'મને જણાવાયું હતું કે તમારા બૉયફ્રેન્ડનું હુમલામાં મોત થઈ ગયું છે', બંધકોના સ્વજનોની વ્યથા

    • લેેખક, જ્યૉર્જ રાઇટ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ચાર દિવસના સંઘર્ષવિરામમાં હમાસે ઇઝરાયલમાંથી અપહરણ કરેલા 13 બંધકોને મુક્ત કર્યા છે.

13 અપહૃતોના પરિવારજનોએ તેમના સ્વજનોની મુક્તિથી તેમને મળેલી રાહત વિશે વાત કરી છે.

મુક્ત કરાયેલા 13 અપહૃતોમાં વૃદ્ધ મહિલાઓ અને નાનાં બાળકોનો સમાવેશ થાય છે. હમાસે મુક્ત કર્યા બાદ આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસ સંગઠને આ તમામ લોકોને ગાઝામાંથી ઇજિપ્તમાં ખસેડ્યાં હતાં જ્યાંથી તેમને ઇઝરાયલ પહોંચાડી દેવામાં આવ્યાં છે.

ઇઝરાયલે તેના કબજામાં રહેલા પેલેસ્ટાઇનના 39 લોકોને વેસ્ટ બૅન્કના બૈટુનિયા ચેકપૉઇન્ટ ખાતે મુક્ત કર્યા હતા.

મધ્ય-પૂર્વ એશિયાના દેશ કતારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી દ્વારા કરેલી સમજૂતી સિવાય હમાસે થાઇલૅન્ડના દસ અને ફિલિપિન્સના એક નાગરિકને પણ મુક્ત કર્યા છે.

કતાર દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થી બાદ થયેલી સમજૂતી હેઠળ હમાસના કબજામાં રહેલા ઇઝરાયલના 50 બંધકો સામે ઇઝરાયેલે પકડેલા પેલેસ્ટાઇનના 150 લોકોની અદલાબદલી કરાશે.

હમાસ દ્વારા શુક્રવારે મુક્ત કરવામાં આવેલા બંધકોને ઇઝરાયલ લઈ જતાં પહેલાં ઇજિપ્તની હૉસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.

મુક્ત થયેલા ઇઝરાયલના આ બંધકોમાં બે, ચાર, છ અને નવ વર્ષની ઉંમરનાં ચાર બાળકો અને એક 85 વર્ષનાં મહિલાનો સમાવેશ થાય છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યહૂએ કહ્યું, “આપણે આપણા બંધકોના પહેલા જૂથને પાછું લાવી દીધું છે. બાળકો તેમની માતાઓ અને અન્ય મહિલાઓ. પ્રત્યેક બંધકો આપણા માટે આપણી સમગ્ર દુનિયા છે. હું તેમના પરિવારોને અને ઇઝરાયેલના નાગરિકોને ભારપૂર્વક કહું છું કે, અમે આપણા તમામ બંધકોને પરત લઈ આવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

યૉની ઍશરનાં 34 વર્ષીય પત્ની ડોરોન કૅટ્ઝ ઍશર અને તેમની બે દીકરીઓ ચાર વર્ષની રૅઝ અને બે વર્ષની અવિવને મુક્ત કરવામાં આવ્યાં છે.

યૉની ઍશરે બીબીસીને જણાવ્યું, “મેં મારા પરિવારને તે જે ઘટનાના અને તેની યાતનાઓમાંથી પસાર થવાના આઘાતમાંથી બહાર કાઢીને તેમને ફરીથી ચેતનવંતો બનાવવાનો દૃઢનિશ્ચય કર્યો છે. હું મારા પરિવારના પાછા આવવાની આ ક્ષણનો આનંદ નથી મનાવવાનો અને હું તેની ઉજવણી ત્યાં સુધી નહીં કરું, જ્યાં સુધી હું અપહરણ કરાયેલા તમામ બંધકો પાછી નહીં આવી જાય.”

તેમણે કહ્યું, “જે લોકોનું અપહરણ થયું છે, તે લોકો માત્ર પોસ્ટર કે સૂત્રો નથી, એ લોકો જીવતા મનુષ્યો છે અને આજથી એ અપહૃત લોકોના પરિવારો મારો નવો પરિવાર છે અને હું એ સુનિશ્ચિત કરીશ કે જ્યાં સુધી અપહૃત થયેલી છેલ્લીમાં છેલ્લી વ્યક્તિ પાછી નથી આવી જતી.”

હમાસે મુક્ત કરેલા બંધકોમાંથી એક માર્ગાલિટ મોઝેસ 78 વર્ષનાં છે. તેમણે કૅન્સરને માત આપી છે અને 7 ઑક્ટોબરે કિબુત્ઝ નિર ઑઝમાંથી હમાસે તેમનું અપહરણ કર્યું હતું.

ડૅનિયલ ઍલોની અને તેમની છ વર્ષની દીકરી એમિલિયાને પણ સમજૂતી હેઠળ મુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ જ્યારે પરિવાર સાથે રહેવા માટે 7 ઑક્ટોબર કિબુત્ઝ નિર ઑઝ ગયાં હતાં ત્યારે હમાસે તેમનું અપહરણ કર્યું હતું.

હમાસના હુમલા દરમિયાન ડૅનિયલે તેમના પરિવારને મોકલેલા છેલ્લા મૅસેજમાં કહ્યું હતું, “તેમના ઘરમાં આતંકવાદીઓ હતા.” અને તેમને એવું લાગ્યું હતું કે તેઓ જીવતા નહીં બચી શકે.

ઇટે રવિના 78 વર્ષના પિત્રાઈ અવ્રાહમ હજી પણ હમાસના કબજામાં છે. તેમના પરિવારના ત્રણ સભ્યોની મુક્તિ બાદ ઇટે રવિએ કહ્યું, “આ ખુશી તરફ લઈ જતું એક પગલું છે.”

તેમનાં 78 વર્ષીય માસી રૂથી મંડેર, 54 વર્ષીય પિતરાઈ કેરેન મંડેર અને તેમના પુત્ર નવ વર્ષના પુત્ર ઓહાદ મંડેર-ઝિશ્રીનું નિર ઑઝ કિબુત્ઝમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

ઇટે રવિએ બીબીસી ન્યૂઝનાઇટને જણાવ્યું, “હવે તેમને ઇઝરાયલની હૉસ્પિટલમાં લઈ જવાયાં છે. પરિવાર માટે આ એક ઉત્સાહજનક સમાચાર છે. પરંતુ અમે સંપૂર્ણ રીતે ખુશ નથી. હજી પણ અમે ખૂબ-ખૂબ ભયાનક પરિસ્થિતિમાં છીએ. ઓહાદ જ્યારે ગાઝામાં બંધક હતો ત્યારે તેનો નવમો જન્મદિવસ ગયો. અમે માત્ર તેના એ જન્મદિવસની જ ઉજવણી તેના માટે ટૂંક સમયમાં કરીશું.”

તેમણે વધુમાં કહ્યું, “એ જ્યારે હવે બદલાયેલી પરિસ્થિતિમાં અમારી પાસે પરત આવી જવાની રાહત અનુભવે એટલે અમે તેના માટે અમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે મળીને એક મોટો કાર્યક્રમ કરીશું. અમારું નવ વર્ષનું બાળક આતંકવાદી સંગઠનના કબજામાંથી 50 દિવસ બાદ પાછું આવ્યું છે એટલે અમે જોઈશું કે તેની હાલત કેવી છે. હું આશા રાખું છું કે એ ઝડપથી સ્વસ્થ થઈ જાય.”

આ ઉપરાંત થાઇલૅન્ડના દસ નાગરિકો અને ફિલિપાઈન્સની એક વ્યક્તિની મુક્તિથી તેમના પરિવારોને પણ રાહત મળી છે.

કિટ્ટિયા થુએંગ્સાએંગ એ હમાસ દ્વારા મુક્ત થયેલા 28 વર્ષીય થાઇ નાગરિક વિચાઈ કાલાપેટનાં ગર્લફ્રેન્ડ છે.

તેઓ વિચાઈના ગુમ થયા બાદ તેમણે અનુભવેલા ભાવનાત્મક ઉતાર-ચઢાવની વાત કરતા કહે છે કે તેમને સ્થાનિક થાઇ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 7 ઑક્ટોબરના હુમલામાં ત્રણ વર્ષથી તેમના બૉયફ્રેન્ડ રહેલા વિચાઈ કાલાપેટનું મૃત્યુ થયું હતું.

જોકે, જ્યારે થાઇ અધિકારીઓએ એ હુમલામાં મૃત્યુ પામેલા લોકોનાં નામ જાહેર કર્યાં ત્યારે વિચાઈનું નામ એ યાદીમાં નહોતું.

પાંચ દિવસ પહેલાં કિટ્ટિયાને જણાવાયું હતું કે વિચાઈનું નામ બંધક બનાવવામાં આવેલા થાઇ લોકોની યાદીમાં છે.

ફિલિપાઈન્સના 33 વર્ષીય ગેલેઇનોર (જિમ્મી) પાચેકોનું પણ નિર ઑઝ કિબુત્ઝમાંથી 7 ઑક્ટોબરે અપહરણ કરવામાં આવ્યું હતું. જિમ્મી એ કિબુત્ઝમાં રહેતા ઍમિતાઈ બેન ઝ્વીની સારસંભાળ રાખવાનું કામ કરતા હતા. ઝ્વીનું હમાસે કરેલા એ હુમલામાં મૃત્યુ થયું હતું.

શનિવારે સવારે વિચાઈ અને જિમ્મીની મુક્તિની પુષ્ટિ કરવામાં આવી હતી.

ઇઝરાયલની લશ્કરી જેલમાંથી મુક્ત થયેલા પેલેસ્ટાઈનના 39 બંધકોમાંથી એક બંધકે પણ તેમની મુક્તિ બાદ મીડિયા સાથે વાતચીત કરી.

આ 39 લોકોને ઇઝરાયલમાં વિવિધ ગુનાઓ કરવાના આરોપ હેઠળ જેલમાં રાખવામાં આવ્યા હતા.

તેમના પર હત્યાના પ્રયાસથી લઈને પથ્થરમારો કરવા સહિતના આરોપો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાંથી કેટલાકને સજા સંભળાવી દેવામાં આવી હતી, જ્યારે અન્ય કેટલાક લોકો તેમના સામે કેસની કાર્યવાહી ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હતા.

વેસ્ટ બૅન્કના બૈટુનિયા ચેકપૉઇન્ટ પર ઇઝરાયલ દ્વારા મુક્ત કરવામાં આવેલા પેલેસ્ટાઈનના 39 લોકોના આ જૂથમાં 24 મહિલાઓ અને 15 તરુણવયના છોકરાઓનો સમાવેશ થાય છે.

આ મહિલાઓમાંથી એક છે મારાહ બાકીર. તેમની 2015માં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેઓ 16 વર્ષનાં હતાં અને તેમને સરહદ પરના એક પોલીસ અધિકારી પર ચાકુથી હુમલો કરવા બદલ સાડા આઠ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી.

બાકીરે ચેકપૉઇન્ટ પર હાજર રહેલા પત્રકારોને કહ્યું, “આ સમજૂતી ઘણા લોકોનાં મૃત્યુ પછી થઈ છે અને તેનાથી અમે દુખી અને અસ્વસ્થ છીએ.”

તેમણે કહ્યું કે તેમને એકાંતભરી કેદમાં રાખવામાં આવ્યાં હતાં અને (મને), “બહાર શું થઈ રહ્યું છે, તેની કોઈ જ ખબર નહોતી, મને ગાઝામાં શું સ્થિતિ છે તે વિશે કોઈ જાણ નહોતી. આ સમજૂતીના સમાચાર મારા માટે આશ્ચર્યજનક હતા.”

ઇઝરાયલની કેદમાં સજા કાપી રહેલા કુલ લોકોમાંથી લગભગ ચોથા ભાગના લોકોમાંથી લગભગ 300 મહિલાઓ અને સગીરોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમાંથી કોને મુક્ત કરવા તે નક્કી કરવામાં આવ્યું હતું.

હજી પણ જે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી મોટા ભાગના લોકો તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

મુક્ત કરવામાં આવનારા પેલેસ્ટાઈનના લોકોની યાદીમાં જે કિશોરો છે, તેમાંથી 40 ટકા કિશોરો 18 વર્ષથી ઓછી ઉંમરના છે. આ ઉપરાંત તેમાં એક સગીર છોકરી છે અને 32 મહિલા છે.

સાતમી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલમાં હુમલો કરીને હમાસે લગભગ 200 લોકોને બંધક બનાવ્યા હતા. એ હુમલામાં 1,200 લોકો મૃત્યુ પામ્યા હતા.

માનવ અધિકાર સંગઠનો કહે છે કે કોઈ પણ જાતના આરોપ વિના ઇઝરાયલની જેલમાં પૂરવામાં આવેલા પેલેસ્ટાઈનના લોકોની સંખ્યામાં 7 ઑક્ટોબરના હુમલા પછી મોટો ઉછાળો આવ્યો છે.

સંઘર્ષવિરામ થયા બાદ અત્યાર સુધીમાં ઇઝરાયલના જણાવ્યા અનુસાર 60 ટ્રક ભરીને મદદ ગાઝામાં પહોંચાડવામાં આવી છે. તેમાંથી આઠ ટ્રકોમાં દરરોજ 1,30,000 લિટરના હિસાબે ઈંધણ પણ પહોંચાડવામાં આવ્યું છે.

જોકે આ ચાર દિવસના સંઘર્ષવિરામની સમજૂતી દર્શાવે છે કે રાહતકાર્ય કરનારી તમામ એજન્સીઓને તમામ વિસ્તારોમાં જવાની છૂટ છે, પરંતુ ઇઝરાયલે ઘરવિહોણાં થઈને દક્ષિણ તરફ આશ્રય માટે ગયેલાં પેલેસ્ટાઈનના લોકોને જણાવ્યું છે કે તેઓ તેમનાં ઘરોમાં પાછા ન આવે, કારણ કે ઉત્તરનું યુદ્ધ ક્ષેત્ર છે. જોકે, હજી પણ ત્યાં હજારો લોકો હોવાનું મનાય છે.