You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારાં બાળકોના પગ થીજી જાય છે'- ગાઝામાં ઘરવિહોણા લોકો સામે હવે કડકડતી ઠંડીનો પડકાર
- લેેખક, યોલાન્દે નેલ
- પદ, મધ્ય પૂર્વના સંવાદદાતા, જેરુસલેમથી
ગાઝામાં આવેલા બીચ હવે સમગ્ર દિવસની ટ્રિપ માટે લાયક રહ્યા નથી. યુદ્ધને કારણે પોતાનું ઘર છોડવા મજબૂર બની ગયેલા હજારો લોકો માટે હવે આ દરિયાકિનારો જ ઘર છે.
હવે આ ઘરથી વિસ્થાપિત થયેલા લોકો પર નવો ખતરો મંડાઈ રહ્યો છે. તેમનાં અસ્થાયી ઘરો પર હવે કાતિલ શિયાળાનો ખતરો છે.
દિયાર અલ-બલાહના મોહમ્મદ અલ-હબીબી કહે છે, "તંબુમાં કંઈ બચ્યું નથી. ગાદલાં, ધાબળાં, બ્રેડ બધું છીનવાઈ ગયું છે. આ બધું દરિયો તાણી ગયો છે."
તેઓ કહે છે, "અઢી વર્ષના બાળકને પણ દરિયો તાણી ગયો હતો, અમે માંડ બચાવ્યું છે."
યુનાઇટેડ નેશન્સ પ્રમાણે, ગાઝાના લગભગ 23 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે અને તેમાંથી દસમાંથી નવ લોકો તંબુમાં જીવન ગુજારી રહ્યા છે.
ધીમેધીમે તાપમાન ઘટી રહ્યું છે અને ઘણા લોકો બીમાર પડી રહ્યા છે. પાણી અને ગટરના પાણીનું પૂર પણ આવી ચૂક્યું છે.
'નથી લોટ, નથી પાણી કે નથી આશરો'
ખાન યુનૂસમાં શાઇમા ઇસા બીબીસીને જણાવે છે કે, "મારાં બાળકોના પગ, તેમનું માથું જાણે કે થીજી જાય છે. મારી દીકરીને ઠંડીને કારણે તાવ આવી ગયો છે. અમે રસ્તા પર છીએ, અને કાપડના ટુકડા સિવાય અમારી પાસે કશું નથી. અહીં તમામ લોકો શરદી અને કફથી પીડાઈ રહ્યાં છીએ."
તેમની બાજુમાં રહેલા સાલ્વા અબુ નિમેર રડતાં રડતાં કહે છે, "જ્યારે વરસાદ વરસે છે ત્યારે અમે ભીંજાઈ જઈએ છીએ. ભારે વરસાદથી પાણી ભરાઈ જાય છે. અમારી પાસે કંઈ વૉટરપ્રૂફ નથી. પાણી અમારા તંબુમાં ઘૂસી જાય છે અને અમારાં કપડાં પણ પલળી જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "નથી લોટ, નથી પાણી કે નથી આશરો. મને ખબર નથી પડતી કે હું આ કેવું જીવન જીવી રહી છું? એવું લાગે છે કે માત્ર બાળકોને ખાવાનું પૂરતું મળી રહે તેના માટે મારે ક્યાંય સુધી ભટકવું પડે છે."
બ્રેડનો ટુકડો મેળવવા ધક્કામુક્કી
ઉત્તરમાં પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ છે. યુએનના અધિકારીઓ ગાઝામાં દવાઓ, ખોરાક, આશ્રય અને બળતણની ભયંકર અછતની ચેતવણી આપી રહ્યા છે. તેઓ પરિસ્થિતિને 'અત્યંત ખરાબ'તરીકે વર્ણવે છે.
મધ્ય અને દક્ષિણ ગાઝાના ભાગોમાં જ્યાં મોટા ભાગના લોકો રહે છે ત્યાં ચેરિટી હેન્ડઆઉટ્સ માટે લાંબી કતારો છે.
અમારા સ્થાનિક કૅમેરામૅને એવાં અનેક દૃશ્યોનું શૂટિંગ કર્યું છે જેમાં સેંકડો લોકો બેકરીઓની બહાર ટોળામાં ઊભા હોય અને બ્રેડ મેળવવા તલપાપડ હોય. જ્યારે રાહ જોઈને થાકેલા લોકો આગળ વધે છે ત્યારે ભીડને કારણે તેઓ કચડાય છે.
હનાન અલ-શામાલી કહે છે દેર અલ-બલાહમાં છે પરંતુ મૂળ ઉત્તરી ગાઝાના રહેવાસી છે. તેઓ કહે છે, "મારે એક રોટલી જોઈએ છે. મને દુખાવો, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર છે. હું લોકોના ટોળામાંથી પસાર થઈ શકતો નથી. મને ડર છે કે મારો શ્વાસ રુંધાઈ જઈશ અને મરી જઈશ."
તેઓ કહે છે, "મને બ્રેડની જરૂર છે જેથી કરીને હું અનાથ બાળકોને ખવડાવી શકું. દરરોજ સવારે હું અહીં આવું છું. અંતે મને રોટલી મળે કે ના મળે પણ હું રોજ અહીં આવું છું. ક્યારેક જ મને બ્રેડ મળે છે, મોટે ભાગે મળતી નથી."
કડકડતી ઠંડીને કારણે પીડા વધશે
કેરેમ શાલોમ ક્રૉસિંગ કે જે ગાઝા સાથે ઇઝરાયલના વચ્ચેનો મુખ્ય ક્રૉસિંગ પૉઇન્ટ છે ત્યાં ગયા અઠવાડિયે પત્રકારોને સુરક્ષા તપાસમાંથી પસાર થતાં માલસામાનને લઈ જતી લારીઓ બતાવવામાં આવી હતી.
પેલેસ્ટિનિયન પ્રદેશમાં પ્રવેશતી સહાય ગત વર્ષની સરખામણીએ સૌથી નીચા સ્તરે છે. જોકે, ઇઝરાયલ વિતરણ સમસ્યાઓ માટે સહાય કરતી એજન્સીઓને દોષી ઠેરવે છે.
આ ક્રૉસિંગ પર નિયંત્રણ રાખી રહેલી ઇઝરાયલી સેનાના કોગટ દળના પ્રવક્તા શિમોન ફ્રીડમૅને જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યે અમે હજુ પણ જોઈ રહ્યા છીએ કે માનવતાવાદી સહાયને જ્યાં પહોંચવાની જરૂર છે ત્યાં સુધી પહોંચવાનો સૌથી મોટો બૅકલોગ એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વિતરણ ક્ષમતા છે. મારા કાર્યક્ષેત્રમાં આવતી 800 ટ્રકો પરથી હું આ તારણે પહોંચ્યો છું."
પરંતુ ગાઝામાં રહેલા માનવતાવાદી કાર્યકરો કહે છે કે સશસ્ત્ર ગૅંગ એ કેરેમ શાલોમથી લાવવામાં આવતા સપ્લાયને અંધારામાં લૂંટી રહી છે. તેના કારણે હવે ક્ષેત્રમાં કાર્યરત સૌથી મોટી યુએન એજન્સી યુએનઆરડબલ્યુએ પણ ડિલિવરી માટે આ માર્ગનો ઉપયોગ અટકાવવા જઈ રહી છે.
યુએનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના સ્થાનિક વડા એન્ટોઈને રેનાર્ડ કહે છે કે એકંદરે ચિત્ર એવું છે કે, 'પેલેસ્ટિનિયનો અસ્તિત્વ માટે દૈનિક સંઘર્ષ' કરી રહ્યા છે.
તેઓ કહે છે, "ભૂખ, વિનાશ અને વિનાશનું સ્તર આપણે ગાઝામાં જોઈ રહ્યા છીએ તે પહેલાં કરતાં પણ વધુ ખરાબ છે. લોકો હવે તેનો સામનો કરી શકવા સક્ષમ નથી. બજારો ખાલી હોય ત્યારે ભાગ્યે જ કોઈ ખોરાક આવે છે."
ગાઝામાં વિનાશ વચ્ચે હજુ પણ યુદ્ધનો કોઈ અંત આવ્યો નથી. જેમ જેમ હવામાન ઠંડું થતું જશે, એમ જાણે કે વધુ વેદના, પીડા અને સંઘર્ષ લોકોને ભોગવવો પડશે એવું જ પ્રતીત થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન