હોટલમાં જમ્યા પછી બિલ ભર્યા વગર ભાગી જાવ તો શું થાય, કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ઘણી હિંદી ફિલ્મોમાં જોવા મળે છે કે કોઈ વ્યક્તિ પાસે હોટલ કે રેસ્ટોરાંમાં જમ્યા પછી બિલ ભરવાના રૂપિયા નથી હોતા, ત્યારે હોટલ મૅનેજર આવી વ્યક્તિને કિચનનાં વાસણો ધોવાની ફરજ પાડે છે.
પરંતુ શું માત્ર વાસણો ધોવાથી વાત પૂરી થઈ જાય? હોટલ કે રેસ્ટોરાંમાં જમ્યા પછી કોઈ હજારો રૂપિયાનું બિલ ન ભરી શકે તો શું થાય? જાણી જોઈને બિલ ભર્યા વગર કોઈ છટકવાનો પ્રયાસ કરે તો શું થાય?
ગુજરાતમાં સોશિયલ મીડિયામાં તાજેતરમાં આવો જ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રાજસ્થાન ગયેલા કેટલાક ગુજરાતના યુવાનો હોટલમાં જમ્યા પછી હજારો રૂપિયાનું બિલ આવે ત્યારે તેને ભર્યા વગર ભાગી જાય છે.
હોટલ સંચાલકો દ્વારા પોલીસની મદદથી તેમનો પીછો કરવામાં આવે છે, ગુજરાત સરહદની અંદર તેમને પકડવામાં આવે છે અને ઉગ્ર દલીલો કર્યા પછી રૂપિયા વસૂલવામાં આવે છે. બીબીસી ગુજરાતી આ વીડિયોની ખરાઈ કરી શક્યું નથી.
બીબીસીએ આ વિશે કાયદાના જાણકારો અને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ કર્યો કે આવું ક્યારે બને છે અને કાયદો તેના વિશે શું કહે છે.
બિલ ભર્યા વગર ભાગો તો શું થાય?

ઇમેજ સ્રોત, BBC/ FB
ગુજરાત હાઇકોર્ટના ઍડવોકેટ પરેશ મોદીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "રેસ્ટોરાંમાંથી કોઈ વ્યક્તિ જમીને બહાર નીકળે ત્યારે તે બિલ ન ભરે તો તેની પાછળ ચોક્કસ કારણ હોવું જરૂરી છે. જેમ કે ફૂડની ક્વૉલિટીની ફરિયાદ કરી હોય અને તેનો ઉકેલ આવ્યો ન હોય અથવા ભોજનમાંથી કોઈ ગંદી ચીજ નીકળી હોય. અથવા તો કોઈ આકસ્મિક પરિસ્થિતિ પેદા થઈ હોય, જેમ કે ખિસ્સામાં રૂપિયા ન હોય અથવા પાકિટ ભૂલી ગયા હોય. આવું હોય તો તે સમજી શકાય તેવી વાત છે, તેમાં ગુનો નથી બનતો."
"પરંતુ જમ્યા પછી છેતરપિંડી કરવાના ઇરાદાથી ભાગી જાવ, હાથ ધોયા બાદ ફોન પર વાત કરવાના બહાને તમે સરકી જાવ તો ગુનો ગણાય."

ઇમેજ સ્રોત, BBC/FB
અમદાવાદસ્થિત ઍડવોકેટ સોનલ જોશી કહે છે કે, "કોઈ પણ સર્વિસ લીધા પછી તમે તેનું પેમેન્ટ ન કરો તો ચોક્કસપણે ગુનો બને છે. આ એક જાતની છેતરપિંડી ગણાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "બિલ ભરવાનું ભૂલી જવું અને ભાગી જવું એ બંનેમાં ફરક છે. કથિત વીડિયોમાં જોવા મળે છે કે ગ્રાહકોનો પીછો કરવામાં આવ્યો હતો અને પછી બિલ વસૂલવામાં આવ્યું હતું. તેથી આવું કૃત્ય ગુનાની કૅટેગરીમાં આવે. જૂના આઈપીસી મુજબ તે કલમ 420 હેઠળનો છેતરપિંડીનો કેસ બનતો હતો. નવી ભારતીય દંડ સંહિતામાં તે કલમ 318 હેઠળ આવે છે. તેમાં દંડ અથવા જેલ અથવા ગુનાની ગંભીરતા પ્રમાણે બંને થઈ શકે છે."
બિલ ભરવાનું ભૂલાઈ ગયું એમ ક્યારે કહેવાય?

ઇમેજ સ્રોત, Sonal Joshi/FB
ઍડવોકેટ પરેશ મોદીએ કહ્યું કે, "તમે ફૂડ ખાધા પછી રૂપિયા ચૂકવશો એવું માનવામાં આવે છે. મને પણ નવાઈ લાગે છે કે જમ્યા પછી આ રીતે કોઈ ભાગવાનો પ્રયાસ કેવી રીતે કરે. કારણ કે સીસીટીવી કૅમેરા, મોબાઇલ ટ્રેકિંગના કારણે છટકી જવું મુશ્કેલ છે."
તેઓ કહે છે કે, "કોઈ પણ ગુનામાં ઇરાદો હોવો મુખ્ય વાત છે. તેથી બેધ્યાન પણે નીકળી ગયા હોય તો ગુનો ન બને, તેવામાં રૂપિયા ચૂકવીને મામલો નિપટાવી શકાય છે. આ કોઈ ચોરીનો કેસ નથી. તમે સોનાની ચેન ચોરી હોય તો પછી ચેન પરત આપીને ગુનામાંથી બચી શકાતું નથી. પરંતુ રેસ્ટોરાંમાં જમ્યા પછી બિલ ચૂકવાયું ન હોય તો સામાન્ય દંડ કરીને અથવા માફી લખાવીને જવા દઈ શકે છે."
ઍડવોકેટ સોનલ જોશી કહે છે કે, "રેસ્ટોરાંના મૅનેજરોએ ગ્રાહકો પર ખાસ નજર રાખવી પડે છે, કારણ કે કોઈ પેમેન્ટ કર્યા વગર ભાગી જાય તો તેની જવાબદારીમાં આવે છે અને પગારમાંથી કપાય છે."
તેઓ કહે છે કે "કોઈ ઉતાવળ હોય, ઇમરજન્સી હોય અથવા જરૂરી ફોન આવ્યો હોય આવી ઘટનામાં માફી માગીને પેમેન્ટ કરી શકાય."
હોટેલ ઉદ્યોગના જાણકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, BBC/FB
બીબીસીએ આ વિશે નૅશનલ રેસ્ટોરાં ઍસોસિએશન ઑફ ઇન્ડિયાના અમદાવાદ ચૅપ્ટરના કો-હેડ દિલીપ ઠક્કર સાથે વાત કરી હતી. તેઓ 50 વર્ષથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
તેમણે જણાવ્યું કે, "સામાન્ય રીતે આવી ઘટનાઓ રેસ્ટોરાં ઉદ્યોગમાં બનતી નથી. રેસ્ટોરાંમાં મૅનેજરોની નજર બધા ટેબલ પર હોય છે જેથી કોણે જમી લીધું અને કોનું બિલ બાકી છે તે જાણતા હોય છે. અગાઉ થાળી સિસ્ટમ હતી ત્યારે પહેલાં રૂપિયા લઈને પછી ગ્રાહકને બેસાડવામાં આવતા હતા. હવે QR કોડ આવી ગયા તેથી લોકો પણ તે રીતે ટ્રેઇન થયેલા છે. ગ્રાહકે જમી લીધું હોય ત્યારે તેના ટેબલ પર મુખવાસ આવે છે અને તરત QR કોડ પણ આવી જાય છે."
તેઓ કહે છે કે, "આજે લોકો અગાઉ કરતા સારું કમાય છે, ચાર-પાંચ જણનો જમવાનો કેટલો ખર્ચ આવશે તેનો તેમને અંદાજ હોય છે. આ ઉપરાંત મોબાઇલ ટ્રેકિંગ, સીસીટીવીના કારણે આવું કરવું મુશ્કેલ છે."

ઇમેજ સ્રોત, Dilip Thakkar/Facebook
કોઈ ગ્રાહક ભૂલથી બહાર નીકળી ગયો છે કે ઇરાદાપૂર્વક તેની કેવી રીતે ખબર પડે? આ વિશે ગોપી ડાયનિંગ હૉલના સ્થાપક દિલીપ ઠક્કરે કહ્યું કે, "ઘણી વખત ગ્રાહકોના વર્તન કે રીતભાત પરથી થોડો અંદાજ આવી જાય છે. કોઈ ભૂલથી બહાર નીકળી જાય તો વેઇટર તેની પાછળ જઈને તેને યાદ અપાવે છે. ખાવાની ક્વૉલિટી અંગે ફરિયાદ હોય, જમવામાંથી વાળ અથવા જીવાત નીકળે તો હોટલ મૅનેજમેન્ટ બે હાથ જોડીને માફી માગી લેતા હોય છે. રૂપિયા ન આપવા મામલે માથાકૂટ થાય એવી ઘટના ભાગ્યે જ બને છે."
તેમના માનવા પ્રમાણે, "રાજસ્થાનની ચર્ચાસ્પદ ઘટનામાં મોટી સંખ્યામાં ગ્રાહકો હિલ સ્ટેશન પર એકઠા થયા હોય ત્યારે ભીડના કારણે કોઈને નજર ચૂકવીને નીકળી જવાનો વિચાર આવ્યો હોય તેવું બની શકે."
આખી ઘટના શું હતી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત-રાજસ્થાન સરહદે આબુ-અંબાજી રોડ પર આવેલી એક હોટલ ઍન્ડ બારનો આ કેસ હોવાનું જાણવા મળ્યું છે જેનો વીડિયો સોશિયલ મીડિયાની રીલ્સમાં જોવા મળે છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે "25 ઑક્ટોબરે ચાર પુરુષો અને એક મહિલા ગ્રાહકો હોટલમાં આવ્યાં હતાં, જેમાં સૌની ઉંમર 20થી 30 વર્ષ વચ્ચે હતી. તેઓ હોટલમાં જમ્યા અને આલ્કોહૉલિક ડ્રિંકની કેટલીક બૉટલો મગાવી હતી. ત્યાર પછી વેઇટર 10,910 રૂપિયાનું બિલ લઈને આવ્યા ત્યાં સુધીમાં ચાર યુવાનો કારમાં બેસી ગયા હતા, જ્યારે મહિલા ગ્રાહક ટેબલ પર હાજર હતાં."
હોટલના મૅનેજરે અખબારને જણાવ્યું હતું કે, "સ્ટાફરે આ લોકોને બિલ આપ્યું, ત્યારે મહિલાએ બ્રિઝરની બે બૉટલો મગાવી હતી. વેઇટરે મહિલાને વૉશરૂમ નજીક ઊભા રહેવા કહ્યું. ત્યાર બાદ વેઇટર જ્યારે બૉટલો લઈને આવ્યા, ત્યારે મહિલા દોડીને કારમાં બેસી ગયાં અને ગુજરાત બૉર્ડર તરફ હંકારી મૂકી."
ત્યાર બાદ હોટેલના મૅનેજરે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી, કારનું વર્ણન અને રજિસ્ટ્રેશન નંબર આપ્યા. રાજસ્થાન પોલીસે કારનો પીછો કર્યો ત્યાં સુધીમાં કાર ગુજરાત બૉર્ડરમાં પહોંચી ગઈ હતી. તેથી ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી. અંતે અંબાજી શહેર આગળ ભારે ટ્રાફિક હતો ત્યાં આ લોકોને પકડવામાં આવ્યા. તેમની પાસે પૂરી રકમ ન હોવાથી 5,500 રૂપિયા ચૂકવ્યા. ફોન પર બાકીની રકમ મગાવીને બાકીની ચૂકવણી કરવામાં આવી.
મૅનેજરના કહેવા મુજબ રૂપિયા પરત મળી ગયા હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












