You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શંભુ બૉર્ડર: આંદોલનમાં સામેલ ખેડૂતોના દિવસ અને રાત કઈ રીતે પસાર થાય છે?
- લેેખક, આર્જવ પારેખ અને ગુરજોતસિંહ
- પદ, ટીમ બીબીસી, શંભૂ બૉર્ડરથી પાછા ફરીને
શંભુ બૉર્ડર પર પંજાબના હજારો ખેડૂતો દિવસ રાત પ્રદર્શન પર બેસેલા છે. અંદાજે સાડા ત્રણ કિલોમીટર લાંબા રસ્તા પર ટ્રેક્ટર અને ટ્રોલીઓનો કાફલો છે. ખેડૂત સંગઠનો અને ભારત સરકારનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સમાધાન થયું નથી.
તેમ છતાં પણ 13 ફેબ્રુઆરીથી અહીં પ્રદર્શન કરવા બેસેલા ખેડૂતોનાં મનોબળ પર કશો જ ફરક પડ્યો નથી. તેની ઝલક 91 વર્ષીય ખેડૂત નિર્મલ સિંહમાં અમને જોવા મળી.
નિર્મલસિંહ કહે છે, “પંજાબના તમામ રાજકીય પક્ષો ખેડૂતોના મુદ્દે અસફળ સાબિત થયા છે.”
તેમને એવું પણ લાગે છે કે ગત વખતે જ ખેડૂતોએ તેમની બધી માંગો મનાવી લેવાની જરૂર હતી. તેઓ કહે છે, “છેલ્લા આંદોલનને જલદી સમાપ્ત કરી દેવામાં આવ્યું. અમારે બધી માંગો એ સમયે જ મનાવીને જવાની જરૂર હતી.”
જોકે, તેમને તેમના ખેડૂત નેતાઓ સરવણસિંહ પંઢેર અને જગજીતસિંહ ડલ્લેવાલની સૂઝબૂઝ પર વિશ્વાસ છે. તેમને લાગે છે કે તેઓ તેમની માંગો મનાવવામાં સફળ થશે.
પંજાબના ખેડૂતોને અલગ પેકેજ આપવાની ચાલી રહેલી ચર્ચા પર નિર્મલ સિંહ કહે છે, “આ લડાઈ ફક્ત અમારી નથી. અમે સમગ્ર દેશના ખેડૂતો માટે એમએસપી મેળવવા આવ્યા છીએ. જો અમે અમારા માટેનું પેકેજ લઈને જતાં રહીશું તો અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોના ખેડૂતોને શું મોં બતાવીશું?
શંભુ બૉર્ડર પર ચાલી રહેલા આંદોલનનું વર્ણન કરતાં તેઓ કહે છે, “આ વખતે ઓછામાં ઓછા ત્રણ હજાર ટ્રેક્ટર અહીં આવ્યા છે. બંને તરફ સાડા ત્રણ કિલોમીટર લાંબી લાઈન છે. અત્યારે માત્ર ત્રણ-ચાર જિલ્લામાંથી ખેડૂતો આવ્યા છે. હજુ વધુ ખેડૂતો આવવાના છે, અમારે હજુ સુધી અમારું રૅશન ખોલવું પણ પડ્યું નથી. અમારે જ્યાં સુધી બેસવું પડશે ત્યાં સુધી અમે પૂરી ધીરજ અને ખંત સાથે બેસીશું.”
માત્ર નિર્મલસિંહ જ નહીં, શંભુ બૉર્ડર પર હાજર ઘણા ખેડૂતો મીડિયા પ્રત્યે ખૂબ જ સાવધ જોવા મળ્યા હતા. તેમના પ્રદર્શન વિશે મીડિયા શું કહે છે તે અંગે તેઓ એકદમ સચેત દેખાતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિર્મલસિંહ આ અવિશ્વાસની ભાવના વિશે કહે છે, “મોટાભાગનું મીડિયા વેચાઈ ગયું છે, અમને હવે તેમના પર વિશ્વાસ નથી. અમે જે કહીએ છીએ તેને તેઓ તોડી મરોડીને રજૂ કરે છે.”
સરકારે અમને વચન આપ્યું હતું, તેનું શું થયું?
શંભુ બૉર્ડર પર જ અમને મળેલા સતગુરસિંહ અને સવર્ણજિતસિંહ 32 વર્ષના છે. તેઓ બંને યુવાનો એક જ શાળામાં ફરીદકોટથી ભણ્યા છે અને બંને મિત્રો છે.
બંને પાસે ત્રણ-ત્રણ એકર જમીન છે જેમાં તેઓ ખેતી કરે છે. તે સિવાય પણ તેમણે જમીન ભાડા પર લીધી છે. છતાં પણ તેમનું ગુજરાન ચાલતું નથી.
એટલે તેઓ ક્યારેક ડ્રાઇવર તો ક્યારેક કંડક્ટર બનીને પૈસા કમાય છે. સતગુરસિંહ કહે છે, “મેં મારા દીકરાનું સૌથી સારી શાળામાં ઍડમિશન કરાવ્યું છે. જેથી તેને ખેતી પર નિર્ભર ન રહેવું પડે.”
તેઓ કહે છે, “ચોખા જેવા પાકમાં પાણી બહુ વપરાય છે. ખાતર પણ ખૂબ નાખવું પડે છે. ભાડા પર લીધેલી જમીનના પૈસા પણ ચૂકવવા પડે છે. ત્યારબાદ બહુ મામૂલી રકમ હાથમાં આવે છે. એટલે હું ઇચ્છું છું કે દરેક ખેડૂતને ટેકાના ભાવ મળે અને તેમનું જીવન વધુ આસાન થાય.”
જ્યારે સવર્ણજિતસિંહ કહે છે, “સરકારે અમારી માંગણીઓ સ્વીકારી હતી અને વચન પણ આપ્યું હતું. ચાર વર્ષ પછી પણ તેમણે કંઈ કર્યું નથી. તેથી જ અમે 13 ફેબ્રુઆરીથી અહીં બેઠા છીએ.
તેઓ કહે છે, “મોટાભાગે ઇન્ટરનેટ અહીં કામ કરતું નથી. સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ દરેક લોકોનો અહીં એક જ ઉદ્દેશ્ય છે. તેથી જ દરેક લોકો પોતાનું કામ છોડીને અહીં તેમની લડાઈ લડવા બેઠા છે.”
સતગુરસિંહ કહે છે, “એક ટ્રોલી મારી પોતાની છે, અને બીજી ટ્રોલી હું ભાડે લાવ્યો છું. અમે આંદોલનમાં અમારાથી બને તેટલો ખર્ચ કરીશું. આ આપણા બધાની સામૂહિક લડાઈ છે.”
પંજાબના ખેડૂતો વિશે સામાન્ય માન્યતા એવી છે કે તેઓ માત્ર ઘઉં અને ડાંગરની જ ખેતી કરે છે. સતગુર સિંહ કહે છે કે તેમણે એક સમયે ફ્લાવરનો પાક ઉગાડ્યો હતો પરંતુ તેનો પાક પાંચ રૂપિયા પ્રતિ કિલોથી ઓછા ભાવે વેચાયો હતો. ત્યારબાદ નિરાશા થઈને તેમણે ઘઉં અને ડાંગર ઉગાડવાનું શરૂ કર્યું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશભરના અન્ય ખેડૂતો આ આંદોલનમાં કેમ જોડાતા નથી તો તેના વિશે સવર્ણજિતસિંહ કહે છે, “દેશમાં અન્ય સ્થળોએ યુનિયનો સમાપ્ત થઈ ગયાં છે અને સરકાર તરફથી ઘણું દમન અને કડકાઈભર્યું વર્તન પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમે અમારા ખેડૂત ભાઈઓનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું.”
તેઓ પાંચ વર્ષ માટે પાંચ પાક માટે એમએસપીની ગેરંટી આપવાની સરકારની દરખાસ્તને ખેડૂત નેતાઓએ ફગાવી એ વાતને યોગ્ય ઠેરવે છે અને તેઓ કહે છે કે આ માત્ર અમને એક છેતરવા માટેનો પ્રસ્તાવ છે.
શંભુ બૉર્ડરે ચોકી કરી રહેલા ખેડૂતો
જ્યાં ખેડૂતોને હરિયાણામાં પ્રવેશ કરતા રોકવા માટે હરિયાણા પોલીસ અને અન્ય સુરક્ષાદળોએ બેરિકેડિંગ કરેલી છે તેનાથી માત્ર 100 મીટર દૂર ખેડૂત યુનિયનોના વૃદ્ધ ખેડૂતો ચોકી કરી રહ્યા છે.
આ ખેડૂતોને અહીં નાઇટ ડ્યૂટી સોંપવામાં આવી હતી અને તેઓ સવારે સાત વાગ્યા સુધી ત્યાં ચોકી કરે છે.
રક્ષક તરીકે ઊભેલા એક વૃદ્ધ ખેડૂતે કહ્યું, “અમારે પણ સાવચેતી રાખવાની જરૂર છે. અમારી ફરજ અહીં નક્કી કરવામાં આવી છે. અમે ધ્યાન રાખીએ છીએ કે કોઈ યુવા ખેડૂત ગુસ્સે થઈને સરહદ તરફ ન જાય. અમે નથી ઇચ્છતા કે અમારી ભૂલને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બને અને વાતાવરણ ખરાબ થાય."
તેઓ કહે છે, “ક્યારેક આ રસ્તા પર વાહનો પણ આવી જાય છે. નજીકનાં ગામડાઓમાં મજૂરીકામ કરતા લોકો પણ આ રસ્તા પર ઘણીવાર આવી જાય છે. તેથી અમારે તેમનું પણ ધ્યાન રાખવું પડે છે. અમને આ કામ એટલા માટે પણ સોંપવામાં આવ્યું છે કે જેથી લોકોને લાગે કે તેમને પણ કંઈક કામ મળ્યું છે. તેમને પણ લાગે કે અમારી પણ આંદોલનને જરૂર છે.”
રાત્રે પણ આવે છે દૂર-દૂરથી ખેડૂતો
રાતના લગભગ સાડા દસ વાગ્યા હતા. આંદોલનમાં સામેલ એક 30 વર્ષનો યુવાન ખેડૂત પથરીને કારણે ખૂબ પીડા અનુભવી રહ્યો હતો અને તેને ઊભા રહેવામાં પણ તકલીફ પડી રહી હતી.
તરત જ અન્ય ખેડૂતો તેને નજીકના તંબુમાં લઈ ગયા અને દવા આપી. ઘણી એનજીઓએ શંભુ બૉર્ડર પર તેમના તંબુ લગાવ્યા છે, અને તેમની પાસે પ્રાથમિક સારવારની સુવિધા છે.
યુવા ખેડૂત મનજીતસિંહ કોઈ ખેડૂત સંગઠનમાં સામેલ નથી. તેઓ માત્ર પોતાના દમ પર આ આંદોલનમાં આવ્યા છે. તેમણે સિંઘુ બૉર્ડર પર ચાલેલા આંદોલન દરમિયાન ઘણા મિત્રો બનાવ્યા છે અને તેઓ હાલમાં શંભુ બૉર્ડર પર તેમની સાથે જ રહે છે.
મનજીતસિંહ કહે છે, “ઘણા લોકો અહીં મોડી રાત્રે પણ સમર્થન આપવા માટે આવે છે. તેઓ ટ્રેનમાં અહીં મોડા પહોંચે છે. હું રાત્રે તેમના માટે લંગરની વ્યવસ્થા કરું છું. ઘણા યુવા ખેડૂતો રાત્રે મારી પાસે આવે છે અને અહીં બેસીને કોફી પીવે છે. તેમની પાસેથી આંદોલન વિશે ઘણી વસ્તુઓ સમજવા મળે છે."
શંભુ બૉર્ડર પર વહેલી સવારનો માહોલ
સૂરજનાં કિરણો નીકળ્યા પછી જે રીતે સમગ્ર ગામ જેમ ઊઠી જતું હોય છે તેમ જ શંભુ બૉર્ડર પર લગભગ સાડા ત્રણ કિલોમીટર સુધી ફેલાયેલા ખેડૂતોના આ અસ્થાયી ગામમાં ચહલ-પહલ શરૂ થઈ જાય છે.
પાંચ વાગ્યા પહેલાં જ અનેક જગ્યાએ મોટા મોટા તપેલાઓમાં ચા ઉકળવાનું શરૂ થઈ જાય છે અને નાસ્તા માટેના લંગરની તૈયારીઓ શરૂ થઈ જાય છે.
અનેક જગ્યાએ લાકડાંના ઢગલા પડ્યા હતા અને પાણી ગરમ કરવામાં આવી રહ્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર, અહીં નાહવાની સૌથી વધુ મુશ્કેલી પડે છે કારણ કે પાણીનો ઉપયોગ પણ નિયત પ્રમાણમાં કરવો પડે છે અને હજુ અત્યારે ઠંડી પણ છે.
આ વખતે પ્રદર્શનમાં સામેલ મહિલા ખેડૂતોની સંખ્યા વધુ નથી એટલા માટે આ સમસ્યા બહુ મોટી નથી. પરંતુ સવારના સમયે થોડી અફરા-તફરી જોવા મળે છે. શંભુ બૉર્ડરની આસપાસ દૂર સુધી ફેલાયેલાં ખેતરોમાં તેઓ શૌચક્રિયા માટે જાય છે તો કેટલાક ખેડૂતો આસપાસ આવેલી રેસ્ટોરન્ટમાં આવેલાં શૌચાલયોનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે.
જેમ જેમ દિવસ ચઢતો જાય છે તેમ તેમ ખેડૂતો પોતાની દૈનિક ક્રિયાઓ પતાવીને પોતપોતાના કામ પર લાગી જાય છે. ક્યાંક ખાટલા પર બેસીને વૃદ્ધ ખેડૂતો ભજન સાંભળતા હતા તો ક્યાંક ખેડૂતો પત્તાં રમી રહ્યા હતા. કોઈ બપોરના લંગરની તૈયારી કરી રહ્યા હતા તો કોઈ ખેડૂતોને તાજો શેરડીનો રસ પીવડાવી રહ્યું હતું.
ઇન્ટરનેટ અને અન્ય સુવિધાઓના અભાવમાં ખેડૂતોનો મોટાભાગનો દિવસ તો પોતાના માટે ખાવાનું બનાવવામાં અને અન્ય કામ પતાવવામાં જ જાય છે પરંતુ દિવસ પસાર કરવો એ તેમના માટે એટલો આસાન પણ જણાતો નથી.
પરંતુ એવું પ્રતીત થાય છે કે પંજાબની બહાર લગભગ એક વર્ષ સિંધુ બૉર્ડર પર ચાલેલા આંદોલનનો અનુભવ ખેડૂતોને કામ લાગી રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે તેઓ આ વખતે વધુ પાક્કી તૈયારી સાથે આવ્યા છે અને તેઓ પોતાની માંગો મનાવીને જ જશે. તો બીજી તરફ સરકારે ખેડૂતોને સીમા પર રોકવાની સાથે જ તેમની સાથે વાતચીતના રસ્તાઓ પણ ખુલ્લા રાખ્યા છે.
સિંધુ બૉર્ડર પર ખેડૂતોએ બીજા વિસ્તારમાં જમાવડો લગાવ્યો હતો પરંતુ શંભુ બૉર્ડર તો તેમના રાજ્ય પંજાબમાં જ છે અને પોતાના ગામોમાં તેઓ આવ-જા કરી શકે છે.
એટલું જ નહીં શંભુ બૉર્ડર પર પણ હજુ એટલી કાયમી વ્યવસ્થા દેખાતી નથી કારણ કે ખેડૂતોના મતે આંદોલનના હવે પછીના સ્વરૂપને લઈને હજુ અનિશ્ચિતતાઓ છે.
જોકે, રવિવારે આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂત શુભકરણસિંહના અંતિમ કાર્યક્રમમાં સામેલ થયેલા ખેડૂત સંગઠનોએ નિર્ણય કર્યો છે કે છ માર્ચે દેશનાં અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. જ્યારે હરિયાણા બૉર્ડર ખેડૂતોનો જમાવડો વધારવામાં આવશે.
દિલ્હી પહોંચવા અંગે અને એમએસપીની પોતાની માંગોને લઈને શંભુ બૉર્ડર પર રહેલા ખેડૂતોમાં એક પ્રકારની દૃઢતા દેખાય છે પરંતુ નિરાશાનો ભાવ પણ છે. આ નિરાશાને એક ખેડૂતના શબ્દોમાં સમજીએ તો, “અમને એવી આશા ન હતી કે સરકાર અમારી સાથે આટલી ખરાબ વર્તણૂંક કરશે, અમારી પર ગોળીઓ છોડશે. તેઓ પોતાના દેશના ખેડૂતો જાણે કે કોઈ પરાયા હોય તેવી ભાવના રાખીને વર્તશે, અમને આવી આશા ન હતી.”