ઑપરેશન સ્પાઇડર્સ વેબ : 40 ફાઇટર જેટનો નાશ કર્યો, રશિયામાં અંદર ઘૂસીને યુક્રેને ડ્રોન હુમલો કેવી રીતે કર્યો?

ઇમેજ સ્રોત, SBU source
- લેેખક, પૉલ એડમ્સ
- પદ, ડિપ્લૉમેટિક સંવાદદાતા
રવિવારે યુક્રેને દાવો કર્યો છે કે તેણે એક ડ્રોન હુમલામાં રશિયાનાં 40થી વધુ બૉમ્બર વિમાનોને નિશાન બનાવ્યાં છે.
રશિયાની વાયુસેના પર આ અત્યાર સુધીનો સૌથી આક્રમક હુમલો માનવામાં આવે છે. જોકે, યુક્રેને રશિયન ઍરફોર્સ પર આટલો મોટો હુમલો કઈ રીતે કર્યો તે ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે.
બીબીસી યુક્રેને એ દાવાની પુષ્ટિ નથી કરી કે આ હુમલામાં રશિયાને 7 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જોકે, એક વાત નક્કી છે કે 'ઑપરેશન સ્પાઇડર્સ વેબ' એક જોરદાર પ્રચાર અભિયાન પણ હોઈ શકે છે.
રશિયાએ પાંચ પ્રાંતમાં યુક્રેનના હુમલાની પુષ્ટિ કરી છે અને તેને 'આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે.
રશિયાએ પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ કર્યા પછી યુક્રેનના લોકો હવે તેને મોટી સૈન્ય સફળતા તરીકે ગણે છે.
યુક્રેન અત્યાર સુધી કાળા સમુદ્રમાં રશિયાના યુદ્ધજહાજ મોસ્કવાને ડૂબાડી દેવાને, 2022માં કર્ચ બ્રિજને તોડી પાડવાને અને સેવાસ્તોપોલ પોર્ટ પર મિસાઇલ હુમલાને પોતાની મોટી સફળતા ગણાવતું આવ્યું છે.
'ઑપરેશન સ્પાઇડર્સ વેબ' શું છે?

ઇમેજ સ્રોત, Reuters
યુક્રેનની મિલિટરી જાસૂસી એજન્સી એસબીયુએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે હાલના અભિયાનમાં આ તેની સૌથી મોટી સફળતા છે.
આ ઑપરેશન માટે કહેવાય છે કે 18 મહિનાથી તૈયારી ચાલુ હતી. તેમાં કેટલાંય નાનાં ડ્રોનને સ્મગલિંગ દ્વારા રશિયામાં પહોંચાડવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડ્રોનને માલવાહક ટ્રકના ખાસ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યાં હતાં. ત્યાર પછી હજારો માઇલ દૂર અલગ અલગ ચાર જગ્યાએ લઈ જઈને નજીકના મિલિટરી ઍરબેઝ પર તેને રિમોટલી લૉન્ચ કરવામાં આવ્યાં.
ડિફેન્સ બાબતોના નિષ્ણાત સરઈ કુઝને યુક્રેન ટીવીને કહ્યું કે, "આખી દુનિયામાં અત્યાર સુધી આવું ગુપ્ત ઑપરેશન ક્યારેય નથી થયું."
તેમણે કહ્યું કે, "આ સ્ટ્રેટેજિક બૉમ્બર્સ લાંબા અંતર સુધી હુમલો કરવા માટે સક્ષમ હતા. તેની સંખ્યા માત્ર 120 છે જેમાંથી અમે 40ને નિશાન બનાવ્યાં છે. આ એક અભૂતપૂર્વ આંકડો છે."
આ નુકસાનનું આકલન કરવું મુશ્કેલ છે. પરંતુ યુક્રેનના સૈન્ય બ્લૉગર ઓલેક્સાન્દ્ર કોવાલેંકો કહે છે કે બૉમ્બર્સ અને કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ ઍરક્રાફ્ટ ભલે તબાહ થયા ન હોય, પરંતુ તેની અસર બહુ મોટી છે.
તેમણે પોતાની ટેલિગ્રામ ચૅનલ પર લખ્યું કે, "આ નુકસાન એટલું મોટું છે કે રશિયા મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પ્લેક્સ હાલની સ્થિતિમાં તેને નવેસરથી બનાવી શકે તે મુશ્કેલ લાગે છે."
રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દેશના પાંચ પ્રાંતમાં મિલિટરી ઍરબેઝ પર હુમલા થયા હોવાની પુષ્ટિ કરી હતી.
જોકે, તેની સાથે મંત્રાલયે દાવો કર્યો કે તેમણે આઈવાનવા, રાયાજન અને આમિર પ્રાંતમાં ઍરબેઝ પર થયેલા બધા હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.
મંત્રાલયે એમ પણ જણાવ્યું કે મિરમંસ્ક અને ઇરકુત્સ્ક પ્રાંતમાં નજીકના વિસ્તારમાં ડ્રોન ઊડ્યાં પછી 'ઘણાં વિમાનોએ આગ પકડી લીધી' હતી.
તેમાં જણાવાયું હતું કે તમામ આગ બુઝાવી દેવાઈ હતી અને કોઈ નુકસાન થયું ન હતું. એવો દાવો પણ કરવામાં આવ્યો કે 'આ આતંકી હુમલામાં સામેલ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.'
કયાં વિમાનોને નુકસાન થયું છે તેની ચર્ચા

ઇમેજ સ્રોત, Ukraine Presidential Press Service/EPA-EFE/Shutterstock
મિસાઇલનું વહન કરનારા જે સ્ટ્રૅટેજિક બૉમ્બરની ચર્ચા થાય છે તેમાં Tu-95, Tu-22 અને Tu-160 સામેલ છે.
કોવાલેન્કો કહે છે કે આ વિમાનો હવે બનતાં નથી. તેને રિપેર કરવા મુશ્કેલ છે અને બદલવાં અસંભવ છે.
સુપરસૉનિક ટીયુ-160 વિમાન ગુમાવવા એ બહુ મોટી ઘટના ગણાશે.
તેઓ લખે છે, "આજે રશિયન ઍરોસ્પેસ ફોર્સિસે પોતાનાં બે દુર્લભ વિમાનોને ગુમાવ્યાં છે, એટલું જ નહીં. વાસ્તવમાં તેમના કાફલામાં આ બે યુનિકૉર્ન હતાં."
રશિયાને જે નુકસાન થયું તેનું નિષ્ણાતો ભલે આકલન કરતા હોય, પરંતુ ઑપરેશન સ્પાઇડર્સ વેબથી માત્ર રશિયાને નહીં પરંતુ યુક્રેનના પશ્ચિમી સાથીદારોને પણ એક સંદેશ મળ્યો છે.
મારા સહયોગી સ્વાયતોસ્લવ ખોમનકોએ બીબીસી યુક્રેન સર્વિસની વેબસાઇટ પર કિએવમાં એક સરકારી અધિકારી સાથે થયેલી મુલાકાત વિશે લખ્યું છે.
તે અધિકારી બહુ વ્યથિત હતા.
અધિકારીએ ખોમનકોને કહ્યું કે, "સૌથી મોટી સમસ્યા એ છે કે અમેરિકા એ માનીને બેસી ગયા છે કે આપણે પહેલેથી યુદ્ધ હારી ગયા છીએ. બાકીના લોકો પણ આને માની બેસે છે."
યુક્રેનના સંરક્ષણ બાબતોનાં પત્રકાર ઇલિયા પોનોમરેન્કોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઓવલ ઑફિસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે થયેલી દલીલોનો હવાલો આપ્યો છે.
તેઓ લખે છે, "જ્યારે કોઈ ગૌરવશાળી રાષ્ટ્ર પર હુમલો થાય અને તેઓ આ બધી વાતો ન સાંભળે ત્યારે આવું થાય છે. એવું કહેવાતું હતું કે 'યુક્રેન પાસે હવે માત્ર છ મહિના બચ્યા છે', 'તમારી પાસે હવે કોઈ વિકલ્પ નથી', 'શાંતિ માટે શરણાગતિ સ્વીકારી લો, રશિયા હારવાનું નથી'."
યુક્રેનના મતે તે હજુ પણ મેદાનમાં છે

ઇમેજ સ્રોત, Reuters
બિઝનેસ યુક્રેન નામના એક જર્નલે પણ ઍક્સ પર પોસ્ટમાં લખ્યું છે, "આ દર્શાવે છે કે યુક્રેન પાસે હજુ પણ પત્તા બાકી છે. આજે ઝેલેન્સ્કીએ 'કિંગ ઑફ ડ્રોન્સ'નું પત્તું ઉતાર્યું."
યુક્રેન હજુ પણ જંગમાં છે એ સંદેશ યુક્રેનના પ્રતિનિધિમંડળ પાસે પણ જરૂર હશે. આ પ્રતિનિધિમંડળ યુદ્ધવિરામ અંગે રશિયન પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા ઇસ્તંબુલ જવાનું છે.
સરકારી અધિકારીએ ખોમનકોને કહ્યું કે "અમેરિકા એવું વર્તન કરવા લાગ્યું છે જાણે તેની ભૂમિકા અમારા માટે આત્મસમર્પણની સૌથી નરમ શરતો પર વાતચીત કરવાની હોય."
"અને ત્યાર પછી તે એ વાતે નારાજ થઈ જાય છે કે અમે તેમનો આભાર ન માન્યો. અમે નથી માનતા કે અમે હારી ચૂક્યા છીએ."
ડોનબાસમાં જંગના મેદાનમાં રશિયાની સુસ્ત અને કઠોર આગેકૂચ પછી યુક્રેન રશિયા અને ટ્રમ્પ સરકારને કહે છે કે તેમની સંભાવનાને આસાનીથી નકારી શકાય નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












