ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હમાસના લીડર યાહ્યા સિનવાર કોણ હતા?

    • લેેખક, ફ્રૅન્ક ગાર્ડનર
    • પદ, બીબીસી સુરક્ષા સંવાદદાતા

યાહ્યા સિનવાર લાપતા થઈ ગયા છે. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી કે એક તરફ હજારો ઇઝરાયલી સૈનિકો ડ્રૉન, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો અને ઇન્ટલિજન્સની મદદથી તેમનું ઠેકાણું શોધી રહ્યા હોય ત્યારે તેમનું ગાયબ થઈ જવું એ કોઈ મોટી વાત નથી.

સફેદ વાળ અને કાળી ભ્રમરવાળા સિનવાર ગાઝામાં હમાસની રાજકીય પાંખના વડા છે. તેઓ ઇઝરાયલ માટે મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિ છે.

દક્ષિણ ઇઝરાયલમાં 7મી ઑક્ટોબરે થયેલા હુમલા માટે અન્યોની સાથે તેમને પણ ઇઝરાયલ જવાબદાર ગણે છે. એ હુમલામાં લગભગ 1200 લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 200થી વધુનું અપહરણ કરાયું હતું.

ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સિસના રિયર ઍડમિરલ ડેનિય હગારીએ ઑક્ટોબરમાં જાહેર કર્યું હતું કે, “યાહ્યા સિનવાર કમાન્ડર છે અને હવે એમનું મૃત્યુ નક્કી છે.”

આઇડીએફના ચીફ ઑફ સ્ટાફ હેરઝી હાલેવીએ કહ્યું, “યાહ્યા પણ ઇઝરાયલ પરના હુમલામાં સામેલ રહ્યા છે. એટલે હવે એ તમામનું મોત નક્કી છે.”

આમાં હમાસની લશ્કરી પાંખના ભાગેડુ વડા મોહમ્મદ દેઇફ પણ સામેલ છે. જે ઇઝેદીન અલ-કાસમ બ્રિગેડનો જ ભાગ છે.

હ્યુગ લોવટ 'યુરોપિયન કાઉન્સિલ ઑન ફૉરેઇન રિલેશન્સ'માં વરિષ્ઠ પૉલીસી ફૅલો છે. તેમનું માનવું છે કે દેઇફ 7મી ઑક્ટોબરના હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ છે અને એ હુમલાને તેઓ એક મિલિટરી ઑપરેશન ગણાવે છે, તેઓ કહે છે “એ હુમલાને નક્કી કરવામાં અને યોજના બનાવવા પાછળ યાહ્યાનું મગજ હોઈ શકે છે.”

ઇઝરાયલી માને છે કે હમાસ લીડર ઇસ્માઇલ હાનિયાહ પછીના સેકન્ડ-ઇન-કમાન્ડ છે, તેઓ ગાઝામાં સુરક્ષાકર્મીઓ સાથે કોઈ ટનલમાં છુપાયેલા છે. તેઓ ડરના લીધે કોઈ સાથે સંદેશાવ્યવહાર નથી કરી રહ્યા કેમ કે તેમનું સિગ્નલ ટ્રૅક થવાથી તેમનું લૉકેશન પકડાઈ શકે છે.

કોણ છે યાહ્યા સિનવાર?

61 વર્ષીય સિનવાર અબુ ઇબ્રાહિમ તરીકે જાણીતા છે અને ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગ તરફ ખાન યુનિસ શરણાર્થી કૅમ્પમાં તેઓનો જન્મ થયો હતો.

તેમનાં માતાપિતા એસ્કેલનનાં હતાં પરંતુ ઇઝરાયલની 1948માં સ્થાપના પછી થયેલા યુદ્ધમાં પેલેસ્ટાઇનવાસીઓ વિસ્થાપિત થયા હતા અને તેમાં તેમનાં માતાપિતા પણ સામેલ હતાં, એટલે તેઓ રૅફ્યૂજી બની ગયા હતા.

કૅમ્પમાં જ કુમારશાળામાં તેઓ ભણ્યા હતા પછી ગાઝામાં ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી ભાષામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

વૉશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ ફૉર નિઅર ઇસ્ટ પૉલિસીના સંશોધક એહદ યારી કહે છે કે, એક સમયે મુસ્લિમ બ્રધરહુડ માટે ખાન યુનિસ કૅમ્પ મહત્ત્વનો મંચ હતો. તેમણે સિનવાર જ્યારે 4 વર્ષ જેલમાં હતા ત્યારે તેમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.

યારી કહે છે, “ઇસ્લામિક ગ્રૂપ રૅફ્યૂજી કૅમ્પની ગરીબીમાં મસ્જિદોમાં જતા યુવા લોકો માટે એક મોટું અભિયાન હતું.” પછી હમાસ માટે પણ તે આવી જ રીતે મહત્ત્વનું બની ગયું.

1982માં 19 વર્ષની વયે સિનવારની પહેલીવાર ધરપકડ થઈ હતી. ઇસ્લામિક ગતિવિધિઓ બદલ તેમની ધરપકડ કરાઈ હતી અને તેઓ 1985માં ફરીથી પકડાયા હતા. આ સમયે તેમણે હમાસના સ્થાપક શેખ અહમદ યાસિનનો વિશ્વાસ જીત્યો હતો.

તેલ અવિવમાં નેશનલ સિક્યૉરિટી સ્ટડિઝ સંસ્થાના વરિષ્ઠ રિસર્ચર કોબી માઇકલ કહે છે, “બંને ઘણા નજીક આવી ગયા હતા.”

હમાસના શેખ અહમદ સાથેના સંબંધોના લીધે સિનવારને પ્રોત્સાહન મળ્યું.

1987માં હમાસની સ્થાપના પછી તેમણે આંતરિક સુરક્ષા જૂથ નામની સંસ્થા ઊભી કરી. જેનું નામ હતું અલ-મજિદ. તેઓ ત્યારે માત્ર 25 વર્ષના હતા.

માઇકલ કહે છે કે અલ-મજિદ કથિદ નૈતિક અપરાધોના ઉલ્લંભનગ બદલ સજા કરવા માટે કુખ્યાત હતું. તે સેક્સ વીડિયોનો સ્ટૉર રાખતી દુકાનોને નિશાન બનાવતા અને ઇઝરાયલ સાથે કથિત સંબંધની શંકા ધરાવનારાની હત્યા કરી નાખતા.

યારી કહે છે કે, સિનવાર ઇઝરાય સાથે સંબંધ ધરાવે છે એવી શંકા હેઠળ રહેલી ઘણી વ્યક્તિઓની હત્યા પાછળ અલ-મજિદનો હાથ હતો.

“જેમાંથી કેટલાકની હત્યા સિનવરે પોતાના હાથે કરી હતી અને તેમને એનો ગર્વ હતો એ મને અને અન્યોને આ વિશે કહેતા પણ હતા.”

ઇઝરાયલી અધિકારીઓ અનુસાર તેમણે બાદમાં સ્વીકાર્યું હતું કે એક શકમંદને પકડવા તેમણે તેના ભાઈને જીવતો દફનાવી દીધો હતો. જેને તેઓ 'ભાલાની જગ્યાએ કાંટા ચમચીથી કામ કરી નાખ્યું' એવું કહેતા.

યારી કહે છે, “સિનવાર એવી વ્યક્તિ છે જેનામાં ચાહકો ઊભા કરવાની ક્ષમતા છે અને એવું વ્યક્તિત્વ છે કે કોઈ પણ તેમની સાથે દુશ્મની કરવાની હિંમત નથી કરતી.”

વર્ષ 1988માં સિનવાર પર 2 ઇઝરાયલી સૈનિકોની હત્યા અને અપહરણનું આયોજન કરવાનો આરોપ લાગ્યો હતો. એટલે એ જ વર્ષે તેમની ધરપકડ કરાઈ અને 12 પેલેસ્ટાઇનવાસીઓની હત્યા બદલ તેમને આજીવાન કારાવાસની સજા અપાઈ.

જેલવાસનાં વર્ષો

સિનવારે તેમના જીવનનો મોટો ભાગ એટલે કે 22 વર્ષથી વધુનો સમય 1988થી 2011ના વર્ષો સુધી ઇઝરાયલની જેલોમાં વિતાવ્યો છે. ત્યાંનો તેમનો ઘણો સમય એકાંતમાં વિત્યો હતો એટલે એવું લાગે છે કે તેણે તેમને વધુ કટ્ટરપંથી બનાવી દીધા.

યારી કહે છે, "તેમણે બળનો ઉપયોગ કરીને નિર્દયતાથી તેમની સત્તા ચલાવી હતી."

જેલસત્તાધિશો સાથે જેલના કેદીઓ વતી વાટાઘાટ કરીને અને કેદીઓમાં શિસ્ત લાગુ કરવા માટે તેમણે પોતાને કેદીઓમાં એક નેતા તરીકે સ્થાપિત કરી રાખ્યા હતા.

સિનવારના જેલવાસના સમય દરમિયાન ઇઝરાયલી સરકારના મૂલ્યાંકનમાં તેમના વ્યક્તિત્વને "ક્રૂર, સત્તાલાલચી, પ્રભાવશાળી અને સહનશક્તિની અસામાન્ય ક્ષમતાઓ ધરાવવા સાથે અને ચાલાક તરીકે વર્ણવામાં આવ્યું છે. અન્ય કેદીઓ વચ્ચે પણ જેલની અંદર તેઓ વાતો ગુપ્ત રાખવાની ક્ષમતા રાખતા હતા. પોતાના માટે સમર્થન પણ ઊભું કરી લેતા."

સિનવાર વિશે યારીનું મૂલ્યાંકન જેમજેમ તેઓ મળતા ગયા તેમતેમ સમય સાથે વધુ આકાર પામતું ગયું. તેમના મતે "સિનવાર એક મનોરોગી છે. " યારી કહે છે, "સિનવાર અત્યંત ચાલાક છે – એક એવી વ્યક્તિ જે વ્યક્તિગત વશીકરણથી કામ કરાવી જાણે છે."

જ્યારે સિનવાર તેમને કહેતા કે ઇઝરાયલનો નાશ થવો જોઈએ અને પેલેસ્ટાઇનમાં યહૂદી લોકો માટે કોઈ સ્થાન નથી ત્યારે મજાકમાં કહેતા, "પણ કદાચ અમે તમને અપવાદ ગણીશું."

તેઓ જેલવાસ દરમિયાન સિનવાર હિબ્રુ ભાષામાં નિષ્ણાત બના ગયા હતા. ઇઝરાયલી અખબારો વાંચતા હતા. યારી ઉમેરે છે કે, સિનવાર હંમેશાં તેમની સાથે હિબ્રુ બોલવાનું પસંદ કરતા હતા. તેમ છતાં યારી અરબીમાં સારી રીતે વાત કરતા હતા.

યારી કહે છે, "તેમણે તેમની હિબ્રુ ભાષાને સુધારવાની કોશિશ કરી હતી. મને લાગે છે કે તેઓ જેલના વૉર્ડન કરતાં સારું હિબ્રુ બોલનાર કોઈકનો લાભ લેવા માંગતા હતા."

સિનવારને 2011માં એક સોદાના ભાગ રૂપે મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં 1,027 પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલી આરબ કેદીઓને એક ઇઝરાયલી બંધક, IDF સૈનિક ગિલાડ શાલિતના બદલામાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

સિનવારના ભાઈ, જેઓ હમાસના વરિષ્ઠ લશ્કરી કમાન્ડર છે, તેમનું અન્ય લોકોની સાથે અપહરણ કરાયું હતું. પછી શાલિતને પાંચ વર્ષ સુધી કેદમાં રાખવામાં આવ્યા હતા. સિનવારે ત્યારથી ઇઝરાયલી સૈનિકોના વધુ અપહરણની હાકલ કરી છે.

જોકે, આ દરમિયાન ઇઝરાયલ ગાઝા પટ્ટી પરનો તેનો કબજો ખતમ કરી ચૂક્યું હતું અને હમાસ પાસે નિયંત્રણ આવી ગયું હતું. તેણે ચૂંટણી જીતી અને પછી તેના હરીફો યાસર અરાફાતની ફતાહ પાર્ટી ચૂંટણીમાં હરાવી અને તેના ઘણા સભ્યોને ઊંચી ઇમારતોની ટોચ પરથી ફેંકીને ખતમ કરી દીધા.

ક્રૂર શિસ્ત

માઇકલ કહે છે કે, જ્યારે સિનવાર ગાઝા પાછા ફર્યાં ત્યારે તેમને તરત જ નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા. આનો મોટા ભાગનો સંબંધ હમાસના સ્થાપક સભ્ય તરીકેની તેમની પ્રતિષ્ઠા સાથે હતો જેમણે ઇઝરાયલી જેલમાં તેમના જીવનના આટલાં વર્ષોનું બલિદાન આપ્યું હતું.

"લોકો તેનાથી ડરતા હતા - આ તે વ્યક્તિ છે જેમણે પોતાના હાથથી લોકોની હત્યા કરી હતી. તે એક જ સમયે ખૂબ જ ક્રૂર, આક્રમક અને પ્રભાવશાળી હતા."

યારી કહે છે, "તે વક્તા નથી. જ્યારે તે લોકો સાથે વાત કરે છે, ત્યારે તે ટોળામાંથી જ કોઈક હોય એવું લાગે છે."

યારી ઉમેરે છે કે, જેલ છોડ્યા પછી તરત જ સિનવારે પણ ઇઝેદીન અલ-કાસમ બ્રિગેડ અને ચીફ ઑફ સ્ટાફ મારવાન ઇસા સાથે જોડાણ કર્યું હતું.

2013માં તેઓ ગાઝા પટ્ટીમાં હમાસના રાજકીય બ્યૂરોના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2017માં તેમના વડા બન્યા હતા.

સિનવારના નાના ભાઈ મોહમ્મદ પણ હમાસમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. 2014માં હમાસ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા તે પહેલાં તેઓ ઘણા ઇઝરાયલી હુમલામાં બચી ગયા હોવાનો દાવો થતો રહ્યો હતો.

મીડિયા અહેવાલોમાં હજુ પણ કહેવામાં આવે છે કે તઓ હજુ પણ જીવિત હોઈ શકે છે અને ગાઝાની નીચે સુરંગોમાં છુપાઇને હમાસની લશ્કરી પાંખમાં સક્રિય હોઈ શકે છે. એટલું જ નહીં પણ 7 ઑક્ટોબરના હુમલામાં તેમની ભૂમિકા પણ હોઈ શકે છે.

નિર્દયતા અને હિંસા માટે સિનવારને ખાન યુનિસના કસાઈ તરીકેનું ઉપનામ મળ્યું હતું.

યારી આ વિશે કહે છે કે, "તે એક વ્યક્તિ છે જે ક્રૂર શિસ્ત લાદે છે."

"હમાસમાં લોકો જાણતા હતા અને તેઓ હજુ પણ જાણે છે કે - જો તમે સિનવારનો અનાદર કરો છો, તો તમે તમારા જીવનને જોખમમાં મૂકી દો છો."

તે 2015માં મહેમૂદ ઇશ્તિવી નામના હમાસ કમાન્ડરની અટકાયત, ત્રાસ અને હત્યા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઇશ્તિવી પર નાણાંની ઉચાપાતનો આરોપ અને સમલૈંગિક હોવાનો દાવો કરાયો હતો.

2018માં અમેરિકાએ તેલ અવિવથી દૂતાવાસ જેરુસલેમ સ્થળાંતર કરવાની જાહેરાત કરી તેના વિરોધમાં તેમણે આંતરરાષ્ટ્રીય મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિરોધના ભાગરૂપે ગાઝા પટ્ટીને ઇઝરાયલથી અલગ કરતી સરહદની વાડ તોડવા માટે હજારો પેલેસ્ટાઇનવાસીઓને તેમના સમર્થનનો સંકેત આપ્યો હતો.

એ વર્ષ પછી પશ્ચિમ કાંઠે હરીફ પેલેસ્ટાઇનિયન ઑથોરિટી(PA)ની વફાદાર વ્યક્તિઓ દ્વારા હત્યાના પ્રયાસમાં તેમનો બચાવ થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો.

માઇકલ અનુસાર, તેમ છતાં તેમણે ઇઝરાયલ સાથે કામચલાઉ યુદ્ધવિરામ, કેદીઓની આપ-લે અને પેલેસ્ટાઇનિયન ઑથોરિટી સાથે સમાધાનને સમર્થન આપતું વલણ પણ બતાવ્યું હતું. કેટલાક વિરોધીઓ દ્વારા તેમની આના લીધે ટીકા પણ કરવામાં આવી હતી.

ઈરાન સાથેની નિકટતા

ઇઝરાયલનાં સંરક્ષણ અને સુરક્ષા સંસ્થાનોમાંના ઘણા લોકો માને છે કે કેદીઓની અદલાબદલીના ભાગ રૂપે સિનવારને જેલમાંથી બહાર કાઢવા એ ઘાતક ભૂલ હતી.

ઇઝરાયલીઓ માને છે કે, તેઓને સલામતીની ખોટી ભાવનામાં ફસાવવામાં આવ્યા હતા કે હમાસને આર્થિક પ્રોત્સાહનો અને વધુ વર્ક પરમિટો ઑફર કરીને યુદ્ધ માટેની એ લોકોની ભૂખને ઠારી દેવામાં આવશે. અલબત્ત, આ એક વિનાશક ખોટી ગણતરી હોવાનું બહાર આવ્યું.

યારી કહે છે,"તેઓ પોતાની જાતને પેલેસ્ટાઈનને આઝાદ કરવાનારી વ્યક્તિ તરીકે જુએ છે. તેઓ ગાઝા માટે આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવવા કે સામાજિક સેવાઓ સુધારવા વિશે કામ કરનારી વ્યક્તિ તરીકે પોતાને નથી ગણતા."

2015માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર રીતે સિનવારને 'વૈશ્વિક આતંકવાદી' તરીકે વર્ગીકૃત કર્યાં હતાં. મે-2021માં ઇઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝા પટ્ટીમાં તેમનાં ઘર અને ઑફિસને નિશાન બનાવ્યાં હતાં.

એપ્રિલ-2022માં એક ટેલિવિઝન સંબોધનમાં તેમણે લોકોને કોઈ પણ ઉપલબ્ધ માધ્યમથી ઇઝરાયલ પર હુમલો કરવા પ્રોત્સાહિત કર્યા.

વિશ્લેષકોએ તેમને હમાસના રાજકીય બ્યુરોને તેની સશસ્ત્ર પાંખ ઇઝેદીન અલ-કાસમ બ્રિગેડ સાથે જોડતી મુખ્ય વ્યક્તિ તરીકે ઓળખાવી છે. જેમણે દક્ષિણ ઇઝરાયલમાં 7 ઑક્ટોબરના હુમલાનું નેતૃત્વ કર્યું હતું.

14 ઑક્ટોબરના રોજ ઇઝરાયલી લશ્કરી પ્રવક્તા, લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચટે સિનવારને "દુષ્ટતાનો ચહેરો" ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "તે માણસ અને તેની આખી ટીમ અમારી નજરમાં છે. અમે તે માણસને ખતમ કરી દઈશું.."

સિનવાર પણ ઈરાનની નિકટની વ્યક્તિ છે. શિયા દેશ અને સુન્ની આરબ સંગઠન વચ્ચેની ભાગીદારી સ્પષ્ટ નથી પરંતુ બંને ઇઝરાયલ રાજ્યને નષ્ટ કરવા અને જેરુશલેમને ઇઝરાયલના કબજામાંથી "મુક્ત" કરવા માટે એક ધ્યેય ધરાવે છે.

તેઓ સાથે કામ કરે છે. ઈરાન હમાસને ભંડોળ, ટ્રેઇનિંગ અને શસ્ત્રો આપે છે. તેને તેની લશ્કરી ક્ષમતાઓ વિકસાવવામાં અને હજારો રૉકેટના શસ્ત્રાગારને એકત્ર કરવામાં મદદ કરે છે. જેનો ઉપયોગ તે ઇઝરાયલી નગરિકોને નિશાન બનાવવા માટે કરે છે.

સિનવારે 2021માં એક ભાષણમાં સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું, "જો ઈરાન ન હોત તો, પેલેસ્ટાઈનમાં થઈ રહેલો પ્રતિકાર તેની વર્તમાન ક્ષમતાઓ ધરાવતો ન હોત."

લોવટ કહે છે, તેમ છતાં સિનવારને મારી નાખવા એ ઇઝરાયલ માટે "વિજયી પ્રચાર" જેવું હશે.

આવા સંગઠનો અલગ રીતે કાર્ય કરે છે - એક ઑપરેશનલ કમાન્ડર અથવા વડાને દૂર કરવામાં આવે છે અને તેઓ ઝડપથી બીજાની નિયુક્તી કરી દે છે. તેમના અનુગામી પાસે કેટલીકવાર સમાન અનુભવ અથવા વિશ્વસનીયતાનો અભાવ હોય છે પરંતુ સંસ્થા હજુ પણ કોઈને કોઈ સ્વરૂપમાં પોતાને પુનર્જીવિત કરવાનું ચાલુ રાખે છે.

લોવટ કહે છે, "સ્પષ્ટપણે એમનું મોત નુકસાનકારક રહેશે. પરંતુ તેની બદલી કરવામાં આવશે અને તે કરવા માટે ત્યાં માળખાંગત સિસ્ટમ છે. તે બિન લાદેનને મારવા જેવું નથી. હમાસમાં અન્ય વરિષ્ઠ રાજકીય અને લશ્કરી નેતાઓ ઉપલબ્ધ છે."

આ બધા વચ્ચે કદાચ સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે, જ્યારે ઇઝરાયલ હમાસને નાબૂદ કરવા માટેનું લશ્કરી અભિયાન સમાપ્ત કરશે ત્યારે ગાઝાનું શું થશે? અને આખરે કોણ ચાર્જ સંભાળશે? અને શું તેઓ તેને ફરી એકવાર ઇઝરાયલ પરના હુમલાઓનું લૉન્ચપેડ બનવાથી રોકી શકશે? એવા હુમલા જેના જવાબ તરીકે હાલ આપણે મોટા પાયે વિનાશના સાક્ષી બની રહ્યા છીએ.

જૉન કૅલી દ્વારા વધારાનું રિપોર્ટિંગ.