ઝોહરાન મમદાણી ન્યૂ યૉર્ક મેયરની ચૂંટણી જીત્યા, ગુજરાતી મૂળના નેતા કોણ છે?

ઝોહરાન મમદાણી, ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ, દક્ષિણ એશિયન મેયર, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, ઝોહરાન મમદાણી ન્યૂ યૉર્ક શહેરના પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયન મેયર બન્યા છે
    • લેેખક, નાદા તોફિક અને રેશલ હેગન
    • પદ, બીબીસી ન્યૂઝ, ન્યૂયૉર્ક અને લંડનથી

ડેમૉક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાણી ન્યૂ યૉર્કના મેયરની ચૂંટણી જીતી ગયા છે. ચાર નવેમ્બરે થયેલી ચૂંટણીમાં તેમની જીત નક્કી મનાઈ રહી હતી.

સીબીએસ અનુસાર, 34 વર્ષીય મમદાણી 100 વર્ષથી વધુ સમયમાં ન્યૂ યૉર્કમાં સૌથી યુવા અને પ્રથમ મુસલમાન અને દક્ષિણ એશિયન મૂળના મેયર છે.

બીબીસી સંવાદદાતા મેડલિન હલપર્ટ અનુસાર, લોકો જોરજોરથી ઝોહરાનના નામના નારા પોકારી રહ્યા છે.

મેયરપદ માટે મુખ્ય ટક્કર ઝોહરાન મમદાણી અને ઍન્ડ્રયુ કુઓમો વચ્ચે હતી. મમદાણી સામે ડેમૉક્રેટ પ્રાઇમરીમાં હાર બાદ કુઓમો સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.

તો રિપબ્લિકન પાર્ટી તરફથી કર્ટિસ સ્લિવા ઉમેદવાર છે. સ્લિવાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને મમદાણીને અભિનંદન આપ્યાં છે.

તેમણે કહ્યું કે "અમારી પાસે હવે ચૂંટાયેલા મેયર છે. હું તેમને અભિનંદન આપું છું, કેમ કે તેઓ સારું કરશે, તો આપણે બધા સારું કરીશું."

યુગાન્ડાથી ન્યૂ યૉર્ક ક્વીન્સ સુધી

ઝોહરાન મમદાણી, ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ, દક્ષિણ એશિયન મેયર, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

યુગાન્ડાના કંપાલામાં જન્મેલા મમદાણી પોતાના પરિવાર સાથે સાત વર્ષની વયે ન્યૂ યૉર્ક પહોંચ્યા હતા. તેઓ બ્રૉન્ક્સ હાઇસ્કૂલ ઑફ સાયન્સમાં ભણ્યા અને બાદમાં બોડેન કૉલેજમાંથી આફ્રિકન સ્ટડીઝમાં ડિગ્રી મેળવી. કૉલેજમાં તેઓ સ્ટુન્ડન્ટ્સ ફૉર જસ્ટિસ ઇન પેલેસ્ટાઇન નામના કૅમ્પસ ચૅપ્ટરના સહસ્થાપક હતા.

આ પ્રગતિશીલ યુવાન શહેરના પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયન મેયર હશે, તેઓ વિવિધતાભર્યા આ શહેરમાં પોતાનાં મૂળ સાથે જોડાયેલા છે. તેમણે પોતાના કૅમ્પેનમાં એક વીડિયો સંપૂર્ણપણે ઉર્દૂમાં બનાવ્યો હતો, જેમાં તેમણે બોલીવૂડની ક્લિપો જોડી હતી. બીજા વીડિયોમાં તેઓ સ્પેનિશ બોલતા દેખાયા હતા.

મમદાણી અને તેમનાં 27 વર્ષીય પત્ની જેઓ એક બ્રૂકલિનસ્થિત સીરિયન કલાકાર છે 'હિંજ' નામની ડેટિંગ ઍપ પર મળ્યાં હતાં.

તેમનાં માતા મીરા નાયર એક ખ્યાતનામ ફિલ્મ ડાયરેક્ટર છે અને તેમના પિતા પ્રોફેસર મહમૂદ મમદાણી કોલંબિયા ખાતે ભણાવે છે. તેમનાં માતાપિતા હાર્વર્ડમાં ભણેલાં છે.

ઝોહરાન મમદાણી, ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ, દક્ષિણ એશિયન મેયર, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઝોહરાન મમદાણી તેમનાં માતાપિતા મહમૂદ મમદાણી (જમણે), મીરા નાયર (ડાબે) અને પત્ની રમા દુવાજી (વચ્ચે) સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મમદાણી પોતાની જાતને 'જનતાના ઉમેદવાર' અને આયોજક તરીકે રજૂ કરે છે.

તેમની સ્ટેટ ઍસેમ્બ્લી પ્રોફાઇલ પ્રમાણે "જીવને અનિવાર્ય વળાંક લીધા એ સાથે ફિલ્મ, રૅપ અને લેખનથી માર્ગપરિવર્તન."

"એ આયોજન જ હતું જેણે સુનિશ્ચિત કર્યું કે તેઓ નિરાશા તરફ નહીં, પરંતુ ઍક્શન તરફ જાય."

રાજકારણમાં આવ્યા એ પહેલાં તેમણે હાઉસિંગ કાઉન્સેલર તરીકે કામ કર્યું, જ્યાં તેઓ ક્વીન્સમાં ઓછી આવક ધરાવતા ઘરમાલિકોને ઘર ખાલી ન કરવું પડે એ માટે મદદરૂપ થતા.

તેમણે પોતાના ધર્મને પણ પોતાના કૅમ્પેનનો એક દેખીતો ભાગ બનાવ્યો. તેઓ ઘણી વાર મસ્જિદોની મુલાકાત લેતા અને નિયમિતપણે શહેરમાં જીવવા માટેના ખર્ચના સંકટ અંગે ઉર્દૂમાં વીડિયો જાહેર કરતા.

તેમણે આ વસંત ઋતુમાં એક રેલીમાં કહ્યું, "અમને ખ્યાલ છે કે જાહેરમાં મુસ્લિમ તરીકે ઊભા રહેવાનો અર્થ એ થાય છે કે તમે અમુક વાર પડછાયામાં મળતી સલામતીનો ત્યાગ કરો છો."

સોશિયલ જસ્ટિસ ઑર્ગેનાઇઝેશન DRUMના રાજકીય ડાયરેક્ટર જગપ્રીતસિંહે બીબીસીને કહ્યું કે, "હું જે બધા મુદ્દાઓની પરવા કરું છું તેનું હાલના તબક્કે મેયરપદ માટે મેદાને પડેલા લોકોમાંથી ઝોહરાન સિવાય કોઈ વ્યાપક પ્રતિનિધિત્વ કરતું નથી."

મમદાણીની પરવડી શકે એવી સેવાઓ માટેની લડત

મમદાણી કહે છે કે અમેરિકાના સૌથી મોંઘા શહેરમાં રહેતા મતદારો ઇચ્છે છે કે ડેમૉક્રૅટ્સ પરવડી શકે તેવી સેવાઓના મુદ્દા પર ધ્યાન આપે.

તેમણે તાજેતરમાં જ એક ઇવેન્ટમાં બીબીસીને કહ્યું હતું કે, "આ એ શહેર છે જ્યાં રહેતા ચાર પૈકી એક વ્યક્તિ ગરીબીમાં છે, આ એક એવું શહેર છે જ્યાં પાંચ લાખ બાળકો રાત્રે ભૂખ્યાં સૂવે છે."

"અને છેલ્લે તો આ એ શહેર છે જે તેને ખાસ બનાવતી બાબત ગુમાવે તેના ભયમાં છે."

તેમણે પ્રસ્તાવ કર્યો છે :

  • સમગ્ર શહેરમાં ફ્રી બસ સર્વિસ
  • ભાડા પર રોક અને બેદરકાર સંપતિમાલિકોને કડક રીતે જવાબદાર બનાવવા
  • શહેરની માલિકીવાળી કિરાણાની દુકાનો, જ્યાં પરવડે તેવી સામગ્રી કેન્દ્રમાં હશે
  • છ અઠવાડિયાંથી પાંચ વર્ષ સુધીનાં બાળકો માટે યુનિવર્સલ ચાઇલ્ડ કેર
  • ભાડામાં સ્થાયીપણાવાળાં અને સંઘ દ્વારા નિર્મિત મકાનોની સંખ્યા ત્રણ ગણી કરવી

તેમના આયોજનમાં મેયરની ઑફિસની 'કાયાપલટ' પણ સામેલ છે, જે સંપત્તિમાલિકોને જવાબદાર ઠેરવશે અને કાયમીપણે પરવડે તેવાં મકાનોની સેવાનો વ્યાપ વધારશે.

તેમના કૅમ્પેનમાં તેમણે આ નીતિઓને દૃશ્યો અને વાઇરલ ચેષ્ટાઓ સાથે સાંકળી. ભાડા પર કાયમી રોકને નાટકીય ઢબે રજૂ કરવા માટે તેમણે ઍટલાન્ટિક મહાસાગરમાં ભૂસકો માર્યો અને ખાદ્ય અસુરક્ષાનો મુદ્દો ઉઠાવવા માટે સબવે ટ્રેનમાં બરિટો સાથે રમજાનનો ઉપવાસ તોડ્યો. પ્રાથમિક સભ્યો મત આપે એ પહેલાં તેઓ આખું મેનહેટન પગપાળા ફર્યા, જ્યાં તેઓ મતદારો સાથે સેલ્ફી લેવા માટે સમયાંતરે રોકાતા.

તેઓ શહેરને વધુ પોસાય એવું બનાવવાનો દાવો કરે છે, પરંતુ ટીકાકારો આવા મહત્ત્વાકાંક્ષી વાયદાઓ પર સવાલ ઉઠાવે છે.

સમાચાર સંસ્થા ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સે મેયરપદની ઉમેદવારી માટે મેદાને ઊતરેલા કોઈ પણ વ્યક્તિને ટેકો ન આપ્યો અને તમામ ઉમેદવારોની ટીકા કરી. તેના એડિટોરિયલ બોર્ડે જણાવ્યું કે મમદાણીનો એજન્ડા "શહેરના પડકારો સાથે સાવ અલગ રીતે બંધબેસતો નથી."

બોર્ડે જણાવ્યું કે ભાડા પર કાયમી રોક માટેનો તેમનો પ્રસ્તાવ હાઉસિંગ સપ્લાયને બાધિત કરશે.

ટીકાકારોના અનુભવ સામે સવાલ

કુઓમો અને અન્યો મમદાણીના અનુભવ સામે સવાલ ઉઠાવે છે અને કહે છે કે તેઓ 115 બિલિયન ડૉલરના બજેટવાળા અને ત્રણ લાખ મ્યુનિસિપલ વર્કરવાળા શહેર માટે ઘણા ઉગ્ર છે.

બિલ ક્લિન્ટન સહિત મોટા દાતાઓના ટેકાવાળા કુઓમો ભારપૂર્વક કહે છે કે અનુભવથી ફરક પડે છે. તેઓ કહે છે કે, "અનુભવ, લાયકાત, પોતાનું કામ કેવી રીતે કરવું તેની જાણકારી, ટ્રમ્પ અને વૉશિંગટન કેવી રીતે પહોંચી વળવું એની જાણકારી, રાજ્ય કારોબારી સાથે કેવી રીતે કામ કરવું તેની જાણકારી પાયાની બાબતો છે. હું જોબ પર મળતી તાલીમમાં માનું છું, પરંતુ આ વાત ન્યૂ યૉર્કના મેયરપદ માટે લાગુ નથી પડતી."

ઝોહરાન મમદાણી, ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ, દક્ષિણ એશિયન મેયર, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shutterstock

ઇમેજ કૅપ્શન, ડેમૉક્રેટિક ઉમેદવાર બનવા માટે નવ જણ રેસમાં હતા - અહીં એ બધાં 4 જૂનના રોજ ન્યૂ યૉર્ક સિટીમાં આયોજિત મેયરલ ડિબેટમાં દેખાઈ રહ્યાં છે

પરંતુ રાજકીય વ્યૂહરચનાકાર ટ્રિપ યંગ કહે છે કે આજના રાજકારણના યુગમાં 'અનુભવ' એ ગેમ ચેન્જર ફેક્ટર સાબિત થાય એ જરૂરી નથી. યંગ માને છે કે મમદાણી જીતે કે ન જીતે, પણ તેમના કૅમ્પેને 'વિચારી ન શકાય' એ કરી બતાવ્યું છે.

લોકમણિ રાય નામના એક ટેકેદાર ઉમેરે છે કે, "તેઓ અમને સમજે છે. એ અમારા પૈકીના જ એક છે. એ અમારી ઇમિગ્રન્ટ કૉમ્યુનિટીના છે."

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન

તાજેતરમાં દેશની સૌથી વૈવિધ્યસભર કૉમ્યુનિટીવાળા જેક્સન હાઇટ્સમાં આવેલા પાર્કમાં આયોજિત એક કૅમ્પેન ઇવેન્ટમાં બાળકો દોડતાં અને હિંચકે ઝૂલતાં દેખાયાં, તેમજ લૅટિન અમેરિકન મૂળના ફેરિયા નાસ્તા અને આઇસક્રીમ વેચી રહ્યા હતા.

ઘણા ખરા અર્થે આ ઇવેન્ટ શહેરના વૈવિધ્યને ખૂબીપૂર્વક પ્રતિબિંબિત કર્યું હતું. આ વૈવિધ્યને ઘણા ડેમૉક્રૅટ્સ ન્યૂ યૉર્કની સૌથી શ્રેષ્ઠ વાત માને છે. જોકે, શહેરમાં જાતિગત ભેદભાવ અને રાજકીય તણાવ નથી એવું નથી. મમદાણી કહે છે કે તેમને દરરોજ 'ઇસ્લામોફોબિક' ધમકીઓ મળે છે, જેમાંથી કેટલાકમાં તેમના પરિવારને પણ ટાર્ગેટ કરાય છે. પોલીસ પ્રમાણે આ ધમકીઓ બાબતે તપાસ ચાલી રહી છે.

તેમણે બીબીસીને કહ્યું કે જાતિગત ભેદભાવ એ દર્શાવે છે કે અમેરિકાના રાજકારણમાં શું ખૂટે છે. તેમણે 'ડોનાલ્ડ ટ્રમ્પને ફરી ચૂંટાવા દેવા' અને 'લોકોના મૂળને નિરપેક્ષ' તેમના માટે ઊભા રહેવામાં નિષ્ફળ રહેવા બદલ ડેમૉક્રૅટિક પાર્ટીની ટીકા કરી.

ઇઝરાયલ-ગાઝા યુદ્ધ અંગે મમદાણીના મતે પણ મતદારો માટે ભૂમિકા ભજવી હોઈ શકે.

પેલેસ્ટાઇન માટે નક્કર ટેકો અને ઇઝરાયલની ટીકાને કારણે તેઓ આખી ડેમૉક્રૅટિક પાર્ટીથી અલગ તરી આવે છે. ઇઝરાયલી સેટલમેન્ટ્સ સાથે સંકળાયેલી અને આંતરરાષ્ટ્રીય માનવાધિકારના કાયદાને તોડતી ન્યૂ યૉર્કની ચૅરિટી સંસ્થાઓની કરમુક્તિ ખતમ કરવા માટે તેમણે એક બિલ પણ લાવ્યું હતું.

તેમણે એવું પણ કહ્યું કે તેઓ માને છે કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ થવી જોઈએ.

ઘણી મુલાકાતો દરમિયાન મીડિયાએ તેમને ઇઝરાયલના એક યહૂદી રાજ્ય માફક અસ્તિત્વના અધિકાર અંગે તેમના મત જાણવા ભારપૂર્વક કહ્યું છે. જેમાં તેમણે એક વખત કહ્યું, "હું ધર્મ કે અન્ય કોઈ આધારે નાગરિકત્વ પદાનુક્રમ હોય એવા કોઈ રાજ્યને ટેકો આપવામાં સહજ અનુભવતો નથી. મને લાગે છે કે આપણા દેશની માફક સમાનતા, વિશ્વના દરેક દેશમાં હોવી જોઈએ. હું આ વાતમાં માનું છું."

મમદાણીએ એવું પણ કહ્યું કે ન્યૂ યૉર્ક શહેરમાં યહૂદીઓ પ્રત્યેની નફરત માટે કોઈ જગ્યા નથી, તેઓ ઉમેરે છે કે જો તેઓ ચૂંટાશે તો તેઓ નફરતસંબંધી ગુનાના પડકારનો સામનો કરવા માટે ભંડોળ વધારશે.

બીજી તરફ કુઓમો પોતાની જાતને "ઇઝરાયલનો કટ્ટર સમર્થક અને એ વાત પર ગર્વ લેનાર" ગણાવે છે.

ઘણી ખરી હદે ન્યૂ યૉર્કમાં ડેમૉક્રૅટ્સ સામેના પડકારો ભવિષ્યમાં અન્ય સ્થળોએ જ્યાં ચૂંટણી થવાની છે તેના જેવા જ છે. અને બાદમાં રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના પ્રાથમિક સભ્યોના મત પાર્ટી અંગેની તેમની માન્યતા અને પાર્ટીએ ટ્રમ્પનો સામનો કેવી રીતે કરવો એ બાબતે વિભાજિત હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન