You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણા વિધાનસભા ચૂંટણી : 90 બેઠકો માટે મતદાન પૂર્ણ, 1000થી ઉમેદવારો મેદાનમાં
હરિયાણામાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આશરે 61 ટકા મતદાન થયું છે.
જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આઠ ઑક્ટોબરે આવશે.
હરિયાણામાં આ વખતની વિધાનસભા ચૂંટણી મહત્ત્વની એટલા માટે છે કે છેલ્લી બે ટર્મથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી જો જીતે તો ત્રીજી વખત સત્તામાં આવશે.
બીજી બાજુ કૉંગ્રેસ પાર્ટી દાવો કરી રહી છે કે રાજ્યમાં તે ફરીથી સત્તામાં આવી રહી છે. મતગણતરી આઠમી ઑક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.
હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી તથા ઇન્ડિયન નૅશનલ લોકદળ અને બહુજન સમાજ પાર્ટીના ગંઠબંધન વચ્ચે મુકાબલો છે.
90 બેઠક પર થઈ રહેલા આ મતદાનમાં સત્તાધારી પાર્ટી ભાજપ સહિત કૉંગ્રેસ, આઈએનએલડી, આમ આદમી પાર્ટી ને જેજેપી જેવી પાર્ટીના 1000થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.
ભાજપ રાજ્યના મુખ્ય મંત્રી નાયબ સૈનીના ચહેરા પર ચૂંટણી લડી રહ્યો છે જ્યારે કૉંગ્રેસે હજુ સુધી મુખ્ય મંત્રી તરીકે કોઈ નામની જાહેરાત કરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિધાનસભા ચૂંટણી માટે ઇન્ડિયન નૅશનલ લોકદળ અને બહુજન સમાજ પાર્ટીએ ગંઠબંધન કર્યું છે. ગઠબંધને જાહેર કર્યું છે કે જો તે જીતશે તો અભયસિંહ ચૌટાલા મુખ્ય મંત્રી બનશે.
જાટ મતદાર, મહિલા કુસ્તી ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ તથા ખેડૂત આંદોલન જેવા મુદ્દા આગામી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભૂમિકા ભજવી શકે છે.
2019ની લોકસભા ચૂંટણી સમયે ભાજપને તમામ 10 બેઠક મળી હતી, જ્યારે આ વખતે ભાજપને માત્ર પાંચ બેઠક જ મળી હતી.
લોકસભાનાં ચૂંટણી પરિણામ પછી ભાજપ બંને રાજ્યોની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા આતુર હશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન સારું પ્રદર્શન કરીને ભાજપને પાછળ ધકેલવા ઇચ્છશે.
ભાજપે મુખ્ય મંત્રી બદલવા પડ્યા
ઑક્ટોબર 2019માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 90 બેઠકોમાંથી 40 બેઠકો મળી હતી, જ્યારે કૉંગ્રેસને 31 બેઠકો મળી હતી.
ભાજપે ચૂંટણીમાં 75 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ માત્ર 40 બેઠકો જ મેળવી હતી.
નવી રચાયેલી જનનાયક જનતા પાર્ટીને ચૂંટણીમાં 10 બેઠકો મળતાં તે કિંગમૅકરની ભૂમિકામાં આવી ગઈ હતી. ભાજપે જેજેપીના ટેકાથી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં સરકાર રચી હતી. જેજેપીના અધ્યક્ષ દુષ્ચંત ચૌટાલા નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા.
લોકસભાની ચૂંટણી પહેલાં માર્ચ મહિનામાં ભાજપે મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરને હઠાવીને કુરુક્ષેત્રથી સાંસદ નાયબસિંહ સૈનીને કમાન સોંપી હતી. આ સાથે જેજેપી સાથેનું ગઠબંધન પણ તોડી નાખ્યું હતું.
સાડા ચાર વર્ષ મુખ્ય મંત્રી રહ્યા બાદ મનોહરલાલ ખટ્ટર રાજીનામું આપીને કરનાલથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. ખટ્ટરે ચૂંટણીમાં જીત મેળવી હતી. નાયબસિંહ સૈની પણ કરનાલ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.
'હરિયાણા માગે હિસાબ' કૅમ્પેઈન
વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસ પાર્ટીએ 'હરિયાણા માગે હિસાબ' કૅમ્પેઈન લૉન્ચ કર્યું હતું. આ કૅમ્પેઈન રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ 15 જુલાઈના રોજ લૉન્ચ કર્યું હતું.
કૉંગ્રેસ પાર્ટીએ હરિયાણાની વર્તમાન રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચાર, ભરતી પરીક્ષામાં ગોટાળા સહિતના અનેક આરોપ મૂક્યા હતા.
પાર્ટી અનુસાર હરિયાણામાં બે લાખ સરકારી પદ ખાલી છે અને તેમાં ભરતી કરવામાં આવી નથી. પાર્ટીએ વચન આપ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો ભરતી પ્રક્રિયા હાથ ધરશે, મહિલાઓ સામેના વધતાં ગુના અટકાવશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે.
તો કરનાલમાં મત આપ્યા બાદ રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે દાવો કર્યો હતો કે અમે આ વખતે 50થી વધુ બેઠકો જીતશું. લોકોના મનમાં શું છે એ બધા જાણે છે. આઠ તારીખે બધું સ્પષ્ટ થઈ જશે.
હરિયાણા વિધાનસભા
- કુલ બેઠકો – 90. બહુમતી માટે 46 બેઠકોની જરૂર.
- ચૂંટણીપંચ અનુસાર, હરિયાણામાં કુલ 2.01 કરોડ મતદારો છે, જેમાં 95 લાખ મહિલા મતદાતા છે.
- 40.95 લાખ યુવા મતદારો છે. 4.25 લાખ મતદારો એવા છે જે પ્રથમ વખત મતદાન કરશે.
- હરિયાણામાં કુલ 10321 મતદારો સો વર્ષથી વધુ વયના છે. કુલ 20629 મતદાનમથકો પર હરિયાણામાં ચૂંટણી યોજાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન