ભારતીય ક્રિકેટ ટીમ માટે રવિવાર નિરાશાજનક, એક જ દિવસમાં ત્રણ-ત્રણ મૅચમાં હાર

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારનો દિવસ ભારતીય ટીમ અને તેના ક્રિકેટચાહકો માટે નિરાશાજનક રહ્યો હતો. આ દિવસે ભારતની ત્રણ અલગ-અલગ ક્રિકેટ ટીમોનો અલગ-અલગ મૅચોમાં પરાજય થયો છે.
ઑસ્ટ્રેલિયાના ઍડિલેડ ખાતે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો યજમાન ટીમ સામે ટેસ્ટ મૅચમાં પરાજય થયો હતો. જોકે, આ મૅચ રમત ઉપરાંતનાં કારણોને લીધે પણ ચર્ચામાં રહી હતી.
ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ ઑસ્ટ્રેલિયામાં જ છે, જ્યાં વન-ડે મૅચમાં તેનો પરાજય થયો હતો. યજમાન ટીમનાં બે મહિલા ખેલાડીનાં ઉત્કૃષ્ટ પ્રદર્શને ભારત સામે મોટો લક્ષ્યાંક મૂક્યો હતો.
તો અંડર-19ની ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ રવિવારનો દિવસ હતાશાજનક રહ્યો હતો, જ્યાં બાંગ્લાદેશે ભારતને પરાજય આપીને એશિયા કપ પર કબજો કર્યો હતો.
ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારતની હાર, સિરીઝ બરાબર

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમે ભારતને દસ વિકેટે પરાજય આપ્યો હતો.
આ સાથે પાંચ મૅચની સિરીઝ એક-એકની બરાબરી પર પહોંચી ગઈ છે. ત્રીજી ટેસ્ટ મૅચ શનિવારથી બ્રિસબેન ખાતે રમાશે.
ઍડિલેડમાં રમાયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં 19 રનનું લક્ષ્ય મળ્યું હતું, જે યજમાન ટીમે સરળતાથી પાર કરી લીધું હતું.
ટૉસ જીતીને બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 180 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમે 337 રન ખડક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયા તરફ ટ્રેવિસ હેડે સદી નોંધાવતા 140 રન બનાવ્યા, જેની મદદથી યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
બીજી તરફ બીજી ઇનિંગ રમવા ઊતરેલી ભારતીય ટીમની બેટિંગ નિરાશાજનક રહી હતી. મહેમાન ટીમે બીજી ઇનિંગમાં 175 રન બનાવ્યા અને ઑસ્ટ્રેલિયાને માત્ર 19 રનનું લક્ષ્ય મળ્યું હતું.
ટ્રેવિસ હેડને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતની બીજી ઇનિંગ દરમિયાન પેટ કમિન્સે પાંચ, બૉલેન્ડે ત્રણ તથા સ્ટાર્કે બે વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ દરમિયાન સિરાજ અને જસપ્રિત બુમરાહે ચાર-ચાર વિકેટો લીધી હતી. આ સિવાય નીતીશકુમાર રેડ્ડી તથા આર અશ્વિનને એક-એક સફળતા મળી હતી.
પિંક બૉલ સામે રમવાનો પડકાર

ઇમેજ સ્રોત, Paul Kane/Getty Images
કૅપ્ટન રોહિત શર્માના કહેવા પ્રમાણે, ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 30-40 રન ઓછા બનાવ્યા હતા, જે ભારે પડ્યા હતા.
શર્માએ સ્વીકાર્યું હતું કે ભારતીય ટીમની બેટિંગ નબળી રહી હતી અને ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમને ફ્લડ લાઇટ સાથે પિંક બૉલમાં રમવાનો અનુભવ નથી અને આ અણઆવડત ઍડિલેડ ખાતે છતી થઈ હતી. ઑસ્ટ્રેલિયાની ટીમ પાસે આ પ્રકારની બૉલ સાથે રમવાનો અનુભવ છે, જેનો લાભ થતો જણાયો હતો.
જોકે, ઑસ્ટ્રેલિયાના બૉલર મિચેલ સ્ટ્રૉકના કહેવા પ્રમાણે, "પિંક બૉલ પણ સફેદ અને લાલ બૉલ જેવી જ છે. અમે સકારાત્મકતા સાથે બૉલિંગ અને બેટિંગ કર્યાં હતાં. અમે પૉઝિટિવ હતા. આ પીચ પર બૉલિંગ કરવી સારી રહી."
વિવાદની પણ વાત

ઇમેજ સ્રોત, CA/Cricket Australia via Getty Images
મૅચ દરમિયાન ભારતના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ વચ્ચે ઇશારામાં ચડભડ થઈ હોવાની પણ ચર્ચા છવાયેલી રહી હતી. બંનેએ આ મુદ્દે એક બીજા ઉપર આરોપ મૂક્યા હતા.
બીજા દિવસની મૅચ પછી યોજાયેલી પત્રકારપરિષદમાં ટ્રેવિસ હેડે કહ્યું હતું કે તેમણે મજાકમાં કહ્યું હતું કે 'સારી બૉલિંગ કરી' જેના જવાબમાં સિરાજે ઇશારો કર્યો હતો, એટલે તેમણે પણ રિઍક્ટ કર્યું હતું.
ત્રીજા દિવસનો મૅચ શરૂ થઈ, તે પહેલાં સિરાજે હરભજનસિંહ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હેડને બૉલ્ડ કર્યા બાદ તેમણે સૅલિબ્રેટ કર્યું હતું, ત્યારે હેડે તેમને અબ્યૂઝ કર્યા હતા. મૅચ દરમિયાન કૉમેન્ટેટર્સ વચ્ચે આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો.
જોકે, ત્રીજા દિવસે મૅચ પૂરી થઈ એ પછી મોહમ્મદ સિરાજ તથા ટ્રેવિસ હેડ એકબીજા સાથે ગળે મળતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ચોથી ટેસ્ટ મૅચ 26 ડિસેમ્બરના મેલબર્ન ખાતે અને પાંચમી મૅચ ત્રીજી જાન્યુઆરીના રોજ સિડની ખાતે રમાશે.
અંડર-19 એશિયા કપ ગુમાવ્યો

ઇમેજ સ્રોત, X/BCBtigers
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રવિવારે દુબઈ ખાતે ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમો વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશનો 59 રને વિજય થયો હતો અને ટ્રૉફી પરનો કબજો જાળવી રાખ્યો હતો.
ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે કે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ટેસ્ટ મૅચ ગુમાવી તેની ગણતરીની કલાકોમાં અંડર-19 એશિયા કપની ફાઇનલ મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમનો પરાજય થયો હતો.
ભારતના કૅપ્ટન મોહમ્મદ અમાને ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પહેલાં બેટિંગ લેવા ઊતરી હતી અને 198 રન બનાવ્યા હતા. જોકે, બાંગ્લાદેશની ઉત્કૃષ્ટ બૉલિંગે ભારત માટે વિજયનો લક્ષ્યાંક મુશ્કેલ બનાવી દીધો હતો.
ભારત તરફથી આયુષ મહાત્રે અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરવા ઊતર્યા હતા, પરંતુ પાવર-પ્લૅની શરૂઆતની પાંચ ઓવરમાં જ અનુક્રમે એક અને નવ રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
આંદ્રે સિદ્ધાર્થ (35 બૉલ, 20 રન) અને કેપી કાર્તિકેયે (43 બૉલ, 21 રન) મળીને 22 રનની પાર્ટનરશિપ કરી હતી અને ભારતીય ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
એવામાં બાંગ્લાદેશના બૉલર રિઝાન હુસૈન ત્રાટક્યા હતા અને સિદ્ધાર્થને આઉટ કરી દીધા હતા. નિખિલકુમાર શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. એક તબક્કે ભારતનો સ્કૉર પાંચ વિકેટે માત્ર 73 રનનો હતો.
આ તબકે ભારતીય કૅપ્ટન અમાને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામા છેડે કોઈ ટકી શક્યું ન હતું. કૅપ્ટને 26, હાર્દિક રાજે 24 તથા ચેતન શર્માએ 10 રનનો ફાળો આપ્યો હતો. હરવંશ પંગાલિયા છ અને કિરણ ચોરમાલે એક રન બનાવીને આઉટ થયા હતા.
બાંગ્લાદેશ તરફથી ઇકબાલ હુસેને ત્રણ, અઝીઝુલ હકીમે ત્રણ, અલ ફહદે બે તથા રિઝાન હસન અને મારુફ મિર્ધાએ એક-એક વિકેટ લીધી હતી. ઇકબાલ હુસેને પ્લૅયર ઑફ ધ મૅચ તથા પ્લૅયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા. હુસેને ટુર્નામેન્ટ દરમિયાન 13 વિકેટો લીધી હતી.
બાંગ્લાદેશ તરફથી રિઝાન હુસેન (47), મોહમ્મદ સિહાબ જેમ્સ (40), ફરિદ હસન (39), ઝવાદ અબરાર (20) અને અઝીઝઉલ હકીમનો (16) નોંધપાત્ર ફાળો રહ્યો હતો.
ભારત તરફથી યુદ્ધઅજિત ગુહા, ચેતન શર્મા અને હાર્દિક રાજે બે-બે તથા મહાત્રે, ચોરમાલે તથા કાર્તિકેયે એક-એક વિકેટો લીધી હતી.
મહિલા ક્રિકેટ ટીમનો પરાજય

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચની વન-ડે શ્રેણી ગુમાવી દીધી હતી.
સિરીઝની બીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે આઠ વિકેટે 371 રનનો પ્રભાવક રન કર્યા હતા, જેના જવાબમાં દાવ લેવા ઊતરેલી ભારતીય ટીમ માત્ર 249 રન જ બનાવી શકી હતી.
ઑસ્ટ્રેલિયા તરફથી એલિસ પેરીએ 105, જ્યૉર્જિયા વૉલે 101 રન બનાવ્યાં હતાં. આ સિવાય ફિબી લિચફિલ્ડે 60 તથા બેથ મૂનીએ 56 રનનો ફાળો આપ્યો હતો. ભારત તરફથી સાઇમા ઠાકોરે ત્રણ, મિનુ મનીએ બે વિકેટ લીધી હતી. આ સિવાય રેણુકાસિંહ, દીપ્તિ શર્મા તથા પ્રિયા મિશ્રા એક-એક વિકેટ મેળવવામાં સફળ રહ્યાં હતાં.
ભારત તરફથી રેણુકાસિંહ એક, પ્રિયા મિશ્રા પાંચ, સ્મૃતિ મંધાના નવ અને સાઇમા ઠાકોર સાત રન બનાવીને આઉટ થયાં હતાં.
ઋચા ઘોષ (54), મિનુ મની (અણનમ 46), જેમિમા રૉડ્રિગ્સ (43 રન) તથા હરમનપ્રીતકોરે 38 રન બનાવ્યાં હતાં. એલિસને પ્લૅયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યાં હતાં.
ઑસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સદરલૅન્ડે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મેગન શૂટ, કિમ ગાર્થ, એશલી ગાર્ડનર, સોફી મોલિન્યૂ તથા અલાના કિંગે એક-એક વિકેટ લીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












