ગુજરાતમાં વધી શકે છે વરસાદનું પ્રમાણ, આ જિલ્લાઓમાં છે આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ચોમાસાની હલચલ શાંત હતી, જે રવિવારથી ફરી સક્રિય જોવા મળી છે. તા. બીજી જૂનથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી હિલચાલ જોવા મળશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ જોવા મળશે, તો કેટલાક ભાગોમાં જોવા નહીં મળે. દિવસમાં અમુક સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે, તો બાકીના સમય દરમિયાન ઉઘાડ રહેશે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતના તાપમાનમાં સરેરાશ તાપમાન જળવાય રહેશે. તેમાં કોઈ અસામાન્ય ઉછાળ આવવાની શક્યતા જણાતી નથી.
સોમવારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં અનુભવાતા તાપમાનમાં ઘટાડો જોવાશે. જે આગામી ત્રણેક દિવસ સુધી જોવા મળે તેવી સંભાવના છે.
હવામાન ખાતા દ્વારા આગામી અઠવાડિયા માટે કોઈ વિશેષ ચેતવણી નથી આપી. સોમવારે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતનાં અમુકસ્થળોએ પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિઝડપે પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હવામાનની સ્થિતિ

ઇમેજ સ્રોત, imd.gov.in
હાલમાં પડેલા વરસાદનો ન કેવળ ગુજરાતીઓ, પરંતુ દેશવાસીઓએ પણ તેનો અનુભવ કર્યો. મુંબઈ ઇન્ડિયન્સ તથા પંજાબ કિંગ્સ વચ્ચે મહત્ત્વપૂર્ણ એવી બીજી ક્વૉલિફાયર મૅચ દરમિયાન વરસાદને કારણે મુકાબલો લગભગ સવા બે કલાક જેટલો મોડો શરૂ થયો હતો.
મંગળવારે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ વચ્ચે આઈ.પી.એલ.ની 18મી સિઝનની ફાઇનલમાં ટકરાશે. આ મૅચ ઉપર વરસાદના વિઘ્ન ઉપર ન કેવળ ગુજરાતીઓ, પરંતુ દેશભરના ક્રિકેટરસિકોની નજર રહેશે.
બીજી બાજુ, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે 25થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
સામાન્યતઃ ગુજરાતમા જૂનના મધ્યભાગમાં ચોમાસું બેસે છે, જે આઠેક દિવસ વહેલું હોવાનું જણાવાય રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ અને મહીસાગરના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો.
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર અને હવેલીમાં અમુક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ તથા કેન્દ્રશાસિત દીવમાં અમુક સ્થળોએ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી. આ સિવાય સમગ્ર રાજ્યમાં સૂકું વાતાવરણ જળવાય રહ્યું હતું.
મંગળવારે અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી (અગાઉ મોટેરા સ્ટેડિયમ) ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ વચ્ચે ફાઇનલની મૅચ રમાશે. જે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
આર.સી.બી.ની ટીમ નવર્ષ પછી તથા પંજાબની ટીમ 11 વર્ષ પછી ફાઇનલ સુધી પહોંચી છે, એટલે બંને ટીમના ખેલાડીઓ ઉત્સાહિત છે.
વળી, રિઝર્વ ડે રાખવામાં ન આવ્યો હોવાથી વરસાદની સીધી જ અસર મૅચના પરિણામ પર પણ પડી શકે છે.
ખાનગી હવામાન સંસ્થા ઍક્યુવેધરના અનુમાન પ્રમાણે, મંગળવારે મોટેરામાં વરસાદ પડવાની શક્યતા 80 ટકા છે અને ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા 16 ટકા જેટલી છે. વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના 52 ટકા છે.
દિવસ દરમિયાન મહત્ત્મ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચશે, જે 41 ડિગ્રી તાપમાન જેવો અનુભવ કરાવશે. જ્યારે લઘુતમ તાપમાન 28 ડિગ્રી સે. રહેશે.
મંગળવારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાનાં અમુકસ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ મેઘગર્જના સાથે પડશે. હવામાન ખાતા દ્વારા આ યાદીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરનો સમાવેશ થાય છે.
આ સિવાય મંગળવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તથા દમણ અને દાદરા-નગર હવેલીનાં અમુક સ્થળોએ ; સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ તથા કેન્દ્રશાસિત દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડશે.
આગામી દિવસો દરમિયાન હવામાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બુધવારે ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં; સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ જેવા સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
ગુરૂવારનું હવામાન મહદંશે બુધવાર જેવું રહેવા પામશે. આ દિવસો દરમિયાન આગાહીનાં સ્થળો સિવાયનાં સ્થાનોએ સૂકું વાતાવરણ જોવા મળશે.
શુક્રવારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અને મહિસાગર ; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા ; સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ ઉપરાંત દીવ, દમણ, દાદરાનગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
શનિવારે અમદાવાદ, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર ; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રમાં (અમરેલી અને ભાવનગર), સિવાય દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયાસ્થળોએ હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ મેઘગર્જના સાથે પડશે.
રવિવારે ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા અને પંચમહાલ ; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા ; સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ ઉપરાંત કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ મેઘગર્જના સાથે પડી શકે છે.
આ સિવાયના વિસ્તારોમાં ક્યાં છૂટાછવાયા સ્થળોએ 'થંડરસ્ટ્રૉર્મ ઍક્ટિવિટી'ને કારણે થોડો વરસાદ પડી શકે છે. અન્યથા વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાનો પ્રવેશ થતો હોય છે, ત્યારે આખા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં (છૂટાછવાયા સ્થળોએ) જોવા મળનારો વરસાદ 'પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટી' સૂચવે છે.
પૂર્વોત્તરમાં ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં ઊભી થયેલી સિસ્ટમને કારણે અરૂણાચલ પ્રદેશ, આસામ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, પૂર્વોત્તર રાજ્યો સાથે જોડાયેલા પશ્ચિમ બંગાળના ભાગો સહિત પૂર્વોત્ત રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.
જેના કારણે ત્યાંની નદીઓમાં ભારે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સિવાય ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ નોંધાઈ છે.
પૂર્વોત્તર રાજ્યોમા ભારે વરસાદને કારણે 25થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે.
અરબી સમુદ્રની વાત કરીએ તો કેરળ, કર્ણાટક, ગોવા તથા મહારાષ્ટ્રના તટીયવિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ તે તાજેતરના દિવસોની સરખામણીમાં ઓછો છે.
બંને દરિયામાં કોઈ સિસ્ટમ એટલે કે 'લૉ-પ્રેશર એરિયા' સર્જાય નથી રહ્યો, જેના કારણે વરસાદની કોઈ વિશેષ શક્યતા નથી. જો સિસ્ટમ બને તો ગુજરાત તરફ ચોમાસું આગળ વધશે, એ સિવાય ચોમાસાની સ્થિતિ માટે કેટલાક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
ગુજરાતમાં તા. 15મી જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, જે પાંચેક દિવસમાં સમગ્ર રાજ્ય ઉપર છવાઈ જતું હોય છે.
હવામાન ખાતાએ ચાલુ વર્ષે લગભગ આઠેક દિવસ વહેલું છે, એટલે આગામી દિવસોમાં પડનારા વરસાદને 'પ્રિ-મૉન્સૂન ઍક્ટિવિટી' પણ ગણી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













