કેન-બેતવા: ગુજરાતમાં નદીઓના જોડાણનો વિરોધ થયો તેવા જ પ્રકારના પ્રોજેક્ટ સામે મધ્ય પ્રદેશમાં પણ કેમ આક્રોશ છે?

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી ન્યૂઝ

મધ્ય પ્રદેશમાં હાલમાં નદીઓને જોડવાનો એક અબજો રૂપિયાનો પ્રોજેક્ટ વિવાદમાં છે. હજારો ગામવાસીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે અને તેમનું કહેવું છે કે તેનાથી તેમણે પોતાના ઘર અને આજીવિકા બંને ગુમાવવા પડશે.

કેન-બેતવા પ્રોજેક્ટનું બજેટ 440 અબજ રૂપિયા છે. તેમાં ટનલો, કૅનાલ અને ડૅમ દ્વારા મધ્ય પ્રદેશની કેન નદીના વધારાના જળને પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશની બેતવા નદી સાથે જોડવાની યોજના છે.

ભારતે 1980ના દાયકામાં જળ સંસાધન વિકાસ માટે એક નૅશનલ પ્લાન બનાવ્યો હતો, જેમાં નદીઓને ઇન્ટરલિંક કરવાના કુલ 16 પ્રોજેક્ટ માટે વિચાર કરવામાં આવ્યો હતો.

કેન-બેતવા પ્રોજેક્ટ તેમાંથી પહેલો પ્રોજેક્ટ છે.

પર્યાવરણને લગતી ચિંતાઓ અને રાજકીય વિવાદના કારણે આ પ્લાનમાં અનેક વિલંબ સર્જાયા હતા. ત્યાર પછી 2021માં સરકારે તેને મંજૂરી આપી હતી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના બાંધકામ માટે શિલારોપણ કર્યું હતું.

આ પ્રોજેક્ટ માટે દાવો કરાય છે કે તેનાથી વારંવાર દુષ્કાળનો ભોગ બનતા બુંદેલખંડને ફાયદો થશે.

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનો અમુક ભાગ બુંદેલખંડમાં આવે છે જ્યાં બહુ સૂકું વાતાવરણ છે અને વરસાદની પૅટર્ન પણ અનિશ્ચિત છે. તેના કારણે અહીં વ્યાપક ગરીબી જોવા મળે છે અને વિકાસના મામલે આ પ્રદેશ પાછળ રહી ગયો છે.

સરકારે કહ્યું કે એક વખત 2030માં આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય, તો તેનાથી 10.6 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી આપી શકાશે, 62 લાખ લોકોને પીવાનું પાણી આપી શકાશે અને 100 મેગાવૉટ હાઇડ્રોપાવર અને સોલર ઍનર્જી પેદા થશે.

વાઘને બચાવવાના પ્રયાસો પર પાણી?

પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ જે ડૅમ બનશે તેમાં ઓછામાં ઓછાં 10 ગામો ડૂબી જશે અને નહેર બાંધવા માટે વધુ 11 ગામોનું વિસ્થાપન કરવું પડશે.

પરિણામે 7000થી વધુ પરિવારોને અસર થવાની શક્યતા છે.

પર્યાવરણના નિષ્ણાતોની સલાહ છે કે પ્રોજેક્ટથી પન્ના ટાઇગર રિઝર્વનો લગભગ 98 ચોરસ કિમી વિસ્તાર ડૂબમાં જશે.

આ ટાઇગર રિઝર્વ 543 ચોરસ કિમી અભયારણ્યનો હિસ્સો છે જેણે 2009માં વાઘને નામશેષ થતાં અટકાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

આ પ્રોજેક્ટ આકાર લેશે તો સંરક્ષણ માટે વર્ષોથી થયેલા પ્રયાસો પર પાણી ફરી વળશે.

પર્યાવરણવાદી અમિત ભટનાગરે જણાવ્યું કે, આ અભૂતપૂર્વ છે. કોઈ નૅશનલ પાર્કના મુખ્ય વિસ્તારનો ઉપયોગ આટલા મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યો હોય એવું અગાઉ ક્યારેય જોવા નથી મળ્યું.

2019માં સુપ્રીમ કોર્ટે આ મામલે નિષ્ણાતોની એક પૅનલનું ગઠન કર્યું હતું. પૅનલે પણ આ પ્રોજેક્ટ વિશે ચિંતા દર્શાવી હતી અને પ્રોજેક્ટ આર્થિક રીતે કેટલો પરવડે તેમ છે તથા તેનાથી અહીંના વન્ય જીવન પર કેવી અસર પડશે તેને લગતા સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે સરકારે નદી માટે સિંચાઈની વૈકલ્પિક પદ્ધતિઓ શોધવી જોઈએ.

ભારતમાં નદીઓને લિંક કરવાના પ્રોજેક્ટ પર અમુક સ્વતંત્ર અભ્યાસ થયા છે તેમાં પણ આવું જ નિરીક્ષણ જોવા મળ્યું છે.

'પ્રોજેક્ટથી ફાયદો ઓછો, નુકસાન વધારે'

2023માં નેચર કૉમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું હતું કે આવા પ્રોજેક્ટથી આખા દેશમાં પાણીના સ્રોત પર દબાણ વધી શકે છે, તેના કારણે પ્રોજેક્ટ બિનઅસરકારક બનશે. એટલું જ નહીં, તે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

જોકે, નૅશનલ વૉટર ડેવલપમેન્ટ એજન્સીના વડા બાલેશ્વર ઠાકુરે આ પ્રોજેક્ટનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માટે પૂરતું રિસર્ચ કરવામાં આવ્યું છે અને પર્યાવરણને લગતાં તમામ ક્લિયરન્સ મળી ગયાં છે.

તેમણે કહ્યું કે, "અમે વાઘના વસવાટ માટે જે જગ્યાની ઘટ પડશે તેને ભરપાઈ કરવા વધારાની જમીન આપીશું અને આ પ્રોજેક્ટથી અસર પામેલા પ્રાણીઓનો પુનઃવસવાટ પણ હાથ ધરવામાં આવશે."

સરકારી અધિકારીએ સ્વીકાર્યું હતું કે આ પ્રોજેક્ટથી વિસ્તારનાં જૈવવૈવિધ્ય (બાયૉડાઈવર્સિટી) માટે 'પડકાર' પેદા થઈ શકે છે. પરંતુ તેમણે કહ્યું કે તેમાં જે ફાયદા થશે તે તેની વિપરીત અસર કરતા વધારે હશે.

જોકે, આવી ખાતરી મળવા છતાં ગામવાસીઓ તેનાથી સંતુષ્ટ નથી.

દૌધન ગામે 48 વર્ષના મહેશ આદિવાસી કેટલાક લોકોના જૂથની વચ્ચે બેઠા છે. આ જૂથ ગીતના સ્વરૂપમાં પ્રોજેક્ટનો વિરોધ કરે છે.

"કેન-બેતવા ડૅમ સરકાર દ્વારા બાંધવામાં આવ્યો છે. તેનાથી બીજા લોકોને પાણી મળશે, પરંતુ અમે ડૂબી જઈશું. તેમના ગીતોના શબ્દોમાં તેમનો આક્રોશ છલકાય છે.

આ ગામ આ વિસ્તારમાં સૌથી ગરીબ ગામો પૈકી એક છે જ્યાં પીવાના સ્વચ્છ પાણી અને વીજળી જેવી પાયાની સગવડોની પણ અછત છે.

નદીઓને જોડવાના આ પ્રોજેક્ટથી થનારા નુકસાન વિશે લોકો પણ માહિતગાર છે. તેઓ સવાલ કરે છે કે તેમના ગામને હજુ સુધી ક્યારેય વીજળી નથી મળી, ત્યારે બીજા 13 જિલ્લાઓને વીજ પૂરવઠો પૂરો પાડવા માટે તેમને શા માટે ઘર છોડવા જણાવાઈ રહ્યું છે.

મહેશ આદિવાસી કહે છે કે, "અણે જોયું છે કે પેઢીઓ પસાર થઈ ગઈ છતાં કોઈ વિકાસ નથી થયો. હવે અમને બીજા લોકો માટે અમારા જીવનું બલિદાન આપવા કહેવામાં આવી રહ્યું છે. પણ અમારું શું?"

આજીવિકા આપતી જમીન સામે મામૂલી વળતર

સરકારે લોકોને વૈકલ્પિક વળતર પ્લાન ઑફર કર્યો છે. તેઓ જે જમીન ગુમાવવાના છે તેની સામે તેમને અન્ય જગ્યાએ એટલી જ જમીન ઉપરાંત સાડા સાત લાખ રૂપિયા મળે,અથવા તો તેઓ 12.50 લાખ રૂપિયાનું વન-ટાઇમ પેમેન્ટ સ્વીકારે.

જેઓ જમીનની માલિકી ધરાવે છે તેમને જમીનની વૅલ્યૂના આધારે અધિક મૂલ્ય પણ ચુકવાઈ શકે છે.

બાલેશ્વર ઠાકુર કહે છે કે 90 ટકા જેટલા લોકોએ લમ્પ-સમ રકમ લેવાનું પસંદ કર્યું છે. દરમિયાન સરકારે ગામવાસીઓના પુનઃવસન માટે વૈકલ્પિક સરકારી જમીનની શોધ આદરી છે.

પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારે ઑફર કરેલી જમીન અપૂરતી છે. તુલસી આદિવાસીએ બીબીસીને એક સરકારી નોટિસ દેખાડી હતી જેમાં તેમના મકાનનું મૂલ્ય માત્ર 46 હજાર રૂપિયા આંકવામાં આવ્યું હતું.

તેઓ સવાલ કરે છે કે, "આટલા રૂપિયાથી કોઈ મકાન બનાવી શકે?"

અન્ય લોકોની ફરિયાદ છે કે તેમને ક્યારે ઘર ખાલી કરવાનું છે અથવા તેમને ક્યાં ફરીથી વસવાટ કરવો પડશે તે વિશે કોઈ માહિતી નથી. તેના કારણે તેઓ ભવિષ્ય વિશે ચિંતિત છે.

20 વર્ષના લક્ષ્મી આદિવાસી કહે છે કે આ પ્રોજેક્ટ અમારા ગામ માટે આશીર્વાદ સમાન હોવો જોઈતો હતો, પરંતુ તે અમને વધુ અંધકારમાં ડુબાડશે.

વંચિતોના ભોગે આર્થિક વિકાસનો આરોપ

પ્રોજેક્ટમાં કેન નદીના વધારાના જળને ખસેડવામાં આવશે તેવા દાવા સામે પણ સવાલ ઉઠાવાયા છે.

ટીકાકારો કહે છે સરકારે 2003ના જૂના ડેટા પર આધાર રાખીને પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમાં કોઈ વ્યક્તિગત ચકાસણી કરવામાં નથી આવી.

ઠાકુરે આ દાવા નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ઑથોરિટી પાસે પ્રોજેક્ટ ચાલુ રાખવા માટે તમામ ડેટા છે.

પર્યાવરણની બાબતોના નિષ્ણાત ભટનાગરે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં આગળ વધીને સરકાર એક જોખમી પરંપરા સ્થાપી રહી છે જેના આધારે ભુસ્તરીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં આવા જ વિકાસ પ્રોજેક્ટ પાર પાડ્યા છે.

તેમણે જણાવ્યું કે, "વધુ એક વખત જોવા મળ્યું કે ભારતમાં વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના ભોગે વિકાસ કરવામાં આવે છે."

તુલસી આદિવાસી અને તેમના જેવા હજારો લોકો આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે.

તેઓ કહે છે કે "અમારી આજીવિકા આ જમીન સાથે સંકળાયેલી છે. પરંતુ અમે નથી જાણતા કે અમારું ભવિષ્યમાં શું થવાનું છે."

તેમાંથી મોટા ભાગના લોકો ગોંડ અથવા કોલ જેવા મૂળ વસાહતી સમુદાયના લોકો છે જેઓ જંગલની નજીક રહે છે અને આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.