You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતાની સુરક્ષિત વાપસી પર ગુજરાતમાં વતન ઝુલાસણમાં શાનદાર ઉજવણી, લોકો ગરબે ઘૂમ્યા
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- દ્વારા રિપોર્ટિંગ, મહેસાણા
નાસાના અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર સહીસલામત વાપસી પછી તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં ઉત્સવનો માહોલ છે. મહેસાણા જિલ્લાનું આ ગામ તેમના પૂર્વજોની ભૂમિ તરીકે ઓળખાય છે. સુનીતાએ અંતરીક્ષમાં જવા રવાના થયા ત્યારથી ગામલોકોએ તેમની સુરક્ષા માટે પ્રાર્થનાઓ શરૂ કરી હતી જે તેમની સુરક્ષિત વાપસી સુધી ચાલુ હતી.
ગામના બે મંદિરોમાં છેલ્લા નવ મહિનાથી સતત દીવા પ્રગટાવાયા હતા. બોઈંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેક્નિકલ સમસ્યાઓ સર્જાયા બાદ ગામલોકોએ નિયમિત પ્રાર્થના કરી હતી. વિલિયમ્સ માત્ર આઠ દિવસ માટે અવકાશમાં ગયા હતા, પરંતુ તેમણે ત્યાં નવ મહિના રહેવું પડ્યું.
સુનીતા વિલિયમ્સના એક સ્વજન નવીન પંડ્યાએ બીબીસીને કહ્યું કે ટેકનિકલ ખામીની જાણ થતા સામમાં સતત પ્રાર્થના ચાલુ હતી. તેઓ કહે છે, "અમે મહિના સુધી ચિંતિત હતા, પરંતુ ભગવાન પર અમારી શ્રદ્ધાએ અમને આશાવાદી રાખ્યા."
સુનીતાના પરિવારનો ઝુલાસણ સાથે સંબંધ
સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા 1958માં અમેરિકામાં સ્થાયી થયા હતા, પણ તેમનું બાળપણ ઝુલાસણમાં વીત્યું હતું.
ઝુલાસણમાં વસતા ઘણા લોકો વર્ષોથી અમેરિકા અને કૅનેડા જેવા પશ્ચિમી દેશોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.
અમદાવાદમાં રહેતા તેમના સંબંધી દિનેશ રાવળે બીબીસીને જણાવ્યું, "ઝુલાસણના આશરે 4,000 લોકો આજે યુએસએમાં વસે છે."
તેમણે જણાવ્યું કે બૉસ્ટનમાં યોજાયેલા સમારંભમાં સુનીતા વિલિયમ્સ, તેમના પિતા દીપક પંડ્યા અને અન્ય કુટુંબજનોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તે વખતે સુનીતાએ ઝુલાસણના ઘણા લોકો સાથે મુલાકાત કરી હતી અને ગામ સાથે પરિવારના સંબંધોને યાદ કર્યા હતા.
સુનીતા વિલિયમ્સ અમેરિકામાં જન્મ્યાં અને મોટાં થયાં હોવા છતાં તેમણે પૂર્વજોના ગામ સાથે મજબૂત નાતો જાળવી રાખ્યો છે. તેઓ અગાઉ ઘણી વાર ભારત આવ્યાં છે, ખાસ કરીને અગાઉની અવકાશ યાત્રાઓ બાદ ઝુલાસણ પણ આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનીતાના એક સ્વજન કિશોર પંડ્યાએ યાદો વાગોળતા કહ્યું કે, "મેં જ્યારે મારી ઓળખ તેમના 'ભાઈ' તરીકે આપી, ત્યારે સુનીતા ખૂબ ખુશ થઈ ગયાં અને મને ભેટીને 'ઓહ, મારા ભાઈ!' કહ્યું હતું."
ગામમાં ઉજવણી અને ભાવુક વાતાવરણ
મંગળવાર રાત્રે જ્યારે વિલિયમ્સનું સ્પેસઍક્સ ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશમથકથી પૃથ્વી પર ઉતરવાનું શરૂ થયું, ત્યારે ગામલોકો મંદિરોમાં ભેગા થઈને પ્રાર્થના કરી રહ્યા હતા.
તેઓ લાઇવ બ્રૉડકાસ્ટ જોઈ રહ્યા હતા, અને તેમના ચહેરા પર તણાવ સ્પષ્ટ જોવા મળતો હતો. જ્યારે અવકાશયાન સુરક્ષિત રીતે સમુદ્રમાં ઊતર્યું, ત્યારે ગામલોકોએ ઉત્સવ શરૂ કરી દીધો.
કિશોર પંડ્યાએ કહ્યું કે, "અમે અમારી ખુશી રોકી શક્યા નહીં. લોકોએ તાળીઓ પાડી, ગરબે રમ્યા અને ફટાકડા ફોડ્યા. જાણે તહેવાર હોય એવું વાતાવરણ હતું."
આ ઉજવણી રાતભર ચાલતી રહી અને લોકોએ તેને દીવાળી અને નવરાત્રીના મિશ્રણ જેવી અનુભૂતિ કરી. ગામના એક વતની સુબોધ પટેલે કહ્યું કે, "આ અમારો નવો તહેવાર છે. સુનીતા સુરક્ષિત છે તે બદલ અમે ઈશ્વરના આભારી છીએ."
સુનીતા વિલિયમ્સ: ગામના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા
ગામના પૂજારી અજયગિરી ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ દર રવિવારે યજ્ઞ કરતા હતા.
તેમણે કહ્યું, "હું હજુ પણ તેમના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરીશ અને સુનીતા વહેલી તકે ઝુલાસણની મુલાકાત લેશે એવી આશા રાખું છું."
સુનીતા વિલિયમ્સ અગાઉ બે વાર ઝુલાસણની મુલાકાત લઈ ચૂક્યાં છે. ગામની શાળામાં જ્યાં તેમને એક સમયે સન્માનિત કરવામાં આવ્યાં હતાં, ત્યાં હવે તેમની અવકાશયાત્રાનાં મોટાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.
શાળાના પ્રિન્સિપાલ વિશાલ પંચાલે જણાવ્યું કે, "તેમની સિદ્ધિઓએ અમારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન પ્રત્યે પ્રેરિત કર્યા છે."
એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, "મારી પાસે કહેવા માટે શબ્દો નથી. હું પણ ભવિષ્યમાં સુનીતા વિલિયમ્સની જેમ અવકાશયાત્રી બનવા માંગું છું."
વડા પ્રધાન મોદીએ મોકલ્યું આમંત્રણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુનીતા વિલિયમ્સને પત્ર લખી તેમને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, "તમારી વાપસી પછી અમે તમને ભારતમાં જોવા માટે આતુર છીએ. ભારત માટે પોતાની વિખ્યાત દીકરીનું સન્માન કરવું ગૌરવની વાત હશે."
સુનીતાના પારિવારિક ભાઈ રાવળે વધુમાં કહ્યું હતું કે, "હું 84 વર્ષનો છું. આ દુનિયાને અલવિદા આપતા પહેલાં મારી એક જ ઇચ્છા છે—સુનીતાએ એકવાર અમારા ગામની મુલાકાત લેવી જોઈએ, હું તેમને ચોક્કસ લાવીશ."
ઝુલાસણ માટે વિલિયમ્સની સુરક્ષિત વાપસી માત્ર રાહતની ક્ષણ નહોતી. તેના રહેવાસીઓ પ્રમાણે તેમનાં શ્રદ્ધા, પ્રેરણા અને ગૌરવનો ઉત્સવ હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન