એ ગુજરાતી નેતા જેણે છત્તીસગઢમાં કૉંગ્રેસનો ખેલ બગાડી નાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રવિવારના ચૂંટણીપરિણામોમાં કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક રિઝલ્ટ છત્તીસગઢનું માનવામાં આવે છે. જ્યાં ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કૉંગ્રેસને મજબૂત માનવામાં આવતી હતી.
ભાજપે માત્ર કૉંગ્રેસને પરાજય નથી આપ્યો, પરંતુ 90 ધારાસભ્યોવાળી વિધાનસભામાં 54 બેઠક સાથે નિર્ણાયક બહુમતી મેળવી. પાર્ટીના વિજયનો શ્રેય કેન્દ્રીય ચૂંટણીપ્રભારી ઓમ માથુર તથા મનસુખ માંડવિયાની વ્યૂહરચનાને આપવામાં આવે છે.
ઓમ માથુરનું દાયકાઓથી ગુજરાત કનેકશન રહ્યું છે, જેમની રાજકીય ભવિષ્યવાણીઓ પત્રકારોને ચોંકાવતી રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર ચૂંટણીપરિણામો પછી તેમની સુરક્ષા વધારવામાં આવી છે, જેના આધારે એવા કયાસ કાઢવામાં આવે છે કે તેમને રાજસ્થાનના મુખ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ શકે છે.
માથુરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક માનવામાં આવે છે. ગુજરાતના પ્રભારી હોવાના અરસામાં તેઓ માંડવિયાના સંપર્કમાં આવ્યા હતા.
લગભગ પંદરેક વર્ષના ગાળામાં માથુર-માંડવિયાના સંબંધના સમીકરણમાં મોટું પરિવર્તન આવ્યું. માંડવિયા ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય અને કેન્દ્રમાં આરોગ્ય અને રસાયણ મંત્રી છે.
કોરોના સમયની કામગીરી બાદ માંડવિયાને સંગઠનક્ષેત્રે પણ નવી પેઢીના મહત્ત્વપૂર્ણ નેતા તરીકે જોવામાં આવે છે, જે સોંપવામાં આવેલી કામગીરીને સુપેરે પાર પાડે છે.
ઓમ માથુર સાથે નરેન્દ્ર મોદીની ઘનિષ્ઠતા

ઇમેજ સ્રોત, ANI
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુરે પત્રકારોને કહ્યું હતું કે 23મી મેના દિવસે રાજ્યની તમામ 26 બેઠક ઉપર પાર્ટીનો વિજય થશે અને મીઠાઈ ખાવા ચોક્કસથી આવજો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માથુરનું આ નિવેદન કેટલાક પત્રકારોને અહંકારથી ભરપૂર લાગ્યું હતું. ગુજરાત જેવાં રાજ્યોમાં ફરી એક વખત ક્લીન સ્વીપ કરવાનું મિશન અશક્ય નહીં તો મુશ્કેલ તો હતું જ. જોકે, જેઓ માથુરને જાણતા હતા, તેમને આ દાવામાં વિશ્વાસ હતો અને એવું જ બન્યું.
આવું જ કંઈક છત્તીસગઢની ચૂંટણી દરમિયાન બન્યું હતું. તા. 28મી નવેમ્બરે પત્રકારો સાથે વાત કરતા માથુરે તેમના ગૃહરાજ્ય અને છત્તીસગઢ અંગે ભવિષ્ય ભાખતા કહ્યું હતું કે 'અમે રાજસ્થાનમાં ભવ્ય બહુમત સાથે સરકાર બનાવીશું અને છત્તીસગઢમાં અમે રાજકીય પંડિતોને ચોંકાવી દઈશું.'
ચૂંટણીપરિણામો બાદ તેમણે સોશિયલ પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, 'બધા કહેતા હતા કે અશક્ય છે, કરી દેખાડ્યું.'
1970ના દાયકાના અંતભાગમાં કે 1980ના દાયકાની શરૂઆતમાં નરેન્દ્ર મોદી અને મૂળ રાજસ્થાનના ઓમ પ્રકાશ માથુર સંપર્કમાં આવ્યા હતા. બંને સંઘના સ્વયંસેવક તરીકે સાથે કામ કરતા હતા. વર્ષ 1986માં ગુજરાત ભાજપના સચિવ તરીકે નરેન્દ્ર મોદી પાર્ટીમાં આવ્યા. એ પછી 1980ના દાયકાના અંતભાગમાં સંઘ દ્વારા ઓમ માથુરને ભાજપમાં મોકલવામાં આવ્યા.
મોદી-માથુર તેમના ગૃહરાજ્ય, અન્ય રાજ્ય તથા કેન્દ્રમાં સંગઠનસ્તરે સોંપવામાં આવેલી અલગ-અલગ જવાબદારી નિભાવતા રહ્યા. વર્ષ 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.
વર્ષ 2005માં ઓમ માથુરને ગુજરાત ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા અને પ્રભારી તરીકે તેમણે વર્ષ 2007 અને 2012માં ભાજપના વિજયને સુનિશ્ચિત કર્યો. આ એ પ્રચારઅભિયાન હતાં જેમાં મોદીને 'હિંદુ નેતા'માંથી 'વિકાસપુરુષ' તરીકે રજૂ કરવામાં આવ્યા અને 'ગુજરાત મૉડલ' ચર્ચાનું કેન્દ્ર બન્યું. ભાજપના કાર્યકરોમાં તેઓ 'ઓમજી' તરીકે ઓળખાય છે.

ઇમેજ સ્રોત, MANSUKH MANDAVIYA FB
આ દરમિયાન તેઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રશિક્ષણ કાર્યક્રમો યોજતા. ત્યારે પ્રશિક્ષણ લેનારાઓમાં માંડવિયાનો સમાવેશ થતો. લગભગ પંદરેક વર્ષ પછી બંનેનાં સમીકરણોમાં મોટું પરિવર્તન આવવાનું હતું. વર્ષ 2023માં છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી દરમિયાન માથુર ચૂંટણીપ્રભારી હતા અને માંડવિયા ચૂંટણી સહપ્રભારી હતા. બંને એક જ મંચ પર હતા.
સપ્ટેમ્બર-2022માં જ માથુરને છત્તીસગઢ ભાજપના પ્રભારી બનાવી દેવાયા હતા. તેમની સાથે મનસુખ માંડવિયાને સહપ્રભારી બનાવાયા હતા.
વર્ષ 1952માં રાજસ્થાનમાં જન્મેલા માથુરે બીએનો અભ્યાસ કર્યો છે. તેમને ભાજપના એવા નેતા માનવામાં આવે છે કે જે ચૂંટણી સમયે નાતજાતનાં સમીકરણ અને સંયોજન બેસાડી શકે છે. 71 વર્ષની ઉંમરે પણ તેઓ લાંબા પ્રવાસ ખેડી શકે છે અને પ્રબળ યાદશક્તિ ધરાવે છે.
કહેવાય છે કે માથુર રાજસ્થાન ભાજપમાં સંગઠન મંત્રી હતા, ત્યારે મુખ્ય મંત્રી ભૈરોંસિંહ શેખાવતે દરરોજ સચિવાલયે જતાં પહેલાં પક્ષના મુખ્યાલયે જવું પડતું
વર્ષ 2003માં મધ્ય પ્રદેશ તથા વર્ષ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના વિજયના શિલ્પી જણાવવામાં આવે છે. વર્ષ 2019માં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં હારને તેમનો એકમાત્ર પરાજય માનવામાં આવે છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, માંડવિયાએ વ્યૂહરચનાને ધરાતલ ઉપર સાકાર કરવાનું કામ કર્યું. તેમણે બુથસ્તરે સીધો સંવાદ સાધ્યો અને કડક વલણ અપનાવ્યું.
તેમણે પોતાના ઉદાહરણ દ્વારા કાર્યકરોને શિસ્તના પાઠ ભણાવ્યા. એક તરફ છત્તીસગઢની બઘેલ સરકાર ઉપર ભ્રષ્ટાચાર મુદ્દે શાબ્દિક પ્રહાર ચાલુ રાખવામાં આવ્યા, તો બીજી તરફ કેન્દ્ર સરકારની યોજનાઓ તથા તેના લાભાર્થીઓ સુધી પહોંચવાની વ્યૂહરચના અપનાવવામાં આવી.
છત્તીસગઢનાં ચૂંટણીપરિણામો પછી માંડવિયાએ પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, 'મોદીજીનું નેતૃત્વ અને જનતાનો વિશ્વાસ એટલે છત્તીસગઢમાં વિજય. ગમે એટલી અડચણો આવે, આગળ વધવાનું કામ છે અને વધતું રહેવાનું છે.'
માંડવિયાની વિધાનસભ્યથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી બનવાની મઝલ

ઇમેજ સ્રોત, Getty Images
મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણાના હણોલ ગામ ખાતે વર્ષ 1972માં થયો હતો. 20 વર્ષની ઉંમરે તેઓ ભાજપની વિદ્યાર્થી પાંખ 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ'નું સભ્યપદ મેળવ્યું હતું.
વર્ષ 1996માં તાલુકાસ્તરથી તેમની રાજકીય કૅરિયર શરૂ થઈ હતી. સક્રિય રાજકારણની વચ્ચે રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કરનારા માંડવિયાએ પીએચડીની પદવી પણ મેળવી છે.
2002માં ગોધરાકાંડ તથા તે પછીના હુલ્લડોના ઓછાયા હેઠળ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં માંડવિયા માત્ર 30 વર્ષની ઉંમરે ભાજપની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા હતા.
2003માં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન માટે અને 2007માં 'ડ્રગ્સ અને નશાકારક ચીજો'ની નાબૂદી માટે પદયાત્રા કરી હતી. વર્ષ 2019માં તેમણે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી સમયે પદયાત્રા કરી હતી. જોકે છેલ્લી બે પદયાત્રા વચ્ચેનાં 12 વર્ષના ગાળામાં તેમની રાજકીય કારકિર્દીમાં મોટું પરિવર્તન આવ્યું હતું.
જોકે, 2007માં રાજકીય સમીકરણોને જોતા માંડવિયાને ટિકિટ આપવામાં આવી નહોતી અને કહેવાય છે કે આ માહિતી ખુદ ઓમ માથુરે જ તેમને આપી હતી. 2010માં તેઓ ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન બન્યા હતા.
2012માં રાજ્યસભાના સંસદસભ્ય બન્યા. 2013માં તેઓ ગુજરાત ભાજપના સચિવ અને બે વર્ષ પછી સૌથી યુવા મહાસચિવ બન્યા.

ઇમેજ સ્રોત, MANSUKH MANDAVIYA FB
પાટીદાર અનામત આંદોલનના વેગની વચ્ચે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પાટીદાર સમાજના માંડવિયાને રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
2018માં તેઓ ફરી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. 2019માં તેમને રાજ્યકક્ષાના કેમિકલ અને ખાતર પ્રધાન બનાવવામાં આવ્યા. આ સિવાય તેમને પૉર્ટ, શીપિંગ અને જળમાર્ગનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો.
2017ના ગુજરાત વિધાનસભાના ચૂંટણીપરિણામ તથા વર્ષ-2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા પછી જે સંભવિતોનાં નામ ચર્ચાઈ રહ્યાં હતાં, તેમાં માંડવિયાના નામનો પણ સમાવેશ થતો હતો.
જુલાઈ-2021માં કોરોનાની લહેરની વચ્ચે તેમને ડૉ. હર્ષવર્ધનને હઠાવીને તેમને રસાયણ ઉપરાંત કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો.
દવા-ઑક્સિજન ઉપલબ્ધિ માટે કરવામાં આવેલા પ્રયાસ અને રસીકરણ માટે કરેલા પ્રયાસને તેમની કોરોનાકાળ દરમિયાનની સિદ્ધિ માનવામાં આવે છે. આ સિવાય જન ઔષધીકેન્દ્રો શરૂ કરવાનો શ્રેય પણ તેમના નેતૃત્વ હેઠળના આરોગ્ય મંત્રાલયને આપવામાં આવે છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય પછી વિપક્ષના નેતા ચૂંટવા માટે જે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. આ સિવાય સૌરાષ્ટ્ર-તામીલ સંગમમના આયોજનથી માંડીને સંયોજનની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમને તામિલનાડુમાં પગપેસારો કરવાના ભાજપના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.














