટાલિયાની જીત પછી કૉંગ્રેસ માટે કેવા પડકારો છે?
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં વીસાવદર અને કડી એમ બે બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. વીસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી જ્યારે કડી બેઠક પર ભાજપે મોટી જીત મેળવી હતી.
પરંતુ બંને જગ્યાએ ખરાબ હાર કૉંગ્રેસની થઈ છે. વીસાવદરની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 5501 મત મળ્યા હતા જ્યારે કડીની બેઠક પર કૉંગ્રેસની 39452 મતે હાર થઈ હતી.
હાલના તબક્કે ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા માત્ર 12 છે અને તાજેતરમાં જ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમો પરાજય થયો હતો અને એક જ નગરપાલિકા કૉંગ્રેસ જીતી શકી હતી. એવામાં પેટાચૂંટણીમાં કૉંગ્રેસની ફરીથી કારમી હાર થઈ છે.
વીસાવદર બેઠક પર કૉંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે. વધુમાં હાર પછી કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ રાજીનામું આપી દીધું છે.
રાજ્યમાં 2021થી સતત નબળી પડી રહેલી કૉંગ્રેસને ભાજપની સાથે સાથે હવે આમ આદમી પાર્ટીના પણ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં કૉંગ્રેસ સામે હવે કેવા પડકારો છે?
સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ ત્રીજો પક્ષ બની ગયો?
હાલમાં ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના 12 ધારાસભ્યો છે, તેમાંથી તેમના માત્ર એક ધારાસભ્ય (સોમનાથ બેઠકથી વિમલ ચુડાસમા) સૌરાષ્ટ્રની એક વિધાનસભા બેઠક પરથી આવે છે.
બીજી તરફ આમ આદમી પાર્ટી પાસે કુલ ચાર ધારાસભ્યો છે જે સૌરાષ્ટ્રથી છે. આમ આદમી પાર્ટી પાસે સૌરાષ્ટ્રમાં વીસાવદરથી ગોપાલ ઇટાલિયા, ગારિયાધારથી સુધીર વાઘાણી, બોટાદથી ઉમેશ મકવાણા અને જામજોધપુરથી હેમંત ખવા ધારાસભ્યો છે.
2022ની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકીની 14 બેઠક પર આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવામાં વીસાવદરની જીત પછી આમ આદમી પાર્ટીને કારણે સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ માટે મોટો પડકાર ઊભો થશે તેવી શક્યતા છે.
અમદાવાદ યુનિવર્સિટીમાં રાજનીતિવિજ્ઞાનના પ્રોફેસર સાર્થક બાગચી સાથે બીબીસીએ વાત કરી હતી.
પ્રો. સાર્થક બાગચી કહે છે, "આંકડાકીય રીતે જોઈએ તો કૉંગ્રેસ સૌરાષ્ટ્રમાં ત્રીજો પક્ષ તો બની જ ગયો છે."
"જો કૉંગ્રેસ હવે પછી કોઈ પગલાં નહીં ભરે તો એ સ્વાભાવિકપણે જ આમ આદમી પાર્ટીને વધુ મોકળાશ આપશે. ગુજરાતમાં કૉંગ્રેસની ઉત્તર પ્રદેશ, બિહાર જેવી સ્થિતિ થઈ શકે છે જ્યાં પાર્ટી ત્રીજા-ચોથા સ્થાને ધકેલાઈ ગઈ છે."
તેઓ કહે છે, "ગુજરાત કાયમથી ટુ-પાર્ટી સ્ટેટ રહ્યું છે. પરંતુ જો કૉંગ્રેસ હજુ પણ પોતાની સ્થિતિમાં સુધારો નહીં કરે તો ગુજરાત ટુ-પાર્ટી સ્ટેટ તો રહેશે પરંતુ આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે તેની જગ્યા કબ્જે કરી લેશે. કૉંગ્રેસ ત્રીજો પક્ષ બની જશે."
કૉંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવી કેટલું અઘરું કામ?
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં કૉંગ્રેસને બેઠી કરવી એ લગભગ અશક્ય કામ છે.
તેઓ કહે છે, "કૉંગ્રેસ પાસે શહેરી સ્તરે, ગ્રામ્ય સ્તરે નેતાગીરી ખતમ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર કૅપિટલ ગણાતા રાજકોટ જેવા શહેરમાં તેમને વિધાનસભા કે લોકસભા લડવા ઉમેદવારો પણ મળતા નથી. તેમના જિલ્લા પ્રમુખોને કોઈ ઓળખતું નથી. સૌરાષ્ટ્રમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, અર્જુન મોઢવાડિયા, રાઘવજી જેવા મોટા નેતાઓ કૉંગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે. ખુદ પ્રદેશ (હવે પૂર્વ) અધ્યક્ષ શક્તિસિંહ ચૂંટણી લડે તો એ જીતી શકે કે નહીં એમાં પણ શંકા છે."
જગદીશ આચાર્ય કહે છે, "આમ આદમી પાર્ટી જેવી નવીસવી પાર્ટી ગુજરાતમાં આવીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની જાય એ જ સૂચવે છે કે કૉંગ્રેસની સ્થિતિ કેવી છે."
જોકે, જગદીશ આચાર્યનું માનવું છે કે સૌરાષ્ટ્ર સહિત આખાય ગુજરાતમાં કૉંગ્રેસ જ બીજા નંબરની પાર્ટી છે.
તેઓ કહે છે કે, "વીસાવદરમાં મળેલી જીત એ ગોપાલ ઇટાલિયાની જીત છે, આમ આદમી પાર્ટીની જીત નથી. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પાસે કોઈ સંગઠન નથી. ગુજરાતના મર્યાદિત વિસ્તારોમાં જ તેમનો પ્રભાવ છે. વળી, તેમની દિલ્હીમાં સરકાર ગઈ તેનાથી તેમને મોટો ફટકો પડ્યો છે. આમ, હજુ પણ સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ આખા ગુજરાતમાં કૉંગ્રેસ તેના કરતાં મોટો પક્ષ છે."
સૌરાષ્ટ્રમાં આપ મજબૂત થશે તો શું થશે?
વીસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત પછી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં પોતાને મજબૂત કરવાનો પ્રયત્ન કરે તેવી શક્યતા છે.
વરિષ્ઠ પત્રકાર અને ધબકાર દૈનિકના તંત્રી નરેશ વરિયા કહે છે, "સંખ્યાત્મક દૃષ્ટિએ તો સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ ત્રીજો પક્ષ બની જ ગયો છે. ગોપાલ ઇટાલિયાના જીતવાથી આપમાં નવો પ્રાણ ફૂંકાશે એ વાત પણ સાચી છે. એવામાં જો ખરેખર આમ આદમી પાર્ટી મજબૂત થશે તો કૉંગ્રેસ માટે મોટો ચિંતાનો વિષય છે."
નરેશ વરિયા સમજાવે છે, "રાજકારણમાં જ્યારે પણ ત્રિપાંખિયો જંગ થાય ત્યારે પહેલો ખતરો બીજા નંબરે રહેલી પાર્ટીને જ હોય છે. હું સ્પષ્ટપણે માનું છું કે ગોપાલ ઇટાલિયાની જીતથી કૉંગ્રેસ માટે સૌથી મોટો પડકાર ઊભો થયો છે, પછી ભાજપ માટે પડકાર છે."
તેઓ કહે છે, "કૉંગ્રેસની રાષ્ટ્રીયસ્તરે સ્થિતિ જોઈએ તો એ ઓબીસી, એસસી અને એસટી મતોના મતદારોને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહી છે અને શક્ય છે કે ગુજરાતમાં પણ એ આ જ રસ્તે ચાલે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી સુરત અને વીસાવદર જેવા પાટીદારોના પ્રભાવવાળા વિસ્તારોમાં જીત મેળવી રહી છે. સૌરાષ્ટ્રમાં પાટીદારોનો જબરદસ્ત પ્રભાવ છે. એવામાં જો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં મજબૂત થાય તો ફરીથી કૉંગ્રેસ શું કરશે, કેવી નીતિ અપનાવશે એ સવાલ છે."
કૉંગ્રેસ સામે શું પડકારો છે?
કૉંગ્રેસે તાજેતરમાં જ ગુજરાતમાં પોતાનું રાષ્ટ્રીય અધિવેશન યોજ્યું હતું અને પછી તેમણે સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી છે.
તાજેતરમાં જ કૉંગ્રેસે નવા જિલ્લા અધ્યક્ષોના નામની જાહેરાત કરી છે.
પ્રો. સાર્થક બાગચી કહે છે કે, "કૉંગ્રેસે ગુજરાતમાં સંગઠન ફેરફાર, નેતાગીરીમાં ફેરફાર જેવા અને પગલાં ભર્યાં છે પરંતુ હજી સુધી કોઈ મોટો તેનો પ્રભાવ જોવા મળ્યો નથી. વધુમાં શક્તિસિંહ ગોહિલે રાજીનામું પણ આપ્યું છે, એવામાં હવે પ્રદેશસ્તરે મોટા સંગઠનમાં ફેરફારો થવાની શક્યતા તો છે. પેટાચૂંટણી પછી હવે કૉંગ્રેસ શું કરે છે એ જોવું રહ્યું."
"કૉંગ્રેસે પંજાબમાં દલિત ચહેરો ચન્નીને આગળ કર્યા અને બિહારમાં પણ દલિત પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા એવી રીતે શું એ ગુજરાતમાં જિગ્નેશ મેવાણીને આગળ કરશે? ગુજરાત કૉંગ્રેસ સંગઠનમાં ફેરફાર લાવવા માટે યુવાન, લડી શકે એવા અને વિઝનરી નેતાઓની જ જરૂર છે."
વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે, "કૉંગ્રેસની સૌથી મોટી નબળાઈ ટોચના નેતાઓનો જૂથવાદ છે. જ્યાં સુધી કોઈ માસ લીડર ગુજરાત કૉંગ્રેસને નહીં મળે ત્યાં સુધી મોટો બદલાવ આવવો શક્ય નથી."
તેઓ કહે છે, "આવનારી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેવું પ્રદર્શન કરે છે એ જોવું રહ્યું. જો એમાં પણ કૉંગ્રેસનું ખરાબ પ્રદર્શન શરૂ રહ્યું તો આમ આદમી પાર્ટી તેને રિપ્લેસ કરી દેશે એવી શક્યતા છે."
આ મુદ્દે કૉંગ્રેસનું શું કહેવું છે?
બીબીસીએ આ અંગે કૉંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે 2022ની ચૂંટણી કે પછી કોઈ એક ચૂંટણીથી કૉંગ્રેસનું આંકલન ન કરવું જોઈએ.
તેઓ કહે છે, "વીસાવદરના આંકડા જુઓ તો ભાજપના મતદારોની ટકાવારીમાં કોઈ ઘટાડો થયો નથી, પરંતુ કૉંગ્રેસના મત 2022ની સરખામણીએ વધુ તૂટ્યા છે અને એ આમ આદમી પાર્ટીમાં ગયા છે. આમ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાએ આખો પ્રચાર ભાજપ વિરુદ્ધ કર્યો હતો અને મત અમારા તૂટ્યા છે."
મનહર પટેલ કહે છે, "અમે જનતાને આ નથી સમજાવી શકતા એ અમારી બદકિસ્મતી છે, અમારી કમજોરી છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. આ પ્રકારની સ્થિતિ ખરેખર તો હવે અમારા માટે પણ અભ્યાસનો વિષય બની ગયો છે. કૉંગ્રેસના સજ્જન આગેવાનોની પણ આ પરીક્ષા છે."
તેઓ કહે છે, "કૉંગ્રેસ પક્ષે છેલ્લા કેટલાક સમયમાં ઘણા નિર્ણયો લીધા છે પરંતુ હજી તેની શું અસર થાય છે એના માટે થોડી રાહ જોવી પડશે. મને એવો ભરોસો છે કે તેનાથી સ્થિતિમાં ફર્ક પડશે. અમે આશાવાદી છીએ. રાહુલ ગાંધીએ કહ્યું એ પ્રમાણે ભાજપ સાથે સંબંધો ધરાવતા લોકોને પણ પક્ષમાંથી કાઢવામાં આવશે તો વધુ ફર્ક પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન