સીરિયાનાં બે શહેરો પર બળવાખોરોનો કબજો, શું રશિયા અને ઈરાનની મદદ બશર અલ-અસદની સત્તાને બચાવી શકશે?

    • લેેખક, બાર્બરા પ્લેટ-અશર અને માઇયા ડેવિયસ
    • પદ, બીબીસી ન્યૂઝ, બૈરુત અને લંડનથી

સીરિયામાં 'ઇસ્લામિક બળવાખોરો' રાજધાની દમાસ્કસ સુધી પહોંચી જાય તેવો ખતરો વધી ગયો છે. આ આશંકાના કારણે દેશના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાંથી હજારો લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. ગુરુવારે બળવાખોરોએ હમા શહેર પર કબજો કર્યો હતો. ગયા અઠવાડિયે તેમણે અન્ય એક મહત્ત્વપૂર્ણ શહેર અલેપ્પોને પણ કબજે કર્યું હતું.

હમા પરનું બળવાખોરોનું નિયંત્રણ એ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ માટે બીજો મોટો ઝાટકો છે.

રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસન સામે 2011થી યુદ્ધ ચાલે છે છતાં તેઓ બચી ગયા કારણ કે તેઓ આના માટે સજ્જ હતા અને પોતાના પિતા પાસેથી ઘણું શીખ્યા હતા.

બશર અલ-અસદ પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યા કારણ કે તેમને ઈરાન, રશિયા અને લેબનોનના હિઝબુલ્લાહ જેવા શક્તિશાળી સાથીદારોની મદદ મળી હતી.

આ સાથીઓએ સીરિયામાં બળવાખોર જૂથો સામે બશર અલ-અસદને મદદ કરી હતી. સીરિયામાં બળવાખોર જૂથોમાં જેહાદી કટ્ટરપંથી ઇસ્લામિક સ્ટેટથી લઈને અન્ય ઘણાં સશસ્ત્ર જૂથો સામેલ હતાં, જેમને અમેરિકા અને ખાડીના દેશોની ધનાઢ્ય સરકારો તરફથી મદદ મળતી હતી.

હાલમાં ઈઝરાયેલ સાથેના તણાવને કારણે ઈરાનની સ્થિતિ નબળી છે. અમેરિકા પણ ઇઝરાયલની પડખે ઊભું છે. ઈરાનના સહયોગી હિઝબુલ્લાહ પણ બશર અલ-અસદને બચાવવા માટે પોતાના લડવૈયા મોકલતા હતા, પરંતુ ઇઝરાયલના હુમલાને કારણે હિઝબુલ્લાહએ પણ પોતાની તાકાત ગુમાવી દીધી છે.

રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં સીરિયામાં બશર અલ-અસદને મદદ કરવા માટે બળવાખોર જૂથો પર હવાઈ હુમલા કર્યા છે, પરંતુ યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયાની સૈન્ય ક્ષમતા પહેલાં જેવી નથી રહી.

ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હયાત તહરિર અલ-શામ (એચટીએસ)ના નેતા અબુ મોહમ્મદ જવલાનીએ હોમ્સના લોકોને કહ્યું, "હવે તમારો સમય આવી ગયો છે."

એક વીડિયોમાં જવલાની એવું કહેતા જોવા મળે છે કે તેના લડવૈયા હમામાં ઘૂસી ગયા છે.

જવલાની કહી રહ્યા છે કે તેમના લડવૈયાઓ સીરિયાના 40 વર્ષ જૂના પ્રશ્નને ખતમ કરી દેશે.

વીડિયોમાં જવલાની કહે છે, "હું અલ્લાહને કહી રહ્યો છું કે આ એક એવી જીત હશે, જેમાં કોઈ બદલો લેવામાં નહીં આવે."

જવલાની 1982માં શહેરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે પૂર્વ સીરિયાના રાષ્ટ્રપતિ હાફેઝ અલ-અસદે ઇસ્લામિક બળવાખોરોને કાબૂમાં રાખવા માટે ટૅન્કો મોકલી હતી.

આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં હતાં.

છેલ્લાં 13 વર્ષમાં તેમના પુત્ર અને સીરિયાના વર્તમાન રાષ્ટ્રપતિ બશર અલ-અસદે પણ બળવાખોરોને દબાવવા માટે બળનો ઉપયોગ કરવામાં કોઈ કસર છોડી નથી.

હવે હોમ્સ શહેરને કબજે કરવાની તૈયારી

ગયા સપ્તાહમાં સીરિયામાં બળવાખોરોએ સરકાર વિરુદ્ધ અચાનક હુમલા શરૂ કર્યા અને અત્યાર સુધીમાં તેમણે બે મહત્ત્વપૂર્ણ મોટાં શહેરો પર કબજો કરી લીધો છે.

બળવાખોરો હવે દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છે. અલેપ્પોથી દમાસ્કસ તરફ જવાના માર્ગ પર હોમ્સ આગળનું શહેર છે.

બળવાખોરોના હુમલાના ડરથી લઘુમતી સમુદાય અલાવિતના લોકોએ પોતાનાં ઘરો છોડવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિ અસદ આ જ સમુદાયના છે.

વીડિયો ફૂટેજમાં આ સમુદાયના લોકો ઝડપથી ઘર છોડીને જતાં જોવા મળે છે. ઉતાવળમાં ઘરેથી ભાગતા લોકોના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો છે. રસ્તા પર ગાડીઓનો કાફલો જોવા મળે છે.

બ્રિટન સ્થિત મોનિટરિંગ જૂથ સીરિયન ઑબ્જર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે બળવાખોરોને આગળ વધતા રોકવા માટે લડાકુ વિમાનોએ હમા અને હોમ્સ વચ્ચેના રોડ પર એક પુલને નિશાન બનાવ્યો છે.

સીરિયન સૈનિકો હમા પર નિયંત્રણ ગુમાવ્યા પછી તેઓ હોમ્સને બચાવવામાં કેટલી હદે સફળ થશે તે ચોક્કસ કહી શકાય નહીં.

હમા એક વ્યૂહાત્મક શહેર છે. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું આ શહેર દમાસ્કસને અલાવાઇત સમુદાયનું પ્રભુત્વ ધરાવતા વિસ્તાર સાથે જોડે છે.

હાલની લડાઈમાં 800થી વધુ લોકોનાં મોત

સીરિયામાં 2011માં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકો માર્યા ગયા છે.

લોકશાહી તરફી પ્રદર્શનકારીઓને નિર્દયતાથી કચડી નાખવાનાં પગલાં લેવાયાં ત્યાર પછી દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું.

બળવાખોરોનો હાલનો હુમલો નવ દિવસ પહેલાં શરૂ થયો હતો. ગૃહયુદ્ધ શરૂ થયા પછી તેને તેમની સૌથી ઝડપી આગેકૂચ પૈકી એક કહેવામાં આવે છે.

બ્રિટન સ્થિત મોનિટરિંગ જૂથ સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સે જણાવ્યું છે કે દેશભરમાં આ હુમલા દરમિયાન અત્યાર સુધીમાં 111 નાગરિકો સહિત 820 લોકો માર્યા ગયા છે.

અગાઉ એચટીએસના લડવૈયાઓ અને તેના સહયોગીઓએ હમા સેન્ટ્રલ જેલ પર કબજો જમાવ્યો હતો. પરંતુ ભયંકર યુદ્ધ વચ્ચે તેમણે કેદીઓને છોડાવી લીધા. જોકે, સેનાએ કહ્યું છે કે તેમણે ફરીથી શહેરની બહાર સૈનિકો ગોઠવી દીધા છે.

ઘણા દિવસોના ભીષણ યુદ્ધ બાદ બળવાખોરોએ સીરિયન સેનાની ડિફેન્સ લાઇન તોડી નાખી હતી. વાસ્તવમાં બળવાખોરોએ અલેપ્પો પર કબજો કર્યા પછી સીરિયન આર્મીએ હમામાં મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા હતા.

તેમને રશિયન હવાઈહુમલા અને ઈરાનનો ટેકો ધરાવતાં જૂથોની મદદ મળી રહી હતી, પરંતુ તેઓ હમાને બળવાખોરોના હાથમાં જતું રોકી શક્યા ન હતા.

હમા 10 લાખની વસતી ધરાવતું શહેર છે અને અલેપ્પોના દક્ષિણમાં 110 કિલોમીટરના અંતરે આવેલું છે. ગયા અઠવાડિયે બળવાખોરોએ ઉત્તર-પૂર્વમાં હુમલો કરીને અલેપ્પો શહેર પર કબજો જમાવ્યો હતો.

રશિયા અને ઈરાનથી મળતી મદદ કેટલી અસરકારક

રાષ્ટ્રપતિ બશર અલ-અસદે બળવાખોરોને 'કચડી નાખવા'ના શપથ લીધા છે. પરંતુ તેમણે કહ્યું છે કે પશ્ચિમના શક્તિશાળી દેશો આ ક્ષેત્રનો નકશો બદલવા માંગે છે. બીજી તરફ સીરિયાના સહયોગી રશિયા અને ઈરાને 'બિનશરતી' મદદની ઑફર કરી છે.

ભૂતકાળમાં પણ અસદ પોતાના વિરોધીઓને દબાવવા માટે રશિયા અને ઈરાનની મદદ લેતા રહ્યા છે.

આ વખતે પણ રાષ્ટ્રપતિ અસદની સેનાની મદદ માટે રશિયા અને ઈરાનની સેના પહોંચી ગઈ છે.

રશિયાના લડાકુ વિમાનોએ બળવાખોરોના નિયંત્રણમાં રહેલા વિસ્તારોમાં હુમલા વધારી દીધા છે.

જોકે, રશિયા અને ઈરાન બંને પોતપોતાના મોરચા પર વ્યસ્ત છે. એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ છે.

આવી સ્થિતિમાં સીરિયાના રાષ્ટ્રપતિ અસદ બળવાખોરોને અને પોતાની સરકારના પતનને કેટલો સમય રોકી શકશે તે કહેવું મુશ્કેલ છે.

આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે આ યુદ્ધના કારણે પહેલેથી જ દેશના ઉત્તરમાં બહુ ખરાબ સ્થિતિમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી થઈ છે.

હાલના સંઘર્ષના કારણે અત્યાર સુધીમાં 2.80 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

તેમાંથી મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. કેટલાક નાગરિકો ફ્રન્ટલાઇન પર ફસાઈ ગયા છે અને તેમના માટે સુરક્ષિત જગ્યા સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે.

બળવાખોરોએ અલેપ્પો પર પહેલેથી કબજો કરી લીધો છે. 20 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં હાલમાં જાહેર સેવાઓને અસર થઈ છે.

હૉસ્પિટલ, બેકરી, વીજળી, પાવરસ્ટેશન, પાણી, ઇન્ટરનેટ અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. પુરવઠાની અછત અને આ સેવાઓ ચલાવતા લોકો ન મળવાના કારણે પરિસ્થિતિ ગંભીર છે.

યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે પ્રભાવશાળી લોકો, દેશો અને સંગઠનોએ સીરિયામાં ગૃહયુદ્ધ ખતમ કરવા માટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.