You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહારમાં સવર્ણો કરતાં પછાત વર્ગોની વસતિ ક્યાંય વધારે, હવે શું થશે?
- લેેખક, નલિન વર્મા
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
બિહારમાં નીતીશકુમાર સરકારે જાતિગત વસતિગણતરીના આંકડા ગાંધીજયંતીના રોજ જાહેર કર્યાં તેના તરત જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું કે જાતિઆધારીત ગણતરીથી જાણવા મળે છે કે ત્યાં ઓબીસી, એસસી અને એસટીની વસતિ 84 ટકા છે.
રાહુલ ગાંધીએ લખ્યું, “કેન્દ્ર સરકારના 90 સચિવોમાં માત્ર 3 ઓબીસી છે, જે ભારતનું માત્ર 5 ટકા બજેટ સંભાળે છે. આથી ભારતના જાતિગત આંકડા જાણવા જરૂરી છે. જેટલી વસતિ એટલો હક – એ અમારી ટેક છે.”
રાહુલ ગાંધીનું ટ્વીટ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદના ટ્વીટ સાથે મળતું આવે છે. તેઓ લખે છે, “જેટલી સંખ્યા એટલી ભાગીદારી.” લાલુ પ્રસાદે કહ્યું કે જો વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ સત્તામાં આવશે તો, રાષ્ટ્રીય સ્તર પર જાતિગત વસતિગણતરી કરવામાં આવશે.
જાતિગત સર્વે વિશેનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં એ સ્પષ્ટ છે કે 28 પાર્ટીઓવાળું વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ આનો ઉપયોગ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાંથી બહાર કરવા માટે ચૂંટણીઅભિયાનમાં જરૂર કરશે.
વિપક્ષી ગઠબંધન કેન્દ્ર સરકારને ઘેરવા માટે ઓબીસીના પ્રતિનિધિત્ત્વનો મુદ્દો ઉઠાવશે અને તે 2024ની ચૂંટણીમાં ભાજપની હિંદુત્ત્વની રાજનીતિને માત આપવામાં એક હથિયાર તરીકે કામ આવશે. સૌથી મહત્ત્તવપૂર્ણ વાત એ છે કે આ મુદ્દા પર વિપક્ષી ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી કૉંગ્રેસનો બિહારમાં આરજેડી, જેડીયુ અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે સારો તાલમેલ છે.
‘ઇન્ડિયા’ ગઠબંધન માટે આ સારી ખબર છે.
રાજીવ ગાંધી કરતાં રાહુલ ગાંધીનું વલણ કેવું અલગ?
શાસનમાં પછાત અને દલિતોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો જે સંકલ્પ રાહુલ ગાંધીનો છે, તે તેમના પિતા રાજીવ ગાંધીથી અલગ છે. વર્ષ 1990માં લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાજીવ ગાંધીએ મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ બાદ જ વડા પ્રધાન વી. પી. સિંહે નોકરીઓમાં ઓબીસી માટે 27 ટકાની અનામત લાગુ કરી હતી.
રાજીવ ગાંધીએ ત્યારે સરકારી નોકરીઓમાં પંસદગી માટે જાતિની જગ્યાએ યોગ્યતાની વકાલત કરી હતી. જોકે ગરીબો અને વંચિતોના નેતા તરીકે રાહુલ ગાંધી એક નવા અવતારમાં સામે આવ્યા છે. તેમણે કૉંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે ઓબીસીને તેમનો હક ન અપાવી શકી તે વિશે દુખ પણ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે તેઓ આ વચન પૂરું કરશે. બિહારમાં ઓબીસીની મોટી વસતિ હોવાથી કૉંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ની અન્ય પાર્ટીઓને ભાજપે આક્રમક રીતે ઓબીસી કાર્ડ વાપરવા માટે પ્રોત્સાહિત કરી છે. સોમવારે જારી કરવામાં આવેલા જાતિઆધારિત સર્વેના આંકડા પણ આ વાતનો પુરાવો આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટ અનુસાર બિહારની વસતિમાં 63.13 ટકા ઓબીસી છે, જેમાં 36.01 ટકા અત્યંત પછાત વર્ગ, 27.12 ટકા પછાત વર્ગ સામેલ છે. આ સિવાય 19.65 ટકા અનુસૂચિ જાતિની વસતિ છે. સર્વે મુજબ રાજ્યમાં સામાન્ય જાતિની વસતિ 15.52 ટકા છે, જેમાં બ્રાહ્મણ, રાજપૂત, ભૂમિહાર અને કાયસ્થ સામેલ છે. આ જાતિઓ વિશે માનવામાં આવે છે કે તે મોટા પાયે ભાજપનું સમર્થન કરે છે. જોકે આ 15.52 ટકામાં મુસલમાનોની લગભગ 5 ટકા જાતિઓ પણ સામેલ છે, જેનો અર્થ કે બિહારમાં અપરકાસ્ટ હિંદુઓની સંખ્યા લગભગ 10 ટકા છે.
દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસનો સૌથી મોટો ચહેરો એવા રાહુલ ગાંધીએ હિંદી પટ્ટીનાં એ રાજ્યોમાં ઓબીસીની ભાગીદારીને પ્રમુખ મુદ્દો બનાવ્યો છે, જ્યાં ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે.
મધ્ય પ્રદેશમાં પોતાની તાજેતરની ચૂંટણીરેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યમાં જાતિ સર્વેકરવામાં આવશે. વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ની પાર્ટીઓ વચ્ચે આ સામાન્ય ધારણા છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં ફેલાયેલી એક મોટીને વસતિ બિહારની મદદથી સમજી શકાય એમ છે. તેઓ અર્થ છે કે આ રાજ્યોને સમજવા માટે બિહારનો જાતિગત સર્વે ઘણો મદદ થઈ શકે છે.
‘ઇન્ડિયા’ ગઠબંધનના સમર્થક સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત કેમ આપી જ્યારે તેમની વસતિ માત્ર 10 ટકા જ છે? સમર્થકોનું માનવું છે કે રાજ્યમાં ઓબીસીની વસતિ 63.13 ટકા છે, જ્યારે તેમને માત્ર 27 ટકા અનામત મળી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આને એ રીતે પણ જોઈ રહ્યા છે કે ભાજપ, અપર કાસ્ટ હિંદુઓને ફાયદો પહોંચાડવા માટે ઓબીસીને દબાવી રહ્યો છે.
ભાજપ માટે કેવા કપરા ચઢાણ?
જાતિગત સર્વેના આંકડા એ પણ દર્શાવે છે કે લાલુ યાદવ અને નીતીશ કુમાર બિહારમાં સૌથી શક્તિશાળી નેતા છે અને આ બંને નેતાઓનું એક સાથે આવવું કઈ રીતે ભાજપને રાજ્યમાંથી ખતમ કરી શકે છે. લાલુ યાદવ અને તેમનાં પત્ની રાબડી દેવીએ 1990થી 2005 સુધી બિહારમાં શાસન કર્યું છે.
મંડલ પંચનો રિપોર્ટ લાગુ થયા બાદ લાલુ યાદવ, ઓબીસીના શક્તિશાળી નેતા તરીકે સામે આવ્યા. તેમને મુસલમાનોનું પણ સમર્થન પ્રાપ્ત હતું, જેમની વસતિ સર્વે મુજબ બિહારમાં 17.70 ટકા છે.
આ જ એક મોટું કારણ હતું કે લાલુ યાદવ અને તેમનાં પત્ની રાબડી દેવી 15 વર્ષોથી પણ વધુ સમયથી બિહારના મુખ્ય મંત્રીના પદે રહ્યાં હતાં. નવેમ્બર 2005માં ભાજપની સાથે ગઠબંધન કરીને નીતીશકુમારે લાલુ-રાબડી શાસનને સત્તામાંથી બહાર કરી દીધાં.
નીતીશકુમારનું સોશિયલ એન્જિનિયરિંગ
2013-14માં નવ મહિના માટે નીતીશકુમારે જીતનરામ માંઝીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. આ નવ મહિના સિવાય તેઓ વર્ષ 2005થી મુખ્ય મંત્રી છે.
પોતાની સોશિયલ એન્જિનિયરીંગ મારફતે નીતીશકુમારે અત્યંત પછાત વર્ગ (ઇબીલી)ના એક મોટા વર્ગને તોડી નાંખ્યો અને તેને પછાત વર્ગની સરખામણીમાં સ્થાનિક સંસ્થાઓ અને નોકરીઓમાં વધુ અનામત આપી, જેથી આ વર્ગમાં નીતીશકુમારનો પ્રભાવ વધી ગયો.
ઈબીસીના સમર્થનની મદદથી જ નીતીશકુમાર બિહારમાં લાલુ યાદવને સત્તામાંથી બહાર કરી શક્યા. સર્વે અનુસાર ઈબીસીની વસતિ 36.01 ટકા છે, જ્યારે પછાત વર્ગની વસતિ 27.12 ટકા છે. ઈબીસી વચ્ચે નીતીશકુમારના દબદબાના કારણે જ એ સંભવ થયું છે કે આટલા લાંબા સમય સુધી તેઓ મુખ્ય મંત્રી બની શક્યા.
ભાજપ હોય કે રાષ્ટ્રીય જનતા દળ, નીતીશકુમાર જે પણ પાર્ટી સાથે ગઠબંધન કરે છે, તેને જીતાડી દે છે.
2024ની ચૂંટણીમાં ભાજપે બિહારની 40 લોકસભા બેઠકોમાંથી 32 પર જીત મેળવી હતી અને કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી હતી. જોકે, જ્યારે નીતીશકુમાર અને લાલુ યાદવે 2015માં ભાજપને હાર આપીને હાથ મિલાવ્યો હતો. વળી જેડીયુ-આરજેડી અને કૉંગ્રેસ ગઠબંધનને રાજ્યની 243 બેઠકોમાંથી 178 બેઠકો પર વિજય મળ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર 53 બેઠકો આવી હતી.
વર્ષ 2017માં જ્યારે નીતીશકુમારે ભાજપની સાથે હાથ મિલાવ્યો તો તે ફરીથી મજબૂત થઈ ગયો. 2019ની સાધારણ ચૂંટણીમાં જેડીયુ-ભાજપ ગઠબંધને બિહારની 40માંથી 39 બેઠકો પર વિજય નોંધાવ્યો હતો.
વર્તમાન સમયમાં જો બિહારના સત્તારૂઢ ગઠબંધનની વાત કરીએ તો, તેમાં જેડીયુ, આરજેડી અને કૉંગ્રેસ સાથે ડાબેરી પાર્ટીઓ પણ સામેલ છે. આ જ કારણ એવું છે કે ગઠબંધનને એવું લાગી રહ્યું છે કે ઓછામાં ઓછું બિહારમાં તો સામાન્ય ચૂંટણીઓમાં ભાજપનો સફાયો કરી શકાય એમ છે.
મોદી હવે શું કહશે?
જ્યારે નીતીશકુમાર અને બિહારના ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવની સાથે કેટલાય લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને તેમને દેશમાં જાતિ સર્વેકરવાવા કહ્યું હતું, તો તેમણે ઇન્કાર કરી દીધો હતો.
જોકે વડા પ્રધાને નીતીશકુમારને રાજ્યનાં નાણાં અને સંસાધનોનો સર્વે કરાવવાનો અભિપ્રાય આપ્યો હતો પરંતુ તેમની સરકાર અને પાર્ટીએ રાજ્યમાં સર્વે કરવાના માર્ગમાં કેટલીય મુશ્કેલીઓ ઊભી કરી.
દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલા ઍફિડેવિટમાં બિહારમાં જાતિ સર્વેપર વાંધો વ્યક્ત કર્યો હતો, જોકે બાદમાં સરકારે પોતાનો વિરોધ પરત લઈ લીધો હતો.
ભાજપના સમર્થકોએ આ સર્વેને પટના હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો, જેથી સર્વે કરાવવામાં બિહાર સરકારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. છેલ્લે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને જાતિ સર્વે માટે લીલી ઝંડી આપી.
હવે ભાજપ પરેશાન નજરે પડે છે. રાજ્યસભામાં પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ એક વીડિયો મૅસેજમાં બિહારમાં થયેલા જાતિગત સર્વેનો શ્રેય લીધો છે.
તેમનું કહેવું છે કે આ નિર્ણય ત્યારે થયો હતો, જ્યારે બિહારમાં જેડીયુ અને ભાજપની સરકાર ગઠબંધનમાં હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું માનવું છે કે જાતિગત વસતિગણતરી બિહારની ગરીબ જનતામાં ભ્રમ ફેલાવવા સિવાય બીજું કંઈ નથી.