You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છમાં નાનાં બાળકોથી લઈને આધેડ વયના લોકોનો ભોગ લેનાર 'શંકાસ્પદ બીમારી' શું છે
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કચ્છ જિલ્લાનાં કેટલાંક ગામોમાં હાલ રહસ્યમય તાવની બીમારી ફેલાઈ રહી છે અને તેનાથી કથિત રીતે લોકોનાં મોત થઈ રહ્યાં છે.
ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ લખપત તાલુકામાં આ બીમારી ફેલાઈ રહી છે અને તેમાં અત્યાર સુધી 13 લોકોનાં મૃત્યુ આ રહસ્યમય તાવને કારણે થયાં છે.
ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટીએ સૌથી મોટા એવા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આ બીમારી સૌપ્રથમ જોવા મળી છે. સરકારે બીમારીની તપાસ કરવા અને તેને ફેલાતી રોકવા માટે સરકારે 22 જેટલી ટીમોને આ વિસ્તારમાં મોકલી છે.
લખપત તાલુકાના બેખડા ગામના આરબભાઈ જતેના કહેવા પ્રમાણે તેમના ભાણેજનું મૃત્યુ આવા શંકાસ્પદ તાવને કારણે થયું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'મારા ભાણેજને તાવ આવતો હતો અમે હૉસ્પિટલ લઈ ગયા, એકાદ બે દિવસ બાદ અમે રિપોર્ટ કરાવ્યા તો ફેફસાંમાં ચેપ લાગ્યો હતો. જેના કારણે તેનું મોત થયું.'
કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ તાવ કેમ આવે છે અને કયો છે તેની તપાસ હાલ ચાલી રહી છે.
અરોરાએ કહ્યું, 'કચ્છ જિલ્લામાં આવી રહેલા આ તાવમાં દસેક જેટલાં લોકોનાં મૃત્યુ ન્યુમોનાઇટિસને કારણે થયાં હોય તેવી શક્યતા છે. જોકે, મૃત્યુ કેમ થયાં છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે અમે પૂણેમાં આવેલી લૅબોરેટરીમાં સૅમ્પલ્સ મોકલ્યાં છે.'
આ અજાણી બીમારીનાં લક્ષણો વિશે કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી – ઇન્ચાર્જ ડૉ.આર.આર. ફુલમાળીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ બીમારીમાં પ્રાથમિક રીતે ન્યુમોનિયાનાં લક્ષણ જોવા મળે છે. જેમકે છાતીમાં કફ, ઉધરસ, છાતીમાં દર્દ કે તાવ આવે છે. શ્વસનતંત્રમાં તકલીફ થાય છે અને પછી અચાનક શ્વાસ ચઢવા માંડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તાવમાં લોકોનાં મોત કેવી રીતે થઈ જાય છે?
કચ્છ જિલ્લાના લખપત તાલુકાનાં છ જેટલાં ગામોમાં આ બીમારી ફેલાઈ રહી છે, જેમાં બેખડા ગામમાં ચાર દિવસમાં પાંચ લોકોનાં મોત થયાં છે.
શંકાસ્પદ તાવને કારણે જેમના ભાણેજનું મોત થયું છે તે બેખડા ગામમાં રહેતા આરબભાઈ જતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, 'મારા ભાણેજ શકુરને ઠંડી લાગવા લાગી અને તેને તાવ આવવાનો શરૂ થયો તાવ ધીરેધીરે વધવા લાગ્યો. જેથી અમે તેને બેખડા ગામથી આઠ કિલોમીટર દૂર વર્માનગર કૉલોનીમાં ડૉક્ટર પાસે લઈ ગયા હતા.'
"ડૉક્ટરે દવા આપ્યા બાદ પણ સ્થિતિમાં સુધારો થયો નહીં અને બીજા દિવસે પણ તાવ ઊતર્યો નહીં. જેથી અમે નજીકના દયાપર ગામમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં તેમને લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે તાવ છે, દવા આપીને કહ્યું કે સારું થઈ જશે. અમે પાછા ઘરે આવી ગયા."
"તાવ ઊતરતો ન હતો તેથી અમે ફરી નખત્રાણામાં આવેલી મકાની હૉસ્પિટલમાં ગયા હતા. ત્યાં લોહીનો નમૂનો લીધો હતો. ત્યાંથી પણ પછી ઘરે આવી ગયા હતા."
"ઘરે આવ્યા પછી રાતે દસ વાગ્યે શકુરને વધારે તકલીફ ઊપડી. અમે ઍમ્બ્યુલન્સ સેવા 108ને કૉલ કર્યો પણ મળી ન શકી. બીમાર શકુરને બાઇક પર બેસાડીને વીસ કિલોમીટર દૂર દયાપર ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. ત્યાંથી ઍમ્બ્યુલન્સમાં શકુરને સરકારી જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં રિપોર્ટ કરવામાં આવ્યા તો તેમાં ખબર પડી કે તેના ફેફસાંમાં ચેપ લાગી ગયો છે અને ફેફસાંને વધારે નુકસાન થયું છે. આખરે ત્રણ સપ્ટેમ્બરના રોજ તેનું મોત થયું."
"રિપોર્ટ કરાવ્યા પછી ડૉક્ટરે કહ્યું કે ફેફસાંને ભારે નુકસાન થયું છે. શકુર ઝાઝું ખેંચી ન શક્યો. બીજા દિવસે એટલે કે ત્રણ સપ્ટેમ્બરે શકુરનું અવસાન થયું."
સ્થાનિક લોકોનું કહેવું છે કે કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સગવડો પૂરતી નથી અને હૉસ્પિટલે પહોંચવામાં પણ ઘણા વિસ્તારોમાં ખૂબ સમય લાગે છે.
લખપત તાલુકાના રહેવાસી ખેરમામદ હજી અદ્રેમાન જતે કહ્યું, "મારા પૌત્રને તારીખ 4 સપ્ટેમ્બરે તાવ આવ્યો. અમે દયાપરમાં સતત બે દિવસ સુધી સારવાર લીધી. જોકે, દયાપરમાં કોઈ નિષ્ણાત ડૉક્ટર નથી જે વધારે સારી સારવાર કરી શકે. આ કારણે અમે અમારો છોકરો ગુમાવ્યો."
તેમણે વધુમાં કહ્યું કે,"આ વિસ્તારોમાં રસ્તા ન હોવાને કારણે અમે ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર પહોંચી નથી શકતા."
કલેક્ટર અરોરાના કહેવા પ્રમાણે હાલ આ બીમારીને કારણે મૃત્યુ માત્ર જત સમુદાયમાં જ જોવાં મળી રહ્યાં છે, જેથી પશુપાલનની ટીમને પણ આ મામલે તપાસ કરવા મોકલવામાં આવી છે.
પાકિસ્તાનની સરહદ પાસે આવેલા લખપત તાલુકામાં આ જત સમુદાય વસે છે અને તેનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. કચ્છ ઉપરાંત ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જત સમુદાયના લોકો વસે છે અને પાકિસ્તાનના સિંધમાં પણ તેમની વસતિ જોવા મળે છે.
શંકાસ્પદ તાવનાં લક્ષણો શું છે અને સરકારે શું કહ્યું?
આરબભાઈના અન્ય ભાણેજ મુસ્તાકનું પણ આ પ્રકારના તાવને કારણે મોત થયું હતું. જેની ઉંમર 19 વર્ષ હતી.
આ અજાણી બીમારીનાં લક્ષણો વિશે કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને ઇન્ચાર્જ ડૉ.આર.આર. ફુલમાળીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ બીમારીમાં પ્રાથમિક રીતે ન્યુમોનિયાનાં લક્ષણ જોવા મળે છે. જેમકે છાતીમાં કફ, ઉધરસ, છાતીમાં પીડા થાય કે તાવ આવે છે. શ્વસનતંત્રમાં તકલીફ થાય છે અને પછી અચાનક શ્વાસ ચઢવા માંડે છે."
તેઓ કહે છે, "આવાં લક્ષણો ધરાવતી વ્યક્તિ ત્રણ ચાર દિવસ સુધી ડૉક્ટર પાસે કે હૉસ્પિટલ ન જાય તો ફેફસાંને ભારે તકલીફ પડે છે જેને લીધે મોત થવાની શક્યતા વધી જાય છે. તેથી આવી કોઈ તકલીફ પડે તો તરત હૉસ્પિટલે જઈને સારવાર કરાવવી જરૂરી છે.
જોકે, ડૉ. ફુલમાળી કહે છે કે "આ પાણીજન્ય બીમારી નથી, પણ વાહકજન્ય ખરી. મચ્છર દ્વારા આ બીમારીનું વહન થઈ શકે છે. ડેંગુનો એક કેસ તેમજ મચ્છરજન્ય અન્ય બીમારીના બે કેસ મળ્યા છે તેથી હાલ એવું કહી શકાય કે મચ્છરથી ફેલાય શકે છે."
તેમના કહેવા પ્રમાણે "અમે નમૂના પણ લીધા છે. હાલ તો અમે અબડાસા અને લખપત તાલુકાના છ ગામમાં આ બીમારીના કેસ આવી રહ્યા છે. ત્યાં અમે ઘેરઘેર જઈને દવાનો છંટકાવ પણ કરી રહ્યા છીએ. જ્યાં મચ્છરો જોવા મળે ત્યાં ધુમાડો – ફોગિંગ પણ કરીએ છીએ."
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના કહેવા પ્રમાણે મૃત્યુનાં કારણો જાણવા માટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કૉલેજ અને અદાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી ટીમ મોકલવામાં આવી છે. જેમાં માઇક્રોબાયોલૉજિસ્ટથી લઈને બાળકોના નિષ્ણાત ડૉક્ટરો સામેલ છે. તેઓ મૃત્યુનાં કારણો જાણીને બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ મોકલવાના છે.
બીમારી મચ્છરથી ફેલાઈ શકે છે?
ચાર દિવસમાં બાર લોકોએ જીવ ગુમાવતા આરોગ્ય વિભાગે તેની નોંધ લીધી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે, "મૃત્યુનાં કારણો જાણવા માટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કૉલેજ અને અદાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી ટીમ મોકલવામાં આવી છે. જેમાં માઇક્રોબાયોલૉજિસ્ટથી લઈને બાળકોના નિષ્ણાત ડૉક્ટરો સામેલ છે. તેઓ મૃત્યુનાં કારણો જાણીને બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ મોકલવાના છે."
"આરોગ્ય વિભાગની 27 ટીમો ઘરે-ઘરે જઈને સર્વે કરી રહી છે. જેમાં 318 ઘર પૈકી 2234 લોકોનું આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ કર્યું હતું. જેમાં 48 જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા."
"તાલુકામાં દરેક તાવના દરદીઓનો મલેરિયા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે દરદીઓ ઝેરી મેલેરિયા પૉઝિટિવ આવેલા હતા અને એક દરદી ડેન્ગી પૉઝિટિવ આવ્યો હતો."
તેમણે કહ્યું કે રિપોર્ટના આધારે આ સંક્રમણ આગળ ન વધે તે માટે પગલાં લેવામાં આવશે.
આ વર્ષે કચ્છમાં ધમધોકાર વરસાદ પડ્યો છે. કચ્છમાં ઘણે ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. શું આ પાણીજન્ય બીમારી છે?
એના જવાબમાં ડૉ.ફુલમાળીએ જણાવ્યું હતું કે, "આ પાણીજન્ય બીમારી નથી, પણ વાહકજન્ય ખરી. મચ્છર દ્વારા આ બીમારીનું વહન થઈ શકે છે. ડેંગીનો એક કેસ તેમજ મચ્છરજન્ય અન્ય બીમારીના બે કેસ મળ્યા છે તેથી હાલ એવું કહી શકાય કે મચ્છરથી ફેલાય છે."
"અમે નમૂના પણ લીધા છે. હાલ તો અમે અબડાસા અને લખપત તાલુકાના છ ગામમાં આ બીમારીના કેસ છે. ત્યાં અમે ઘેરઘેર જઈને દવાનો છંટકાવ પણ કરી રહ્યા છીએ. જ્યાં મચ્છરો જોવા મળે ત્યાં ધુમાડો – ફોગિંગ પણ કરીએ છીએ."
મૃત્યુ પામનાર લોકો જત સમુદાયના છે
કચ્છમાં જત સમુદાયના લોકો પશુપાલન પર નભે છે. ડૉ.ફુલમાળી જણાવે છે કે જે લોકોનાં મરણ થયાં છે તે તમામ જત સમુદયના છે.
શું અજાણી બીમારીનું પશુમાંથી માણસમાં સંક્રમણ થયું હોવાની શક્યતા ખરી?
એ સવાલના જવાબમાં ડૉ. ફુલમાળી કહે છે કે, "પશુચિકિત્સા ટીમ પણ ગઈ હતી. તેમણે પણ નમૂના લીધા છે. હાલના તબક્કે તો એવું કશું ન કહી શકાય."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયાને જણાવયું હતું કે, "14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યાં."
"લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમાં બેદરકારી ના ચાલે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરું છું કે, તરત જ અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતિને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે."
ત્યારે આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, "અસરગ્રસ્ત વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગી અને સિઝનલ ફલુ પોઝિટિવ આવેલ તમામ દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે."
"સાથોસાથ ગામોની શાળાઓમાં મેડિકલ ઑફિસરની ટીમો દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઑફિસની ટીમ દ્વારા ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. મેડિકલ ઑફિસર સહિત અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સીઝનલ ફલુ અને મેલેરિયાની તમામ દવાઓ અને લૉજિસ્ટિક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)