ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે અને કયા જિલ્લામાં આગાહી કરાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. હજુ બે દિવસ સુધી કોઈ કોઈ જગ્યાએ હળવો વરસાદ પડશે.
થોડા દિવસોમાં તાપમાન ધીમે ધીમે ઘટે અને ઠંડી અનુભવાય તેવી આગાહી છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ વરસાદ થયો છે જ્યારે બાકીનો ભાગ કોરો રહ્યો છે. હાલમાં અરબી સમુદ્રમાં ઉત્તરપૂર્વ દિશામાં અને સૌરાષ્ટ્રની નજીક એક સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે સમુદ્રની સપાટીથી 1.50 કિમીની ઉંચાઈએ સ્થિત છે.
લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 1.38 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગરમાં 0.87 ઇંચ, જામનગરના લાલપુરમાં 0.79 ઇંચ, સાબરકાંઠાના વડાલી અને મોરબીમાં 0.79 ઇંચ, ભાવનગરના ઘોઘામાં 0.71 ઇંચ, મોરબીના માળિયામાં 0.71 ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત હળવદ, સોજિત્રા, ખેડબ્રહ્મા, કપરાડા, ગરુડેશ્વર, શેહરા, કલ્યાણપુર, જામકંડોરણા, ધ્રાંગધ્રા, ધંધૂકામાં પણ 0.20 ઇંચથી લઈને 0.67 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
હવે કયા જિલ્લામાં વરસાદ પડશે

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી નવેમ્બર, મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
6 નવેમ્બર, બુધવારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના ભાગો સૂકા રહેશે.
ગુરુવાર પછી ગુજરાતમાં ક્યાંય ભારે અથવા મધ્યમ વરસાદની આગાહી નથી તેવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ચોથી નવેમ્બરે વરસાદનાં ઝાપટાં પડી શકે છે. શહેરમાં લઘુતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર પછી રાજ્યમાં લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતા છે.
ગુજરાતમાં આ વખતે દરેક ભાગમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તેમાં પણ ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં વરસાદનો જે રાઉન્ડ આવ્યો તેમાં ખેતીવાડીને ભારે નુકસાન થયું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 128 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં સૌથી વધુ 150 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 127 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 127 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશ 124 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 133 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












