You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામમાં જાહેરસ્થળોએ ગૌમાંસ પર પ્રતિબંધના ભાજપના નિર્ણયની ટીકા કેમ થઈ રહી છે?
- લેેખક, તોરા અગ્રવાલ
- પદ, વરિષ્ઠ પત્રકાર, આસામથી બીબીસી હિન્દી માટે
આસામમાં ચાલુ સપ્તાહની શરૂઆતથી રેસ્ટોરાં અને સામુદાયિક સમારંભો સહિત જાહેરસ્થળો પર બીફ (ગૌમાંસ) ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટીકાકારોએ આ પગલાને 'લઘુમતી વિરોધી' ગણાવ્યું છે. તેમના કહેવા મુજબ આસામમાં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારનો હેતુ સમુદાયોની વચ્ચે ધ્રુવીકરણ કરવાનો છે.
ભારતમાં કાશ્મીર પછી મુસ્લિમોની સૌથી વધુ વસતી પૂર્વોત્તર રાજ્યોમાં છે.
વિરોધપક્ષ તેને રાજ્યમાં આગમી વિધાનસભાની ચૂંટણી સાથે સાંકળીને જુએ છે અને જાણકારોનું કહેવું છે કે આ પગલાથી આસામના ગ્રામીણ અર્થતંત્રને નુકસાન થશે.
'ઝારખંડ'માં મળેલી નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ચોથી ડિસેમ્બરે ગૌહાટીમાં પત્રકારોને જણાવ્યું કે તેમના મંત્રીમંડળે આસામમાં "જાહેરમાં બીફ ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો" નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું, "હવેથી કોઈ પણ રેસ્ટોરાં અથવા હોટલમાં બીફ પીરસી નહીં શકાય."
સરમાએ જણાવ્યું કે આ નિર્ણય વર્ષ 2021ના કાયદાના મજબૂત બનાવવા માટે લેવાયો છે, જેને તેમની સરકાર આસામમાં ઢોરઢાંખરના વેપારને નિયંત્રિત કરવા માટે ઘડ્યો હતો.
આસામ કેટલ પ્રિવેન્શન ઍક્ટ, 2021 હેઠળ ઢોરઢાંખરના પરિવહન પર કડક નિયંત્રણો છે. ઢોરનો બલિ ચઢાવવાની સાથે સાથે હિંદુ ધાર્મિક કેન્દ્રોથી પાંચ કિમીની ત્રિજ્યામાં બીફની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, "ત્રણ વર્ષ અગાઉ અમે એક કાયદો ઘડ્યો હતો અને તે બહુ અસરકારક રહ્યો છે. અમે તેને વધુ સખત બનાવવાના છીએ. આસામમાં હોટલો, રેસ્ટોરાં અને જાહેર સમારંભોમાં પણ હવેથી બીફ પીરસી નહીં શકાય તથા ખાઈ નહીં શકાય."
મુસ્લિમ હિતોનું પ્રતિનિધિત્વ કરતા સિવિલ સોસાયટી સંગઠનોની સાથે સાથે આસામમાં વિરોધપક્ષોએ પણ મુખ્ય મંત્રીની આ જાહેરાતની ટીકા કરી છે.
તેઓ કહે છે કે 2026માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાઈ રહ્યું છે.
આ જાહેરાત પછી તરત આસામના સાંસદ અને કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે મુખ્ય મંત્રી "ઝારખંડમાં ભાજપની અપમાનજનક હાર પછી પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરે છે."
બીજી તરફ આસામ કૉંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરાએ બીબીસીને જણાવ્યું કે આ પગલાનો હેતુ "નાણાકીય સંકટ, મોંઘવારી અને બેરોજગારી જેવા વાસ્તવિક મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવાનો છે."
જોકે, હિમંતા બિસ્વા સરમાએ પોતાની પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે કૉંગ્રેસ પક્ષના કારણે જ આ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું, "કૉંગ્રેસ સીધી અથવા આડકતરી રીતે જે માગણી કરતી હતી, તેને જ અમે સંતોષી રહ્યા છીએ."
રાજકીય ઘમસાણ
વાસ્તવમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષના નેતાઓ વચ્ચે તાજેતરમાં થયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર પછી શરૂ થયેલા મૌખિક જંગ પછી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
કૉંગ્રેસના જાણીતા નેતા રકીબુલ હુસૈનના પુત્ર તંજિલ હુસૈન સામાગુરી વિધાનસભાની બેઠક પર ચૂંટણી હારી ગયા હતા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ડિપ્લુ રંજન સરમાનો વિજય થયો હતો.
ત્યાર પછી રકીબુલ હુસૈને આરોપ મૂક્યો હતો કે હિમંતા બિસ્વા સરમા અને ભાજપે મુસ્લિમ બહુમતી ધરાવતા મતક્ષેત્રોમાં મતદારોને બીફ પીરસીને અને હિંદુત્વના મુદ્દે 'દગાબાજી' કરીને ફાયદો ઉઠાવ્યો છે.
સરમાએ હુસૈનની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે કૉંગ્રેસ ઇચ્છે તો તેમની સરકાર રાજ્યમાં બીફ પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરશે.
બીફ અંગ્રે પ્રતિબંધની જાહેરાત કરતા સરમાએ કહ્યું કે કૉંગ્રેસના નેતાઓના તાજેતરનાં નિવેદનોના કારણે તેઓ પશુધનના કાયદા પર વિસ્તૃત ચર્ચા કરવા પ્રેરાયા અને તેમને લાગ્યું કે આને વધારે મજબૂત બનાવવાની જરૂર છે.
જોકે, કૉંગ્રેસે આ દાવા નકારી કાઢ્યા છે.
આસામ કૉંગ્રેસના પ્રવક્તા અમન વદુદે કહ્યું, "અમારા (કૉંગ્રેસ) નેતાઓએ કહ્યું હતું કે ભાજપે તાજેતરની ચૂંટણીઓ જીતવા માટે અયોગ્ય રણનીતિનો ઉપયોગ કર્યો હતો, જેમાં ગોટાળા અને અધિકારીઓની નિષ્ક્રિયતાનો સમાવેશ થાય છે."
"હવે મુખ્ય મંત્રી બૅકફૂટ પર આવી ગયા છે, તેમણે કૅબિનેટના આ નિર્ણયને આગળ ધપાવવાના બહાના તરીકે બીફનો ઉપયોગ કર્યો છે."
અલ્પસંખ્યકો પર અસર
રાજકીય નિવેદનોને બાજુએ રાખીએ તો આસામમાં લગભગ 34 ટકા મુસ્લિમ વસ્તી છે (2011ની વસ્તી ગણતરી મુજબ) અને તેમાં ગૌમાંસના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ પાસાં છે.
તેની સૌથી વધારે અસર બંગાળી મુસ્લિમ સમુદાય અનુભવે છે જે આસામની મુસ્લિમ વસતીનો એક મોટો હિસ્સો છે. તેમને ઘણી વખત "બહારના લોકો" અથવા બાંગ્લાદેશથી આવેલા "ગેરકાયદે ઘૂસણખોર" ગણાવાય છે.
આ સમુદાયે નિયમિત ધોરણે સરકારના એવા પગલાનો સામનો કરવો પડે છે જે તેમને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. તેમાં લોકોની હકાલપટ્ટીનું અભિયાન, બાળલગ્ન સામે પગલા લેવા વગેરે સામેલ છે, જેના કારણે મુસ્લિમ પુરુષોની સામૂહિક ધરપકડ કરવામાં આવી છે."
આ ઉપરાંત રાજ્યના સંચાલનમાં ચાલતા મદરેસાઓને ધ્વસ્ત કરવા, બહુપત્નીત્વ પર પ્રસ્તાવિત પ્રતિબંધ અને "લવજેહાદ"નો સામનો કરવા માટે કાયદા ઘડવાની યોજનાઓ પણ સામેલ છે.
બંગાળી મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થી સંગઠન 'ઑલ આસામ માઇનોરિટી સ્ટુડન્ટ્સ યુનિયન'ના અધ્યક્ષ રેજાઉલ કરીમે પ્રતિબંધને "લઘુમતી સમુદાયને અલગ કરવાની અને તેમને નિશાન બનાવવાની વધુ એક ઘટના" ગણાવી છે.
આસામમાં વર્ષ 2021ના કાયદાથી રાજ્યમાં બીફ ખાવા પર વ્યાવહારિક રીતે પહેલેથી પ્રતિબંધ લાગુ છે, ત્યારે કેટલાક જાણકારોનું કહેવું છે કે સરકારનું નવું પગલું માત્ર દેખાડો હોય તેવું વધારે લાગે છે.
રાજ્યમાં બંગાળી મુસ્લિમ હિતોનું પ્રતિનિધિત્વ કરતા પક્ષ ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ)ના અમીનુલ ઇસ્લામે તર્ક આપ્યો કે પાંચ કિલોમીટરની મર્યાદાનો પ્રતિબંધ અહીં પહેલેથી ઘણો સખત છે.
તેઓ કહે છે, "બહુ ઓછા વિસ્તાર એવા છે જે મંદિરથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાની બહાર આવતા હોય. તેથી આ નવો પ્રતિબંધ સંપૂર્ણપણે રાજકીય છે."
ભાજપનો જવાબ
જોકે, ગૌહાટીના એક વકીલ અને કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વદૂદ તેનાં "વાસ્તવિક પરિણામો" અંગે ચેતવણી આપે છે.
તેમણે બીબીસી હિંદીને જણાવ્યું, "આ પ્રકારના કાયદા લઘુમતી સમુદાયને વધારે નિશાન બનાવવાનું હથિયાર બની જાય છે. આ કાયદાથી રાજ્યભરમાં પોલીસ સ્ટેશનો વધારે સશક્ત બનશે અને વધુ આકરી કાર્યવાહી તથા દેખરેખ (ગૌરક્ષકોની) જોવા મળશે."
બીજી તરફ એઆઈયુડીએફના નેતા અમીનુલ ઇસ્લામ "સામુદાયિક સમારોહ" અને "જાહેર કાર્યક્રમો" જેવા શબ્દોની અસ્પષ્ટતા તરફ ઇશારો કરતા કહે છે, "નવા કાયદા અસરકારક રીતે મુસલમાનોને તેમના વ્યક્તિગત સમારોહમાં બીફ પીરસતાં રોકશે."
આ નવા આદેશના કારણે રાજ્યમાં અસમિયા ભાષા બોલતા મુસ્લિમો પણ નારાજ છે, જેને ખુશ રાખવા માટે ભાજપે પ્રયાસ કર્યા છે.
અસમિયા મુસ્લિમ સમુદાયના એક પર્યાવરણ કાર્યકર્તા અને બૅન્કર આબિદ આઝાદે જણાવ્યું કે, "ભાજપ ભલે અસમિયા ભાષા બોલતા મુસ્લિમોના હિત પ્રત્યે નરમાઈ દેખાડતો હોય, પરંતુ આવા નિર્ણયો તેમના પર પણ અસર કરે છે."
તેમણે કહ્યું, "બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓનું સન્માન કરીને મુસ્લિમો હંમેશાં બીફ ખાવાનો પ્રચાર કરવામાં ખૂબ જ સાવચેત રહ્યા છે. પરંતુ, હવે શાસક પક્ષ બિનજરૂરી રીતે તેને મુદ્દામાં ફેરવી રહ્યો છે."
આઝાદે કહ્યું, "આવી કાર્યવાહી મુસ્લિમોને નુકસાન પહોંચાડે છે, તેઓ અસુરક્ષાની લાગણી અનુભવે છે અને નાગરિક તરીકે તેમના અસ્તિત્વ અંગે ચિંતા પેદા કરે છે."
આ નિર્ણયથી આસામની ઘણી સ્થાનિક જાતિ પૈકી ખ્રિસ્તીઓના અમુક હિસ્સાને પણ અસર થશે.
આદિવાસીઓની બહુમતી ધરાવતા દિમા હસાઓના યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમના હૈયા ડરનાઈએ કહ્યું કે આ પગલું લોકોના અંગત અધિકારોના ઉલ્લંઘન સમાન છે.
તેમણે કહ્યું, "અમે બહુમતી સમુદાયની ભાવનાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ અમને અમારા ગામોમાં જે ખાવાનું જોઈએ તે ખાવાનો અધિકાર હોવો જોઈએ."
જોકે, ભાજપે તેમની આ ચિંતાઓની અવગણના કરી છે.
ભાજપના મંત્રી અશોક સિંઘલે બીબીસી હિન્દીને કહ્યું કે, "મંદિરોની નજીક બીફ ખાવાથી બહુમતી સમુદાયની લાગણી દુભાય છે. આ નિર્ણય યોગ્ય દિશામાં લેવામાં આવ્યો છે અને તે દેશની બિનસાંપ્રદાયિક શાખ જાળવી રાખશે."
સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે સરકાર "ધાર્મિક ઓળખના આધારે નિર્ણય નથી લેતી."
ગ્રામીણ અર્થવ્યવસ્થાને નુકસાન
ઘણા લોકોનું કહેવું છે કે 2021ના કાયદાએ રાજ્યના ગ્રામીણ અર્થતંત્રને પહેલેથી જ નુકસાન પહોંચાડ્યું છે. પ્રમાણમાં ઓછી ખેતીને કારણે ગ્રામીણ અર્થતંત્ર પશુધનના વેપાર પર ઘણો વધારે આધાર રાખે છે.
અર્થશાસ્ત્રી રાજીબ સૂત્રધારના જણાવ્યા મુજબ, "રાજ્યના મોટા ભાગના ખેડૂતો ઓછી દૂધ આપતી પ્રજાતિના પશુઓ ઉછેરે છે અને નફા માટે બિનદુધાળાં પશુઓનું વેચાણ કરીને વધારાની આવક પર ભારે આધાર રાખે છે."
બીજી તરફ ખેડૂત અધિકાર કાર્યકર્તા અને વિપક્ષના ધારાસભ્ય અખિલ ગોગોઈ માને છે કે સરકારનું આ પગલું અર્થતંત્ર માટે સ્થિતિ વધારે ખરાબ કરી દેશે.
ગોગોઈએ જણાવ્યું કે, "નદીકિનારે વસતા ઘણા બિનમુસ્લિમ સમુદાયો માટે પશુધન રાખવું એ આજીવિકાનું મુખ્ય સાધન છે. જોકે, તેના પરિવહનને લઈને કડક નિયમોના કારણે આ સમુદાયમાં ભયની લાગણી છે."
તેમણે કહ્યું કે આના કારણે ખેડૂતો પોતાના પશુઓને ઓછા ભાવે વેચવા મજબૂર બને છે, જેનાથી કાળાબજાર સર્જાય છે. વચેટિયાઓ ગરીબ ખેડૂતોના ભોગે નફો કમાય છે.
તેમણે કહ્યું, "ઉદાહરણ તરીકે એક ગાય અગાઉ એક લાખ રૂપિયામાં વેચાતી હતી, જેની કિંમત હવે ઘટીને 60 હજાર રૂપિયા રહી ગઈ છે. બીજી તરફ બીફ અગાઉ વાજબી ભાવે મળતું હતું, જે હવે મોંઘું થઈ ગયું છે."
ગોગોઈનું કહેવું છે, "ભાવ 100 રૂપિયાથી વધીને 400-500 રૂપિયા થઈ ગયો છે, જેની સૌથી વધુ અસર ગરીબ મુસ્લિમો પર થઈ રહી છે."
કૉંગ્રેસના વદૂદના કહેવા મુજબ નવા નિર્ણયનો અર્થ એ થયો કે દરેકને તેનાથી 'નુકસાન' થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું, "તેનાથી ભાજપને કોમી રાજકીય નિવેદનબાજી સિવાય બીજો કોઈ ફાયદો નહીં થાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન