પ્રજનન વિના બચ્ચાં કેવી રીતે પેદા થઈ રહ્યાં છે? શું છે રહસ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફ્રેન્કી એડકિન્સ
- પદ, બીબીસી ફ્યુચર
આ એક એવી ઘટના છે, જે પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરતી દેખાય છે. અમેરિકાના નૉર્થ કેરોલિનામાં હેન્ડરસનવિલે ખાતે શાર્લોટ નામની એક માદા સ્ટિંગ્રે (એક પ્રકારની માછલી) એ આઠ વર્ષથી વધુ સમય સુધી નર સ્ટિંગ્રે સાથે સંવનન ન કર્યા છતાં ગર્ભવતી થઈ હતી. આ ઘટનાને લીધે ટીમ ઇકૉ ઍક્વેરિયમ ઍન્ડ શાર્ક લૅબ ખાતેના વિજ્ઞાનીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ટૅન્કમાં તરતી શાર્લોટે નર જોડે સમાગમ વિના ચાર બચ્ચાંને જન્મ કેવી રીતે આપ્યો તે એક રહસ્ય હતું. શાર્લોટના શરીર પર બાઇટની કેટલીક નિશાની મળી આવી હતી. તેને લીધે એવું ધારવામાં આવ્યું હતું કે શાર્લોટ સાથે ટૅન્કમાં રહેતી બે વ્હાઇટ-સ્પોટેડ બામ્બૂ શાર્ક્સને લીધે આવું થયું હશે. શાર્લોટના શરીર પર જોવા મળેલાં નિશાન સંવનનના સંકેત હોઈ શકે છે.
વાસ્તવમાં આવું થયું હોય તો શાર્ક-સ્ટિંગ્રે શંકર પ્રજાતિનાં બચ્ચાંનો જન્મ થાય, પરંતુ વિજ્ઞાનીઓનું માનવું છે કે પાર્થેનોજેનેસિસ નામની એક દુર્લભ ઘટનાને લીધે શાર્લોટ ગર્ભવતી થઈ હશે. મૂળ ગ્રીક શબ્દ પાર્થેનોસનો અર્થ છે વર્જિન (કુંવારી) અને જેનેસિસનો અર્થ છે સર્જન. આ પ્રક્રિયા દરમિયાન એક ઈંડું શુક્રાણુ દ્વારા ફલિત થયા વિના ભ્રૂણમાં વિકસિત થાય છે.
શાર્લોટ એકલી હોવા છતાં ગર્ભધારણ કરનાર પહેલું પ્રાણી નથી. મેફ્લાયઝ નામના જંતુઓમાં પાર્થેનોજેનેસિસ બહુ સામાન્ય બાબત છે. જોકે, કરોડરજ્જુધારી પ્રાણીઓમાં એવું ભાગ્યે જ જોવા મળે છે. કૅપ્ટિવ બોનેટહેડ શાર્કે 2001માં બચ્ચાંને જન્મ આપ્યો, ત્યારથી શાર્ક અને સરિસૃપમાં આવા વધુ કેસ નોંધાયા છે. શાર્લોટ દ્વારા બચ્ચાંનો જન્મ સ્ટિંગ્રે માછલીઓમાં પાર્થેનોજેનેસિસની પ્રથમ નોંધાયેલી ઘટના હોવાનું માનવામાં આવે છે.
પાર્થેનોજેનેસિસ ચોક્કસ શા માટે થાય છે તે એક રહસ્ય છે. કેટલાક વિજ્ઞાનીઓ સૂચવે છે કે માદાઓ માટે તેમનું જિનેટિક્સ (આનુવંશિકતા) સંતાન સુધી પહોંચાડવાનો આ “છેલ્લો પ્રયાસ” હોય છે.
શિકાગોના ફિલ્ડ મ્યુઝિયમમાં શાર્કની વસ્તી અને સમાગમની વર્તણૂકનો અભ્યાસ કરવા જિનેટિક્સનો ઉપયોગ કરતા મોલેક્યુલર બાયૉલૉજિસ્ટ કેવિન ફેલ્ડહેમ કહે છે, “ઉત્ક્રાંતિનું લક્ષ્ય જનીનો આગળ વધારવાનું હોય છે. નરથી અલગ હોય તેવી અને સામાન્ય રીતે પ્રજનન દ્વારા બચ્ચાંને જન્મ આપતી માદાને આવી તક મળતી નથી.”
ફેલ્ડહાઇમે શિકાગોના શેડ ઍક્વેરિયમ ખાતે ઝેબ્રા શાર્ક વચ્ચેના પાર્થેનોજેનેસિસના બીજા કેસની તપાસ 2008માં કરી હતી. ઍક્વેરિયમમાં રહેતી માછલીઓ વચ્ચે સંવનનની શક્યતા તેમણે પહેલાં જ નકારી કાઢવી પડી હતી.
શું કોષનું વિભાજન જવાબદાર છે?

ઇમેજ સ્રોત, CITY OF BURNSVILLE
તેઓ કહે છે, "નર માછલીઓએ માદા સાથે સમાગમ કર્યો હોવાના કોઈ પ્રત્યક્ષ પુરાવા ન હતા. કમનસીબે, ટૅન્કમાં માછલીઓ પર સતત નજર રાખતા કૅમેરા પણ ન હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ ઉમેરે છે કે શાર્કમાં પિતૃત્વને શોધવાનું વધારે જટિલ હોઈ શકે છે, કારણ કે માદા શાર્ક સમાગમ પછીના મહિનાઓ સુધી વીર્યને સંગ્રહિત કરી શકે છે.
ફેલ્ડેહાઇમે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખાતા જિનેટિક માર્કર એકત્ર કરવા એક પિતૃત્વ પરીક્ષણ વિકસાવ્યું છે. તેઓ કહે છે, "તેનો ઉપયોગ માનવ પિતૃત્વના કિસ્સામાં થાય છે." તે પરીક્ષણના પરીણામથી સાબિત થયું હતું કે ઝેબ્રા શાર્કના બચ્ચાંમાં કોઈ પૈતૃક ડીએનએ નથી. તે માત્ર માદાનું જ છે.
"દેખીતો સવાલ એ હતો કે આવું કેવી રીતે થઈ શકે? તેનો જવાબ છેઃ પાર્થેનોજેનેસિસ," ફેલ્ડેહાઇમ કહે છે.
પ્રાણીઓમાં પ્રજનનના મોટા ભાગના કિસ્સાઓમાં ઈંડાં મેઇઓસિસ નામની પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે. તેમાં કોષોનું વિભાજન થાય છે. જિનેટિક સામગ્રી અને અન્ય સેલ્યુલર મશીનરી વચ્ચે વહેંચાય છે. આ પ્રક્રિયાથી પોલર બૉડીઝ તરીકે ઓળખાતા ત્રણ સેલ્યુલર ઓફ્ફશોટ સર્જાય છે. સામાન્ય રીતે માદાનું શરીર પોલર બૉડીઝને ફરીથી શોષી લે છે, પરંતુ પાર્થેનોજેનેસિસમાં એ પૈકીનું એક પોલર બૉડી ઈંડાનું ફલન કરીને એક સક્ષમ ગર્ભ બનાવી શકે છે. આ રીતે તે પ્રજનનની નકલ કરે છે.
જ્યોર્જિયા ઍક્વેરિયમમાં શાર્ક, સ્કેટસ અને રેઝનો અભ્યાસ કરતા સંશોધનવિજ્ઞાની કેડી લિયોન્સના જણાવ્યા મુજબ આ ક્લોનિંગ માટેની એક અલગ પ્રક્રિયા છે અને તેમાં કેટલીક ખામીઓ પણ છે.
“જે કોષોનો ઉપયોગ થાય છે તે માતાની કાર્બન કૉપી હોતા નથી,” એમ કહેતાં કેડી લિયોન્સ ઉમેરે છે કે ઈંડા અને પોલર બૉડીઝમાં માતાના જિનોમના કેટલાક અંશો જ હોવાથી બચ્ચાં આનુવાંશિક રીતે તેમની માતા કરતાં ઓછાં વૈવિધ્યસભર હોય છે.
સેક્સ વગર બાળક પેદા કરવાની પ્રક્રિયા ફાયદાકારક?

કેટલીક પ્રજાતિઓ માટે સેક્સ વગર બાળક પેદા કરવાની પ્રક્રિયા ફાયદાકારક છે. દાખલા તરીકે, મેક્સિકો અને કેલિફોર્નિયામાં વ્હીપટેઇલ ગરોળીની કેટલીક વસ્તીમાં માદા વચ્ચે જ પ્રજનન થાય છે. આ પ્રજાતિએ આ પ્રક્રિયા દ્વારા માદાનાં ઈંડાંમાં રંગસૂત્રોની સંખ્યા બમણી કરીને પાર્થેનોજેનેસિસ દ્વારા તેની આનુવાંશિક વિવિધતા જાળવી રાખવાની અસામાન્ય રીત વિકસાવી છે. તેના કેટલાક ફાયદા છે, જેનાથી પ્રજાતિઓ નવું આવાસ ક્ષેત્ર વિકસાવી શકે છે અને જાતીય સંસર્ગજન્ય રોગો જેવી મુશ્કેલીને ટાળી શકે છે.
જોકે, તેની એક કિંમત ચૂકવવી પડે છે. કુદરતી પસંદગીના અભાવે, તેમના ડીએનએમાં જાતીય પ્રજનન કરતાં વધારે આનુવંશિક પરિવર્તનો પાર્થેનોજેનેસિસને કારણે આવે છે.
વ્હીપટેઇલ ગરોળીની જેમ પાર્થેનોજેનેસિસ બધી પ્રજાતિઓ માટે અનુકૂળ નથી. શાર્કમાં પાર્થેનોજેનેસિસથી થયેલાં બચ્ચાં અલ્પજીવી હોય છે. તેઓ ભાગ્યે જ જાતીય પરિપકવતા સુધી પહોંચે છે. ફેલ્ડહાFમ કહે છે, "બચ્ચાંમાં આનુવાંશિક ભિન્નતાનો અભાવ હોય છે, જે રિસેસીવ એલ્સીસનું કારણ બની શકે છે."
બીજા શબ્દોમાં કહીએ તો તેમનું ગર્ભાધાન ચમત્કારિક હોવા છતાં પાર્થેનોજેનેસિસ દ્વારા જન્મેલાં કરોડરજ્જુવાળાં બચ્ચાં અલ્પજીવી હોઈ શકે છે.
કેડી લિયોન્સ ઝેબ્રા શાર્કમાં કૃત્રિમ ગર્ભાધાનના પ્રયોગોનો હિસ્સો હતાં. તેમાં વિજ્ઞાનીઓએ લૈંગિક રીતે જન્મેલાં અને પાર્થેનોજેનેટિક બચ્ચાં વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવાની શક્યતાઓનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પાર્થેનેજેનેસિસ દ્વારા જન્મેલાં બચ્ચાં સરેરાશ એક વર્ષ જીવે છે. એ પૈકીના ઘણાની વર્તણૂક તેમના જીવતા રહેવાની શક્યતાને વધુ નબળી બનાવે છે.
કેડી લિયોન્સ જણાવે છે કે શાર્લોચના કિસ્સામાં તમામ રહસ્ય ઉકેલાયાં નથી, પરંતુ સ્ટિંગ્રે માછલીમાં પાર્થેનોજેનેસિસના પુરાવા જોઈને તેમને આશ્ચર્ય થયું ન હતું.
તેઓ કહે છે, "આ રીતે પ્રજનન કરતી માદાઓ માટે કોઈ ટ્રિગર છે કે કેમ, તે આપણે જાણતા નથી. આપણે માત્ર એવું માની લઈએ છીએ કે નર અને માદા સાથે હોય ત્યારે તેઓ તેમનું કામ કરે છે."
જોકે, માનવ સંભાળ હેઠળનાં પ્રાણીઓ જેવી પરિસ્થિતિમાં પાર્થેનોજેનેસિસ વારંવાર થાય છે. કેડી લિયોન્સ કહે છે, "જીવ સ્વાભાવિક રીતે જ તેનો માર્ગ શોધી લે છે."














