બિહારનાં એ ગામો જ્યાં મુસ્લિમ નથી, પરંતુ મસ્જિદોનું રક્ષણ હિંદુઓ કરે છે

    • લેેખક, સીટુ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

બિહારના પાટનગર પટણાની બાજુમાં આવેલા વિસ્તારો મગધના નામથી પ્રખ્યાત છે.

આ વિસ્તારની એક ખાસ વાત એ પણ છે કે અહીં ઘણી જગ્યાએ મુસ્લિમોની વસ્તી નથી, પરંતુ આજેય મસ્જિદો મોજૂદ છે અને ત્યાં દરરોજ અજાન થાય છે.

આ મસ્જિદો દાયકાઓ પુરાણી છે. જેના વારસાને બચાવવા માટે સામાન્ય લોકો આપમેળે સામે આવ્યા છે.

આ લોકોનીય મુશ્કેલીઓ કાંઈ ઓછી નથી, કારણ કે આ લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકો છે, પરંતુ આ લોકોએ ઇબાદતની જગ્યાને સંરક્ષિત કરવાનું કામ પોતાના શિરે જ લઈ લીધું છે. ખાસ વાત તો એ છે કે તેમના પૈકી કેટલાક તો હિંદુ છે.

માડીની કહાણી, અજયની જુબાની

અજય પાસવાન આવા જ એક હિંદુ છે. જેમણે પોતાના બે મિત્રો બખૌરી બિંદ અને ગૌતમપ્રસાદ સાથે મળીને પોતાના ગામ માડીની મસ્જિદની સંભાળ રાખી છે.

બિહારના પાટનગર પટણાથી લગભગ 80 કિમી દૂર નાલંદા જિલ્લાનું મુખ્યાલય બિહારશરીફ છે. બિહારશરીફના પહોળા રસ્તાથી જ્યારે અમે અંતરિયાળ વિસ્તારોમાં જઈએ તો ઊબડખાબડ રસ્તા પરથી પસાર થઈને માડી ગામ પહોંચાય છે.

ગામમાં સતત બની રહેલાં ઊંચાં અને પાકાં મકાનો વચ્ચે સદીઓ પુરાણી મસ્જિદનો ગુંબજ દૂરથી જ નજરે પડે છે. નિકટ પહોંચતા નવયુવાન અજય પાસવાન નજરે પડે છે, જેઓ મસ્જિદના પ્રાંગણમાં ઝાડુ મારી રહ્યા છે.

અમને જોઈને તેઓ હળવું સ્મિત આપે છે અને કહે છે, "મારા અંતરાત્માનો અવાજ સાંભળીને હું મસ્જિદનું કામ કરું છું. ભોજન ન કરું, પણ અહીં સેવા કરું જ છું."

ખરેખર આ સિલસિલો 15 વર્ષ પહેલાં શરૂ થયો હતો, જ્યારે અજય અને તેમના મિત્રો મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

માડી ગામના આ લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

મજૂરી કરતા અજય બીબીસીને જણાવે છે કે, "એક દિવસ હું અને મારા મિત્ર અહીંથી પસાર થઈ રહ્યા હતા, તો લાગ્યું કે મસ્જિદ માટે કંઈક કરવું જોઈએ. અહીં લીલોતરીનું સામ્રાજ્ય હતું. અમે લોકો મજૂરો છીએ, તેથી બધું કામ જાતે જ કર્યું."

"પહેલાં તળિયું બનાવ્યું અને જંગલ સાફ કર્યું, એ બાદ પ્લાસ્ટર કર્યું, રંગરોગાન કર્યું. એ બાદ લાગ્યું કે અલ્લાહનું ઘર હોઈ અહીં રોશની રહેવી જોઈએ. અગરબત્તી કરવા લાગ્યા. પછી અજાન પણ મસ્જિદથી થવી જોઈએ તેથી લાઉડસ્પીકર લાવ્યા અને પેન ડ્રાઇવની મદદથી અજાન થવા લાગી."

"કદાચ અલ્લાહને અમારી પાસેથી કામ લઈ લેવાનું સૂઝ્યું હશે, તેથી તેમણે કામ કરાવી લીધું. અમે બધું કામ પોતાના ખર્ચે કર્યું."

200 વર્ષ જૂની મસ્જિદ

માડી ગામમાં હવે કોઈ મુસ્લિમ પરિવાર નથી રહેતો. ભારત-પાકિસ્તાન વિભાજનનાં રમખાણ વખતે મુસ્લિમ આ ગામમાંથી ધીરે ધીરે જતા રહ્યા.

આ મસ્જિદ કેટલી જૂની છે, એ વાતનો કોઈ નક્કર જવાબ નથી મળતો, પરંતુ માડી ગામના લોકો પ્રમાણે આ મસ્જિદ 200 વર્ષ પુરાણી છે.

આ મસ્જિદ પાસે એક મજાર પણ છે, જ્યાં ગામના લોકો શુભ કામ શરૂ કરતાં પહેલાં આવે છે.

મસ્જિદની બિલકુલ બાજુમાં કુસુમદેવી રહે છે.

તેઓ કહે છે કે, "આ ગામમાં કોઈ મુસ્લિમ નથી રહેતા. પરંતુ એનો અર્થ એ તો નથી કે મસ્જિદ આવી જ રહેશે. અમે બધાં લોકો અહીં કામ કરીએ છીએ."

"કોઈ પણ શુભ કામ હોય ત્યારે દેવી સ્થાન પર જતાં પહેલાં અહીં ગોડ (પ્રણામ) કરાય છે. એ બાદ દેવી સ્થાન પર જઈને લોકો પૂજા કરે છે અને લગ્ન થાય છે."

અજય પાસવાન દરરોજ 500 રૂપિયા કમાય છે.

મસ્જિદની સારસંભાળ અંગે થયેલા ખર્ચ અંગે પૂછતાં તેમણે કહ્યું, "અમે ગામલોકો પાસેથી કંઈ જ નથી લેતા. જો કોઈ મસ્જિદ જોવા આવ્યું અને 50-100 રૂપિયા આપ્યા તો વાત અલગ છે."

"મારી મા, પત્ની અને બાળકો પણ કંઈ નથી કહેતાં, કારણ કે અમે આ પૈસા કોઈ નશાખોરી માટે નથી ખર્ચ કરી રહ્યા. અમે તો ધર્મસ્થળ પર પૈસા લગાવી રહ્યા છીએ."

"આટલાં વર્ષ પસાર થઈ ગયાં, પરંતુ સરકાર, નેતા, ધારાસભ્ય કોઈએ આ મસ્જિદની સંભાળ ન લીધી. અમે પણ નક્કી કરી લીધું કે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી મસ્જિદનું કામ કરીશું."

મગધ વિસ્તારની મસ્જિદો

બિહારના મગધ વિસ્તારમાં એવાં ઘણાં ગામ મળે છે, જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો નથી રહેતા, પરંતુ આ વિસ્તારમાં જૂની મસ્જિદો છે.

તેમાંથી કેટલીક મસ્જિદો દબાણનો શિકાર બની, કેટલીક જમીનદોસ્ત થઈ, તો કેટલીક ખંડેરમાં તબદીલ થઈ ગઈ કે સ્થાનિક લોકોનાં પશુઓ માટે આશ્રયસ્થાન બની ગઈ.

આ મસ્જિદો એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે એક જમાનામાં આ ગામોમાં મુસ્લિમોની સારી એવી વસ્તી હશે.

મગધનો વિસ્તાર, એ વિસ્તાર છે જ્યાં મગહી ભાષા બોલાય છે. પટણા, ગયા, નાલંદા, નવાદા, શેખપુરા, અરવલ વગેરે જિલ્લા મગધમાં આવે છે.

1946માં જ્યારે નોઆખલી (હાલ બાંગ્લાદેશમાં) રમખાણ થયાં તો તેના પરિણામે બિહારમાં પણ રમખાણ થયાં, જેનું પ્રમુખ કેન્દ્ર મગધ વિસ્તાર હતો.

ખરેખર, મુસ્લિમ લીગનું રાજકારણ બિહારમાં ઝાઝું મજબૂત નહોતું.

બિહાર વિધાનસભાની વેબસાઇટ અનુસાર, 1937માં જ્યારે 'ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ' અંતર્ગત પ્રાંતીય ચૂંટણી થઈ તો બિહારમાં મુસ્લિમ લીગ માત્ર બે જ બેઠકો મેળવી શકી હતી.

પ્રાંતીય સરકારમાં ગવર્નરના હસ્તક્ષેપના સવાલ અંગે કૉંગ્રેસે સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો. જે બાદ બિહાર મુસ્લિમ ઇન્ડિપેન્ડેન્ટ પાર્ટીના મોહમ્મદ યૂનુસે સરકાર રચી. જેણે 20 બેઠકો મેળવી હતી.

પ્રસિદ્ધ ઇતિહાસકાર અને ખુદા બખ્શ ઓરિએન્ટલ પબ્લિક લાઇબ્રેરીના પૂર્વ નિદેશક ઇમ્તિયાઝ અહમદ જણાવે છે કે, "1937 બાદ જ્યારે કૉંગ્રેસનું મોહમ્મદ યૂનુસ સાથે ખરાબ વર્તન રહ્યું, તો તેનાથી મુસ્લિમોમાં નારાજગી ફેલાઈ. બાદમાં ઝીણા અહીં ઘણી વાર આવ્યા, મેમ્બરશિપ ડ્રાઇવ ચલાવાઈ અને બિહારમાં પણ મુસ્લિમ લીગ મજબૂત બની."

"એ બાદ ધ્રુવીકરણ વધુ મજબૂત બન્યું. નોઆખાલીમાં જે કાંઈ થયું, એ બંગાળના રાજકારણની અસર હતી, પરંતુ તેની પ્રતિક્રિયા બિહારમાં જોવા મળી."

તેઓ કહે છે કે, "બંગાળ અમારું પાડોશી રાજ્ય હતું, એ પણ એક કારણ હતું, બીજું કારણ એ હતું કે બિહારમાં પહેલાંથી ખૂબ તણાવ હતું અને ત્રીજી વાત એ કે બિહારમાં ખેતી માટેની જે જમીન હતી, તેમાં ઘણા બધા જમીનદાર મુસ્લિમ હતા."

"આ વિસ્તારો (મગધ)માં જે અન્ય મજબૂત જાતિઓ હતી, તેઓ આ જમીનો પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માગતી હતી. અને આવું કરવાની એક રીત હતી કે આ જમીનદારોને આ વિસ્તારમાંથી કોઈક પ્રકારે ભગાડી દેવાય. રમખાણ થયાં અને એ બાદ મુસ્લિમ લીગના મહત્ત્વપૂર્ણ લીડર ખ્વાજા નાઝિમુદ્દીન પટણા આવ્યા. તેમણે કહ્યું હતું કે હવે અમે પાકિસ્તાન મેળવી લીધું. તેથી મગધ વિસ્તારનાં રમખાણ ટર્નિંગ પૉઇન્ટ હતાં."

'ખંડેર થતી મસ્જિદ અને અમારા અંતરનું દુ:ખ'

મગધનાં આ રમખાણોની કંઈક એવી અસર થઈ કે આજે પણ ઘણાં વૃદ્ધો 1946ના વર્ષને 'મિયાંમારીના વર્ષ' તરીકે યાદ કરે છે.

પટણાના દનિયાવાંનું ખરભૈયા ગામ સ્વતંત્રતા પૂર્વ મુસ્લિમ બહુમતીવાળું ગામ હતું. વ્યવસાયે શિક્ષિકા રહેલાં ગીતાકુમારીના ઘરની સામે લગભગ 100 વર્ષ જૂની મસ્જિદ છે. ખરભૈયા ગામમાંથી પણ રમખાણો બાદ મુસ્લિમ પલાયન કરી ગયા.

ગીતાકુમારી બીબીસીને જણાવે છે કે, "અમારાં બધાં ભાઈબહેનોના બાળપણની યાદમાં એક સુંદર, ચહલપહલવાળી મસ્જિદ અંકિત છે. આ વિસ્તાર આ મસ્જિદને કારણે જ ઓળખાતો હતો અને આજેય લોકો આ બાજુનો સંકેત આપવા માટે લોકો મસ્જિદની તરફ એવું જણાવે છે."

"મુસ્લિમ પરિવારો જ્યારે અહીંથી ગયા તો તેમના ગયા પછી મસ્જિદ વેરાન થઈ ગઈ અને બાદમાં ખંડેરમાં તબદીલ થઈ ગઈ. અમને લોકોને લાગ્યું કે અમારી અંદર કંઈક તૂટી રહ્યું છે. મેં મારા ભાઈ કૌશલ કિશોર સાથે વાત કરી અને ભાઈબહેને ભેગાં મળીને મસ્જિદ ફરીથી બનાવડાવી."

જોકે, હવે આ મસ્જિદમાં નમાજ નથી અદા કરાતી, બલકે મસ્જિદમાં સમયાંતરે ઊગી નીકળતાં ઝાડીઝાંખરાં હઠાવડાવવાં પડે છે.

ગીતા જણાવે છે કે, "મસ્જિદમાં કોઈ આવતું જતું નથી. અમારી પાસે જ ચાવી છે. સમયાંતરે સફાઈ કરાવડાવવી પડે છે. કોઈ હિંદુ કે કોઈ પણ તહેવાર હોય તો અમારા પૂર્વજોની માફ માત્ર દીવો પ્રગટાવી દઈએ છીએ."

શું ઘર અને ગામલોકોએ વિરોધ ન કર્યો?

આ સવાલ અંગે ગીતા કહે છે કે, "90 ટકા ગામલોકો ખુશ હતા કે એક ધર્મસ્થળ સુરક્ષિત અને સંરક્ષિત થઈ ગયું. જેમનો વ્યક્તિગત સ્વાર્થ હતો, તેમણે આનો વિરોધ કર્યો. જ્યાં સુધી ઘરના લોકોની વાત છે તો અમે તમામ ભાઈબહેન ધર્મનિરપેક્ષ માહોલમાં ઊછર્યાં છીએ."

તેઓ કહે છે કે, "અમારા ઘરના બાંધકામમાં તમને ઇસ્લામિક શૈલીનો પ્રયોગ કરાયેલો જોવા મળશે. બાદમાં અમે લોકોએ ગામના કબ્રસ્તાનની ઘેરાબંદી પણ કરાવડાવી. જેથી ક્યારેક કોઈ પોતાના પૂર્વજોની કબરની શોધમાં અહીં આવે તો તેમને તેઓ ત્યાં સુકૂન અને આરામ ફરમાવતા મળી આવે."

જેવી રીતે મંદિરમાં શંખ, એવી રીતે મસ્જિદમાં અજાન

નાલંદાના કૈલા ગામથી લગભગ 200 કિમી દૂર એક સુસ્ત બપોરના સમયે શુક્રવારે મોહમ્મદ ઇસ્માઇલ ઝડપથી પંક્ચરનું પોતાનું કામ ખતર કરવામાં જોતરાયેલા હતા.

શરીરે દૂબળા ઇસ્માઇલ લીમડાના ઝાડના છાંયડામાં પોતાનું કામ સમયસર ખતમ કરવા માગતા હતા, જેથી ઝુહર (બપોર)ની નમાજ માટે સમયસર પહોંચી શકાય.

ઇસ્માઇલે કૈલા ગામની મસ્જિદે પહોંચવાનું હતું. આ ગામમાં કોઈ મુસ્લિમ નથી રહેતું, ઇસ્માઇલ ત્યાં એકલા આવે છે અને અજાન આપીને પાંચેય ટાઇમની નમાજ અદા કરે છે.

ઇસ્માઇલ કહે છે કે, "અમે લોકો કૈલા ગામ પાસેથી પસાર થતા ત્યારે લાગતું હતું કે મસ્જિદ બંધ પડી છે. 50-60 વર્ષથી આ મસ્જિદ બંધ હતી. તેને ખોલાવીને ઝાડુ, અજાન આપી, બીજા મુસ્લિમોની મદદથી મસ્જિદને ઠીક કરી. તેની દીવાલ પણ કરાવી."

"હજુ પણ લોકો ફાળો એકઠો કરીને મસ્જિદમાં કામે લગાડે છે. અમે અમારું ગામ મૂકી દીધું. પત્ની-બાળકો સાથેય નથી રહેતા, પરંતુ આ અલ્લાહનું ઘર હતું, તેથી તેને આબાદ રાખવું જરૂરી હતું. મંદિરમાં જેવી રીતે શંખ વગાડાય છે, એવી જ રીતે મસ્જિદમાં અજાન જરૂરી છે. હું ખૂબ ખુશ છું."

પરંતુ હિંદુઓના આ ગામમાં કોઈએ પરેશાન ન કર્યા?

આ સવાલના જવાબમાં રેડિયો પર જૂનાં ગીત સાંભળવાના શોખીને ઇસ્માઇલ કહે છે કે, "એવું નથી કે કોઈએ ભોજન પૂરું પાડ્યું, પરંતુ કોઈએ હેરાન પણ ન કર્યો. હેરાનગતિ ન કરવી એ જ સૌથી મોટો સહયોગ છે, જે હિંદુ કરી રહ્યા છે. વીજળી, પાણી બધું મળી જાય છે, બીજું શું જોઈએ?"

મોટાં શહેરોથી દૂર બિહારનાં આ નાનાં નાનાં ગામોમાં અજય, ગીતા અને ઇસ્માઇલ જેવા લોકો ભારતની સામૂહિક સંસ્કૃતિનાં પ્રતીક છે.

ઇતિહાસકાર ઇમ્તિયાઝ અહમદ જણાવે છે કે, "અમારા લોકોમાં એકબીજાના ધર્મનું સન્માન કરવાની પરંપરા રહી છે. રાજકીય કારણોથી હાલનાં વર્ષોમાં તેને ધક્કો લાગ્યો છે, પરંતુ હજુ પણ અમારી અંદર એકબીજાના ધર્મ અને ધાર્મિક સ્થળોનું સન્માન કરવાના અને જાળવણીના ગુણ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન