You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખ્રિસ્તી થઈ ગયેલા પિતાના અંતિમસંસ્કાર માટે દીકરો હાઈકોર્ટ પહોંચ્યો, કોર્ટે શું ઐતિહાસિક ચુકાદો આપ્યો?
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, બીબીસી માટે, રાયપુરથી
છત્તીસગઢના બસ્તરની મેડિકલ કૉલેજમાં ચાર દિવસ સુધી રાખી મૂકાયા બાદ ઈશ્વરના મૃતદેહને અંતે તેમના ગામની ભૂમિ નસીબ થઈ. છીંદબાહર ગામના રહેવાસી ઈશ્વરના મૃતદેહનો તેમની વારસાગત જમીન પર અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે.
વર્ષો પહેલાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાને કારણે તેમના ગામના લોકો અને કેટલાંક હિન્દુ સંગઠનો ગામમાં તેમના અંતિમસંસ્કારનો વિરોધ કરી રહ્યાં હતાં.
આ પહેલાં રજાના દિવસે શનિવારની સાંજે છત્તીસગઢ હાઈકોર્ટે આ મામલામાં ઈશ્વરના પુત્ર સાર્તિક સોરામની અરજી પર સુનાવણી કરતા સમયે જિલ્લાના પોલીસવડાને અંતિમસંસ્કાર માટે સુરક્ષા વ્યવસ્થા આપવાનો નિર્દેશ કર્યો હતો.
સાર્તિક સોરામે બીબીસીને કહ્યું કે, “ગામમાં જ્યારે વિરોધ થયો ત્યારે હું હાઈકોર્ટમાં ગયો. ત્યાંથી અમને ગામમાં જ પિતાજીને દફનાવવાની સંમતિ મળી હતી. ત્યારબાદ અમે અમારી વારસાગત જમીન પર પિતાજીને રીતિરિવાજ સાથે દફનાવ્યા હતા.”
હકીકતમાં દરભા વિસ્તારમાં આવેલા આ છીંદબાહર ગામના રહેવાસી ઈશ્વરની તબિયત ખરાબ થયા પછી જિલ્લા મુખ્ય મથક જગદલપુરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ ગુરુવારે તેમનું મૃત્યુ થયું હતું.
ગામમાં પોલીસની તહેનાતી
ઈશ્વરના પરિવારજનોનું કહેવું છે કે જ્યારે પરિવારના સભ્યો ઈશ્વરના મૃતદેહને લઈને ગામમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પરપા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે તેમને મૃતદેહને ગામમાં લઈ જતા અટકાવ્યા હતા.
પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી કે ગામનો એક વર્ગ ઇચ્છતો નથી કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર ઈશ્વરના અંતિમ સંસ્કાર ત્યાં થાય. ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરવામાં આવ્યો છે.
ત્યારથી ઈશ્વરના મૃતદેહને જિલ્લા હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈશ્વરના પુત્ર સાર્તિક કોરામે પણ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને અરજી કરી ગામમાં અંતિમસંસ્કાર કરવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી, પરંતુ આ મામલે તેમની વાત સાંભળવામાં આવી નહોતી.
બીબીસીએ આ અંગે પોલીસ અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
હાઈકોર્ટે શું કહ્યું?
શનિવારની સાંજે છત્તીસગઢ હાઈકોર્ટે રજાના દિવસે આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી.
હાઈકોર્ટમાં જસ્ટિસ રાકેશ મોહન પાંડેની પીઠે પોતાના ચુકાદાની પહેલી પંક્તિમાં ગીતાના યુદ્ધકાંડનો શ્લોક – “મિત્રાણી ધન ધાન્યાનિ પ્રજાનાં સમ્મતાનિવ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ” નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મિત્ર, ધન, ધાન્ય વગેરેનું સંસારમાં ખૂબ સન્માન છે. પરંતુ માતા અને માતૃભૂમિનું સ્થાન સ્વર્ગથી પણ ઉપર છે.
કોર્ટે કહ્યું હતું કે, “આ પહેલાંથી જ કાયદાનો એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 21માં કોઈ વ્યક્તિને સન્માનપૂર્વક અંતિમસંસ્કારનો અધિકાર સામેલ છે. જીવનના અધિકારનું તાત્પર્ય છે કે માનવીય ગરિમા સાથે એક સાર્થક જીવન, એ ન માત્ર એક પશુનું જીવન છે પરંતુ આ અધિકાર એ વ્યક્તિ સુધી પણ વિસ્તરેલો છે કે જેનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. આ અધિકાર કોઈ વ્યક્તિના મૃત્યુ સુધી જ નથી રહેતો પરંતુ તેમાં મૃત્યુ સુધી સભ્ય જીવનના અધિકાર સહિત, સભ્ય મૃત્યુ સંસ્કાર પણ સામેલ છે.”
કોર્ટના આ નિર્ણય બાદ જ્યારે રવિવારે છિંદબાહર ગામમાં ઈશ્વરના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ગામના લોકોએ કહ્યું કે વિરોધ કરી રહેલા મોટાભાગના લોકો બહારના હતા અને તેમણે ગામના લોકોને ઉશ્કેર્યા હતા.
છત્તીસગઢ ક્રિશ્ચિયન ફોરમના રાજ્ય પ્રમુખ અરુણ પન્નાલાલ કહે છે, "કોર્ટનો આ નિર્ણય ઐતિહાસિક છે અને આ નિર્ણયથી ન્યાયતંત્રમાં અમારો વિશ્વાસ વધુ વધ્યો છે. છેલ્લા કેટલાક સમયથી છત્તીસગઢનો ખ્રિસ્તી સમુદાય અહીં થઈ રહેલા વિવાદોનો સામનો કરી રહ્યો છે. અંતિમ સંસ્કારને લઈને વિવિધ સ્થળોએ પરિવારોમાં સતત સંઘર્ષ થતો હતો અને તેના અંતિમસંસ્કારને લઈને પણ અમને આશા છે કે ખ્રિસ્તી સમાજને આમાંથી રાહત મળશે.”
અંતિમ સંસ્કાર પર વિવાદ
હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ ઈશ્વરને તેમના ગામની જમીન નસીબ થઈ હોવા છતાં દરેકનું નસીબ ઈશ્વર જેવું હોતું નથી. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર આદિવાસીઓના અંતિમસંસ્કાર અંગેના વિવાદો ઓછા થવાના સંકેત દેખાઈ રહ્યા નથી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં કેરળમાં જગદલપુરને અડીને આવેલા નવાગુડા ગામના 25 વર્ષીય મજૂર તુલસી નાગનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું. પરંતુ જ્યારે તુલસીના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો ત્યારે ગામનો એક વર્ગ એ વાત પર મક્કમ હતો કે તુલસી અને તેના પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, તેથી ગામમાં તેના અંતિમ સંસ્કાર થઈ શક્યા નહીં.
જ્યારે પરિવારના સભ્યોએ મૃતદેહને ગામના સરપંચના ઘર પાસે રાખ્યો અને કહ્યું કે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે ત્યારે પોલીસ મૃતદેહને જગદલપુરના કરકપાલ ખાતેના ખ્રિસ્તી સમુદાયના કબ્રસ્તાનમાં લાવી હતી.
પોલીસનું કહેવું હતું કે ગામમાં તણાવનું વાતાવરણ છે અને આવી સ્થિતિમાં તુલસી નાગના મૃતદેહનો ગામમાં અંતિમ સંસ્કાર થઈ શકે નહીં. પાંચ દિવસ સુધી લાશ એમ જ પડી રહી.
આખરે તુલસી નાગના અંતિમ સંસ્કાર તેમના ગામમાં થઈ શક્યા નહીં.
બસ્તર, નારાયણપુર, કાંકેર, કોંડાગાંવ, દંતેવાડા સહિતના ઘણા જિલ્લાઓમાં આવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી હતી. જ્યારે મૃતદેહોના અગ્નિસંસ્કારને લઈને વિવાદ થયો હતો અને તણાવ બાદ મૃતદેહોને બીજે ક્યાંક લઈ જઈને દફનાવવા પડ્યા હતા.
કેટલાક કિસ્સાઓ તો એવા પણ પ્રકાશમાં આવ્યા જ્યારે દફનાવવામાં આવેલા મૃતદેહોને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યા.
બસ્તર એ પાંચમી અનુસૂચિનો વિસ્તાર છે, જ્યાં પંચાયત ઍક્સટેન્શન ઇન શેડ્યૂલ એરિયા એટલે કે પેસા કાયદો લાગુ છે. ગ્રામસભાની સંમતિ વિના અહીં ન તો ફેકટરી બનાવી શકાય કે ન તો પ્રાર્થના હોલ બનાવી શકાય. ત્યાં સુધી કે અહીં કોઈ કાર્યક્રમનું પણ આયોજન કરી શકાતું નથી.
આ જ કારણ છે કે કોયલીબેડા જેવાં અનેક ગામડાંની અનેક પંચાયતોમાં ગ્રામસભામાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે ખ્રિસ્તી બનેલા લોકોના કોઈપણ પરિસ્થિતિમાં અંતિમસંસ્કાર નહીં કરવા દેવામાં આવે. જોકે, રાજ્યના જે વિસ્તારો પાંચમી અનુસૂચિમાં નથી આવતા ત્યાં પણ આવા વિરોધપ્રદર્શનો થતાં રહે છે.
સર્વ આદિવાસી સમાજના સંરક્ષક અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ નેતામ કહે છે, "બસ્તરમાં, આદિવાસીઓને હિન્દુ બનાવવામાં આવી રહ્યા છે અને અન્ય સ્થળોએ તેમને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે. તેથી, ત્યાં સંઘર્ષની સ્થિતિ સર્જાઈ રહી છે. આદિવાસીઓને અલગ કરવામાં આવી રહ્યા છે. તેમની સંસ્કૃતિ અને આદિવાસીઓની માન્યતાઓ અને પરંપરાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.”
પરંતુ હાઈકોર્ટના ઍડ્વોકેટ પંકજ શર્માનું કહેવું છે કે બંધારણ પોતાની ધાર્મિક સ્વતંત્રતા માટે અન્ય કોઈની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર આપતું નથી.
પંકજ શર્મા કહે છે, "ગામડાંમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ રહ્યું છે. પોતાની મરજીથી ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિવાસીઓના અંતિમસંસ્કાર માટે ગામમાં સ્થાન ન આપવાની આ પદ્ધતિ વાસ્તવમાં દબાણ બનાવવાની રાજનીતિનો એક ભાગ છે, જેના કારણે તેઓ નારાજ થાય છે અને ખ્રિસ્તી ધર્મ છોડી દે છે."
જોકે, હાઈકોર્ટના તાજેતરના નિર્ણય પછી, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર આદિવાસીઓને આશા છે કે ઓછામાં ઓછા તેઓને અંતિમ સંસ્કાર અંગેના વિવાદોમાંથી રાહત મળશે. પરંતુ આ નિર્ણયનો સંપૂર્ણ અમલ થશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.