You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુનીતા વિલિયમ્સે 45 દિવસ સુધી ડૉક્ટરોની દેખરેખમાં કેમ રહેવું પડશે? અંતરિક્ષમાં શરીરને કેવું નુકસાન થયું?
નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર લગભગ નવ મહિનાનો સમય પસાર કરીને પૃથ્વી પર સહીસલામત આવી ગયાં છે. પરંતુ આટલો સમય અંતરિક્ષમાં વજનરહિત સ્થિતિમાં ગાળ્યા પછી તેમણે પૃથ્વી પર ઍડજસ્ટ થવામાં થોડો સમય લાગશે.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે હવે 45 દિવસ સુધી ડૉક્ટરોની નિગરાની હેઠળ રહેવું પડશે, જે દરમિયાન તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ટેવાશે.
અંતરિક્ષમાં રહેવાના કારણે અંતરિક્ષયાત્રીઓનાં હાડકાંની ઘનતાને અસર થાય છે તથા તેમની દૃષ્ટિ પણ કમજોર થઈ જતી હોય છે. આ ઉપરાંત માઇક્રોગ્રેવિટીના કારણે બીજી પણ અસરો થાય છે.
સુનીતા અને વિલ્મોરે પૃથ્વી પર ઉતરાણ કરતાંની સાથે જ તેમનો 45 દિવસનો રિહેબિલિટેશન પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે.
અહીં આપણે નાસાના ઍસ્ટ્રોનોટ સ્ટ્રેન્થ, કન્ડિશનિંગ એન્ડ રિહેબિલિટેશન (એએસસીઆર) પ્રોગ્રામ વિશે વાત કરીએ જે અંતરિક્ષમાંથી પરત આવેલા અંતરિક્ષયાત્રીઓ માટે છે.
નાસાના સ્પેશિયલ પ્રોગ્રામમાં શું હોય છે?
નાસાના એસ્ટ્રૉનોટ સ્ટ્રેન્થ, કન્ડિશનિંગ એન્ડ રિહેબિલિટેશન (એએસસીઆર) સ્પેશિયાલિસ્ટો દ્વારા આ પ્રોગ્રામ તૈયાર કરાયો હોય છે. તેમાં દરરોજ બે કલાકના સેશન હોય છે. તેમાં અંતરિક્ષયાત્રીની ગતિશીલતા, સ્નાયુઓની શક્તિ વગેરે પરત લાવવા પર ધ્યાન અપાય છે.
આ પ્રોગ્રામ ત્રણ તબક્કામાં હોય છે જેમાં લાંબા સમય સુધી વજનરહીત અવસ્થામાં રહેવાના કારણે થયેલી મનોવૈજ્ઞાનિક અસરોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હાડકાની ઘનતા ઘટી જવી, મસલ એટ્રોફી (સ્નાયુઓની વિકૃતિ) અને ફ્લુઇડ શિફ્ટ વગેરે અંતરિક્ષમાં રહેવાની આડઅસરો છે.
બંને અંતરિક્ષયાત્રીઓ હવે નિષ્ણાતોએ સૂચવેલી ખાસ કસરત કરશે અને કાર્ડિયોવેસ્ક્યુલર ટ્રેનિંગ સત્રમાં ભાગ લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટી ઑફ હ્યુસ્ટનના એક લેખ પ્રમાણે અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી પર પર આવે ત્યાર પછી 45 દિવસનો રિહેબિલિટેશન પ્રોગ્રામ હોય છે, પરંતુ સામાન્ય રીતે મોટા ભાગના લોકો 30 દિવસમાં પોતાની પૂર્વવત્ સ્થિતિમાં આવી જતા હોય છે. તેમાં જણાવાયું છે કે અંતરિક્ષયાત્રીઓની બૅલેન્સ ઍક્સરસાઇઝ પર ખાસ ભાર આવે છે આ ઉપરાંત તેમના શારિરીક સંકલન (કૉઓર્ડિનેશન) પર કામ કરવામાં આવે છે.
સુનીતા વિલિયમ્સ : માઈક્રોગ્રેવિટીથી શરીર પર કેવી અસર પડે?
પૃથ્વી પર માનવી સતત ગુરુત્વાકર્ષણબળનો અનુભવ કરે છે જ્યારે અંતરિક્ષમાં અત્યંત સૂક્ષ્મ અથવા માઇક્રોગ્રેવિટી હોય છે. તેના કારણે માનવશરીરમાં ઘણા ફેરફાર થાય છે.
નાસાની વેબસાઇટ પર એક આર્ટિકલ પ્રમાણે સ્પેસમાં માનવશરીર સિસ્ટમ જે પ્રતિભાવ આપે છે તેને નાસા સમજે છે. હાડકાની ઘનતા, સ્નાયુઓ, સેન્સરી મોટર, કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ વગેરે મુખ્ય મુદ્દા છે. આ ઉપરાંત બીજું ઘણું શીખવાનું હોય છે. દરેક અંતરિક્ષયાત્રી પર અંતરિક્ષમાં રોકાણની અસર અલગ અલગ હોઈ શકે છે. તેથી મિશન દરમિયાન પણ દરેક અંતરિક્ષયાત્રીની હેલ્થ પર નાસાના ફ્લાઇટ સર્જન સતત દેખરેખ રાખતા હોય છે. તેમના માટે વ્યક્તિગત ડાયટ પ્લાન અને ફિટનેસ રૂટિન તૈયાર કરવામાં આવે છે.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પરથી આવ્યા પછી શું થાય?
નાસા કહે છે કે દરેક મિશન અગાઉ અંતરિક્ષયાત્રી પર વિવિધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે તેથી આરોગ્યના માપદંડના એક ધોરણનું પાલન થાય. તેમાં એરોબિક ફિટનેસ, સ્ટ્રેન્થ, સહનશીલતા વગેરે બાબતો સામેલ છે. અંતરિક્ષમાં જતી દરેક વ્યક્તિ આવા મિશન માટે સંપૂર્ણ ફિટ અને તંદુરસ્ત હોય તેની ખાતરી કરવામાં આવે છે.
અંતરીક્ષમાંથી પૃથ્વી પર આવતાની સાથે જ રિકવરી પ્રક્રિયા શરૂ થાય છે. તેમાં વિવિધ કસરત કરાવીને અંતરિક્ષયાત્રીઓ પહેલા જેવું સંતુલન, મોબિલિટી, એરોબિક સ્થિતિ, સ્ટ્રેન્થ, લવચીકતા પ્રાપ્ત કરે તેના પર ધ્યાન અપાય છે. અંતરિક્ષયાત્રીનું શરીર પોતાની સ્થિતિ અને મૂવમેન્ટને બરાબર અનુકુળ થઈ શકે તે જોવામાં આવે છે. અંતરિક્ષમાં જતા અગાઉ જે ટેસ્ટ થાય છે તેવી જ ટેસ્ટ પૃથ્વી પર પરત આવ્યા પછી પણ કરવામાં આવે છે. તેના કારણે દરેક અંતરિક્ષયાત્રી માટે એક રિકંડિશનિંગ પ્રોગ્રામ તૈયાર થાય છે.
મોટા ભાગના ક્રૂ મેમ્બર અંતરિક્ષમાંથી આવ્યા પછી 45 દિવસની અંદર ફિટનેસના માપદંડ પ્રાપ્ત કરી લે છે, પરંતુ જરૂર પડે તો આ પ્રોગ્રામ લંબાવી પણ શકાય છે.
સુનીતા વિલિયમ્સના નામે રેકૉર્ડ
સુનીતા વિલિયમ્સ આઠ દિવસના મિશન માટે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર ગયાં હતાં, પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણે તેમનું રોકાણ લગભગ નવ મહિનાનું થઈ ગયું જેના કારણે હવે તેમના નામે રેકૉર્ડ બની ગયા છે.
આ મિશન દરમિયાન સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 121,347,491 માઇલની સફર કરી છે, તેમણે સ્પેસમાં 286 દિવસ વિતાવ્યા છે અને પૃથ્વી ફરતે 4576 વખત પ્રદક્ષિણા કરી છે. વિલિયમ્સે ત્રણ ફ્લાઇટમાં અંતરિક્ષમાં કુલ 608 દિવસ ગાળ્યા છે જ્યારે વિલ્મોરે ત્રણ ફ્લાઇટમાં કુલ 464 દિવસ વિતાવ્યા છે.
સુનીતાના નામે હવે અંતરિક્ષમાં કોઈ પણ મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસવૉકનો રેકૉર્ડ છે. તેમણે સ્ટેશનની બહાર 62 કલાક અને 6 મિનિટ સ્પેસવોક કર્યું હતું. અત્યાર સુધીમાં બધા અંતરિક્ષયાત્રીઓમાં તેઓ સ્પેસવૉકના મામલે ચોથા ક્રમે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન