You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંભીરા બ્રિજ દુર્ઘટના: પૂર્વ મુખ્ય મંત્રીઓએ કહ્યું, "મુખ્ય મંત્રીની મંજૂરી બાદ પણ કામ ના થાય એ ગંભીર બેદરકારી છે"
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં અઢારથી વધું લોકોનાં મોત થયાં હતાં.
આ ઘટનાને કારણે સરકારી વિભાગોની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
ગુજરાત સરકારે ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાના જ કલાકોમાં ખુલાસો આપતું સત્તાવાર નિવેદન આપ્યું હતું.
જે પ્રમાણે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નવેમ્બર 2024માં આ બ્રિજના નવા બાંધકામ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી.
જોકે ગુજરાતના બે ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ અને રાજ્ય સરકારના મુખ્ય સચિવ જેવા સર્વોચ્ચ હોદ્દા પર ફરજ બજાવી ચૂકેલા સરકારી કામગીરીના અનુભવી નિષ્ણાતોને મતે આ દુર્ઘટનાને "એક ગંભીર બેદરકારીથી વિશેષ કશું ન કહી શકાય".
રાજ્ય સરકારે આ ઘટના બાદ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને અન્ય જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર ઘટનાક્રમમાં નવા બ્રિજના બાંધકામ માટેની સરકારી પ્રક્રિયા શું હોય છે? આ પ્રક્રિયામાં શું વિલંબ થયો?
આ બાબતો જાણવા માટે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ, ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને સ્થાનિક ધારાસભ્ય જેવા વિવિધ પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓ સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારની સૈદ્ધાંતિક મંજૂરી એટલે શું?
ગુજરાત સરકાર દ્વારા દુર્ઘટના બાદ આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ જૂના બ્રિજને સ્થાને નવો બ્રિજ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્ય મંત્રી દ્વારા નવેમ્બર 2024માં જ આપી દેવામાં આવી હતી.
આ સૈદ્ધાંતિક મંજૂરી વિશે વાત કરતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મુખ્ય મંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો અર્થ એ થાય છે કે પહેલાં જે તે જાહેર બાંધકામનો ફીઝિબિલિટી (શક્યતાદર્શી) રિપોર્ટ તૈયાર થાય. ત્યારબાદ તે બાંધકામ માટેનો અંદાજિત ખર્ચ નક્કી થાય છે.''
''આ અંદાજિત ખર્ચની રકમની બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે છે. બજેટમાં નાણાંની ફાળવણી થયા બાદ તે નવા બાંધકામ માટે મુખ્ય મંત્રી મંજૂરી આપે છે."
સુરેશ મહેતાએ જણાવ્યા અનુસાર મુખ્ય મંત્રીની મંજૂરી મળે એટલે તુરંત કામ શરૂ થઈ જવું જોઈએ. જેમાં ટેન્ડર પ્રક્રિયા દ્વારા બ્રિજ બનાવવાના કામકાજ માટેની એજન્સીની પસંદગી અને ત્યારબાદ પસંદ થયેલી એજન્સીને એ બાંધકામ કરવા માટેની વહીવટી મંજૂરી આપવાની હોય છે.
તેમણે ગંભીરા બ્રિજના સંદર્ભમાં આ પ્રક્રિયા અને સૈદ્ધાંતિક મંજૂરી બાદ પણ થયેલા વિલંબ વિશે વાત કરતાં જણાવ્યું, "અહીં સાત મહિના સુધી બ્રીજનું કામ કાગળ પર રહે અને બ્રિજ તૂટી પડે, તેમાં સંખ્યાબંધ લોકોના જીવ જાય એનાથી વધુ ગંભીર બેદરકારી કોઈ ના હોઈ શકે."
આ મામલે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોની અમલવારી કેવી રીતે થતી તે જણાવીને કહ્યું કે આ દુર્ઘટના એ ચૂંટાયેલી પાંખની "વહીવટીતંત્ર પરની નબળી પકડનો પુરાવો છે."
શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં સવાલ ઉઠાવતાં કહ્યું, "આ પ્રજાને મૂર્ખ બનાવવાની વાત છે, સાત મહિના પહેલાં મળેલી સૈદ્ધાંતિક મંજૂરી એટલે શું? મુખ્ય મંત્રી લોકકલ્યાણ માટે જે નાણાં બજેટમાં ફાળવે અને પછી એને કૅબિનેટની બેઠકમાં મૂકી એની મંજૂરી આપે એટલે કામની શરૂઆત થઈ જવી જોઈએ. આનાથી વધુ ગંભીર બેદરકારી કોઈ ના હોઈ શકે. મારા મુખ્ય મંત્રીકાળમાં બ્રિજ રીપેર કરવા કે બનાવવા જેવાં કામો ઉપરાંત લોકોની સરળતા માટે જિલ્લાનાં વિભાજન જેવાં કામોને કૅબિનેટમાં મંજૂરી મળતી એટલે તેની અમલવારી શરૂ થઈ જતી હતી. આ (દુર્ઘટના) વહીવટી તંત્ર પર નબળી પકડનો પુરાવો છે. "
આ ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયરની નિષ્કાળજી કહેવાય : પૂર્વ મુખ્ય સચિવ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે વર્ષ 2003થી 2005 દરમિયાન ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવનારા આઈએએસ અધિકારી પ્રવીણ લહેરી (પી. કે. લહેરી) નિવૃત્તિ બાદ પણ સરકારની વિવિધ કામગીરીમાં જોડાયેલા રહ્યા છે.
હાલમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા પી. કે. લહેરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મુખ્ય મંત્રી બ્રિજ બનાવવા જેવાં કામની સૈદ્ધાંતિક મંજૂરી ત્યારે આપે, જ્યારે બ્રિજનો ફીઝિબિલિટી રિપોર્ટ આવી ગયો હોય અને એ કામ માટે બજેટમાં નાણાં ફાળવાયા હોય."
"ત્યાર પછી કૅબિનેટમાં એને પસાર કરી એના ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ થઈ જાય. પણ આ કિસ્સામાં એવું કેમ થયું એ એક સવાલ છે. એમાં ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયરની નિષ્કાળજી કહેવાય. કદાચ એટલે જ ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયરની આ બેદરકારીને કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."
બ્રિજ પરનો માત્ર ફૂટપાથ રીપેર થયો હતો, આખો બ્રિજ નહીં
ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર એન એમ નાયકાવાળાએ કહ્યું હતું કે "આ બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોય છે અને આ બ્રિજ જર્જરિત હતો જ નહીં. ગયા વર્ષે બ્રિજ મજબૂત કરવા વીયરકોટિંગ અને મસ્કેટિંગ કર્યું હતું."
"આ વર્ષે અમે ફૂટપાથ રીપેર કરી હતી અને ખાડા પૂરવાની કામગીરી ચાલતી હતી, એમાં બ્રિજનો એક સ્પાન તૂટ્યો છે."
અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ તૂટતાં સરકારે તાત્કાલિક રચેલી તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ બાદ તુરંત જ એન એમ નાયકાવાળા સહિત ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ મામલે કરવામાં આવેલી વીયરકોટિંગ અને મસ્કેટિંગની પ્રક્રિયાને માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર એમ. એ. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં વિગતે સમજાવી.
તેમણે કહ્યું, "મસ્કેટિંગ અને વીયરકોટિંગનું કામ એટલે બ્રિજ પર કૉન્ક્રિટનું એક થર બનાવવાનું હોય છે. જેથી એની સપાટી પ્રમાણમાં થોડી ખરબચડી થાય અને તેને લીધે ચોમાસામાં વાહનનાં ટાયરની ગ્રીપ રહે અને વાહન લપસી ના જાય.
"એ વાત સાચી છે કે બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોય છે, પણ સમયાંતરે, ચોમાસા પહેલાં અને ચોમાસા પછી સમયાંતરે એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ."
તેમણે વધુમાં જણાવ્યું, "આ બ્રિજ બન્યો ત્યારે જે-તે ઍન્જિનિયરે આગામી 40 વર્ષમાં કેટલાં વાહનો વધશે એની ગણતરી કરીને બનાવ્યો હોય. પણ એ સમયનાં વાહનોનાં પ્રમાણમાં છેલ્લાં 15 વર્ષમાં વાહનો વધ્યાં છે."
"આ સંજોગોમાં મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ કૉમર્શિયલ વાહનો વધુ જતાં હતાં. એટલે એમાં નાની તિરાડો પડી હોય તો એને તાત્કાલિક પૂરવી જોઈએ."
"કારણ કે એક પથ્થર પર 100 કિલોનો હથોડો મારો તો એ તરત તૂટી જાય પણ એના પર વારંવાર ઓછા વજનથી પ્રહાર કરો તો લાંબા સમયે એ તૂટી જાય છે. આવું જ આ બ્રિજમાં બન્યું છે."
પટેલે વધુમાં કહ્યું, "હવે સમસ્યા એ છે કે બ્રિજના બાંધકામની ચકાસણીનું કામ ખાનગી કંપનીઓને આપવામાં આવે છે. એ લોકો એમની જવાબદારીથી છટકી શકે છે. આવા કિસ્સામાં ખાનગી કંપની દ્વારા કરાવવામાં આવતા બ્રિજના ઇન્સ્પેક્શનને બંધ કરી, તે કામગીરી સરકારના ઉચ્ચ અધિકારીઓને સોંપવી જોઈએ જેથી ગુણવત્તા જળવાઈ રહે."
પટેલ આગળ કહે છે, "આર્ચવાળા (કમાનવાળા) બ્રિજ બનાવવા જોઈએ જેની સ્થિતિસ્થાપકતા સારી હોય છે, એટલે એનું આયુષ્ય લાંબુ હોય છે. અત્યારે રેડી-ટુ-યુઝ સ્લેબથી ઝડપી બ્રિજ બનાવવામાં આવે છે, એટલે એની ગુણવત્તા બીજા બ્રિજ જેવી નથી હોતી."
શું કહે છે ગુજરાત સરકાર?
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર એન. વી. રાઠવાએ આ બ્રિજના કામને કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે એ અંગે બીબીસીને જણાવ્યું હતું કે, "હાલનો મુંજપુરનો એપ્રોચ રોડ છે એને ટુ લેનના બદલે ફોર લેન બનાવવામાં આવશે."
તેઓ ઉમેરે છે, "એ સાત મીટરનો બનાવશે અને હાઈવે થી બ્રિજ સુધી પહોંચવાનો 4.2 કિલોમીટરનો રસ્તો ફોરલેન કરવામાં આવશે, જેની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 212 કરોડના ખર્ચે 18 મહિનામાં પૂરો કરવામાં આવશે."
આ બ્રિજ તૂટવાથી પાદરાની કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને મિકેનિકલ પાર્ટ્સની 53 કંપનીઓમાં આસપાસનાં ગામોમાંથી આવતા ચાર હજાર લોકો કામ કરે છે.
આ બ્રિજ તૂટી જતા એ લોકોને કામનાં સ્થળે પહોંચવા લાબું અંતર કાપીને જવું પડે છે. જેથી એમના પરિવહનનો ખર્ચ વધી રહ્યો છે.
આ બ્રિજના નિર્માણમાં સાત મહિનાનો વિલંબ કેમ થયો ? એ અંગે તપાસ સમિતિ કામ કરતી હોવાથી કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરતા ગુજરાતના શ્રમ અને રોજગાર પ્રધાન બળવંતસિંઘ રાજપૂતે બીબીસીને જણાવ્યું, "આ બ્રિજ તૂટવાથી મજૂરોને પરિવહનની પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી અમે આ 53 કંપનીઓ સાથે વાત કરી છે."
"એ લોકોએ કામદારો માટે પરિવહન ભથ્થું વધારવા તૈયાર છે, તો કેટલીક કંપનીના લેબર કૉન્ટ્રેકટર એમને માટે વાહન વ્યવસ્થાની સુવિધા કરી રહ્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "બ્રિજ તૂટવાથી આસપાસનાં ગામોમાં રહેતા આ ચાર હજાર જેટલા કામદારોની મહિનાની રજાઓમાં વધારો કરવામાં આવ્યો છે. એક મહિનામાં એમને આઠ રજા આપવામાં આવશે અને બ્રિજ તૂટી જવાને કારણે નોકરીના સમયમાં પણ છૂટછાટ આપવામાં આવી છે."
શું કહે છે રાજકીય પક્ષ ?
કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું "આ બ્રિજની હાલત અંગે કૉંગ્રેસ તરફથી વારંવાર રજૂઆતો થઈ છે. એને માટે વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો હતા."
"પણ માત્ર ચાર લાખ રૂપિયાનું વળતર આપી પ્રજા માટે મોટી કામગીરી કરનારી ભાજપ સરકારની ક્રિમિનલ નેગેલીજન્સી છે."
આમ આદમી પાર્ટીના પ્રવક્તા હિમાંશુ ઠક્કરે દુર્ઘટનાને સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર સાથે જોડી. તેમણે બીબીસીને કહ્યું, "સરકાર અને અધિકારીઓની કૉન્ટ્રેક્ટર સાથેની મિલીભગતને કારણે બ્રિજ રીપેર થતા નથી."
"પ્રજાને રામ ભરોસે મૂકી દીધી છે. અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે સાત મહિનાથી આ કામ થયું નથી અને લોકોના જીવ ગયા."
વિરોધપક્ષના આરોપોના પ્રત્યુત્તરમાં ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ સરકારે દુર્ઘટના બાદ તરત જ પગલાં લીધાં હોવાનો બચાવ કર્યો.
તેમણે કહ્યું, "અમે તરત પગલાં લીધાં છે. પ્રાથમિક અહેવાલને આધારે ચાર ઍન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. કામમાં વિલંબ થયો છે કે અન્ય કારણો હતાં એના માટે તપાસ સમિતિ બની છે, એટલે તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ જ આ અંગે કંઈ કહી શકાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન