You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના આ રાજ્યમાં જમીન પર વાદળો પડવાનો વીડિયો વાઇરલ, પરંતુ તેની હકીકત શું છે
- લેેખક, લક્કોજૂ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
આપણે ઊંચી પર્વતમાળાને સ્પર્શતાં વાદળો ઘણીવાર જોયાં છે, પરંતુ સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે "આંધ્ર પ્રદેશમાં વાદળ જમીન પર ઊતરી આવ્યાં છે."
આંધ્ર પ્રદેશમાં છેલ્લા બે દિવસથી અનેક સ્થળોએ વાદળો છવાયેલાં છે. ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
બરાબર આ સમયે જ વાદળા જમીન પર પડવાના વાઇરલ વીડિયો વિશે કૉમેન્ટ કરતાં કેટલાક લોકો કહી રહ્યા છે કે આ અસલી છે, જ્યારે અન્યો કહે છે કે આ નકલી છે.
આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો હતો, તેની ઑનલાઇન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વીડિયો 2024થી અલગ-અલગ યૂટ્યૂબ અકાઉન્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવતો રહ્યો છે.
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ તાજેતરનો વીડિયો નથી.
આ વાસ્તવિક વીડિયો છે કે પછી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નિર્મિત વીડિયો છે કે પછી કમ્પ્યુટર ગ્રાફિક્સ છે તેની પુષ્ટિ બીબીસી કરતું નથી.
એ ઉપરાંત આ વીડિયો ક્યા ક્ષેત્ર સંબંધી છે તેની પુષ્ટિ પણ બીબીસી કરતું નથી.
આ તબક્કે સવાલ થાય કે વાદળો જમીન પર પડે તે શક્ય છે? આ વાદળ છે કે નહીં એ જાણવા તેનું રસાયણિક પરીક્ષણ કરતા હવામાન વિજ્ઞાનીઓ તથા રસાયણશાસ્ત્રીઓ સાથે બીબીસીએ વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું આ ખરેખર વાદળ છે?
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા આ વીડિયોમાં ચોખાના બાચકાના આકારના એક શ્વેત વાદળમાં દૂધની માફક ફીણ બનતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
આકાશમાંથી વાદળનો એક ટુકડો પડી રહ્યો હોય તેવું તેને જોતાં લાગે છે.
વીડિયોમાં કેટલાક લોકો તેને સ્પર્શ કરતા જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં લોકો આ બાબતે જાતજાતની કૉમેન્ટ્સ કરી રહ્યા છે. આ વાદળ છે કે નહીં તેનું કેટલાક લોકોને આશ્ચર્ય છે તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તે રાસાયણિક ઝાકળ છે.
બીબીસીએ આ સંદર્ભે વિશાખાપટ્ટનમ હવામાન કેન્દ્રના અધિકારી જગન્નાથ કુમાર અને એયુ હવામાન વિભાગના પ્રોફેસર રામકૃષ્ણ સાથે વાત કરી હતી.
વિશાખાપટ્ટનમ ચક્રવાત ચેતવણી કેન્દ્રના ડ્યૂટી ઑફિસર જગન્નાથ કુમારે કહ્યું હતું, "વાદળ હવામાં તરતા પાણીના ટીપાંનો સંગ્રહ હોય છે. તેનું ઘનત્વ ઓછું હોય છે. તેથી તે હવામાં તરતાં રહે છે, પરંતુ વીડિયોમાં જમીન પર પટકાતા વાદળો શ્વેત રૂના ગોળા જેવા લાગે છે. એ વાદળ જેવા લાગતા જ નથી. વાસ્તવમાં તે રસાયણિક ફીણ છે, જે વાદળ જેવા દેખાય છે."
તેમણે કહ્યું હતું, "કોઈ વાદળ જમીન સુધી પહોંચતું નથી. વાદળ જમીનથી 200-300 મીટરના અંતરે પહોંચે ત્યારે પાણીના ટીપામાં પરિવર્તિત થઈ જાય છે અને વરસાદના સ્વરૂપમાં વરસે છે. અન્યથા એ બરફનું સ્વરૂપ ધારણ કરે છે."
આ વાદળ છે કે ધુમ્મસ?
આપણી ચારેય તરફ હવામાં જળબાષ્પ હોય છે.
તાપમાન વધે છે ત્યારે જળબાષ્પયુક્ત વાયુનો અણુભાર ઘટી જાય છે અને તે વધારે આસાનીથી ઉપર જાય છે.
આ પ્રક્રિયા દરમિયાન, તેમાં સંગ્રહિત પાણી ધીમે-ધીમે નક્કર અવસ્થામાં પરિવર્તિત થાય છે. તે આપણને પાણીના ટીપા કે ક્રિસ્ટલ સ્વરૂપે દેખાય છે. આવાં અનેક ટીપા મળીને વાદળ બને છે.
જગન્નાથ કુમારે એમ પણ કહ્યું હતું કે "વાદળ પૃથ્વી ઉપર, હવાની સરખામણીએ ઓછા ઘન હોય છે. તેથી તે રૂના ગોળાની માફક તરતા દેખાય છે. વીડિયોમાં વાદળ જેવું જે દેખાય છે તે ફીણ જેવું લાગે છે. એ વાદળ પણ નથી અને ધુમ્મસ પણ નથી. એ તો ફીણ છે, જે વાદળ જેવું દેખાય છે. એટલે એવું કહી શકાય કે તે હવામાં તરતા પાણીના ટીપાથી બનેલો એક નરમ પદાર્થ છે."
મોસમ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર રામકૃષ્ણએ બીબીસીને કહ્યું હતું, "વાદળ અને ધુમ્મસ અલગ-અલગ હોય છે. ધુમ્મસને ધરતીની સપાટી પર બનતું વાદળ માનવામાં આવે છે. સામાન્ય રીતે શિયાળામાં સપાટીનું તાપમાન ઓછું હોય છે ત્યારે ધુમ્મસ આકાર પામતું હોય છે. એવું ધુમ્મસ વિશાખાપટ્ટનમના સિમ્હાચલમ, કોંડામાં, અલ્લૂરી સીતારામારાજુ જિલ્લાના લમ્બાસિંગી, સીતા કોંડા અને વંજાંગી જેવાં સ્થળોએ આકાર પામે છે. એ પ્રદેશમાં સહેલાણીઓની ભીડ ઊમટી પડે છે."
શિયાળામાં તિરુપતિ અને સિંહાચલમ જેવા પહાડોની સાથે તેના ગાઢ વન વિસ્તારમાં પણ આ પ્રકારના ધુમ્મસભર્યા વાદળો જોવા મળે છે.
પ્રોફેસર રામકૃષ્ણના જણાવ્યા મુજબ, ત્યાં સર્જાતું ધુમ્મસ એક પ્રાકૃતિક ઘટના છે, રસાયણિક કારણોસર સર્જાતી ઘટના નથી.
આખરે આ છે શું?
ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ પરીક્ષણ અને સંશોધન કરતી સંસ્થામાં કાર્યરત બુદ્ધ રવિ પ્રસાદ સાથે પણ બીબીસીએ વાત કરી હતી.
રવિ પ્રસાદે કહ્યું હતું, "આ ઇન્ડસ્ટ્રિયલ ફોમ છે, જે ઔદ્યોગિક કચરામાંના ડિટરજન્ટ અને રસાયણો હવામાં ભળવાને કારણે બને છે. તે કેમિકલ ફોમ છે. એ ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળે છે."
આ શ્વેત, ચમકદાર ફોમથી બનેલા પરપોટાઓનો સંગ્રહ છે.
ઔદ્યોગિક પ્રદૂષણ પરીક્ષણ કરતા રસાયણ નિષ્ણાત તરીકે 27 વર્ષોથી કામ કરતા રવિ પ્રસાદે ઉમેર્યું હતું, "એ હવાની દિશામાં વહે છે અને ખેતરો તથા આજુબાજુનાં ગામોની ઉપર તરતા રહે છે. કેટલાંક સ્થળે તે જમીન પર પટકાય છે અને લોકો તેને વાદળ સમજી બેસે છે."
"ઉદ્યોગોમાં વપરાતું ઑઇલ, અન્ય રસાયણો અને ડિટર્જન્ટ વિવિધ તબક્કાઓ પછી ગંદા પાણીમાં ફેરવાઈ જાય છે. તે ગંદા પાણીને શુદ્ધ કરવા માટે શુદ્ધિકરણ પ્લાન્ટ્સ છે. પ્લાન્ટમાં શુદ્ધિકરણ દરમિયાન સાબુ, ડિટર્જન્ટ અને તેમાં રહેલાં રસાયણોને અલગ કરવા તેમાં વાયુનું મિશ્રણ કરવામાં આવે છે. એ પ્રક્રિયામાં હવા સાથે પરપોટા બને છે. એ પરપોટા એકમેકની સાથે જોડાય છે અને મોટા વાદળ જેવા બની જાય છે. તે ખૂબ જ હળવા હોય છે. થોડો પવન હોય તો પણ તે ઉદ્યોગોની આસપાસના વિસ્તારોમાં ઊડી જાય છે."
વીડિયોમાં એ જોવા મળી રહ્યું છે. શ્રીકાકુલમ અને વિશાખાપટ્ટનમમાં અનેક ઉદ્યોગો છે. તેમાંથી નીકળતા ગંદા પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ છે. આ ફીણ જેવો પદાર્થ ત્યાંથી ઊડ્યો હોય તે શક્ય છે.
સ્પષ્ટ રીતે કહીએ તો આ ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણ દરમિયાન બનેલા ફીણ છે.
શું આ ખતરનાક છે? મારે શું કરવું જોઈએ?
"આ ફીણના કેટલાક ટુકડા રસાયણોનું મિશ્રણ હોય તે શક્ય છે."
ઔદ્યોગિક કચરામાંથી નીકળતું ફીણ હવામાં ઉપર જાય ત્યારે વાદળ જેવું દેખાય તે સામાન્ય વાત છે.
તેને સ્પર્શ કરવો ન જોઈએ કે તેની નજીક પણ ન રહેવું જોઈએ.
એ ફીણ આપણા શરીરને સ્પર્શે અથવા આપણે તેની પાસે જઈએ તો તે સમસ્યા સર્જી શકે છે.
એ ફીણથી ત્વચા પર એલર્જી થઈ શકે છે.
તે પાણીમાં પડે તો એ પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે.
રવિ પ્રસાદે ઉમેર્યું હતું, "એ ફીણ તળાવમાં પડે તો માછલીઓને નુકસાન થઈ શકે છે."
"આ નિશ્ચિત રીતે હવામાનનો ચમત્કાર નથી. તે પ્રદૂષણને કારણે સર્જાયેલાં ફીણ છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોને જોશો તો આ વાત સમજી શકશો."
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન