અમદાવાદ : બાળપણમાં મિત્ર સાથે હાથ પર ચિતરાવેલા ટેટુએ 16 વર્ષથી ગુમ મૂકબધિરનો પરિવાર સાથે કેવી રીતે ભેટો કરાવ્યો?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

બે મિત્રોએ બાળપણમાં ગામના મેળામાં હાથ પર ચિતરાવેલાં એક સરખાં ટેટુએ 16 વર્ષથી ગુમ મિત્રનું પરિવાર સાથે મિલન કરાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદની આ કહાણી એકદમ ફિલ્મી લાગે છે પણ આ મૂકબધિર પંકજ યાદવના જીવનની કહાણી છે.

પરિવારે સાથે થયેલી નાની બોલાચાલીમાં 16 વર્ષ પહેલાં ટ્રેનમાં બેસીને ઉત્તરપ્રદેશથી અમદાવાદ પહોંચી ગયેલા મૂકબધિર પંકજ યાદવની આ વાત છે.

પરિવારથી દૂર આવી ગયેલા પંકજ છેલ્લાં 16 વર્ષ દરમિયાન રેલ્વે સ્ટેશનથી બહેરા મૂંગાની શાળામાં ગયા અને ત્યાર બાદ છેલ્લાં સાત વર્ષથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રહેતા હતા.

પોલીસને મળેલી માહિતી અનુસાર પંકજ 11 વર્ષના હતા ત્યારે બાજુના ગામમાં ભરાતા મેળામાં મિત્ર નીરજ સાથે ગયા હતા. આ મેળામાં નીરજ અને પંકજ બન્નેએ પોતા પોતાના હાથ પર એક જ સરખું ટેટુ કરાવ્યું હતું. જો કે આ જ ટેટુને કારણે પંકજનું તેમના પરિવાર સાથે મિલન થયું છે.

ટેટુ જોઈને મિત્રને કેવી રીતે ઓળખી લીધો?

સમગ્ર ઘટના અંગે પોલીસે આપેલી માહિતી અનુસાર પંકજ યાદવ છેલ્લાં 7 વર્ષથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ રહેતા હતા. પંકજ તેમના કાયમી રૂટીન મુજબ નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી કીટલી પર ચા લેવા માટે ગયા હતા. આ જ સમયે બાજુની સોસાયટીમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા નીરજ પણ ચા પીવા આવ્યા હતા.

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નીરજ યાદવે જણાવ્યું કે, "હું વર્ષ 2011થી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. હાલ હું નવરંગપુરા ખાતે આવેલી એક સોસાયટીમાં સિક્યૉરિટી ગાર્ડ છું. એ દિવસે હું નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી કિટલી પર ચા પીવા માટે ગયો હતો. અચાનક જ મારી નજર પંકજના હાથ પર ચિતરાવેલા ટેટુ પર પડે છે. મારા હાથ પર જે રામ સીતા લખેલું ટેટુ હતું તેવું જ ટેટુ પંકજના હાથ પર પણ હતું."

ટેટુ અંગે વાત કરતાં નીરજ જણાવે છે કે, "અમે બન્ને એક જ ગામના છીએ અને સાથે રમીને મોટા થયા છીએ. અમે લગભગ 11 વર્ષના હતા ત્યારે અમારા ગામથી 15 કિલોમીટર દૂર મેળો લાગ્યો હતો. અમે ત્યાં ગયા હતા ત્યારે અમે બન્નેએ એક સરખું જ ટેટુ છુંદાવ્યું હતું."

પંકજના ભાઈ નથ્થુ અનુસાર પંકજ 12 વર્ષના હતા ત્યારે ગુમ થયા હતા.

નીરજ કહે છે કે, "ટેટુ જોયા બાદ મેં તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો મને કીટલીવાળા ભાઈ પાસેથી જાણવા મળ્યું કે આ ભાઈ બોલી અને સાંભળી શકતા નથી. જેથી મને ખાતરી થઈ કે આ મારો મિત્ર પંકજ છે.જે લગભગ 16 વર્ષ પહેલા ગુમ થઈ ગયો હતો."

ચાની કીટલી પર પંકજને જોઈને ખુશ થયેલા નીરજને ખબર પડી કે પંકજ પોલીસ સ્ટેશનમાં કામ કરે છે. પહેલાં તો તેઓ થોડા ખચકાયા હતા.

નીરજ અનુસાર જ્યારે તેમણે પંકજને પોતાના હાથ પર લખેલું ટેટુ બતાવ્યું એટલે પંકજ પણ તેમને ઓળખી ગયા હતા.

પંકજનું પોતાના પરિવાર સાથે કેવી રીતે મિલન થયું?

પંકજ નવરંગપુરા પોલીસ સ્ટેશન કેવી રીતે પહોંચ્યો તે અંગે વાત કરતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ગઢવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "લગભગ છેલ્લાં સાત વર્ષથી પંકજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ રહેતો હતો. તે પોલીસ સ્ટાફ માટે ચા પાણી લાવવાનું કામ કરતો હતો. તેના જમવાની, ચા કે કપડાંની વ્યવસ્થા પોલીસ સ્ટાફ જ કરતો હતો."

તેઓ કહે છે કે, "સાત વર્ષ પહેલાં તે આશ્રમ રોડ પર આવેલી બહેરા મૂંગાની શાળામાં ભણતો હતો. જો કે શાળામાંથી નીકળી ગયા બાદ તે પોલીસ પાસે આવ્યો હતો. શરૂઆતમાં તે પોલીસ સ્ટેશનની બહાર બેસી રહેતો હતો. પરંતુ બાદમાં તે પોલીસ સ્ટેશનના બાકડા પર સૂઈ જતો અને પોલીસ સ્ટેશનમાં જ રહેવા લાગ્યો હતો."

નવરંગપુરા પોલીસે આપેલી માહિતી અનુસાર પંકજ યાદવ 16 વર્ષ પહેલાં તેમના પરિવાર સાથે નાની બોલાચાલીમાં ટ્રેનમાં બેસી ગયા હતા.આ ટ્રેન અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન પર તે ઊતર્યા હતા. મૂકબધિર પંકજને કોઈ ભલા માણસે આશ્રમરોડ ખાતે આવેલી બહેરા મૂંગાની શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

16 વર્ષથી ગુમ થયેલો દીકરો મળી જતા પરિવારે શું કહ્યું?

નીરજે આપેલી માહિતી અનુસાર કીટલી પર પંકજને જોયા બાદ નીરજે પંકજના ભાઈ અને પિતાને ફોન કરીને સમગ્ર ઘટના જણાવી. પંકજના મોટાભાઈ નથ્થુ યાદવ અમદાવાદ આવ્યા ત્યાર બાદ નીરજ અને નથ્થુ પોલીસ સ્ટેશનમાં ગયા અને નીરજના હાથ પરનું ટેટુ બતાવીને સમગ્ર વાત કરી હતી.

આ અંગે વાત કરતાં પી.આઈ કે.એસ.ગઢવી જણાવે છે કે, "નીરજે પોલીસ સ્ટેશનમાં આવીને પંકજના ગુમ થવાની તેમજ બન્નેના હાથ પર ચિતરાવેલા ટેટુ અંગે વાત કરી હતી. નીરજની વાત સાંભળીને અમે પંકજના પરિવારને વીડિયો કૉલથી વાત કરી. તેમને પંકજને ઓળખ્યા તેમજ પંકજ પણ તેમના પરિવારના સભ્યોને ઓળખી શક્યા હતા. ત્યાર બાદ પંકજને તેમના ભાઈ નથ્થુ સાથે તેમના ગામ મોકલ્યા હતા. પંકજને તેમનો પરિવાર મળી ગયો તે વાતથી આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખૂબ જ ખુશ છે."

પંકજના ભાઈ નથ્થુએ જણાવ્યું કે, "મારા નાના ભાઈને આટલાં વર્ષો સાચવવા બદલ અમે પોલીસના ખૂબ જ આભારી છીએ."

નીરજ જણાવે છે કે, "અમે પોલીસ સ્ટેશનમાં પંકજ નાનો હતો ત્યારના ફોટો, તેમજ મારા અને નથ્થુના ઓળખના પુરાવા પણ આપ્યા છે."

પંકજનો પરિવાર ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના થનેલ ગામમાં રહે છે.

પંકજના પરિવારમાં તેમનાં માતાપિતા તેમજ ત્રણ ભાઈ છે. તેમનો પરિવાર ખેતીકામ કરે છે. પંકજ ત્રીજા નંબરના ભાઈ છે. પંકજ મળી જતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.

પંકજના ભાઈ નથ્થુ યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, " ઘરમાં કોઈ નાની વાતમાં ઠપકો આપતા મારો ભાઈ ઘરેથી નીકળી ગયો હતો. તે સમયે મારો ભાઈ લગભગ 12 વર્ષનો હતો. મારો ભાઈ ગુમ થયા બાદ અમે આસપાસના દરેક વિસ્તારમાં શોધ્યો હતો. તેને શોધવા માટે અમારાથી જે પણ પ્રયત્નો થતા હતા તે બધા જ અમે કર્યા હતા.માતા તો હંમેશાં તેને યાદ કરીને રડતાં હતા. દરેક વારે તહેવારે તેઓ પંકજને યાદ કરીને રડતાં હતાં. પંકજ મળી જતાં અમારા પરિવારમાં દિવાળી જેવો માહોલ છે."

તેમને પંકજ અમદાવાદમાં છે તે અંગે કેવી રીતે ખબર પડી તે અંગે વાત કરતાં નથ્થુ યાદવે કહ્યું કે, "અમદાવાદમાં સિક્યૉરિટી તરીકે કામ કરતા અમારા જ ગામના નીરજ જે મારો પણ મિત્ર છે તેમનો ફોન આવ્યો હતો. તેને અમને પંકજ અંગે વાત કરી હતી."

"આ વાત સાંભળતા જ અમારો પરિવાર ભાવુક થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસનો વીડિયો કૉલમાં તેને જોતા જ અમને ખબર અમને ખાતરી થઈ ગઈ કે મારો ભાઈ જ છે. હું બીજા જ દિવસે 11 સપ્ટેમ્બરે અમદાવાદ આવવા નીકળી ગયો હતો."

નથ્થુ યાદવે પોતાના ભાઈને સાચવવા બદલ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો ખૂબ જ આભાર માન્યો હતો.

પંકજ તેમના ભાઈ સાથે તેમના ઘરે પહોંચ્યા હતા ત્યારે ઘરે ખૂબ જ ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.

નથ્થુ યાદવ કહે છે કે, "14 સપ્ટેમ્બરના હું મારા ભાઈ સાથે અમારા ગામ થનાલી પહોંચ્યો ત્યારે આખું ગામ તેને જોવા માટે આવ્યું હતું. મારાં માતા તો તેને બાથ ભીડીને ખૂબ જ રડ્યાં હતાં. તે આવ્યો ત્યારથી મારાં મમ્મી તો તેને એક મિનિટ પણ આઘો થવાં દેતાં નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન