You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ સામે શું પડકારો હશે?
તાજેતરમાં ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે 66 નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતો સહિત જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીની જાહેરાત કરી હતી.
16 ફેબ્રુઆરીએ યોજાનાર આ ચૂંટણીમાં કુલ 696 વૉર્ડ અને 4,390 બેઠકો પર મતદાન થવાનું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં ફરી એક વાર રાજકીય ચર્ચાનો દોર જામ્યો છે.
આ ચર્ચામાં એક મુદ્દો એ પણ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના બંને પરંપરાગત પક્ષો, ભાજપ અને કૉંગ્રેસ સામે કેવા પડકારો હશે.
નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતને પગલે ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પોતે 'ચૂંટણી માટે તૈયાર' હોવાની વાત સાથે આક્ષેપ-પ્રત્યાક્ષેપ કર્યા હતા.
કૉંગ્રેસે આરોપ કર્યો છે કે ભાજપે 'હારની બીકને કારણે' કેટલીક જગ્યાએ ચૂંટણીઓ ટાળી રહ્યો છે.
જ્યારે ભાજપે કૉંગ્રેસ 'પોતાની હાર ભાળી ગઈ હોઈ ભાજપને નિશાન બનાવી ચૂંટણીપંચની વિશ્વસનીયતા પર સવાલ ઊભા' કરી રહી હોવાનો આરોપ કર્યો હતો.
હવે જ્યારે રાજ્યમાં ચૂંટણીની ચર્ચા જામી છે ત્યારે બીબીસી ગુજરાતીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ-કૉંગ્રેસ સામે કેવા પડકારો હશે એ જાણવા માટે રાજકીય વિશ્લેષકો સાથે વાતચીત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ સામે શું છે મુશ્કેલીઓ?
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના વડા અમિત ધોળકિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ સંદર્ભે કહ્યું :
"જો કૉંગ્રેસની વાત કરીએ તો તેમના માટે આ ચૂંટણીમાં મોટો પડકાર એ છે કે પાર્ટી પોતાનો 'રાજકીય ગ્રાઉન્ડ' રાજ્યમાં ગુમાવી ચૂકી છે. એક સમયે કૉંગ્રેસનું ગઢ મનાતાં ગામડાંમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. તેથી કૉંગ્રેસ માટે આ ચૂંટણીમાં સૌથી મોટો પડકાર તો એ જ રહેશે કે કેવી રીતે તેઓ પોતાનો એ સપૉર્ટ બેઝ પરત લાવી શકશે."
"ભાજપના કિસ્સામાં તેમના માટે મોટો પડકાર આંતરિક વિખવાદ હોઈ શકે છે. હાલમાં ઘણી બધી જગ્યાએ ભાજપમાં સ્થાનિક સ્તરે આંતરિક વિખવાદો સપાટી પર જોવા મળી રહ્યા છે."
ભાજપના પડકારો અંગે વધુ વાત કરતાં તેઓ કહે છે કે, "ભાજપમાં ભૂતકાળમાં કૉંગ્રેસ અને અન્ય પક્ષોના ઘણા લોકો જોડાયા છે. તેથી પદ માટે વધુ ઉમેદવારો આવી ગયા છે. આવી રીતે લવાયેલા લોકો પણ હવે ટિકિટો માગવાના, સામે પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોની પણ મહત્ત્વાકાંક્ષાઓ હોવાની. આ બંને વચ્ચે સંતુલન સાધવાનો ભાજપ માટે પડકાર રહેશે."
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા પણ આ પ્રશ્ન સંદર્ભે કંઈક આવો જ મત વ્યક્ત કરે છે.
તેઓ કૉંગ્રેસ માટે રાજ્યમાં 'સપાટી પરના મજબૂત સંગઠનના અભાવ'ને એક પડકાર માને છે.
તેઓ કહે છે કે, "કૉંગ્રેસ પાસે માળખું નથી. જ્યાં સુધી તમારી પાસે સંગઠન ન હોય ત્યાં સુધી તમે લડાઈ ન લડી શકો. દુર્ભાગ્યે કૉંગ્રેસ હજુ સુધી આ દિશામાં સફળતા મેળવી શકી નથી."
હરેશા ઝાલા કહે છે કે કૉંગ્રેસનો બીજો સૌથી મોટો પડકાર હશે 'શહેરી મતદારોને મનાવવાનો.'
"શહેરી વિસ્તારના મતદારોને એ વાત અંગે મનાવવા કે કૉંગ્રેસ તેમની સમસ્યાનું નિરાકરણ લાવી શકશે."
જોકે, હરેશ ઝાલા આ ચૂંટણીમાં ભાજપ માટે 'કોઈ સીધો પડકાર' જોતા નથી.
તેઓ કહે છે કે, "ગુજરાતમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણી યોજાઈ ત્યારથી માંડીને આજ દિન સુધી નાના મોટા મુદ્દાને લઈને થતાં વિરોધ સિવાય મેં સરકાર સામે રાજ્યમાં કોઈ જનઆંદોલન થયું હોય એવું જોયું નથી. આમ, મારી દૃષ્ટિએ ભાજપ માટે ખાસ કોઈ પડકાર નથી."
જોકે, તેઓ ભાજપમાં થઈ રહેલા આંતરિક વિખવાદો મુદ્દે વાત કરતાં કહે છે કે, "ભાજપમાં સ્થાનિક સ્તરે થઈ રહેલા કેટલાક આંતરિક વિખવાદોને પગલે કેટલીક જગ્યાઓેએ મુશ્કેલી સર્જાય તેવું બની શકે, પરંતુ આવું મોટા પાયે થવાની સંભાવના નથી. કારણ કે પ્રજા તરફથી એવી કોઈ નારાજગી સત્તાધારી પક્ષ સામે દેખાતી નથી."
ભાજપ સામેના પડકાર મુદ્દે પ્રોફેસર અમિત ધોળકિયા રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં 'કોઈ સત્તાવિરોધી વલણ' ન હોવાની વાત કરે છે.
તેઓ કહે છે કે, "ગુજરાતની પ્રજા મુદ્દા આધારિત મતદાન કરતી નથી. તેના માટે લાગણી આધારિત કેટલાક મુદ્દા મતદાન માટેનું પ્રેરકબળ સાબિત થાય છે. તાજેતરની સ્થિતિ જોતાં ગુજરાતમાં ક્યાંય હાલ ભાજપ ઘણાં વર્ષોથી સત્તામાં રહ્યો હોવા છતાં સત્તાવિરોધી વલણ હોય એવું દેખાઈ નથી રહ્યું."
ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી?
રાજ્ય ચૂંટણીપંચે કરેલી જાહેરાત પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને કઠલાલ, ગાંધીનગર અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને બોટાદ-વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્રની ચૂંટણી યોજાશે.
આ સાથે જ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીપંચે આપેલી જાણકારી અનુસારે જે સ્થળે ચૂંટણી યોજાવાની છે ત્યાં ગત મંગળવારથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે.
ચૂંટણી જાહેરાતની તારીખ - 21/01/25
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ - 27/01/25
ઉમેદવારી પત્રો ભરવાની અંતિ તારીખ - 1/02/25
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ - 3/02/25
ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ - 4/02/25
મતદાન તારીખ - 16/02/25 (રવિવાર) (સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી)
જરૂર પ્રમાણે પુન:મતદાનની તારીખ - 17/02/25
ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ - 21/02/25
ગુજરાતના રાજકીય ફલક પર કોની કેવી છે સ્થિતિ?
ગુજરાતના રાજકારણમાં સર્વવિદિત છે એમ પાછલાં ઘણાં વર્ષોથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે.
જોકે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર સહિતનાં પરિબળોને લીધે ભાજપ ત્રણ આંકડામાં પહોંચી શકી નહોતી.
ભાજપને કુલ 182માંથી 99 બેઠકો જ મળી હતી, જ્યારે કૉંગ્રેસે રાજ્યમાં પાછલાં 35 વર્ષનું સૌથી સારુ પ્રદર્શન કરીને 80 બેઠકો મેળવી હતી.
જોકે, 'પક્ષપલટા અને સંગઠન પર મોવડી મંડળની નબળી પકડ' સહિતનાં કારણોને લીધે કૉંગ્રેસનું સંખ્યાબળ સતત ઘટતું રહ્યું હતું. જે વર્ષ 2024ની ચૂંટણીમાં પક્ષના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીના 'સૌથી ખરાબ પ્રદર્શન' પર આવીને ઊભું રહ્યું હતું.
વર્ષ 2024ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવીને રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક નવો વિક્રમ સર્જ્યો હતો.
આ ચૂંટણીમાં કૉંગ્રેસે પક્ષ 17 બેઠકો પર સમેટાઈ જતાં વિધાનસભાના વિરોધપક્ષના નેતાનું પદ ગુમાવ્યું હતું.
સંસદીય ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યની 26માંથી 26 બેઠકો મેળવવામાં સફળ રહ્યો હતો. જોકે, વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના પરફેક્ટ સ્કોરને રિપીટ કરી શક્યો નહોતો.
વર્ષ 2024માં બનાસકાંઠામાં કૉંગ્રેસનાં ગેનીબહેને ભાજપના વિજયરથને અટકાવી દીધો હતો. પણ ત્યાર પછી ગેનીબહેનની ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં કૉગ્રેસની હાર થઈ હતી.
ગુજરાતની 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોની વાત કરીએ તો તેમાં ભાજપને 'જબરદસ્ત' વિજય હાંસલ થયો હતો.
નગરપાલિકામાં ભાજપ, કૉંગ્રેસ, બસપા અને અન્યોને અનુક્રમે 2085, 388, 172 અને છ અને 24 બેઠકો મળી હતી.
જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 800, કૉંગ્રેસે 169, અપક્ષે ત્રણ, આપે બે, બીએસપીએ એક અને અન્યે ચાર બેઠકો જીતી હતી.
તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપે કુલ 3352 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કૉંગ્રેસે 1252, અપક્ષે 115, આપે 31, બીએસપીએ ચાર અને અન્યે 16 બેઠકો જીતી હતી.
આ ઉપરાંત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ ચૂંટણીકાર્યક્રમ અનુસાર વર્ષ 2021માં પ્રથમ તબક્કામાં યોજાઈ હતી.
જે તમામમાં ભાજપ સત્તા જાળવવામાં સફળ રહ્યો હતો.
નોંધનીય છે કે એ સમયે છ મ્યુનિસિપલ કૉર્પોરેશન – અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરની કુલ 575 બેઠકોમાંથી ભાજપને 483, કૉંગ્રેસને 55, આમ આદમી પાર્ટીને 27, બસપાને ત્રણ અને અપક્ષને એક બેઠક મળી હતી.
આ પહેલાં નવેમ્બર-2015માં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ભાજપ બીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. જેના માટે અનામત આંદોલનને કારણે પાટીદારોમાં રહેલા આક્રોશને જવાબદાર માનવામાં આવતો હતો.
જોકે, વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સત્તાપક્ષ માટે આવું કોઈ ફૅક્ટર નુકસાનકારક સાબિત થઈ શક્યું નહોતું.
વર્ષ 2021ની ચૂંટણીઓની વાત કરીએ તો એ સમયે આ એક ચતુષ્કોણીય રાજકીય જંગ હતો.
જેમાં ગુજરાતની પરંપરાગત પાર્ટીઓ ભાજપ અને કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમએ પણ ઝંપલાવ્યું હતું.
એ સમયે રાજ્યમાં છ મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લાપંચાયત, 231 તાલુકાપંચાયત અલગ-અલગ બે તબક્કામાંઓમાં યોજાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન