કેજરીવાલ જેલમાંથી છૂટ્યા, હવે વડા પ્રધાન મોદી સામે કેટલો મોટો પડકાર?

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવાર 10 મેના રોજ જેલમાંથી બહાર આવી ગયા છે.

સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે તેમને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમજ ચૂંટણીપ્રચારની પણ મંજૂરી આપી છે. કેજરીવાલે બીજી જૂને ફરી સરેન્ડર કરવાનું રહેશે.

એનો અર્થ એ કે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન સુધી કેજરીવાલ જેલમાંથી બહાર રહેશે.

વિપક્ષે કેજરીવાલની ધરપકડને ચૂંટણી દરમિયાન સમાન તક પર એક હુમલો ગણાવી હતી. જોકે અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ધરપકડથી વિપક્ષના લોકોમાં સહાનુભૂતિ વધી છે.

હવે અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કેજરીવાલની જેલમુક્તિથથી વિપક્ષને ફાયદો થશે.

ખાસ કરીને દિલ્હી અને પંજાબ જેવાં રાજ્યોમાં, જ્યાં આમ આદમી પાર્ટીનો મજબૂત જનાધાર છે. તેનાથી ઇન્ડિયા ગઠબંધન પણ મજબૂત થશે.

કોર્ટે કેજરીવાલ સંબંધિત પોતાના આદેશમાં શું કહ્યું?

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે લોકસભા ચૂંટણી પાંચ વરસમાં થનારી એક મહત્ત્વની લોકતાંત્રિક ઘટના છે. કોર્ટે વચગાળાના જામીન આપતાં પહેલાં આ પાસા પર વિચાર કરવાનો હતો.

કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને તેઓ "સમાજ માટે ખતરો" નથી.

આ બધી બાબતોને ધ્યાને રાખીને કોર્ટે કેટલીક શરતો સાથે કેજરીવાલને જામીન આપવાનો આદેશ આપ્યો છે.

આદેશમાં કહેવાયું કે કેજરીવાલ મુખ્ય મંત્રી કાર્યાલય નહીં જઈ શકે. તેઓ હાલમાં કોઈ ફાઇલ પર સહી નહીં કરે, જ્યાં સુધી કોઈ આદેશ પર દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી મેળવવા માટે તેમની સહીની જરૂર ન હોય.

કેજરીવાલ પોતાની સામે ચાલી રહેલા વર્તમાન કેસ અંગે કોઈ નિવેદન નહીં આપે અને કેસ સંબંધિત સાક્ષીઓ સાથે વાતચીત નહીં કરે. જોકે કેજરીવાલ પોતાની રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે.

દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટીનું મનોબળ વધશે?

હાલમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હજુ ચાર તબક્કા બાકી છે.

આમ આદમી પાર્ટી માટે મહત્ત્વની મનાતાં બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં હજુ મતદાન બાકી છે.

દિલ્હીની સાત સીટો પર 25 મેના રોજ મતદાન થશે. અહીં આપ ચાર સીટ પર અને કૉંગ્રેસ ત્રણ સીટ પર ચૂંટણી લડી રહી છે. બંને પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે.

પંજાબની બધી 13 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. અહીં પહેલી જૂને મતદાન છે. બંને રાજ્યો સિવાય આમ આદમી પાર્ટી હરિયાણામાં પણ એક સીટ પર ચૂંટણી લડી રહી છે. અહીં દિલ્હીની સાથે 25 મેએ મતદાન છે.

આખા દેશની વાત કરીએ તો 543માંથી 285 સીટ પર મતદાન થઈ ગયું છે. તેમાં ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીનો જનાધાર પણ હતો.

ઉદાહરણ તરીકે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ બે ઉમેદવારને ટિકિટ આપી છે. ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાએ ચૂંટણી લડી છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપને પાંચ સીટ પર જીત મળી હતી અને 13 ટકા મત મળ્યા હતા.

કેજરીવાલ જેલમાંથી છૂટતા હવે વિપક્ષને લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે?

જાણકારોનું માનવું છે કે કેજરીવાલની જેલમુક્તિથી ન માત્ર તેમની પાર્ટી પણ આખા ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થશે.

અગાઉ જ્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને જામીન મળ્યા ત્યારે અનેક જાણકારોનું માનવું હતું કે તેનાથી પાર્ટીના કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો હતો.

રાજકીય વિશ્લેષક અને આમ આદમી પાર્ટીના પૂર્વ સભ્ય આશુતોષ કહે છે, "અરવિંદ કેજરીવાલની હાજરી દિલ્હી અને પંજાબમાં મોટી અસર થશે. કેજરીવાલની કૉમ્યુનિકેશન સ્કિલ ઉત્તમ છે અને લોકો સાથે તેમનું જોડાણ છે."

આશુતોષ કહે છે, "તેઓ આખા ભારતમાં જાણીતા છે, તેનાથી પણ ઘણું બદલાશે. આ મોદી સરકાર માટે એક મોટો ઝટકો છે. તેઓ માત્ર કેટલાંક રાજ્યોમાં જ પ્રચાર નહીં કરે, પણ ઇન્ડિયા ગઠબંધન તરફથી તેમને અન્ય રાજ્યોમાં મોકલાશે."

રાજકીય વિશ્લેષક અદિતિ ફડનીસ માને છે કે આ ભાજપ માટે 'મોટો ઝટકો' છે. તેમજ આમ આદમી પાર્ટીનું મનોબળ પણ ઘણું વધશે. તેઓ કહે છે, "હવે તેઓ બહાર આવીને લોકોને સમજાવી શકે છે."

ફડનીસ માને છે કે દિલ્હીમાં ચોક્કસ રીતે સકારાત્મક અસર થશે. જોકે અન્ય રાજ્યો અંગે તેઓ એટલાં સ્પષ્ટ નથી.

ફડનીસ કહે છે, "પંજાબમાં તેમની હાજરીથી બહુ વધુ અસર નહીં થાય. ત્યાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં મુશ્કેલીઓ છે. બંને પાર્ટી એકબીજા સામે ગંભીરતાથી ચૂંટણી લડી રહી છે."

તેઓ કહે છે કે કેજરીવાલના બહાર આવવાથી ઇન્ડિયા ગઠબંધનને મજબૂતી મળશે. ભલે આ થોડા સમય માટે જ કેમ ન હોય.

ફડનીસ કહે છે, "ચૂંટણીના છેલ્લા તબક્કા બાદ એવું લાગી રહ્યું છે કે વિપક્ષનું પ્રદર્શન એટલું ખરાબ નથી રહ્યું, જેટલી આશંકા હતી."

ઉલ્લેખનીય છે કે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન અને પછી અરવિંદ કેજરીવાલની ધરપકડની વિપક્ષના નેતાઓ ભરપૂર નિંદા કરી હતી. હવે કેજરીવાલની મુક્તિ બાદ કેટલાક વિપક્ષના નેતાઓએ કહ્યું કે તેનાથી ઇન્ડિયા ગઠબંધન મજબૂત થશે.

કેજરીવાલ ફરી જેલમાં જશે?

કોર્ટે 10મેએ કહ્યું કે તે તેમના મુખ્ય કેસની સુનાવણી કરશે. આ કેસમાં કેજરીવાલની ધરપકડને પડકાર ફેંકવામાં આવ્યો છે. એવામાં જો કોર્ટને એવું લાગે કે કેજરીવાલની ધરપકડ ખોટી છે, તો પછી તેઓ જેલ નહીં જાય. જોકે એવું ન થાય તો કેજરીવાલને બીજી જૂને તિહાડ જેલમાં ફરી જવું પડશે.

કથિત શરાબ ગોટાળા સંબંધિત કેટલાક કેસમાં સીબીઆઈ અને ઈડી બંનેએ આરોપીઓની ધરપકડ કરી છે. કેજરીવાલના કેસમાં ધરપકડ ઈડીએ કરી છે.

દિલ્હીના ઉપરાજ્યપાલે એનઆઈએને પત્ર લખીને કેજરીવાલ સામે તપાસ કરવા કહ્યું છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીને પ્રતિબંધિત સંગઠન 'શીખ ફૉર જસ્ટિસ'થી ફન્ડિંગ મળ્યું છે, આ સંગઠન પર ખાલિસ્તાનના સમર્થનનો આરોપ લાગતો રહ્યો છે.

જોકે કાયદાના જાણકારો માને છે કે પહેલી જૂન સુધી કેજરીવાલની કોઈ અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ધરપકડ થાય તેવી શક્યતા નથી.

અલાહાબાદ હાઈકોર્ટના પૂર્વ જજ ગોવિંદ માથુરનું કહેવું છે, "મને એવું નથી લાગતું કે તેમની કોઈ અન્ય આધારે ધરપકડ થવી જોઈએ. જો કોઈ નવા કેસમાં તેમની ધરપકડ થાય તો એ યોગ્ય નહીં ગણાય."

"જો તેઓ કોઈ અન્ય કેસમાં કેજરીવાલની ધરપકડ કરવા માગતા હતા, તો જ્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો તો તેમણે કોર્ટને માહિતી આપવી જોઈતી હતી કે તેમને કેજરીવાલની અટકાયતની જરૂર છે. પરંતુ તેમણે એવું નથી કર્યું, તેનો મતલબ છે કે તેની હજુ કોઈ જરૂર નથી."

સિનિયર વકીલ નિત્યા રામકૃષ્ણન કહે છે, "એવી આશા નથી કે કોઈ પણ એજન્સી કોર્ટના આદેશને ટાળવા માટે આવું કંઈક કરશે. જો તે એવું કરશે તો ઉપાય પણ હશે."