રાજકોટ ખાતે શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત કૉન્ફરન્સમાં રિલાયન્સ, અદાણીએ કરેલાં રોકાણની જાહેરાતથી કેટલાને નોકરી મળશે?

રવિવારે રાજકોટના મોરબી રોડ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતના પ્રથમ દિવસે દેશના ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છ માટે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરી કહ્યું કે વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતાં મોરબી અને જામનગર જિલ્લાઓથી બનતો ત્રિકોણ પ્રદેશ 'એક મિનિ-જાપાન' બની રહ્યો છે.

પરિષદમાં ભાગ લેનાર ઉદ્યોગપતિઓએ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ વર્ષમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ગ્રૂપના ચૅરમૅન મુકેશ અંબાણી, અદાણી પૉર્ટ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનના મૅનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણી, ટાટા કેમિકલ્સના મૅનેજિંગ ડાયરેક્ટર એન. મુકુન્દન, વેલસ્પન ગ્રૂપના ચૅરમૅન બીકે ગોએન્કા તેમજ રાજકોટની જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમિટેડ નામની કંપનીના ચીફ મૅનેજિંગ ડાયરેક્ટર પરાક્રમસિંહ જાડેજા વગેરેએ ઉદ્ઘાટન સમારંભમાં લોકોને સંબોધ્યા હતા અને આગામી વર્ષોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે મૂડીરોકાણ કરવાની જાહેરાતો કરી હતી.

પરંતુ સવાલ એ છે કે આટલાં રોકાણોની જાહેરાતોથી આ પ્રદેશમાં કેટલી નોકરી ઊભી થશે?

રિલાયન્સે કેટલું રોકાણ કરવાની જાહેરાત કરી?

ઉદ્ઘાટન સમારંભને સંબોધતાં મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે પાછલાં પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું, "રિલાયન્સ ગુજરાતમાં સૌથી વધારે રોકાણ કરનાર (ગ્રૂપ) છે. પાછલાં ત્રણ વર્ષમાં અમે સાડા ત્રણ લાખ કરોડ કરતાં પણ વધુનું રોકાણ કર્યું છે. આજે હું આનંદ સાથે જાહેરાત કરું છું કે આવનારાં પાંચ વર્ષ દરમિયાન અમે આ આંકડો બમણો કરી સાત લાખ કરોડ કરીશું. તેનાથી દરેક ગુજરાતી અને દરેક ભારતીય માટે રોજગાર, રોજીરોટી અને સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે."

આ સાથે જ મુકેશ અંબાણીએ કુલ પાંચ પ્રતિબદ્ધતાઓ જાહેર કરી.

તેમાં મૂડીરોકાણને અભૂતપૂર્વ રીતે વધારવાની, સ્વચ્છ ઊર્જા અને ગ્રીન મટીરિયલનું ઉત્પાદન કરી જામનગરને હાઇડ્રોકાર્બન ઍનર્જી (કાર્બન આધારિત પ્રવાહીઓમાંથી મેળવતી ઊર્જા) નિકાસના કેન્દ્રમાંથી ભારતના સ્વચ્છ ઊર્જા અને ગ્રીન મટીરિયલના સૌથી મોટા નિકાસકેન્દ્રમાં રૂપાંતર કરવું, કચ્છને વિશ્વના સ્વચ્છ ઊર્જાના કેન્દ્રમાં રૂપાંતરિત કરવું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના (એઆઇ) ક્ષેત્રમાં ગુજરાતને ભારતના અગ્રણી રાજ્ય તરીકે સ્થાપવું અને ઑલિમ્પિક રમતોમાં ભારતની મહત્ત્વાકાંક્ષાઓ અને સામાજિક પ્રગતિમાં ભાગીદાર બનવું વગેરેનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જામનગર ખાતે સંકલિત સ્વચ્છ ઊર્જાની વિશ્વની સૌથી મોટી ઇકૉસિસ્ટમ વિકસાવી રહ્યું છે અને તેમાં સોલર, બૅટરી ઍનર્જી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન ફર્ટિલાઇઝર (રાસાયણિક ખાતર), વિમાન-હેલિકૉપ્ટર તેમજ જહાજો માટે સાતત્યપૂર્ણ બળતણ અને ઍડ્વાન્સ મટીરિયલનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે રિલાયન્સ કચ્છ જિલ્લામાં એક મોટો સોલર પાવર પ્લાન્ટ વિકસાવી રહ્યું છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે જામનગરમાં રિલાયન્સ ભારતના સૌથી મોટા ડેટા સેન્ટરનું નિર્માણ કરી રહ્યું છે જે એઆઇ માટે જરૂરી ડેટા પ્રોસેસ કરવા માટે તૈયાર હશે.

વધુમાં મુકેશ અંબાણીએ ઉમેર્યું કે 2036માં ઑલિમ્પિકનું આયોજન ભારતમાં થાય તેવા પ્રયાસો કરી રહેલી કેન્દ્ર સરકારને રિલાયન્સ ફાઉન્ડેશન ટેકો આપશે અને અમદાવાદના નારણપુરા ખાતે આવેલા વીર સાવરકર મલ્ટિ-સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સના મૅનેજમેન્ટમાં, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોનાં આયોજનોમાં અને ભવિષ્યના વિજેતા રમતવીરોને તાલીમ આપવામાં મદદ કરશે.

મુકેશ અંબાણીએ આગળ કહ્યું કે રિલાયન્સ જામનગર ખાતે એક વૈશ્વિક દરજ્જાની હૉસ્પિટલ પણ બનાવશે.

અદાણી, અન્ય ઉદ્યોગગૃહોએ કેટલું રોકાણ કરવાની જાહેરાત કરી?

સમારંભને સંબોધતાં કરણ અદાણીએ જાહેરાત કરી કે અદાણી ગ્રૂપ કચ્છમાં આગામી પાંચ વર્ષ દરમિયાન દોઢ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે.

તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપ કચ્છના ખાવડા ખાતે સૂર્યનાં કિરણો અને પવનમાંથી 37 ગીગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ રિન્યૂએબલ ઍનર્જી પાર્ક બનાવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું, "અમે ખાવડા પ્રોજેક્ટનું કામ 2030 સુધીમાં પૂરું કરી દઈશું અને 2030 સુધીમાં 37 ગીગાવૉટની ક્ષમતા કાર્યરત કરીશું. અમે અમારા મુન્દ્રા બંદરની ક્ષમતા પણ આવતાં દસ વર્ષ દરમિયાન બમણી કરીશું. આમાંનું દરેક રોકાણ રોજગારીનું સર્જન, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા, સાતત્ય અને ટકાઉપણું જેવી ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે બંધબેસતું છે."

બીકે ગોએન્કાએ કહ્યું કે વેલસ્પન ગ્રૂપે તેના પાઇપલાઇન બનાવવાના ઉદ્યોગમાં હાલ 5,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરી રહ્યું છે અને જણાવ્યું કે વર્ષ 2026ના અંત સુધીમાં તે દુનિયામાં પાઇપ બનાવતી સૌથી મોટી કંપની બની જશે. તેમણે ઉમેર્યું કે હોમ ટેક્સ્ટાઇલ (ઘરોમાં વપરાતાં કાપડ)ના ઉત્પાદનની બાબતમાં કચ્છમાં આવેલ વેલ્સપનની ફૅક્ટરી દુનિયામાં અવ્વલ નંબરની ફૅક્ટરી છે.

આ ઉપરાંત સીએનસી (કમ્પ્યૂટરાઇઝડ નુમેરિક કંટ્રોલ મશીન) બનાવતી જ્યોતિ સીએનસી ઑટોમેશનના પરાક્રમસિંહ જાડેજાએ જાહેરાત કરી કે તેમનું ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં 10,000 કરોડ રૂ.નું રોકાણ કરી સીએનસી મશીનનું ઉત્પાદન વધારશે, સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ વધારશે, તેના કર્મચારીઓને તાલીમબદ્ધ કરશે અને સીએનસી મશીન બનાવવામાં વપરાતા વિવિધ ભાગોની આયાત ઘટાડી તેવા ભાગો ભારતમાં જ બનાવી સીએનસી મશીન બનાવવાની પ્રક્રિયામાં બૅકવર્ડ ઇન્ટિગ્રેશનને ઉત્તેજન આપશે.

પરિષદના પહેલા દિવસે જ વિવિધ ક્ષેત્રને લગતા સેમિનાર પણ યોજાયા હતા. ગુજરાત સરકારના માહિતી ખાતાની એક અખબારી યાદી અનુસાર માછલીના નિકાસકારો અને ઉદ્યોગસાહસિકો માટે યોજાયેલા એક સેમિનાર દરમિયાન માછલીના વેપાર સાથે સંકળાયેલ કંપની દ્વારા 11.49 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત માટે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ કુલ 5.78 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) એટલે કે સમજૂતી કરારો કર્યા છે.

સરકારે કહ્યું કે આ આંકડો વર્ષ 2003માં યોજાયેલી રાજ્યની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકારોની શિખર બેઠકમાં થયેલ એમઓયુ કરતાં કેટલાય ગણો વધુ છે.

રાજકોટ ખાતે યોજાયેલ આ કૉન્ફરન્સમાં હાજર બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ જણાવ્યું હતું કે બે દિવસ ચાલેલા આ પ્રાદેશિક પરિષદના અંતે સોમવારે સાંજે પૂર્ણાહુતિ સમારંભ યોજાયો હતો.

એ સમારંભને સંબોધતાં ગુજરાત રાજ્ય સરકારના ઇન્ડેક્સ-Bના ચૅરમૅન પી. સ્વરૂપે જણાવ્યું હતું કે પરિષદ દરમિયાન રૂપિયા 500 કરોડના મૂલ્યના વેપાર સોદા થયા છે.

સમાપન સમારંભમાં રિજનલ કૉન્ફરન્સનાં પરિણામોની જાહેરાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જિતુભાઈ વાઘાણીએ બે દિવસ દરમિયાન થયેલ એમઓયુની માહિતી આપી હતી.

વાઘાણીએ કહ્યું, "2003માં કુલ એમઓયુ 80 થયા હતા અને...રોકાણ માત્ર 66,000 કરોડ થયું હતું. માત્ર 66000 કરોડ, શરૂઆત કરી ત્યારે. શરૂઆત હંમેશા અઘરી હોય છે...પછી જે ગતિ પકડી, ત્યાં પણ એમઓયુ થયા. આપણી એક રિજનલ કૉન્ફરન્સમાં મને કહેતા આનંદ થાય છે કે 5,492 એમઓયુ થયા અને 5.78 લાખ કરોડની રકમ સાથેના એમઓયુ એ આપણે એક રિજનમાં કરી શક્યા."

રાજ્યના કૃષિ મંત્રી તેમજ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તેવા જિતુ વાઘાણીએ કહ્યું કે રાજકોટની પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત કૉન્ફરન્સમાં થયેલા એમઓયુની સંખ્યા અને ઉદ્યોપતિઓ-વેપારીઓએ જાહેર કરેલ મૂડીરોકાણનો આંકડો ગાંધીનગરમાં 2003માં યોજાયેલી રાજ્યની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરતાં ઘણો ઊંચો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સાથે જ ટ્રેડ-શો એટલે કે વેપાર મેળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કૉન્ફરન્સ સોમવારે પુરી થઈ હતી, પરંતુ વેપાર મેળો 15 જાન્યુઆરી એટલે કે ગુરુવાર સુધી ચાલશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

આ મૂડીરોકાણથી કેટલી નવી નોકરીઓનું સર્જન થશે?

મુકેશ અંબાણી તેમજ કરણ અદાણીએ તેમના ગ્રૂપ દ્વારા જાહેર કરાયેલા મૂડીરોકાણથી કેટલી નવી નોકરીઓ અને રોજગારીની તકોનું સર્જન થશે તે વિશે તેમનાં ભાષણોમાં કોઈ ચોક્કસ આંકડા આપ્યા ન હતા.

આ પ્રકારનાં રોકાણોના દાવા બાદ કેટલી રોજગારી મળે છે તેવા પ્રશ્નોના જવાબમાં અમદાવાદસ્થિત ઇકૉનૉમિસ્ટ અને રોજગારીના વિષય પર કામ કરતા 'પાથેય બજેટ સેન્ટર'ના ડાયરેક્ટર મહેન્દર જેઠમલાણીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "રોકાણ આવવાથી ખરેખર કેટલી રોજગારી પેદા થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. કંપની કયા સેક્ટરમાં રોકાણ કરે છે, કેટલા ટાઇમમાં રોકાણ કરવામાં આવે છે તેના પર આધાર રહેલો છે. તે માત્ર અંદાજ હોય છે."

પરંતુ ઉદ્ઘાટન સમારોહ પછી બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે જ્યોતિ સીએનસી હાલ 4,000 લોકોને રોજગારી આપે છે અને વધારાના મૂડીરોકાણથી તે વધીને 10,000 થઈ જશે.

તેમણે કહ્યું,"મશીન ટૂલ્સ સ્કિલ્ડ મૅનપાવર (કૌશલ્ય ધરવતા કારીગરો) તૈયાર કરવાની ઇકૉસિસ્ટમ ઊભી કરે છે, કારણ કે તેમાં ઇંજિનિયરિંગ, ટૅક્નૉલૉજી અને ચોકસાઈ છે. જ્યોતિમાં અમારે અત્યારે 4,000 કર્મચારીઓ છે. તેમાં અમે આવતાં પાંચ વર્ષમાં આઠથી દસ હજાર જેટલા લોકોનો ઉમેરો કરવાનું વિચારીએ છીએ."

જોકે, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાઇબ્રન્ટ સમારોહને સંબોધતા જણાવ્યું હતું, "વર્ષ 2003થી શરૂ થયેલા વાઇબ્રન્ટ ગુજરાતથી અત્યારસુધી ગુજરાતના લાખો લોકોને રોજગારી મળી અને અને અનેક લોકોના વેપારનાં સપનાં સાકાર પણ થયાં છે. ગિફ્ટ સિટી, ધોલેરા, સાણંદ, બેચરાજી વગેરે ખાતે ખાસ ઉદ્યોગોની ઇકૉ-સિસ્ટમ બની છે, જેને કારણે સેંકડો લોકોનાં સપનાં સાકાર થયાં છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન