'ઑપરેશન મોગાદિશુ'ની કહાની, જ્યારે સોમાલિયામાં હુમલો કરવા અમેરિકાના સૈનિકો પહોંચ્યા ત્યારે તેમને જંગ છોડીને ભાગવું પડ્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

જો તમે સોમાલિયાના તાજેતરના ઇતિહાસ પર નજર નાખશો તો તમને દુકાળ,અછત, ક્રૂર સરમુખત્યાર, અંદર-અંદર લડતા કબીલાઓ અને અરાજકતા જ જોવા મળશે.

80ના દાયકામાં સોમાલિયામાં એટલો ભયંકર દુકાળ પડ્યો હતો કે તેનું માળખાગત ઢાંચો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

1992માં યુએસ ફર્સ્ટ મરીન ડિવિઝન અને સ્પેશિયલ ફોર્સના કેટલાક સૈનિકોને રાહત કાર્ય માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા. તે સમયે સોમાલિયામાં કોઈ કાર્યરત સરકાર નહોતી. સત્તા પર નિયંત્રણ માટે બે કબાઇલી નેતાઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો.

5 જૂન, 1993 ના રોજ નિયમિત શસ્ત્ર નિરીક્ષણ દરમિયાન મોહમ્મદ ફરાહ આયદીદના સર્મથક આતંકવાદીઓએ ઘાત લગાવી 24 પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરીને તેમની હત્યા કરી દીધી.

આયદીદના લોકોને પકડવાનું મિશન

આના જવાબમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આયદીદ અને તેના સોમાલી નૅશનલ ઍલાયન્સના સભ્યોની ધરપકડ કરવાનો આદેશ આપતો ઠરાવ પસાર કર્યો.

મૅટ ઍવર્સમૅન અને ડૅન શિલિંગ તેમના પુસ્તક 'બૅટલ ઑફ મોગાદિશુ' માં લખે છે, "યુએસ જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફના નિર્દેશ પર યુએસ સ્પેશિયલ ઑપરેશન્સ કમાન્ડે આયદીદને પકડવાના ઉદ્દેશ્ય સાથે એક ટાસ્ક ફોર્સની રચના કરી."

26 ઑગસ્ટ, 1993 ના રોજ યુએસ આર્મી, નેવી અને ઍરફોર્સના કર્મચારીઓની એક ટુકડી મોગાદિશુ ઍરપૉર્ટના મુખ્ય હેંગર પર આવી પહોંચી.

પાંચ અઠવાડિયા પછી રવિવારે બપોરે આ સૈનિકોએ ઑપરેશન 'ગોથિક સર્પન્ટ' શરૂ કર્યું. આ તેમનું સાતમું અને છેલ્લું ઑપરેશન હતું.

તે સમય સુધીમાં દસ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે સોમાલિયાના લોકોને લડાઈનો નોંધપાત્ર અનુભવ હતો. મોગાદિશુ શહેરની વસ્તી દસ લાખથી વધુ હતી.

આમાંના મોટાભાગના લોકો પાસે હથિયારો હતાં.

આયદીદના સમર્થકો ચારેબાજુ ફેલાયેલા હતા

3 ઑક્ટોબર, 1993 ના રોજ અમેરિકનોને ખબર પડી કે આયદીદની નજીકના બે લોકો ઑલિમ્પિક હોટલની બાજુમાં આવેલી એક ઇમારતમાં બેઠક કરી રહ્યા છે.

આ ઇમારત પર હુમલો કરવાને બદલ આ લોકોની ધરપકડનો નિર્ણય કરવામાં આવ્યો. આ સ્થળ મોગાદિશુની વચ્ચોવચ આવેલા બકારા માર્કેટમાં હતું.

અમેરિકન સૈન્યદળનાં સામેલ મૅટ ઍવર્સમૅન લખે છે, "અમારે મોગાદિશુમાં એક ઇમારત પર હુમલો કરવો પડ્યો. 3:32 વાગ્યે અમારા હેલિકૉપ્ટરે તેના લક્ષ્ય તરફ ઉડાન ભરી. અમારા લક્ષ્ય સુધી ઉડાનનો સમય ફક્ત 3 મિનિટનો જ હતો. તે એક ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હતો જ્યાં આયદીદના સમર્થકો ચારે બાજુ ફેલાયેલા હતા. અમારી યોજના અડધા કલાકમાં આખું મિશન પૂર્ણ કરવાની હતી. પરંતુ અમારા હેલિકૉપ્ટરને તોડી પાડવામાં આવ્યા બાદ આ હુમલો બચાવ કામગીરીમાં ફેરવાઈ ગયો."

"અમે ઉડાન ભરતાની સાથે જ અમારા પાઇલટ્સે અહેવાલ આપ્યો કે સોમાલીઓ રસ્તાઓ પર ટાયર સળગાવી રહ્યા છે. કેટલાક લોકો માનતા હતા કે ટાયર સળગાવવું એ સોમાલી લડવૈયાઓ માટે લોકોને હુમલા વિશે ચેતવણી આપવા માટેનો એક કોડ છે. અન્ય લોકો માનતા હતા કે ટાયર સળગાવીને તેઓ અમેરિકન બૉમ્બરોના માર્ગમાં અવરોધ ઊભો કરવા માગે છે."

હેલિકૉપ્ટરની પાંખોએ ધૂળ ઉડાડી

આ મિશનમાં 12 બ્લૅક હૉક હેલિકૉપ્ટર અને લગભગ 100 અમેરિકન સૈનિકોએ ભાગ લીધો હતો.

દરેક હેલિકૉપ્ટરમાં ચાર સૈનિકો હતા. તેમણે કાળા રંગનું બુલેટ પ્રૂફ જૅકેટ પહેર્યું હતું. તેણે રેડિયો ઇયર-પ્લગ ઉપર પ્લાસ્ટિક હૉકી હેલ્મેટ પહેર્યું હતું. તેમની પાસે રેપરાઉન્ડ માઇક્રોફોન હતો તેથી તેઓ બધા એકબીજાના સતત સંપર્કમાં રહેતા હતા. હેલિકૉપ્ટર ભીડવાળા વિસ્તારમાં પહોંચતાની સાથે જ નીચે ઊભેલા લોકો અને ગાડીઓ વિખેરાઈ જવા લાગી.

હેલિકૉપ્ટરની પાંખોનાં જોરદાર પવનને કારણે કેટલાક લોકો જમીન પર પડી ગયા. નીચે ઊભેલા કેટલાક લોકો ઉપર તરફ ઇશારો કરી રહ્યા હતા જાણે હેલિકૉપ્ટરને નીચે રસ્તા પર ઉતરીને લડવા માટે પડકાર ફેંકી રહ્યા હોય.

માર્ક બાઉડેન તેમના પુસ્તક 'બ્લૅક હૉક ડાઉન: અ સ્ટોરી ઑફ મોર્ડન વૉર' માં લખે છે, "પહેલા બે હેલિકૉપ્ટર ટાર્ગેટ બિલ્ડિંગની દક્ષિણ તરફ ઉતર્યાં. તેમના લૅન્ડિંગથી એટલી બધી ધૂળ ફેલાઈ ગઈ કે બીજા હેલિકૉપ્ટર પરના પાઇલટ્સ અને સૈનિકો નીચે કંઈ જોઈ શક્યા નહીં. પહેલું હેલિકૉપ્ટર એ જ જગ્યાએ ઉતર્યું જ્યાં બીજું હેલિકૉપ્ટર લૅન્ડ થવાનું હતું. બીજા હેલિકૉપ્ટરે ફરીથી ઊંચાઈ લઇને ટાર્ગેટ બિલ્ડિંગની સામે જ ઉતર્યું; આ સ્થળ અગાઉથી લૅન્ડિંગ માટે નક્કી કરવામાં આવ્યું ન હતું."

એક સૈનિક હેલિકૉપ્ટરમાંથી પડી ગયો

અમેરિકન સૈનિકોને ઉતરતા જ એક અકસ્માત થયો. ટૉડ બ્લૅકબર્ન નામનો એક સૈનિક 70 ફૂટની ઊંચાઈથી હેલિકૉપ્ટરમાંથી સીધો જમીન પર પડી ગયો.

આ ઘટનાનું વર્ણન કરતા મૅટ ઍવર્સમૅન લખે છે, "જેમ જેમ હું નીચે આવવા લાગ્યો, મેં હેલિકૉપ્ટરના નીચેના ભાગ તરફ જોયું... મોજાં પહેર્યાં હોવા છતાં નાયલોન દોરડું મારા હાથ બાળી રહ્યું હતું. મેં નીચે જોયું કે મારે હજુ કેટલું નીચે ઉતચરવાનું છે. જ્યારે મેં નીચે જોયું ત્યારે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. નીચે એક વિકૃત શરીર પડેલું હતું."

"મને પહેલો વિચાર આવ્યો કે કોઈને ગોળી વાગી છે. શું તે મરી ગયો છે? જ્યારે મારા પગ જમીનને સ્પર્શ્યા ત્યારે તેના લગભગ શરીરને અડી ગયા. ડૉકટરો તેની સારવારમાં લાગ્યા હતા. તેનાં નાક, કાન અને મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. તે બેભાન હતો."

"હેલિકૉપ્ટરમાંથી નીચે ઉતરતી વખતે તેના હાથમાંથી દોરડું સરકી ગયું અને તે 70 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયો. મેં મારા અન્ય સાથીઓ વિશે જાણવા માટે આસપાસ જોયું પછી મને ખ્યાલ આવ્યો કે અમારા પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે."

અમેરિકન સૈનિક માર્યો ગયો

શરૂઆતમાં સોમાલીઓની ગોળીઓ નિશાન ચૂકી ગઈ હતી પરંતુ પછી તેઓ લક્ષ્યને પર સચોટ રીતે હુમલો કરવા લાગ્યા.

રસ્તાની વચ્ચે એક વાહન ઊભું હતું. સોમાલીઓ તેનો કવર તરીકે ઉપયોગ કરીને અમેરિકન સૈનિકો પર ગોળીબાર કરી રહ્યા હતા.

કોઈ ઇમારતની બાજુમાંથી કાર તરફ દોડતો. તેઓ કારના કવર પાછળથી ગોળીબાર કરતા અને પછી રસ્તાની બીજી બાજુ ભાગી જતા હતા.

આ દરમિયાન બ્લૅક હૉક હેલિકૉપ્ટરોએ પણ ઉપરથી સોમાલી લડવૈયાઓ પર ગોળીબાર શરૂ કરી દીધો. પરંતુ સોમાલી લડવૈયાઓ પણ ગોળીઓનો જવાબ ગોળીઓથી આપી રહ્યા હતા. પરંતુ આ ઘટનાઓ છતાં અમેરિકન સૈનિકો 19 વૉન્ટેડ બળવાખોરોને પકડવામાં સફળ રહ્યા.

મૅટ ઍવર્સમૅન લખે છે, "મશીનગન ફાયરનો અવાજ એટલો મોટો હતો કે તેની મારા દાંત પર અસર થઇ. પછી અમારા સાથી સાર્જન્ટ કેસી જૉયસને ગોળી વાગી ગઈ. તેમણે કેવલર વેસ્ટ પહેર્યો હોવા છતાં ગોળી તેમની બગલમાંથી તેમના શરીરમાં પ્રવેશી. જે વેસ્ટથી ઢંકાયેલી ન હતી. તેમની ઇજા એટલી નાની હતી કે મેં તેને લગભગ અવગણી દીધી."

"એવું લાગતું હતું કે તેને બહુ દુખાવો નહોતો થતો. તે બિલકુલ હલતો નહોતો. તે ફક્ત મારી સામે જોતો રહ્યો. પરંતુ જ્યારે અમારા ડૉક્ટર સાથીએ તેની તપાસ કરી અને તેના શરીરને ટ્રકમાં મૂકવાનો ઇશારો કર્યો. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મારી ટીમનો આ સભ્ય મૃત્યુ પામ્યો છે."

બ્લૅક હૉક હેલિકૉપ્ટર તોડી પાડવામાં આવ્યું

તે સમયે બ્લૅક હૉક હેલિકૉપ્ટરની પહેલી પ્રાથમિકતા ઘાયલો અને ધરપકડ કરાયેલા બળવાખોરોને ઠેકાણે લઇ જવાની હતી.

પછી રેડિયો ઑપરેટર માઇક કુર્થે એક બ્લૅક હૉક હેલિકૉપ્ટર ખૂબ નીચે ફરતું જોયું.

કુર્થ લખે છે, "આ જોયા પછી મને કંઈક અજુગતુ લાગ્યું. પછી મેં જોયું કે હેલિકૉપ્ટર નીચે પડી રહ્યું હતું. પહેલા મને લાગ્યું કે પાઈલટ કોઈ ઍન્ગલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તેના પર સ્નાઇપર્સ સચોટ શોટ ના લઇ શકે. પરંતુ હેલિકૉપ્ટર ફરતું ફરતું નીચે જ આવતું હતું."

"એક પૂર્ણ વળાંક લીધા પછી હેલિકૉપ્ટર ઇમારતોની પાછળ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું. મને ક્રૅશનો અવાજ સંભળાયો નહીં પણ હું અનુમાન કરી શક્યો કે શું થયું હશે. મેં તરત જ બધાને જાણ કરી, 'વી હેવ અ બર્ડ ડાઉન.' તે સમયે ઘડિયાળ 4:18 બતાવી રહી હતી. હકીકતમાં બ્લૅક હૉક હેલિકૉપ્ટરને RPG દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું."

મૃતકોની સંખ્યા વધી

દરમિયાન અમેરિકન જાનહાનિ વધી રહી હતી.

એક અમેરિકન ઑપરેટર એક ચોકડી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે શેરીના ખૂણાથી માંડ ચાર કે પાંચ ફૂટ દૂર હતો ત્યારે દૂરથી એક ગોળી તેના હેલ્મેટ પર વાગી.

માઇક કુર્થ લખે છે, "તેનું હેલ્મેટ આપણા કે-પોટ હેલ્મેટ જેટલું મજબૂત નહોતું. ગોળી વાગતા જ તેનું માથું પાછળની બાજુ ફંટાયું અને મેં તેના માથાના પાછળના ભાગમાંથી લોહીનો ફુવારો નીકળતો જોયો. જેનાથી તેની પાછળની દિવાલ લાલ થઈ ગઈ હતી. તે જમીન પર પડી ગયો."

"મેં જે જોયું તેના પર મને વિશ્વાસ જ ન થયો. તે જમીન પર પડતાની સાથે જ બીજા ઑપરેટરે તેને સુરક્ષિત જગ્યાએ લઇ જવલાનો પ્રયાસ કરતો હતો. તે ફક્ત બે પગલાં જ ચાલ્યો હશે ત્યારે તેને પણ ગોળી વાગી."

સૈનિકોને ટ્રકમાં ભરીને સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા

અન્ય સૈનિકો મોગાદિશુમાં ફસાયેલા અમેરિકન સૈનિકોને મદદ કરવા માટે રાતે 2 વાગ્યે પહોંચી શક્યા. પરંતુ ત્યાં લડી રહેલા અમેરિકન સૈનિકોએ મૃત ચીફ વૉરંટ ઑફિસર ક્લિફ વૉલકોટના મૃતદેહ લીધા વિના પાછા ફરવાનો ઇન્કાર કર્યો.

વૉલકોટનો મૃતદેહ હજુ પણ તે તોડી પડાયેલા હેલિકૉપ્ટરમાં જ ફસાયેલો હતો. ઘણા કલાકોની મહેનત પછી તેઓ તેના મૃતદેહને બહાર કાઢવામાં સફળ રહ્યા. પણ ત્યાં સુધીમાં તો સવાર થઈ ગઈ હતી.

સવારે 5:42 વાગ્યે તેઓએ બધા જ ઘાયલોને ટ્રકમાં ભરી દીધા. પછી તેમને ખ્યાલ આવ્યો કે જે લોકો ઘાયલ થયા નથી તેમના માટે ટ્રકમાં કોઈ જગ્યા જ બાકી નથી.

માર્ક બૉડેન લખે છે, "બચી ગયેલા સૈનિકો તે ટ્રકોની પાછળ દોડ્યા અને ઑલિમ્પિક હોટલ પહોંચ્યા. હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળથી તે અંતર ફક્ત 400 થી 600 મીટર હતું. પાછળથી આ અંતરને 'મોગાદિશુ માઇલ' તરીકે ઓળખવામાં આવે છે."

"ત્યાંથી બધા મૃતકો અને ઘાયલ સૈનિકોને ટ્રકોમાં ભરીને સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા. જે ત્યાં મોકલવામાં આવેલા પાકિસ્તાની શાંતિ રક્ષા દળનો બેઝ હતો. આખા રસ્તામાં અયદીદના સમર્થકો ટ્રકોના કાફલા પર ગોળીબાર કરતા રહ્યા. જેમાં બે મલેશિયન સૈનિકો પણ માર્યા ગયા."

"કુલ 88 સૈનિકો ઘાયલ થયા હતા. આ બધા થાકેલા સૈનિકો સવારે સાડા છ વાગ્યે સ્ટેડિયમ પહોંચ્યા. સ્ટેડિયમમાં હાજર ડૉ. બ્રુસ ઍડમ્સ એક સમયે એક કે બે દર્દીઓને જોવા માટે ટેવાયેલા હતા. ત્યાં આખું સ્ટેડિયમ લોહીથી લથપથ અમેરિકન સૈનિકોથી ભરેલું હતું."

સોમાલી ઘાયલોની ચીસોથી હૉસ્પિટલો ગાજી ઊઠી

મોગાદિશુની હૉસ્પિટલમાં સોમાલી ઘાયલોની લાંબી કતાર પણ હતી. સર્જન અબ્દી મોહમ્મદ એલ્મીના કપડાં લોહીથી લથપથ હતાં. ઘાયલોની સારવાર કરતી વખતે તેઓ થાકી ગયા.

માર્ક બાઉડેન લખે છે, "અવરોધોને કારણે વાહનો રસ્તા પર દોડી શકતાં ન હતાં. તેથી ઘાયલોને હાથથી ખેંચાતી ગાડીઓમાં લાવવામાં આવી રહ્યા હતા."

લડાઈ શરૂ થાય તે પહેલાં આ સંપૂર્ણપણે ખાલી હતી. 4 ઑક્ટોબરની સાંજ સુધીમાં હૉસ્પિટલની તમામ 500 પથારીઓ ભરાઈ ગઇ હતી. 100થી વધુ ઘાયલોને તો હૉસ્પિટલના વરંડામાં રાખવામાં આવ્યા હતા.

ત્રણ બેડવાળા ઑપરેશન થિયેટરમાં આખી રાત કામ ચાલુ રહ્યું. આખી હૉસ્પિટલ લોકોની ચીસો અને આક્રાંદથી ગાજી ઊઠી હતી.

લોહીલુહાણ થયેલા લોકોના કાં તો અંગો છુટાં પડી ગયાં હતાં અથવા તેમને ઊંડા ઘા થયા હતા. તેમાંના ઘણા તો પોતાની જીંદગીનાં છેલ્લા કલાકો ગણી રહ્યા હતા.

ડિગફર હૉસ્પિટલમાં પણ ઘાયલો અને મૃતકોની સંખ્યા પણ વધુ હતી.

અમેરિકન પાઇલટને બંધક બનાવ્યો

આ સમગ્ર કાર્યવાહીમાં 18 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. એક અંદાજ મુજબ આ હુમલામાં 315 થી 2000 સોમાલીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા.

મોગાદિશુની શેરીઓમાં એક લગભગ નગ્ન અમેરિકન સૈનિકના ખેંચીને લઈ જવામાં આવતા ભયાનક દૃશ્યને આખી દુનિયાએ જોયું.

આ ઉપરાંત સોમાલીઓ દ્વારા પકડાયેલા બ્લૅક હૉક હેલિકૉપ્ટર પાઇલટ માઇકલ ડ્યુરાન્ટનું ટીવી ફૂટેજ પણ આખી દુનિયામાં બતાવવામાં આવ્યું હતું જેમાં સોમાલીઓ તેમને પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા.

ડ્યુરાન્ટને 11 દિવસ પછી મુક્ત કરવામાં આવ્યા. તેમની સાથે, મૃત અમેરિકન સૈનિકોના મૃતદેહ પણ અમેરિકન અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.

ડ્યુરાન્ટે રેડક્રૉસના કાર્યકરોને કહ્યું કે તેમને મુઠ્ઠીઓ અને લાકડીઓથી મારવામાં આવ્યો હતો. તેમનાં કપડાં ફાટી ગયાં હતાં. તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેને ભીડ સમક્ષ લગભગ નગ્ન હાલતમાં ફેરવવામાં આવ્યો હતો.

જ્યારે ડૉકટરોએ ડ્યુરાન્ટની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના એક પગ, પીઠ અને ગાલનાં હાડકાં તૂટી ગયાં છે. તેમના પગ અને ખભા પર પણ ગોળીથી વાગેલા નાના ઘા હતા.

તેના પગ પર પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું પણ હાડકાં હજુ સુધી સૅટ થયાં ન હતાં. આ દિવસ ડ્યુરાન્ટ માટે ખુશી અને દુઃખ બંને લઈને આવ્યો.

તે જ દિવસે તેને ખબર પડી કે તેની સુપર સિક્સ ટીમમાંથી તે એકમાત્ર બચી જવા પામ્યા છે.

અમેરિકાએ પોતાના સૈનિકો પરત બોલાવી લીધા

7 ઑક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને માર્ચ 1994 સુધીમાં સોમાલિયામાંથી તમામ અમેરિકન સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી.

થોડા મહિના પછી યુએસ સંરક્ષણ સચિવ લૅસ ઍસ્પિને તેમના પદ પરથી રાજીનામું આપ્યું.

ટાસ્ક ફોર્સ રેન્જરના કમાન્ડર જનરલ વિલિયમ ગૅરિસનની કારકિર્દી પણ અકાળે સમાપ્ત થઈ ગઈ.

આ ઘટનાની અસર એ થઈ કે અમેરિકાએ છ મહિના પછી આ જ વિસ્તારમાં થયેલા રવાન્ડા નરસંહારમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો.

આયદીદે દાવો કર્યો હતો કે તેમના લોકોએ વિશ્વની સૌથી શક્તિશાળી લશ્કરી દળને તેમના દેશમાંથી ભગાડવામાં સફળતા મેળવી છે.

તેમનો કબીલો હજુ પણ 3 ઑક્ટોબરને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવે છે. આયદીદ લાંબો સમય ટકી શક્યા નહીં. આ ઑપરેશનના ત્રણ વર્ષ પછી તેમનું અવસાન થયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.