ઇઝરાયલ ગાઝામાં નવું સૈન્ય બેઝ કેમ બનાવી રહ્યો છે?

    • લેેખક, બેનેડિક્ટ ગાર્મન, નિક ઇર્ડલી અને મેટ મર્ફી
    • પદ, બીબીસી વેરિફાઈ

મધ્ય-પૂર્વમાં ભયંકર સંઘર્ષ ચાલુ છે ત્યારે ઇઝરાયલ હાલમાં ગાઝામાં એક નવી સૈન્ય વિભાજન રેખા બનાવી રહ્યું છે. બીબીસી વેરિફાઈ દ્વારા અભ્યાસ કરાયેલી સેટેલાઈટ તસવીરો દેખાડે છે કે વિભાજન રેખા દ્વારા ગાઝા પટ્ટીના ઉત્તર ભાગને અલગ કરાઈ રહ્યો છે.

ઇઝરાયલી સૈનિકો ઉત્તર ગાઝા પર નિયંત્રણ ધરાવે છે અને તેને ખાલી કરાવી રહ્યા છે. સેટેલાઇટ તસવીરો અને વીડિયો દર્શાવે છે કે ભૂમધ્ય સમુદ્ર અને ઇઝરાયલ સરહદ વચ્ચે સેંકડો ઇમારતો તોડી પાડવામાં આવી છે. મોટાભાગે નિયંત્રિત વિસ્ફોટ કરીને આ કામ કરવામાં આવી રહ્યું છે.

સેટેલાઈટ તસવીરો એ પણ દર્શાવે છે કે નવા અલગ કરાયેલા ભાગમાં ઇઝરાયલી સૈનિકો અને વાહનો હાજર છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે તસવીરો સૂચવે છે કે નિયંત્રણ સરળ બનાવવા માટે ગાઝાને ઝોનમાં વિભાજિત કરવામાં આવી રહ્યું છે.

આઈડીએફના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે તે ઉત્તર ગાઝામાં "આતંકવાદી તત્ત્વો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે".

રુસી થિંક ટેન્કના મધ્ય પૂર્વ સુરક્ષા નિષ્ણાત ડૉ. એચ. એ. હેલિયરે જણાવ્યું હતું કે સેટેલાઈટ તસવીરો સૂચવે છે કે ઇઝરાયલ પેલેસ્ટાઈનના નાગરિકોને ઉત્તર ગાઝામાં પાછા ફરતા અટકાવવાની તૈયારી કરી રહ્યું છે. યુએનના અહેવાલ અનુસાર ગાઝાના ઉત્તર ભાગમાંથી પહેલેથી એક લાખ કરતાં વધુ લોકો પહેલેથી જ વિસ્થાપિત થયા છે.

સેટેલાઇટ તસવીરમાં શું દેખાય છે?

આ સેટેલાઈટ તસવીરો ગાઝા પટ્ટીના બંને છેડે રસ્તાના બે લાંબા વિભાગોને શહેરી વિસ્તાર દ્વારા સાફ કરાયેલી જમીન દ્વારા જોડતા દેખાડે છે. ઑક્ટોબરની શરૂઆતથી જોવા મળ્યું છે કે એક સ્પષ્ટ પેટર્ન સાથે રોડના બે વિભાગો વચ્ચે ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે.

આ વિભાજન ગાઝામાં પૂર્વથી પશ્ચિમ સુધી લગભગ 5.6 માઈલ (9 કિમી) સુધી લંબાય છે, જે ગાઝા શહેર અને ઉત્તર ગાઝામાં જબાલિયા, બીટ હનોન અને બીટ લાહિયાના શહેરોને વિભાજિત કરે છે.

બીબીસીને જણાવાયું છે કે જબાલિયા અને ગાઝા સિટી વચ્ચે એક વ્યૂહાત્મક માર્ગ છે, જે જબાલિયામાં હમાસને નિશાન બનાવતી સૈન્ય કાર્યવાહીનો એક ભાગ છે.

આઈડીએફ દ્વારા ફિલ્માવવામાં આવેલા અને ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા વિડીયો દર્શાવે છે કે ઑક્ટોબરની શરૂઆતથી નિયંત્રિત વિસ્ફોટોમાં અનેક બહુમાળી ઈમારતો નાશ પામી રહી છે.

નીચે આપેલા ગ્રાફિકમાં નવા કોરિડોર સાથે બીબીસી વેરિફાઈ દ્વારા ભૌગોલિક સ્થળોનાં ઉદાહરણો બતાવે છે.

આઈડીએફના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે હમાસને ખતમ કરવા માટે "વ્યૂહાત્મક જરૂરિયાત સિવાય" સિવિલ માળખાગત સુવિધાઓને નષ્ટ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.

અન્ય ફૂટેજમાં જોવા મળે છે કે આઈડીએફ હમ્વી વાહનોને ઈઝરાયલની દિશામાંથી સાફ કરાયેલા વિસ્તારમાંથી ચલાવે છે. હમ્વી વાહન એ અન્ય સૈન્ય વાહનોની જેમ ભારે બખ્તરબંધ નથી. ડૉ. હેલિયરે બીબીસીને જણાવ્યું કે જ્યાં સુધી સૈન્યને તેમની સલામતી અંગે વિશ્વાસ ન હોય ત્યાં સુધી તેનો ઉપયોગ થવાની શક્યતા નથી, જે દર્શાવે છે કે ઇઝરાયેલી સૈનિકો આ વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે.

કેટલાક વિશ્લેષકો માને છે કે આઈડીએફની હાજરી કાયમી મિલિટરી વિભાજનનો સંકેત આપી શકે છે. તેનાથી તેને ગાઝા અને ઉત્તર ગાઝાના વહીવટી પ્રદેશ વચ્ચે કોણ મુસાફરી કરી શકે તેનું નિયંત્રણ મળે છે.

ડૉ. હેલિયરે આઈડીએફ વિશે કહ્યું, “તેઓ લાંબા ગાળા માટે ત્યાં તંબૂ તાણવાના છે. મને સંપૂર્ણપણે લાગે છે કે ઉત્તરનું વિભાજન નેત્ઝારીમ કોરિડોરની જેમ જ થશે."

વર્તમાન યુદ્ધની શરૂઆતથી ગાઝામાં કેવી રીતે બે પાર્ટિશન બનાવવામાં આવ્યા છે તે બાબતને બીબીસીએ ડૉક્યુમેન્ટ કરી છે. નેત્ઝારિમ કોરિડોર ગાઝા શહેરની દક્ષિણે એક વિસ્તારને વિભાજિત કરે છે, જ્યારે ફિલાડેલ્ફી કોરિડોર ઇજિપ્ત સાથેની ગાઝાની સરહદે જમીન પર આઈડીએફને નિયંત્રણ આપે છે.

ઉત્તરમાં આ નવા વિભાજનનું બીબીસી વિશ્લેષણ ગયા વર્ષમાં અગાઉના કોરિડોરના બાંધકામની સમાન પૅટર્ન દર્શાવે છે, તેમાં હાલના અને નવા બનેલા રસ્તા જોડાયેલા છે અને નિયમિત અંતરે મિલિટરી ચોકીઓ ઊભરી રહી છે. ઇમારતો અને ખેતીની જમીન સાફ કરવામાં આવે છે જેથી રસ્તાઓ પાકા કરી શકાય અને લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે.

સેટેલાઈટ તસવીરો નવા મિલિટરી વિભાજનમાં નષ્ટ થયેલી ઈમારતો દર્શાવે છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિમાં વિશેષતા ધરાવતી ઇઝરાયલ થિંક ટેન્ક, બિગિન-સદાત સેન્ટર ફોર સ્ટ્રૅટેજિક સ્ટડીઝ (બેસા)ના ડૉ. ઇડો હેક્ટ એ બાબતે સહમત છે કે ડેટા પરથી નવી વિભાજન રેખા જોઈ શકાય છે. પરંતુ તેમને સવાલ છે કે શું તેને કાયમી ધોરણે ડિઝાઇન કરવામાં આવી હતી?

તેઓ કહે છે, “ગાઝા સિટી અને ગાઝા પટ્ટીના ઉત્તરના ટાઉન્સને અલગ કરતો નવો પાર્ટિશન કોરિડોર છે. તેનું લક્ષ્ય હમાસ અને અન્ય સંગઠનોને ત્યાંથી મળતી બધી મદદ કાપી નાખવાનો છે. આ સંગઠનો આ વિસ્તારમાં પાછા ફર્યા છે. આમ કરવાથી તેમને વધુ અસરકારક રીતે નિયંત્રણમાં રાખી શકાશે.

બીજી તરફ ઇઝરાયલે "જનરલની યોજના" લાગુ કરી હોવાનો ઇનકાર કર્યો છે. ઈઝરાયલના ભૂતપૂર્વ જનરલ જિયોરા ઈલેન્ડ દ્વારા ઘડવામાં આવેલા આ પ્લાન હેઠળ, નાગરિકોને ઉત્તર છોડવા માટે કહેવામાં આવશે, પુરવઠો અટકાવી દેવાશે અને આ વિસ્તાર મિલિટરી ઝોન બની જશે. જે લોકો ત્યાં રહેશે તેને લડવૈયા ગણવામાં આવશે અને તેમને "શરણે આવવા અથવા ભૂખે મરવા"ના વિકલ્પ અપાશે, જેથી હમાસ પર તેના બંધકોને છોડાવવા માટે દબાણ લાવી શકાય.

બીબીસીને આપેલા એક નિવેદનમાં આઈડીએફના પ્રવક્તાએ કહ્યું, "આઈડીએફ સુસ્થાપિત સૈન્ય યોજનાઓ અનુસાર કાર્ય કરે છે, અને આઈડીએફ આ યોજનાને અમલમાં મૂકી રહ્યું છે, તેવો દાવો ખોટો છે."

પરંતુ ઉત્તર ગાઝામાં આઈડીએફથી ઘેરાયેલાં શહેરોમાં વસતા પેલેસ્ટાઈનના હજારો નાગરિકોની સુરક્ષાની ચિંતા વધી ગઈ છે.

ગાઝામાં કેવી પરિસ્થિતિ છે?

યુએન અને ચેરિટી સંસ્થાઓએ ગાઝાના ઉત્તરમાં પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમાં હજારો લોકો વિસ્થાપિત થયા છે, ત્યારે યુએન કહે છે કે આ વિસ્તારમાં 65 હજારથી વધુ લોકો રહેતા હોવાની શક્યતા છે.

યુએન એમ પણ કહે છે કે છેલ્લા 50 દિવસમાં ઉત્તર ગાઝાના વહીવટી પ્રદેશમાં "અસરકારક રીતે કોઈ સહાય નથી" પ્રવેશી. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાકાબંધીને કારણે પેલેસ્ટાઈનવાસીઓ "પુરવઠા અને સેવાઓની ગંભીર અછત, તેમજ ભયંકર ભીડ અને સ્વચ્છતાની ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે."

આ મહિનાની શરૂઆતમાં યુએન-સમર્થિત મૂલ્યાંકનમાં જણાવાયું હતું કે ઉત્તર ગાઝાના ઘેરાયેલા વિસ્તારોમાં દુષ્કાળની પ્રબળ સંભાવના છે.

બીબીસીના વિશ્લેષણ મુજબ ઉત્તર ગાઝાનો લગભગ 90 ટકા ભાગ ઑક્ટોબરની શરૂઆતથી ખાલી કરાવવાના આદેશોને આધિન છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં લોકોને નવા વિભાજનની દક્ષિણમાં ખસેડવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. તેઓ પાછા આવી શકશે કે કેમ અને ક્યારે પાછા આવી શકશે તે નક્કી નથી. પરંતુ ઇઝરાયલના વિદેશમંત્રીએ કહ્યું છે કે યુદ્ધ પૂરું થાય પછી નાગરિકોને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે.

સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર ગાઝામાં લોકોનું વિસ્થાપન જોઈ શકાય છે. કામચલાઉ આશ્રય તરીકે બાંધવામાં આવેલા તંબુઓના મોટા જૂથો અદૃશ્ય થઈ રહ્યા છે. ખાલી કરાયેલા વિસ્તારમાં ઘણી ઈમારતો ધ્વસ્ત કરવામાં આવી છે અને લશ્કરી પ્રવૃત્તિના અન્ય ઉદાહરણો જોઈ શકાય છે.

આઈડીએફએ હળવી બખ્તરબંધ ગાડીઓમાં મુસાફરી કરી શકાય એટલા પૂરતું નિયંત્રણ સ્થાપિત કર્યું હોવાનું જણાય છે, પરંતુ આ વિસ્તારમાં આઈડીએફની ટુકડીઓ અને હમાસના લડવૈયાઓ વચ્ચે ભારે લડાઈ પણ ચાલુ છે.

હમાસના લડવૈયાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં વિભાજન રેખાની આસપાસના વિસ્તારમાં આઈડીએફની ટેન્કો સાથે અથડામણો જોવા મળે છે.

નવા વિભાજનને કેટલા સમય સુધી ચાલુ રાખવાનો ઈરાદો હોઈ શકે તે અંગે નિષ્ણાતોમાં મતમતાંતર છે. ડૉ. હેલિયરે જણાવ્યું કે તે પેલેસ્ટાઈનવાસીઓને આ વિસ્તારમાંથી કાયમી ધોરણે હાંકી કાઢવાની યોજનાનો આધાર બનાવી શકે છે.

તેઓ કહે છે, "વ્યક્તિગત રીતે મને લાગે છે કે તેઓ ઉત્તરમાં યહૂદી વસાહતીઓને સ્થાપશે. કદાચ આગામી 18 મહિનામાં." "તેઓ તેમને વસાહતો નહીં કહે. શરૂઆતમાં તેમને ચોકી અથવા એવું કંઈક કહેશે, પરંતુ તે વસાહત જ હશે અને તેઓ ત્યાંથી આગળ વધશે."

ઇઝરાયલના કટ્ટર જમણેરી નાણા પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચે કહ્યું છે કે સૈનિકોએ ગાઝા પર કબજો જાળવી રાખવો જોઈએ અને પેલેસ્ટાઈનના લગભગ અડધા નાગરિકોને બે વર્ષમાં પ્રદેશ છોડવા માટે "પ્રોત્સાહિત" કરવા જોઈએ.

પરંતુ ઇઝરાયલ સરકાર યુદ્ધ સમાપ્ત થાય ત્યાર પછી ગાઝામાં વસાહતો બનાવવાની યોજના હોવાનો ઇનકાર કરે છે. ડૉ. હેચટે આવા સૂચનોને કેટલાક અતિરાષ્ટ્રવાદી મંત્રીઓનાં "સ્વપ્ન" ગણીને ફગાવી દીધાં હતા.

તેમણે કહ્યું, "તમામ ત્રણ કોરિડોર (દક્ષિણમાં ફિલાડેલ્ફી, ગાઝા સિટીની દક્ષિણે નેત્ઝારિમ અને ગાઝા સિટીની ઉત્તરે નવો કોરિડોર) નિયંત્રણના હેતુઓ માટે છે."

તેઓ કહે છે, "યુદ્ધ ક્યારે સમાપ્ત થાય છે અને તે કેવી રીતે સમાપ્ત થાય છે તેના પર તેમના અસ્તિત્વનો સમયગાળો નિર્ભર રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.