મહિલાઓની પસંદનું ભોજન અને તેમની થાળીની ચર્ચા કેમ નથી થતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિત્યા પાંડિયન
- પદ, બીબીસી સંવાદદાતા
"બપોરનો સમય હતો. મારાં મમ્મી, હું અને બહેન પપ્પા આવે એની રાહ જોઈ રહ્યાં હતાં. એ દિવસ રવિવાર હતો અને ઘરે માંસ બનેલું હતું. પરંતુ પપ્પાને આવવામાં મોડું થયું. મમ્મીએ મને અને બહેનને ભોજન કરાવ્યું અને પોતે મારા પપ્પાની રાહ જોવાં લાગ્યાં. એ દિવસે બંનેએ સાંજે પાંચ વાગ્યે બપોરનું ભોજન ખાધું."
"પાછલાં 30 વર્ષોમાં, મારાં મમ્મીએ કદાચ દરરોજ આ જ પ્રકારે ભોજન કર્યું હશે. મને યાદેય નથી કે ક્યારેય તેઓ અમારી સાથે બેસીને જમ્યાં હોય."
ચેન્નાઈના રહેવાસી પ્રશાંત બીબીસી સાથેની પોતાની વાતચીતમાં ઉપરોક્ત વાત કરે છે.
મેં ઘરોમાં મહિલાઓની જમવાની પદ્ધતિ અંગે જ્યાં જ્યાં વાત કરી, તેમાંથી મોટા ભાગની જગ્યાઓએ આવી જ સ્થિતિ જોવા મળી.
ભોજન, એટલે કે મહિલાઓ જે ખાય છે, એક એવી પ્રવૃત્તિ છે, જેના પર ખૂબ ઓછી વાત થાય છે.
પરંતુ બહુસાંસ્કૃતિક ભારતીય સમાજમાં મહિલાઓના ભોજન અંગે આખરે ક્યારે ચર્ચા થાય છે?
શું ક્યારેય મહિલાઓના સ્વાસ્થ્યને ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે ખરું?
ભોજનના રાજકારણમાં મહિલાઓના ભાગના ભોજનને કયા દૃષ્ટિકોણથી જોવામાં આવે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું આપણા ભોજનની સંસ્કૃતિમાં પણ પિતૃસત્તાક વિચાર જડમૂળમાં સામેલ છે?
ભોજનની પરંપરા અને મહિલા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીને ઘણી મહિલાઓએ કહ્યું, "મહિલાઓને સામાન્યપણે ત્યાગની દેવી સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. ઘણી વાર મહિલાઓ પાસેથી અપેક્ષા કરાય છે કે તેઓ પોતાની જાતથી ઉપર પરિવાર નામક સંસ્થાને રાખે. મહિલાઓ પાસેથી આ અપેક્ષા પેઢીઓથી રખાય છે."
ચેન્નાઈનાં રહેવાસી આનંદીએ બીબીસી સાથે વાત કરતાં એ સલાહને યાદ કરી જે તેમનાં મમ્મીએ તેમને લગ્ન વખતે આપી હતી. એ સમયે આનંદી 21 વર્ષનાં હતાં.
આનંદી કહે છે, "મા પોતાના માટે કંઈ રાંધતી નથી. બધાએ જમી લીધા બાદ, જે કંઈ વધતું એ એ જ ભોજન કરતી. તેમણે મને કહ્યું કે હું ઇચ્છું છું કે તું પણ આવી જ બન."
આનંદીએ કહ્યું, "મને નથી ખબર કે મારાં મમ્મી-દાદીએ ક્યારેય તેમની પસંદનું ભોજન બનાવ્યું કે નહીં. પરંતુ તેમણે હંમેશાં બધાએ જમી લીધા બાદ જ ભોજન લીધું હશે."
સત્યા એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે બીબીસીને જણાવ્યું, "જ્યારે મારાં લગ્ન થયાં તો એક દિવસે બપોરે મને ભૂખ લાગી, મેં મારાં માટે રાંધીને જમી લીધું. એ બાદ જ્યારે સાંજે મારાં સાસુ આવ્યાં તો તેમણે કહ્યું કે શું ચાર વાગ્યે ખેડૂતના ઘરે ભોજન રાંધીને ખાવાથી પરિવારમાં સમૃદ્ધિ આવશે."
"એ બાદ મેં સાંજે ભોજન કરવાનું બિલકુલ બંધ કરી દીધું. પછી ભલે મને ગમે તેટલી ભૂખ કેમ ન લાગી હોય."
પુરુષ બાદ જ મહિલાઓ કેમ ભોજન કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીને ઘણી મહિલાઓએ પોતાના અનુભવ જણાવ્યાં.
એક મહિલાએ કહ્યું, "અમારા ઘરમાં પુરુષોને જ્યારે ભોજન અપાય છે, ત્યારે ભોજન ભરપૂર શાકભાજીઓ સાથે પીરસવામાં આવે છે. જ્યારે મહિલાઓની થાળીમાં વધેલું ભોજન જ આવે છે."
"નૉન-વેજ ભોજનમાંથી માંસનો શ્રેષ્ઠ ભાગ હંમેશાં પુરુષોને જ પીરસવામાં આવે છે."
તેમણે કહ્યું, "અમારા ઘરે પિતા કે ભાઈ ગેરહાજર હોય તો એ દિવસે ઘરમાં નૉન-વેજ ભોજન જ નથી બનતું."
સુમૈયા મુસ્તફા એક એવા તામિલ મુસ્લિમ પરિવારમાંથી આવે છે, જ્યાં સમાજ માતૃસત્તાત્મક વ્યવસ્થામાં જીવે છે.
તેઓ કહે છે કે, "અન્ય સમુદાયોની સરખામણીએ અહીં ભોજનનું રાજકારણ થોડું અલગ છે. અમારા વિસ્તારમાં લગ્ન બાદ પુરુષ પોતાની પત્નીના ઘરે આવીને રહે એવી પરંપરા છે. મહિલાઓ ઘરનાં મોભી હોય છે, તેથી તેમને પુરુષની સરખામણીએ વધુ સુવિધાઓ અને વિશેષાધિકાર મળે છે."
સુમૈયા એક લેખિકા છે, જેઓ ભારતનાં તટીય શહેરોમાં રહેતાં જાતીય સમૂહોની સંસ્કૃતિ અને ભોજન પર સંશોધન કરી રહ્યાં છે. તેઓ થુથુકુડી જિલ્લાના કયાલપટ્ટિનમનાં મૂળ નિવાસી છે.
મહિલાઓના ભોજન પર ક્યારે ધ્યાન અપાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર પ્રથમ વખત માસિક આવે ત્યારે અને પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન જ મહિલાઓના ખાનપાન અંગે વધુ ચિંતા વ્યક્ત કરાય છે.
સુમૈયા કહે છે કે, "આપણે સમજવું જોઈએ કે આ બંને અવસર બીજા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાની રીત છે. આ માત્ર મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાત નથી. આપણને આવા વિચારો એટલા માટે જોવા મળી રહ્યા છે, કારણ કે આપણા સમાજમાં બાળકના જન્મની વાતને ખૂબ જ મહત્ત્વ અપાય છે."
તેમણે કહ્યું, "આપણો સમાજ ઘણાં ધર્મો અને સંસ્કૃતિઓના મિશ્રણથી બનેલો છે, પરંતુ જ્યારે વાત ભોજન અને મહિલાઓની હોય છે, ત્યારે અલગ-અલગ સમૂહોમાં પણ એક જેવા જ વિચાર જોવા મળે છે."
આ ખાસ અવસર (જેમ કે, માસિકધર્મ અને બાળકનો જન્મ) સિવાય પણ, મહિલાઓના શરીરમાં વધુ એક મોટો ફેરફાર આવે છે અને એ છે મેનોપૉઝ. આ દરમિયાન તેમને સારા અને પૌષ્ટિક આહારની જરૂર હોય છે.
કૃષિ અને મહિલાઓના જીવન પર લખતાં અપર્ણા કાર્તિકેયન કહે છે કે, "આ અંગે (મેનોપૉઝ) વધુ વાત નથી કરાતી."
અપર્ણા કહે છે કે, "મેનોપૉઝ દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્ય, તેમના ભોજન અને માનસિક સ્થિતિ વિશે કોઈ વધુ ફિકર નથી કરતું. એવુંય નથી વિચારાતું કે તેમને કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ. હવે લોકો પહેલાં કરતાં લોકોનું સરેરાશ આયુષ્ય લાંબું થયું છે. પરંતુ સમાજ એવું વર્તન કરે છે કે જેમ રજોનિવૃત્તિ બાદ મહિલાઓનું જીવન પણ સમાપ્ત થઈ જાય છે."
તેઓ કહે છે કે, "કોઈ અમને નથી કહેતું કે માસિક દરમિયાન શું ખાવું જોઈએ. મારાથી પહેલાંની પેઢીનાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અંગે ખૂબ જાગૃત નહોતાં. મને પણ 45 વર્ષની ઉંમર બાદ જ આ વિશે જાણકારી મળી. મારી પોતાની જ ઉંમરની બીજી મહિલાઓ સાથે પણ આ અંગે કોઈ વાતચીત નહોતી થતી. આપણા સમાજે આપણને એવા બનાવી દીધા છે કે આપણે એવું માની જ નથી શકતા કે સારું ભોજન મહિલાઓના જીવનમાં ખૂબ જરૂરી છે."
મહિલાઓ અને ભોજન વચ્ચેનો સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર જયા રાની વર્ષોથી અનુસૂચિત જાતિઓના જીવન પર રિપોર્ટિંગ કરી રહ્યાં છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં ગામડામાં ભોજન અને મહેમાનગતિની પરંપરા અંગે વાત કરી.
તેઓ કહે છે કે, "જો કોઈ ઘરમાં મટન બની રહ્યું હોય, તો આજે પણ સૌથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભાગ પહેલાં પુરુષો અને છોકરાને અપાય છે. તહેવારો દરમિયાન જ્યારે જાતભાતની વાનગીઓ બનાવવામાં આવે છે ત્યારે તેને પણ પહેલાં પુરુષો જ ખાય છે, મહિલાઓ કામ પૂરું કરીને અંતે ખાય છે."
જયા રાની આગળ કહે છે કે, "મહિલાઓનો ભોજનને માત્ર રાંધવા સુધીનો સંબંધ હોય છે. આ સીધો તેમની થાળી સાથે નથી જોડાતો. આપણા સમાજમાં સામાન્યપણે તમામ લોકો એક સાથે બેસીને નથી ખાતા."
તેઓ કહે છે કે, "અહીં મોટા ભાગે એવું થાય છે કે પુરુષ બેસીને ખાય છે અને મહિલાઓ પીરસે છે. તમે કદાચ જ કોઈ પુરુષને એવું કહેતા સાંભળ્યો હશે કે - તેં રાંધ્યું છે, હવે હું તારા માટે પીરસું છું."
તેઓ આગળ કહે છે કે, "મોટા ભાગના પુરુષો એ જોયા વગર જ ભોજન કરી લે છે કે બીજા માટે કંઈ વધ્યું છે કે નહીં. તેમને ખબર હોય છે કે ખબર હોય છે કે મહિલાઓ દહીં સાથે કોરા ચોખા ખાઈને પણ ગુજરાન ચલાવી લેશે અને તેઓ એ વાત પણ જાણે છે કે આ વાત અંગે મહિલાઓ કોઈ ફરિયાદ નહીં કરે."
સિનેમા, સોશિયલ મીડિયા અને સાહિત્યમાં મહિલાઓ અને ભોજન

ઇમેજ સ્રોત, Eros International
નાઇજીરિયન લેખક ચિનુઆ અચેબીએ પોતાના ખ્યાત પુસ્તક 'થિંગ્સ ફૉલ અપાર્ટ'માં આફ્રિકાની એક જનજાતિના એ વ્યક્તિ વિશે લખ્યું છે, જેને જો પત્ની સમયસર ભોજન ન આપે તો શું પરિણામ ભોગવવું પડે છે.
આવાં સાહિત્ય એવું જણાવે છે કે મહિલાઓ અને ભોજન વચ્ચેનો સંબંધ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં ખૂબ ઊંડો અને જટિલ છે.
"જ્યારે હું તેના પરિવાર વિશે વિચારું છું, તો મને ઓવનમાં રંધાતા માંસની સુગંધ, લસણ અને આગની મહેક, કિચનનાં વાસણોનો અવાજ અને ત્યાંથી આવતાં મહિલાઓના અવાજની યાદ આવે છે."
"મારા કાકા જીવિત માછલીનાં નાનાં નાનાં ટુકડા કરતા. મારી પત્ની અને તેની બહેન મરઘાને એકદમ ખાટકીની માફક કાપતાં."
આ લાઇનો 'ધ વેજિટેરિયન' પુસ્તકમાંથી લેવાઈ છે, જે વર્ષ 2024માં સાહિત્યનું નોબેલ પુરસ્કાર જીતનાર લેખિકા હાન કાંગે લખ્યું છે.
અહીં હાન કાંગે બતાવ્યું છે કે જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની અને તેના ઘર વિશે વિચારે છે, તો તેના મનમાં શું આવે છે.
આ રીતે જ ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં એક દૃશ્ય છે, જેમાં સતીશ (આદિલ હુસૈન) પોતાના સંબંધીઓ વચ્ચે પોતાની પત્ની વિશે કહે છે, "શશિ (શ્રીદેવી)ને જો કંઈ ગમે છે તો એ છે લાડુ બનાવવાનું કામ."
જયા રાની કહે છે કે, "સાચું કહીએ તો આજની ફિલ્મોમાં મહિલાઓને ખૂબ જ 'શુદ્ધ' રીતે દેખાડવામાં આવે છે. મહિલાઓ ભોજન બનાવતી વખતે તો દેખાય છે, પરંતુ ખાતી વખતે ખૂબ ઓછું. અને જો ખાય તો પણ ભોજન શાકાહારી જ હોય છે."
તેઓ આગળ કહે છે કે, "જ્યાં ઘરેલુ હિંસા થાય છે ત્યાં મા કે સાસુ જ બહુ માટે પૌષ્ટિક ભોજન રાંધવાની જવાબદારી ઉઠાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ઘરેલુ હિંસા છતાં પરિવારને છોડીને નથી જતી, તેથી તેમના માટે ભોજન એક આશરો બની જાય છે."
આજકાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, તેમાં મહિલાઓ પોતાના પતિ માટે ભોજન રાંધતાં દેખાય છે. ભલે સોશિયલ મીડિયા પ્રગતિની નિશાની મનાતું હોય, પરંતુ આજેય મહિલાઓ ઘણી વાર પોતાના માટે પરંપરાગત, જેન્ડર આધારિત કામ દેખાડવા મજબૂર હોય છે.
આંકડા શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર ભારતમાં જ નહીં, બલકે આખા વિશ્વમાં મહિલાઓને ઓછા ભોજન અને દિવસના અંતે ભોજનની આદત હોય છે.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ યુએસએ (ડબ્લ્યૂએફપીયુએસએ)ના આંકડા પ્રમાણે, વિશ્વમાં ભોજનની કમી સામે ઝઝૂમી રહેલા 69 કરોડ લોકોમાંથી 60 ટકા મહિલાઓ છે.
ડબ્લ્યૂએફપીયુએસએની આધિકારિક વેબસાઇટ પર પણ કહેવાયું છે, "વિશ્વના કેટલાક દેશોમાં, મહિલાઓ પરંપરાગત રીતે પરિવારના પુરુષો અને છોકરાના ખાધા બાદ જ ભોજન લે છે. મહિલાઓ જ ઘણી વાર સંકટ સમયે પોતાનું ભોજન બીજા સાથે શૅર કરે છે અને એવું સુનિશ્ચિત કરે છે કે પરિવારના સભ્યોને પૂરું ભોજન મળે."
વર્ષ 2019-2021માં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ - 5 (એનએફએચએસ) પ્રમાણે, પુરુષોની સરખામીએ મહિલાઓમાં ઍનીમિયા હોવાની વધુ શક્યતા રહે છે.
15થી 49 વર્ષની મહિલાઓ જેઓ ગર્ભવતી નથી, તે પૈકી 53.2 ટકા મહિલા ઍનીમિયા સામે ઝઝૂમી રહી છે.
બીજી તરફ એ આયુ વર્ગની 50.4 ટકા ગર્ભવતી મહિલાઓ ઍનીમિયાની શિકાર છે. બીજી તરફ આ આયુ વર્ગના 22.7 ટકા પુરુષોમાં પણ ઍનીમિયા મળી આવ્યો છે.
ડૉ. મીનાક્ષી બજાજ તામિલનાડુ સરકારની મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ, ઓમંદૂરારમાં ન્યૂટ્રિશનિસ્ટ છે.
આ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "મહિલાઓને કિશોરાવસ્થા, ગર્ભાવસ્થા અને સ્તનપાન સમયે વધુ પોષણની જરૂર હોય છે."
તેઓ કહે છે કે, "મેનોપૉઝ એક એવો સમયગાળો હોય છે, જેમાં મહિલાઓમાં કૅલ્શિયલ, વિટામિન ડી અને ફાઇબરની કમી થઈ શકે છે. પરંતુ સામાન્યપણે આ વિશે વધુ વાત નથી કરાતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












