'હજારો પાઉન્ડ ચૂકવીને પણ નોકરી ન મળી', બીબીસીના 'સિક્રેટ ફિલ્મિંગ'થી બહાર આવ્યાં ઇમિગ્રેશન કૌભાંડીઓનાં કાળાં કરતૂત

બ્રિટન, ઇમિગ્રેશન, કૌભાંડ, ગેરકાયદેસર
    • લેેખક, તામાસિન ફોર્ડ
    • પદ, બીબીસી ગ્લોબલ ડિસઇન્ફોર્મેશન યુનિટ અને આફ્રિકા આઈ

બ્રિટનના આરોગ્ય સંભાળના ક્ષેત્ર (કેર સેક્ટર)માં કામ કરવા માટે અરજી કરનારા વિદેશી નાગરિકોને છેતરનારા રિક્રૂટમેન્ટ એજન્ટ્સનું છૂપું ફિલ્માંકન કરીને બીબીસીએ તેમનાં કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો.

આ પૈકીનો એક એજન્ટ નાઈજીરિયન ડૉક્ટર હતો, જે મનોચિકિત્સા (સાઇકિયાટ્રી)ના ક્ષેત્રમાં એનએચએસ માટે કામ કરી ચૂક્યો હતો.

ગૃહ મંત્રાલયે સ્વીકાર્યું હતું કે, આ વ્યવસ્થાનો દુરુપયોગ થઈ શકે છે, પરંતુ બીબીસી વર્લ્ડ સર્વિસની તપાસ પરથી માલૂમ પડે છે કે, આ એજન્ટ્સ ભારે સિફતપૂર્વક લોકોને છેતરીને છટકી જાય છે અને નફો રળતા રહે છે.

અમારા છૂપા ફિલ્માંકનમાં એજન્ટ્સની માયાજાળ પ્રગટ થઈ હતી, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

  • બ્રિટનની કેર કંપનીઝમાં નોકરીઓનું ગેરકાયદેસર વેચાણ
  • કેટલીક નોકરીઓનું અસ્તિત્વ જ નથી, તે છૂપાવવા માટે નકલી પેરોલ સ્કીમ્સ તૈયાર કરવી.
  • કેર સેક્ટર્સને સ્થાને જ્યાં સ્ટાફની અછત હોય, તેવાં અન્ય ક્ષેત્રો તરફ લોકોને વાળવા

મશરૂમની માફક વચેટિયાઓ ફૂટી રહ્યાં છે

મૂળ વિદેશના તબીબી પ્રોફેશનલ્સને બ્રિટનમાં કામ કરવા દેવા માટે તૈયાર કરવામાં આવેલી સરકારી વિઝા યોજનામાં કેર વર્કર્સને સામેલ કરવા માટે 2022માં તેને વ્યાપક બનાવવામાં આવી, ત્યારથી ઇમિગ્રેશન કૌભાંડોનું પ્રમાણ વધી ગયું છે.

વિઝા માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ બ્રિટિશ નોકરીદાતા પાસેથી "સર્ટિફિકેટ ઑફ સ્પૉન્સરશિપ" (સીઓએસ) મેળવવાનું રહેતું હોય છે.

આ નોકરીદાતાએ ગૃહ મંત્રાલય પાસેથી લાઇસન્સ મેળવ્યું હોય છે. આ સીઓએસ દસ્તાવેજ મેળવવો જરૂરી હોય છે, તેનો ગેરફાયદો ધુતારા રિલોકેશન એજન્ટ્સ ઉઠાવતા હોય છે.

બ્રિટનમાં સ્થળાંતરિતો તથા પીડિતોને રોજગારી ક્ષેત્રે ન્યાય મેળવવામાં સહાય પૂરી પાડતી ચેરિટી સંસ્થા વર્ક રાઇટ્સ સેન્ટરનાં સીઈઓ ડોરા-ઑલિવિયા વિકોલ કહે છે, "હેલ્થ ઍન્ડ કેર વર્ક વિઝા હેઠળ મોટાપાયે શોષણ થઈ રહ્યું છે."

"મને લાગે છે કે, આ હવે રાષ્ટ્રીય કટોકટી બની ગઈ છે."

તેમના જણાવ્યા પ્રમાણે, સ્પૉન્સરશિપની વ્યવસ્થામાં "પ્રણાલીગત જોખમ સામેલ" છે, કારણ કે, તે "નોકરીદાતાને શક્તિશાળી સ્થાન પર લાવી મૂકે છે અને તેને કારણે વચેટિયાઓનું બજાર મશરૂમની માફક ફૂટી રહ્યું છે."

બીબીસીએ બે અન્ડરકવર (ગુપ્ત) પત્રકારોને બ્રિટનમાં કામ કરતા રિલોકેશન એજન્ટ્સનો સંપર્ક સાધવા માટે મોકલ્યા હતા.

તેમાંથી એકની મુલાકાત નાઈજીરિયાના ડૉક્ટર અને એસેક્સના હાર્લો ખાતે કેરીયરએડ્યુ નામની સંસ્થાના સ્થાપક ડૉક્ટર કેલ્વિન અલાનેમે સાથે થઈ હતી.

તેની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે, તેનો વ્યવસાય "યુવાન આફ્રિકનોને સેવા પૂરી પાડતી વૈશ્વિક તકો માટેનું લૉન્ચપૅડ છે" અને તેના 9,800 કરતાં વધુ "સંતુષ્ટ ક્લાયન્ટ્સ" હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

'હું તમને કરોડપતિ બનાવી શકું છું'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીની જાસૂસ પત્રકાર બ્રિટન કેર સેક્ટર સાથે સારી રીતે સંકળાયેલી હોવાનું માનીને ડૉક્ટર અલાનેમેએ તે પત્રકારને તેના વ્યવસાય માટેની એજન્ટ બનાવવા તેની ભરતી કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, તેના માટે આ એક આકર્ષક નોકરી બની રહેશે.

ડૉક્ટરે કહ્યું કે, "મને બસ કેર હોમ્સ લાવી આપો, હું તમને કરોડપતિ બનાવી શકું છું."

એક સંભવિત વ્યવસાય ભાગીદાર તરીકે અમારી પત્રકારને એ પછી ડૉક્ટર અલાનેમે જેવા એજન્ટ્સ દ્વારા ઇમિગ્રેશનનું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવે છે, તેની ઊંડી જાણકારી આપવામાં આવી. ડૉક્ટર અલાનેમેએ કહ્યું કે, તે પ્રત્યેક કેર હોમ વેકેન્સી (ખાલી જગ્યા) બદલ 2,000 પાઉન્ડ ચૂકવશે તથા તેણે 500 પાઉન્ડનું કમિશન પણ ઓફર કર્યું.

એ પછી ડૉક્ટરે કહ્યું કે, તે નાઈજીરિયામાં ઉમેદવારોને આ વેકેન્સી વેચી દેશે.

બ્રિટનમાં નોકરી માટે ઉમેદવારો પાસેથી વસૂલાત કરવી ગેરકાયદેસર છે.

ડૉક્ટરે દબાયેલા સ્વરે કહ્યું, "ઉમેદવારોએ કશી ચૂકવણી કરવી જોઈએ નહીં, કારણ કે, તે મફત છે"

"એ લોકો પૈસા ચૂકવે છે, કારણ કે તેઓ જાણે છે કે, આ એક માત્ર માર્ગ છે."

ડૉક્ટર અલાનેમેની રિલોકેશનની સેવાઓ વિશે સંખ્યાબંધ ઑનલાઇન ફરિયાદોને પગલે બીબીસીએ તેના પર નજર રાખવાનું શરૂ કર્યું.

નોકરીની લાલચ આપીને ડૉલરો પડાવી લીધા

પ્રેઈઝે દાવો કર્યો હતો કે, તેણે બ્રિટનમાં નોકરી મેળવવા માટે ડોક્ટર અલાનેમેને 13,000 ડોલર કરતાં વધુ રકમ ચૂકવી હતી.
ઇમેજ કૅપ્શન, પ્રેઈઝે દાવો કર્યો હતો કે, તેણે બ્રિટનમાં નોકરી મેળવવા માટે ડોક્ટર અલાનેમેને 13,000 ડોલર કરતાં વધુ રકમ ચૂકવી હતી.

ફરિયાદીઓમાં દક્ષિણ-પૂર્વ નાઈજીરિયાના આશરે ત્રીસ વર્ષની આસપાસ વય ધરાવતા પ્રેઈઝનો પણ સમાવેશ થાય છે.

પ્રેઈઝે દાવો કર્યો હતો કે, તેણે બ્રિટનમાં નોકરી મેળવવા માટે ડૉક્ટર અલાનેમેને 10,000 પાઉન્ડ (13,000 ડૉલર) કરતાં વધુ રકમ ચૂકવી હતી. પ્રેઈઝે કહ્યું હતું કે, તેમને જણાવવામાં આવ્યું કે, તેમણે ક્લેક્ટન-ઑન-સીમાં આવેલી કંપની એફિશિયન્સી ફૉર કેર માટે કામ કરવાનું રહેશે. એ પછી જ્યારે તે ત્યાં પહોંચ્યો, ત્યારે તેને ખબર પડી કે, આવી કોઈ નોકરીનું અસ્તિત્વ જ નહોતું.

પ્રેઈઝ કહે છે, "જો મને ખબર હોત કે, અહીં કોઈ નોકરી નથી, તો હું અહીં આવત જ નહીં. નાઈજીરિયામાં દેવાળું ફૂંકી દીધું હોય તો પણ, હું મારાં માતા-પિતા કે બહેનને શોધીને મફતમાં ભોજન તો આરોગી શકતો હોત. અહીં એવું નથી. અહીં ભૂખ્યા રહેવું પડે છે."

પ્રેઈઝ જણાવે છે કે, તેણે કામ ક્યારથી શરૂ થશે, એ જાણવા માટે મહિનાઓ સુધી એફિશિયન્સ ફૉર કેર અને ડૉક્ટર અલાનેમેને મેસેજ કર્યા. ડૉક્ટર અલાનેમેએ સહાય કરવાનું વચન આપ્યું હોવા છતાં જૉબ મળી નહીં. એક વર્ષ પછી પ્રેઈઝને બ્રિટનમાં રહેવા માટે તેને સ્પૉન્સર કરવા તૈયાર થયેલા અન્ય એક કેર પ્રોવાઇડર સાથે નોકરી મળી ગઈ.

જેનું અસ્તિત્વ જ ન હોય એવી નોકરી માટે દસ્તાવેજો બનતાં હતાં

યુકે, ઇમિગ્રેશન, કૌભાંડ

ઇમેજ સ્રોત, Getty Images

અમારી તપાસમાં માલૂમ પડ્યું કે, એફિશિયન્સી ફૉર કેરે 2022માં સરેરાશ 16 લોકોને તથા 2023માં 152 લોકોને રોજગારી પૂરી પાડી હતી. તેમ છતાં, મે, 2023માં ગૃહ મંત્રાલય દ્વારા કંપનીને પાઠવવામાં આવેલા પત્રમાં દર્શાવ્યું હતું કે, તેણે માર્ચ, 2022 અને મે, 2023ની વચ્ચે વિદેશી વર્કરોને 1,234 સર્ટિફિકેટ્સ ઑફ સ્પૉન્સરશિપ ઇશ્યૂ કર્યાં હતાં.

એફિશિયન્સી ફૉર કેરનું સ્પૉન્સરશિપ લાઇસન્સ જુલાઈ, 2023માં રદ કરી દેવાયું હતું. કેર કંપની હવે વિદેશમાંથી કોઈ ભરતી કરી શકતી નથી, તેમ છતાં તેનું કામકાજ હજુ ચાલુ છે.

કંપનીએ બીબીસીને જણાવ્યું કે, ડૉક્ટર અલાનેમે સાથે સંડોવણીના આરોપને તે ફગાવે છે. તેણે જણાવ્યું હતું કે, તેનું માનવું છે કે, તેણે નાઈજીરીયા અને અન્ય દેશોમાંથી કાયદેસર રીતે સ્ટાફની ભરતી કરી હતી.

ગૃહ મંત્રાલય દ્વારા તેના સ્પૉન્સરશિપ લાઇસન્સને રદ કરવામાં આવ્યું, તેને પડકારતાં તેણે જણાવ્યું હતું કે, આ મામલો હવે અદાલતમાં છે.

છાની રીતે ફિલ્માવવામાં આવેલી અન્ય એક મિટિંગમાં ડૉક્ટર અલાનેમેએ વધુ એક જટિલ કૌભાંડ વિશે વાત કરી હતી, જેમાં જેનું અસ્તિત્વ જ ન હોય, એવી નોકરી માટે સ્પૉન્સરશિપ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.

તેણે કહ્યું હતું કે, નોકરી સાથે જોડાયેલું ન હોય એવું સીઓએસ ધરાવવાનો લાભ એ છે કે, "તેમાં વ્યક્તિ ઇચ્છે એ શહેર પસંદ કરી શકે છે."

"વ્યક્તિ ગ્લાસગો જઈ શકે છે. લંડનમાં રહી શકે છે, ઇચ્છે ત્યાં રહી શકે છે," એમ તેમણે કહ્યું હતું.

પણ આ સાચું નથી. જો કોઈ વ્યક્તિ હેલ્થ ઍન્ડ કેર વર્ક વિઝા પર બ્રિટનમાં આવે છે અને તેને સોંપવામાં આવેલું કામ નથી કરતો, તો તેના વિઝા રદ થઈ શકે છે અને તેને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.

ગુપ્ત ફિલ્માંકનમાં ડૉક્ટર અલાનેમેએ નોકરીઓ વાસ્તવિક ન હોવાની હકીકત પર ઢાંકપિછોડો કરવા માટે નકલી પેરોલ સિસ્ટમ કેવી રીતે ઊભી કરવી, તેનું પણ રહસ્યોદ્ઘાટન કર્યું હતું.

તેણે કહ્યું હતું, "સરકારે નાણાં વિશેની જાણકારી મેળવવાની રહેતી હોય છે."

બીબીસી પત્રકારે બિઝનેસમેનનો સ્વાંગ રચ્યો

ડૉક્ટર અલાનેમેએ બીબીસીને જણાવ્યા પ્રમાણે, તેણે કેરીયરએડ્યુ દ્વારા ઑફર કરવામાં આવતી સેવાઓ એક કૌભાંડ હોવાનું કે પછી તે ભરતી કરનારી સંસ્થા તરીકે કામ કરતી હોવાનું કે પછી નાણાંના બદલામાં જૉબ આપતી હોવાનું નકારી કાઢ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે, તેની કંપની માત્ર કાયદેસર સેવાઓ ઑફર કરે છે અને પ્રેઈઝે તેને જે નાણાં ચૂકવ્યાં હતાં, તે પ્રેઈઝના પ્રવાસ, રોકાણ અને તાલીમ માટે ભરતી એજન્ટને આપી દેવાયા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે, તેણે પ્રેઈઝને મફતમાં અન્ય નોકરીદાતા શોધવા માટે મદદની ઑફર કરી હતી.

આ ઉપરાંત, અન્ય એક કેસમાં ઘણાં લોકોએ બીબીસીને જણાવ્યું કે, તેમણે તેમના પરિવારજનો અને મિત્રો માટે કેર વર્કરની (જેનું અસ્તિત્વ જ નહોતું, એવી) નોકરી માટે હજ્જારો પાઉન્ડ ચૂકવ્યા હતા.

એ પછી બીબીસીએ બ્રિટન સ્થિત અન્ય ભરતીકર્તા એજન્ટ નાના અક્વાસી અગ્યેમાંગ- પ્રેમ્પેહનું પણ છૂપું ફિલ્માંકન પાર પાડ્યું હતું.

લોકોએ કહ્યું હતું કે, અગ્યેમાંગ-પ્રેમપેહે તેમને આપેલા કેટલાક દસ્તાવેજો બનાવટી નિકળ્યા હતા અને તે કેર કંપનીઓ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા અસલી સીઓએસની નકલો હતી.

ઇમિગ્રેશન
ઇમેજ કૅપ્શન, અગ્યેમાંગ-પ્રેમપેહે

અમને જાણવા મળ્યું કે, અગ્યેમાંગ-પ્રેમપેહે કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં બ્રિટિશ નોકરીઓ માટે સીઓએસ ઑફર કરવાનું શરૂ કર્યું હતું. કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં પણ નોકરીદાતાઓને વિદેશી કારીગરોની ભરતી કરવાની છૂટ હતી. તેણે તેની પોતાની કન્સ્ટ્રક્શન કંપની સ્થાપી અને ગૃહ મંત્રાલયમાંથી સ્પૉન્સરશિપ લાઇસન્સ મેળવ્યું હતું.

અમારા પત્રકારે યુગાન્ડાના કન્સ્ટ્રક્શન વર્કરોને કામ માટે લાવવા માગતા બ્રિટન સ્થિત બિઝનેસમેનનો સ્વાંગ રચીને અગ્યેમાંગ-પ્રેમ્પેહને પૂછ્યું કે, આવું થઈ શકશે કે કેમ.

અગ્યેમાંગ-પ્રેમ્પેહનો જવાબ હતો - ત્રણ વ્યક્તિના 42,000 પાઉન્ડ્ઝ (54,000 ડોલર) થશે.

તેણે અમને કહ્યું કે, કાળજીના ક્ષેત્રમાં નિયમો ચુસ્ત બનાવવામાં આવી રહ્યા હોવાને કારણે તે હવે કન્સ્ટ્રક્શનના વ્યવસાય તરફ વળ્યો છે અને તેના દાવા પ્રમાણે, એજન્ટ્સ હવે અન્ય ઉદ્યોગો તરફ નજર દોડાવી રહ્યા છે.

અગ્યેમાંગ-પ્રેમ્પેહે અન્ડરકવર પત્રકારને કહ્યું હતું, "લોકો હવે આઈટી તરફ વળી રહ્યા છે."

વિદેશમાંથી વર્કરોની ભરતી કરનારા નોકરીદાતાઓ સામે પગલાં ભરવાની જાહેરાત

જુલાઈ, 2022 અને ડિસેમ્બર, 2024ની વચ્ચે સરકારે બ્રિટનના સાર-સંભાળના ક્ષેત્રના 470 કરતાં વધુ લાઇસન્સ રદ કરી દીધાં હતાં. લાઇસન્સ ધરાવતા સ્પૉન્સર્સે ઑક્ટોબર, 2020થી લઈને 39,000 કરતાં વધુ મેડિકલ પ્રોફેશનલ્સ અને કેર વર્કર્સની ભરતી કરી હતી.

અગ્યેમાંગ-પ્રેમ્પેહે પછીથી સર્ટિફિકેટ્સ ઑફ સ્પૉન્સરશિપ માટે સંપૂર્ણ રકમ ચૂકવવાની માગણી કરી હતી, જે બીબીસીએ ચૂકવી નહોતી.

ગૃહ મંત્રાલયે હવે અગ્યેમાંગ-પ્રેમ્પેહનું સ્પૉન્સરશિપ લાઇસન્સ રદ કરી દીધું હતું. બીબીસીએ આ સવાલ કરતાં તેણે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે, તે સ્વયં અન્ય એજન્ટોની છેતરપિંડીનો ભોગ બન્યો હતો અને તેને ખબર નહોતી કે તે બનાવટી સીઓએસ વેચી રહ્યો હતો.

ગૃહ મંત્રાલયે બીબીસીને જણાવ્યું હતું કે, તેણે વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરનારા નિર્લજ્જ નોકરીદાતાઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને બ્રિટનના રોજગાર કાયદાઓનું ઉલ્લંઘન કરનારા લોકો દ્વારા વિદેશી વર્કરોને સ્પૉન્સર કરવામાં આવે છે, તે પ્રક્રિયા પર પ્રતિબંધ ફરમાવવામાં આવશે.

બીબીસીની તપાસમાં અગાઉ ભારતમાંથી કેરળના લોકોને તથા યુકેમાં રહીને અભ્યાસ કરતા અને કેર સેક્ટરમાં કામ કરવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવતા સમાન પ્રકારના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

નવેમ્બર, 2024માં સરકારે વિદેશમાંથી વર્કરોની ભરતી કરનારા ધુતારા નોકરીદાતાઓ સામે પગલાં ભરવાની જાહેરાત કરી હતી. વધુમાં, નવમી એપ્રિલથી ઇંગ્લૅન્ડના કેર પ્રોવાઇડર્સે વિદેશમાંથી ભરતી કરતાં પહેલાં બ્રિટનમાં જ અગાઉથી મોજૂદ હોય, તેવા આંતરરાષ્ટ્રીય કેર વર્કર્સની ભરતીને પ્રાથમિકતા આપવાની રહેશે.

તપાસકર્તા ટીમઃ ઓલારોંકે અલો, ચિયાગોઝી ન્વોન્વુ, સુચીરા મગુઈરે, ન્યાશા મિશેલ અને ચિયારા ફ્રેન્કવિલા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન