પેરિસના મ્યૂઝિયમમાંથી ચોરાયેલાં ઘરેણાંમાં લાગેલા કરોડોની કિંમતના હીરાનું શું છે ભારત કનેક્શન?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, બલ્લા સતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વના ઘણા ખરા પ્રખ્યાત પ્રાચીન હીરાનું ભારતીય કનેક્શન હોય છે.
ગોલકોંડા ડાયમંડ્સ અને જ્યાંથી એ મળી આવ્યા હતા હતા એવી આંધ્રની ખાણોનો ઉલ્લેખ આ હીરાના ઇતિહાસમાં જરૂર જોવા મળે છે.
તાજેતરમાં ફ્રાન્સના લૂવ્ર મ્યૂઝિયમમાંથી ચોરાયેલા હીરા પૈકી ઘણાનો આજના આંધ્ર અને તેલંગાણા સાથે સંબંધ છે.
તો શું આ લૂંટ દરમિયાન આ ગોલકોંડા ડાયમંડ્સની પણ ચોરી થઈ?
આખરે ગોલકોંડા અને પરિતલાથી હીરા પેરિસ કઈ રીતે પહોંચી ગયા?
18મી સદી સુધી વિશ્વમાં ભારત જ હીરાનું એકમાત્ર સપ્લાયર હતું. વર્તમાન આંધ્ર પ્રદેશની કૃષ્ણા અને પન્ના નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં હીરા મળી આવતા હતા.
આ હીરાઓને ખાણમાંથી કાઢીને તેનો વેપાર કરનાર વિજયનગર અને ગોલકોંડા રાજવંશોએ તેલુગુ ધરતી પર સદીઓ સુધી રાજ કર્યું અને સૌથી શક્તિશાળી સામ્રાજ્યો સ્થાપ્યાં.
સમય સાથે ગોલકોંડા ડાયમંડ્સની કીર્તિ આખા યુરોપમાં પ્રસરી ગઈ. હમ્પી અને બાદમાં જૂના હૈદરાબાદ શહેરની કેરાવાન સ્ટ્રીટો હીરાવેપારીઓથી ભરાયેલી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોહીનૂર જેવા કેટલાક હીરાનું પ્રાપ્તિસ્થાન હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ ઘણા હીરા એવા પણ છે જેમનાં પ્રાપ્તિસ્થાનની નોંધ કરાઈ છે.
જોકે, કેટલાક હીરાની ચોરી અને દાણચોરી થઈ, ઘણા હીરા વિદેશવેપારમાં અહીંથી જતા રહ્યા. યુરોપમાં હીરા માટેનું વળગણ ભારતીય વેપારીઓ અને સત્તાધીશો માટે એક વરદાન સાબિત થયું.
યુરોપ પહોંચેલા ઘણા હીરા ફ્રેન્ચ રાજા, શાહી પરિવાર અને ધનિકો મારફતે ખરીદાયા હતા. હીરા ખરીદવા માટે ઘણા ફ્રેન્ચ વેપારીઓ પણ ભારત આવ્યા હતા.
આ પૈકીના ઘણા હીરા ફ્રેન્ચ શાહી ઘરેણાંમાં જડી દેવાયા. તાજેતરમાં લૂવ્ર મ્યુઝિયમમાં થયેલી ચોરીમાં જે હીરા ચોરાયા તેમાં બે ગોલકોંડા ડાયમંડ્સ પણ સામેલ હતા. જોકે, બીજા અમુક હીરા સુરક્ષિત છે.
ચોરાયેલા ગોલકોંડા ડાયમંડ્સ કયા છે?

ઇમેજ સ્રોત, Louvre
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચોરાયેલા હીરામાં રિકવરી બ્રૂક ડાયમંડ પણ સામેલ છે. જેનો સંબંધ ફ્રેન્ચ મહારાણી યુજિન સાથે છે. આ ઘરેણું 1855માં બનાવાયું હતું અને તેમાં 94 હીરા જડવામાં આવ્યા હતા.
તેમાં મઝારિન 17 અને મઝારિન 18 નામના બે હીરા પણ સામેલ છે. ક્રિસ્ટીસના નિવેદન અનુસાર, આ બંને મઝારિન હીરા પણ ગોલકોંડા ડાયમંડ છે.
કાર્ડિનલ મઝારિને આ હીરા ફ્રેન્ચ રાજા લુઈ ચૌદમાને 1661માં આપ્યા હતા.
ક્રિસ્ટીસે આ બંને હીરાની ગોલકોંડાથી પેરિસ સુધીની યાત્રા અંગે વાત કરી.
ક્રિસ્ટીસ સંસ્થા એ 1766થી હીરાના વેપાર અને મોંઘા કળાકૃતિઓના વેપાર સાથે જોડાયેલી છે.
લુવ્ર મ્યુઝિયમમાં ગોલકોંડા ડાયમંડ 'લે ગ્રાન્ડ મઝારિન'ની હરાજી પ્રક્રિયા દરમિયાન આ હીરાનો, મઝારિન ડાયમંડ્સ 17-18 અને સેન્સી ડાયમંડનો ઇતિહાસ જણાવાયો હતો.
કંપનીએ જણાવ્યું કે, "દક્ષિણ-મધ્ય ભારતની ગોલકોંડાની ખાણોમાંથી મળી આવેલ લે ગ્રાન્ડ મઝારિન ડાયમંડ એક ઐતિહાસિક હીરા તરીકે ખ્યાત છે. આ ડાયમંડ ઇટાલિયન કાર્ડિનલ મઝારિને 1661માં કિંગ લુઈ ચૌદમાને આપ્યો હતો. આ સેન્સી અને બીજા મઝારિન ડાયમંડ્સ ફ્રેન્ચ કિંગને અપાયા એ દરમિયાન જ બન્યું હતું."
જોકે, બીજા ચોરાયેલા દાગીનામાં ગોલકોંડા ડાયમંડ્સ સામેલ છે કે નહીં, એ સ્પષ્ટ નથી.
આ દરમિયાન ચોરી થવાથી બચી ગયેલા હીરામાં ભારતથી પહોંચેલા હીરા સામેલ છે.
લૂવ્ર મ્યુઝિયમમાં રહેલા હીરામાં કોલ્લુર અને પરિતલાની ખાણમાંથી મળી આવેલા હીરા સામેલ છે. આ બંને સ્થળો જૂના જમાનામાં ગોલકોંડા સામ્રાજ્યનો ભાગ હતાં, અને હાલ બંને કૃષ્ણા અને ગુંટુર જિલ્લામાં છે. આમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હીરો રેજન્ટ ડાયમંડ છે, જેનું વજન 140.5 કૅરેટ છે.
ધ રેજન્ટ ડાયમંડ એ વિશ્વનો સૌથી મોટો અને શુદ્ધ હીરો મનાય છે. તે પરિતલામાંથી મળી આવ્યો હતો. આ હીરાની ભારતથી યુરોપ સુધીની સફર 'ધ ડાયરી ઑફ વિલિયમ હેજિસ ડ્યુરિંગ હિસ એજન્સી ઇન બૅંગાલ' નામના પુસ્તકમાં નોંધાયેલી છે.

ઇમેજ સ્રોત, Louvre Museum
"રેજન્ટ ડાયમંડ પિટ ડાયમંડ તરીકે પણ ઓળખાય છે. આ હીરો હાલના પરિતલા ગામની પાસે આવેલી ખાણમાંથી મળી આવ્યો હતો. ઇતિહાસકારોના મત પ્રમાણે પ્રાપ્તિ સમયે તેનું વજન 426 કૅરેટ હતું. આ ખાણમાં કામ કરી રહેલા એક દાસ મજૂર તેને ખાણમાંથી ચૂપચાપ બહાર કાઢી અને તેને મદ્રાસની બહાર લઈ ગયો. બાદમાં આ હીરો આપવાની તેણે બ્રિટિશ નાવિકને વાત કરી.પરંતુ બ્રિટિશ નાવિકે તેને મારી નાખ્યો અને હીરો છીનવી લીધો."
ગોલકોંડા સામ્રાજ્યના ઇતિહાસકાર અને પત્રકાર નાનીસેટ્ટી ચેરીસે બીબીસીને જણાવ્યું કે "આ નાવિકે બાદમાં આ હીરો ભારતીય વેપારીને વેચી દીધો. એ સમયે આ હીરાની કિંમત 48,000 પેગોડા હતી. પેગોડા એ સમયે ગોલકોંડાનું ચલણ હતું. એ સમયના મદ્રાસના ગવર્નર પિટે આ હીરો તેની પાસેથી મોટી રકમ ચૂકવીને ખરીદી લીધો."
ઘણા ઇતિહાસકારો લખે છે કે એક વ્યક્તિએ આ હીરો બાદમાં પોતાનાં પગરખાંમાં સંતાડી લીધો અને આવી રીતે મદ્રાસથી લંડન મોકલી દેવાયો. લૂવ્ર મ્યુઝિયમની આધિકારિક માહિતી અનુસાર હાલ આ હીરાનું વજન 140.64 કૅરેટ છે.
લૂવ્રની વેબસાઇટમાં લખાયું છે કે, "1698માં આ હીરો ગોલકોંડાની ખાણમાંથી મળી આવ્યો હતો, જેને બાદમાં મદ્રાસના તત્કાલીન ગવર્નર થૉમસ પિટે ખરીદી લીધો. તેણે આના માટે મોટી રકમ ચૂકવી હતી. તેને લંડનમાં પૉલિશ કરાયો અને ફ્રેન્ચ રેજન્ટ ફિલિપને 1717માં આપી દેવાયો. એ હજુ પણ વિશ્વના સૌથી સારા હીરા પૈકી એક છે."

ઇમેજ સ્રોત, Louvre Museum
લુઈ પંદરમાએ તેને વર્ષ 1721માં ધારણ કર્યો. તેને મુગટમાં પણ જડી દેવાયો. બાદમાં, એ લુઈ સોળમાના રાજ્યભિષેકવાળા મુગટમાં પણ જોવા મળ્યો.
આ હીરો હાલમાં થયેલી લૂંટમાં લૂંટારાઓને ધ્યાને ન પડ્યો. એ હજુ પણ મ્યૂઝિયમમાં સુરક્ષિત છે.
માત્ર રેજન્ટ જ નહીં, પરંતુ અન્ય બે હોર્તેન્સિયા અને સેન્સી નામના બે ગોલકોંડા ડાયમંડ પણ લૂવ્ર મ્યુઝિમમાં જ છે.
ચેરીસ પ્રમાણે, "લુઈ ચૌદમાએ હોર્તેન્સિયા ડાયમંડ કોઈ અજાણ વેપારી પાસેથી ખરીદ્યો હતો. 1792ની ફ્રેન્ચ ક્રાંતિ વખતે એ ચોરી પણ થઈ ગયો હતો. બાદમાં નેપોલિયન પ્રથમ દ્વારા તેને રિકવર કરાયો હતો. એ બાદ, હોલૅન્ડનાં રાણીએ તેને ધારણ કર્યો. જે બાદ 1830માં એ ફરીથી ચોરી થઈ ગયો. એ બાદમાં તેને લૂવ્ર ખાતે મૂકી દેવાયો."
લૂવ્ર દ્વારા અપાયેલી આધિકારિક માહિતી પ્રમાણે આ હીરો સૌપ્રથમ 1691માં શાહી ઝવેરાતમાં દેખાયો હતો.
હાલ સેન્સી એક 55 કૅરેટનો હીરો છે. તેના ઇતિહાસના બે વૃત્તાંત મળી આવે છે. એ રેજન્ટ કરતાં પુરાણો છે. એની માલિકી ઘણા યુરોપિયન અને એશિયન રાજા, રાજ પરિવારો, મોભાદાર લોકો અને વેપારીઓ પાસે રહી ચૂકી છે.
ચેરીસ પ્રમાણે, "કેટલાક ઇતિહાસકારો માને છે કે આ હીરો 1570માં ઓટોમન સામ્રાજ્યમાં ફ્રેન્ચ રાજદૂત નિકોલસ સેન્સી દ્વારા ખરીદાયો હતો. બાદમાં જમશેદજી જીજીબાઈ નામના એક ભારતીય વેપારીએ તેને ખરીદ્યો. બાદમાં એ યુરોપ પહોંચ્યો. એ બાદ એ ઘણા દાયકા સુધી ગાયબ રહ્યો. અંતે એ લૂવ્ર પહોંચ્યો."
'ડાયમંડ્સ ઑપ ડેક્કન' નામના એક આર્ટિકલમાં જિયૉલૉજિસ્ટ એસવી સત્યનારાયણે લખ્યું છે કે સેન્સી ડાયમંડ ભારતના દખ્ખણ પ્રદેશમાં ઈ.સ. 1477માં મળી આવ્યો હતો.
1661માં તેનો સમાવેશ ફ્રાન્સનાં રાજસી ઘરેણાંમાં થયો. કાર્ડિનલ જુલ્સ મઝારને લુઈ ચૌદમાને આપેલા 18 હીરા પૈકી આ એક હતો. આ 18 હીરા પૈકી બે હાલમાં જ ચોરાઈ ગયા હતા. જોકે, આ હીરો હજુ સુરક્ષિત છે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કોલ્લુર અને પરિતલાની કઈ ખાણમાંથી આ હીરો મળી આવ્યો હતો. ઇતિહાસકારો પ્રમાણે હોર્તેન્સિયા પણ એક ગોલકોંડા ડાયમંડ છે, પરંતુ એ પણ કઈ ખાણમાંથી મળી આવ્યો હતો એ સ્પષ્ટ નથી.
18મી સદી સુધી ભારત હતું હીરાના વેપારનું કેન્દ્ર

17મી સદી સુધીમાં ભારત વિશ્વનું હીરાનું સૌથી મોટું સપ્લાયર બની ગયું હતું. ફ્રાન્સ પહોંચેલા મોટા ભાગના હીરા ગોલકોંડા સામ્રાજ્યમાંથી જ પહોંચ્યા હતા. તેથી, ઘણા ઇતિહાસકારોનો મત છે કે આ હીરા પણ ગોલકોંડા ડાયમંડ જ હોવા જોઈએ.
ઈ.સ. 1200થી 1800 સુધી કૃષ્ણા અને પન્ના નદીના કાંટે હીરાની શોધ ચાલતી રહી.
નિવૃત્ત વૈજ્ઞાનિક એસવી સત્યનારાયણે બીબીસીને જણાવ્યું કે, "18મી સદી સુધી ઘણા લાંબા સમય સુધી દક્ષિણ ભારતનું દખ્ખણ ક્ષેત્ર એ હીરા માટેનો મુખ્ય સ્રોત હતું. માત્ર કોહિનૂર જ નહીં, ગ્રેટ મુઘલ, રેજન્ટ, ઓર્લોફ, નિઝામ, હોપ જેવા હીરા અહીં જ મળી આવ્યા હતા. 13મીથી 17મી સદી સુધી હીરાનો આ વેપારમાં ખૂબ પ્રગતિ થઈ હતી. 18મી સદી બાદ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાનાં ક્ષેત્રોમાં હીરાની ખાણ મળી આવી. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની કૃષ્ણા અને પન્ના નદીઓની ખીણમાં મોટા પાયે હીરા મળી આવતા. અમુક નાની મોટી ખાણોને બાદ કરતાં આ ક્ષેત્ર હીરા માટે વિશ્વનો સૌથી મોટો સ્રોત હતો. 1725માં બ્રાઝિલમાં ખાણો મળી આવી ત્યાં સુધી સ્થિતિ આવી જ રહી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












