'અમારે વિકાસ નથી જોઈતો' HUDA ના વિરોધમાં હિંમતનગરના હજારો ખેડૂતો રસ્તા પર કેમ ઊતરી આવ્યા છે?

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકાના આસપાસનાં 11 ગામોને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (HUDA)માં સમાવવાના નિર્ણયના વિરોધમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લૉટમાં યોજવામાં આવેલા આ સંમલેનમાં 11 ગામોના જ નહીં પરંતુ હિંમતનગર તાલુકાના હજારો ખેડૂતો જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ જોડાયાં હતાં.
વરસાદી માહોલ હતો તેમ છતાં હજારો ખેડૂતો ટ્રૅક્ટરમાં બેસીને સભાસ્થળ પર પહોંચ્યા હતા. સભામાં આવનારા લોકો હાથમાં બૅનરો હતાં. 'HUDA હટાવો જમીન બચાવો' તેમજ 'જય જવાન જય કિસાનના' નારા લગાવી રહ્યા હતા. કેટલાક લોકો ઢોલ નગારા સાથે આવી રહ્યા હતો.
સભાનું આયોજન HUDA હટાવો સંકલન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સંકલન સમિતિના કહેવા મુજબ 15 હજાર ખુરશીઓ મૂકવામાં આવી હતી.
સભાસ્થળ પર મૂકવામાં આવેલી ખુરશીઓ ભરાઈ ગઈ હતી. તેમજ કેટલાય લોકો ઊભા હતા તો કેટલાક નીચે જમીન પર બેઠા હતા.
સભા શરૂ થયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સભાસ્થળ પર વૉટર પ્રૂફ ડોમ નહીં પરંતુ સાદો મંડપ હતો. જોકે લોકો ધોધમાર વરસાદમાં પલળતા પલળતા પણ બેસી રહ્યા હતા. સભા પૂરી ન થઈ ત્યાં સુધી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
સભાની શરૂઆત ખેડૂતોના સાધન હળની પૂજા કરીને કરવામાં આવી હતી.
સભામાં બે નાની બાળકીઓ તેમજ બે આગેવાનોએ HUDA બચાવવા અંગે ભાષણ આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કયાં-કયાં ગામોને HUDAમાં સમાવવામાં આવ્યાં છે?

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL
હિંમતનગર આસપાસનાં 11 ગામાને HUDAમાં સમાવવા અંગેનો સપ્ટેમ્બર 2025માં ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરિયા ખુરાદ, પીપલોદી, હડીયોલ, કાકંણોલ, બેરણા, નવા, બલવંતપુરા ગામો છે.
HUDA ના વિરોધમાં 11 ગામના લોકો છેલ્લા 45 દિવસ કરતાં વધારે સમયથી અલગ-અલગ પ્રકારે વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ HUDAના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો મહિલાઓએ HUDAના છાજિયાં લીધાં હતાં. તેમજ પુરુષો માથે ફાડિયા બાંધીને ખરખરો કરવા આવ્યા હતા.
સભામાં આવેલા ખેડૂતોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL
HUDAના વિરોધમાં આવેલા હજારો લોકો HUDA હટાવો અંગેના નારા લગાવી રહ્યા હતા. HUDA બચાવો સંકલન સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાનાં 89 ગામોમાં ઘરે-ઘરે ફરીને સભામાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. આ સભામાં માત્ર 11 ગામના જ લોકો નહીં પરંતુ આખા તાલુકાના લોકો આવ્યા હતા.
કોઈ પણ વિસ્તારને અર્બન ઑથોરિટીમાં સમાવવામાં આવે તો તેના વિકાસ જેમ કે રોડ, રસ્તા, ગટર કે બાગ બગીચા કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે સરકાર દરેક પાસેથી 40 ટકા જમીન કપાત લે છે. કપાતમાં જતી 40 ટકા જમીન અંગે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સભામાં આવનારા દરેક ખેડૂતે કહ્યું કે આ જમીન અમારા બાપ દાદાની જમીન છે, અમે અમારા માટે નહીં પરંતુ અમારી આવનાર પેઢી માટે ખેતીની જમીન બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે.
સભામાં આવેલાં પુષ્પાબહેન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમારે બે વિઘા જમીન છે. અમે ગુજરાન માટે ખેતી અને પશુપાલન કરીએ છીએ. HUDAના નામે અમારી 40 ટકા જમીન કપાતમાં જશે તો અમારી પાસે શું બચશે. અમે કોઈ પક્ષનો વિરોધ કરી રહ્યા નથી. પરંંતુ અમે HUDA હટાવવા માટે વિરોધ કરી રહ્યા છીએ."
સભામાં આવેલાં કરિશ્મા પટેલ વિકાસ અંગે વાત કરતાં કહે છે કે, " અમારે વિકાસ જોઈતો નથી. અમે ખેતી કરીને અમારાં બાળકોને ભણાવીએ છીએ. અમારાં બાળકો ભણશે તો તેમનો અને ગામનો વિકાસ કરી લેશે. જમીન જ નહીં રહે તો બાળકોને કેવી રીતે ભણાવીશું?"
કરિશ્મા પટેલ કહે છે કે, "આ જમીન અમારા બાપ દાદાની છે અને અમે અમારી આવનાર પેઢી માટે બચાવવા માટે લડી રહ્યા છીએ."
ડી.કે પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "હિંમતનગરમાં કોઈ ઔધોગિક એકમો નથી. જેના કારણે વસ્તી વધી રહી નથી. સરકારે હિંમતનગરના વિકાસ માટે કોઈ ઔધોગિક એકમો આવે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર બાદ શહેરી વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ."
સભામાં આવેલાં શાહીનબહેન તાંબડિયા કહે છે કે "અમે અમારી જમીન બચાવવા માટે સભામાં આવ્યાં છીએ."
રુકસાનાબહેન જણાવે છે કે, "જમીન હોય તો અમે પશુપાલન કરી શકીએ તેમજ બકારાઓનું ફાર્મ કરીને ગુજરાન ચલાવીએ છીએ. જો HUDA આવશે તો અમારી રોજગારી છીનવાઈ જશે. અમે શું કામ કરીશું?"
72 વર્ષના ખેડૂત ધીરજ પટેલ HUDA ને વિકાસ નહીં પરંતુ વિનાશ સાથે સરખાવતા કહે છે કે, "સરકાર એક તરફ કહે છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે જ્યારે બીજી તરફ વિકાસના નામે ખેડૂતો પાસેથી ખેતીની જમીન લઈ લેવામાં આવે છે. અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીમાં સમાવવા તે ખેડૂતોનો વિકાસ નહીં પરંતુ વિનાશ છે. ખેતીલાયક જમીનો લઈને કૉન્ક્રીટનાં જંગલો ઊભા કરશો તો લોકોને ખાવા અનાજ ક્યાં પકવશો?"
ખેતીની જમીન જવાથી ઊભા થતા સામાજિક પ્રશ્નો અંગે વાત કરતા યાસીન ઇસ્માઇલભાઈ રેવાસીયાએ જણાવ્યું હતું કે, "દીકરાનાં લગ્ન માટે સામા પક્ષના લોકો પૂછતા હોય છે કે તમારે કેટલી જમીન છે, જો અમારી જમીન જતી રહેશે તો અમારા દીકરાઓ કુંવારા રહેશે."
ખેડૂતોની હાલની સ્થિતિ અંગે વાત કરતાં તેઓ કહે છે કે "હાલના વાતાવરણને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડે જેને કારણે ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને આ સરકાર તરફથી અન્યાય કરવામાં આવી રહ્યો છે."
વિરોધમાં સામેલ થયેલાં મનીષાબહેન જણાવે છે કે, "હિંમતનગર શહેર કરતાં અમારા ગામના રસ્તાઓ વધારે સારા છે. અમારે આવા રોડ રસ્તાનો વિકાસ જોઈતો નથી જે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે."
વિપુલ પટેલ જણાવે છે કે "હિંમતનગર નગરપાલિકાના રસ્તાનાં ઠેકાણાં નથી અને 11 ગામોનો વિકાસ કરવા નીકળ્યા છે."
HUDA હટાવો સંકલન સમિતિનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL
હુડામાં સમાવવામાં આવેલાં 11 ગામના લોકોએ HUDA હટાવો સંકલન સમિતિ બનાવી છે. આ સંકલન સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં છાજિયાં કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો અગાઉ આપ્યા હતા. 45 દિવસ કરતાં વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું છે.
HUDA હટાવો સંકલન સમિતિના કન્વીનર ઉત્સવ પટેલનું માનવું છે કે "ખેડૂતોને પાયમાલ કરવા માટે HUDA લાવવામાં આવ્યું છે."
ઉત્સવ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "હિંમતનગર નાની નગરપાલિકા છે. જેમાં વર્ટિકલ ગ્રોથની શક્યતાઓ નથી. હિંમતનગરમાં આજે પણ લોકો ફ્લૅટમાં રહેવાનું પસંદ કરતા નથી. લોકોને ડુપ્લેક્સ અને ટેનામેન્ટ મળી જાય છે."
ઉત્સવ પટેલ વિકાસ અંગે વાત કરતાં કહ્યું હતું કે "સરકાર હુડા લાવવામાં વિકાસના દાવા કરી રહી છે તો HUDA લાવવાથી વિકાસ થતો હોય તો અને તે અંગે સરકાર પાસે વિકાસની કોઈ બ્લ્યુ પ્રિન્ટ હોય તો અમને સમજાવે. અમે કાયદાનો અભ્યાસ કર્યો છે. HUDA આવે તો અમારી 40 ટકા જમીન કપાતમાં જવાની છે. અમારી જમીન બચાવવા માટે અમે છેલ્લા 51 દિવસથી આંદોલન કરી રહ્યા છીએ. HUDA રદ કરાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ."

HUDA હટાવો સંકલન સમિતિમાં ખેડૂત મહેન્દ્ર પટેલ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. તેમને ભાષણમાં ખેડૂતોના પ્રશ્નો અંગે વાત કરી હતી કે, "ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ મળી રહ્યા નથી."
મહેન્દ્ર પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "HUDA અમારે ના જોઈએ. સરકારને વિકાસ કરવો હોય તો પહેલાં હિંમતનગર નગરપાલિકાનો કરો. હિંમતનગર આખું ખાડા રાજમાં છે. હિંમતનગરના મોટાભાગના રસ્તાઓ પર ડામર પણ દેખાતો નથી. ખેડૂતોની જમીન લઈને ખેડૂતોનો વિકાસ કરવા નીકળ્યા છે અમારે તેવો વિકાસ જોઈતો નથી."

ઉત્સવ પટેલ જણાવે છે કે, "અમારો કાર્યક્રમ કોઈ રાજકારણ નથી કોઈપણ પક્ષ નહીં પરંતુ ખેડૂતોનો વિરોધ છે. અમે સ્થાનિક પદાધિકારીઓ તેમજ સીએમ સુધી રજૂઆત કરી છે. આગામી સમયમાં નવા મંત્રીઓને પણ રજૂઆત કરીશું. જ્યાં સુધી HUDA રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે."
સાબરકાંઠાના કલેક્ટરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, PAVAN JAISHAWAL
સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણસિંહ સંદુએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "હિંમતનગર આસપાસનાં 11 ગામોને અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીમાં સમાવવા અંગે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. નાગરિકોના વાંધાઓ મંગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં બે હજાર જેટલી વાંધા અરજીઓ આવી છે. વાંધા અરજીઓ મંગાવવાની સમય મર્યાદા પૂરી થયા બાદ વાંધાઓ અંગે સુનાવણી કરવામાં આવશે તેમજ જે વાંધાઓ યોગ્ય હશે તે અંગે ડ્રાફ્ટમાં સુધારા કરીને ડ્રાફ્ટ સરકારમાં મોકલવામાં આવશે."
અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી શું કામ કરે છે?

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરીટી (AUDA) ની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર
શહેરી વિસ્તારના વિકાસ માટે પ્લાન બનાવવો. પ્લાનનો અમલ કરવો. પ્લાન મુજબ ખાનગી વિકાસનું નિયમન કરવું.
ગુજરાત ટાઉન પ્લાનિંગ ઍન્ડ અર્બન ડેવલપમેન્ટ ઍક્ટર, 1976 હેઠળ ગુજરાત રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ ઑથોરીટી બનાવવામાં આવે છે.
શહેરમાં રોજ રસ્તા ગટર નેટવર્ક કે બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા નિયમ મુજબ જમીન કપાત લેવી. માળખાગત સુવિધાઓ અને સામાજિક સુવિધાનું આયોજન અને અમલીકરણ કરવું.
ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવી, માઇક્રોલેવલનું આયોજન કરવું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












