ડ્રગ્સનાં બંધાણી માતાપિતાની પુત્રી ટોચની કૉલેજમાં પ્રોફેસર કેવી રીતે બની?

ઇમેજ સ્રોત, KEITH ARKINS
- લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
- પદ, .
કેટ્રિઓના ઓ'સુલિવાન પાસે તેના જીવનને ધૂળધાણી કરી નાખવાની બધી સામગ્રી હતી.
તેમનો પરિવાર ગરીબ હતો. તેમનાં માતાપિતા હેરોઇનના વ્યસની હતાં. માતાપિતાએ કેટ્રિઓના તથા તેમના ભાઈનો ઉછેર યોગ્ય રીતે કર્યો ન હતો. કેટ્રિઓનાએ અનેક અવરોધોનો સામનો નાની ઉંમરથી કરવો પડ્યો હતો.
તેઓ તરૂણી હતાં ત્યારે જ ગર્ભવતી થયાં હતાં અને તેઓ તેમના પુત્ર જોનના સિંગલ મધર બન્યાં હતાં. તેમણે ખુદને દારૂને હવાલે કરી દીધા હતાં, ડ્રગ્ઝનું સેવન કર્યું હતું અને ધારી લીધું હતું કે તેમનું જીવન જાહેર શૌચાલયોની સફાઈ કરવા પૂરતું જ મર્યાદિત રહી જશે.
આ અવસ્થામાંથી તેમને કેટલાક લોકોએ બહાર કાઢયાં હતાં. તેમને કૉલેજમાં પ્રવેશ અપાવ્યો હતો. તેઓ સ્નાતક થયાં હતાં અને આખરે સાયકોલૉજીમાં ડૉક્ટરેટની પદવી મેળવીને કૉલેજમાં પ્રોફેસર બન્યાં હતાં.
કેટ્રિઓના સ્વયં અહીં તેમની કથા જણાવે છે.
હું તેમને સ્પષ્ટપણે જોઈ શકું છું. તેઓ ભૂત જેવા દેખાય છે.
હું પાંચ વર્ષની હતી ત્યારથી મારાં માતાપિતા ભૂત જેવાં દેખાતાં હતાં. તેમની આંખો નિસ્તેજ હતી. હું મારાં માતાપિતાને પ્રેમ કરતી હતી. તેમને મારી નજર સામે મૃત્યુ પામતાં જોવાનું બહુ ભયાનક હતું.
મારા પિતા ખુશાલ, સુશિક્ષિત માણસ હતા, પણ તેમણે તેમનું જીવન બરબાદ કરી નાખ્યું હતું. હું બહુ નાની હતી ત્યારે ડ્રગના ઓવરડોઝથી પથારીમાં ફસડાઈ પડેલા પિતાને જોવાનું પણ ભયાનક હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મને સ્પષ્ટ યાદ છે કે એક વખત મેં બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેમણે પેન્ટ નીચું ઉતાર્યું હતું અને ખુદને ડ્રગનું ઇન્જેક્શન આપ્યું હતું. એ ક્ષણે મને પારાવાર પીડા થઈ હતી અને મારું દિલ તૂટી ગયું હતું. જાણે કે હું મારા શરીરમાંથી બહાર નીકળી ગઈ હતી.
હું ‘પાપા-પાપા’ પોકારતી હોવાનો મારી જાતનો અવાજ સંભળાયો અને પછી મારા પિતાના એક મિત્ર જોન દોડીને સીડી ચડ્યા હતા. તેઓ ભયભીત હતા અને મારા પિતાને જગાડવાનો પ્રયાસ કરતા હતા. મારા પિતા બેભાન થઈ ગયા હતા અને મૃત્યુના આરે હતા.
હું તે રૂમમાં હતી અને મારી સામે, હું જેમને બહુ જ પ્રેમ કરતી હતી તે માણસનો મૃતદેહ હતો.

‘સુગર સેન્ડવિચ’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મારા પિતાના દોસ્તે ઍમ્બુલન્સ બોલાવી હતી. પછી એમ્બુલન્સના કર્મચારીઓએ મારા પિતા સાથે જે વર્તન કર્યું તે મને બહુ ખટક્યું હતું. બે માણસો આવ્યા હતા. મને એમ હતું કે તેઓ મારા પિતાને બચાવી લેશે, પરંતુ તેઓ તેમના પર બહુ ગુસ્સે થયેલા હતા. મેં તેમના પહેરવેશ સાથે મારી સરખામણી કરી હતી, કારણ કે હું તેમની નજરમાં હું એક ‘ગંદી’ છોકરી હતી.
મારા પિતા સાથે પણ એવું જ થયું. તેઓ તેમના પર દોષારોપણ કરી રહ્યા હતા અને પથારીમાં પડેલા તેમના શરીર સાથે જેમ ફાવે તેમ કરી રહ્યા હતા.
હું તેમને સતત પૂછતી હતી કે મારા પિતા મૃત્યુ પામ્યા છે? મારું જાણે કે અસ્તિત્વ જ ન હોય તેમ તેમણે મારી અવગણના કરી હતી.
જે એકમાત્ર વ્યક્તિ મને પ્રેમ કરતી હતી તેને મારાથી દૂર લઈ જવામાં આવી હતી. તે ભયાનક હતું. એ સ્મૃતિ મને સતત રંજાડતી રહે છે અને એ દિવસ હું ક્યારેય ભૂલી નહીં શકું.
શરૂઆતની યાદોની વાત કરું તો મારાં મમ્મી તથા પપ્પાને હેરોઇનનું સેવન કરતાં જોવાનું બહુ સામાન્ય હતું.
હું સવારે જાગતી ત્યારે ઘરમાં ખાવાનું ન હતું. કબાટમાં બ્રેડનો એકાદ ટુકડો કે થોડી ખાંડ હોઈ શકે. તેથી હું મારી જાતે સુગર સેન્ડવિચ બનાવીને જેમતેમ પેટ ભરી લેતી હતી.
આગલી રાતે પાર્ટી કરવા આવ્યા હોય તેવા લોકો મારા ઘરે જ રાતે ઊંધી જતા હતા. એ લોકોના ચહેરા પરિચિત હતા, પરંતુ હું તેમને ઓળખતી ન હતી. મેં તેમને ઘરમાં જ્યાં ત્યાં પડેલાં કેનને લાત મારતા જોયા હતા. પલંગ પર સળગતી સિગારેટ જોવા મળતી હતી. તેમને ઝઘડા કરતા અને ડ્રગ્ઝનો નશો કરતા પણ મેં જોયા હતા. મારો આખો દિવસ એમાં પસાર થતો હતો.
એક દિવસ હું મારી સખીની સાથે હતી. તેની માતા તેને ગળે લગાડતી હતી. લંચ માટે બોલાવતી હતી અને તે સલામત રહે તેની ખાતરી કરતી હતી. એ જોઈને હું વિચારતી કે મારી મમ્મી તો આવું ક્યારેય કરતી નથી. અમે લંચ કેમ કરતાં નથી? મમ્મી મને આલિંગન કેમ આપતી નથી? એ તબક્કે મને સમજાયું હતું કે મારી મમ્મી અલગ છે. મારી મમ્મી મને પ્રેમ કરતી નથી. તેનું કારણ એ છે કે અમારા પરિવારમાં કંઈક ગડબડ છે.
અમે સ્નાન કરતાં ન હતાં અને સ્કૂલે જતાં હોઈએ ત્યારે એ સમસ્યા કહેવાય. હું પથારીમાં પેશાબ કરતી હતી. સવારે ઊઠતી, પણ મારી પાસે પહેરવા માટે સ્વચ્છ કપડાં ન હતાં. મારી મમ્મી મારા દાંત પણ સાફ કરતી ન હતી. તેણે મારા વાળ ભાગ્યે જ ઓળ્યા હશે. આગલો આખો દિવસ પહેર્યાં હોય એ જ કપડાં, એ જ અન્ડરવેર પહેરીને સ્કૂલે જતી હતી અને તેમાંથી દેખીતી રીતે પેશાબની દુર્ગંધ આવતી હતી.
બીજાં બાળકોને મારી સાથે રમવું ગમતું ન હતું, કારણ કે મારામાંથી દુર્ગંધ આવતી હતી.

’13 વર્ષની ઉંમરથી ગુનેગાર’

કોઈએ દરવાજે ટકોરા માર્યા અને મને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે “આજે ખરેખર કોઈ સમસ્યા સર્જાશે.”
મારા સ્કૂલટીચર મિસ્ટર પિકરિંગે સવાલ કર્યો, “તારા પપ્પા ઘરમાં છે?”
હું જાણતી હતી કે મારા પપ્પા નશામાં હતા અને લિવિંગ રૂમમાં દારૂ પી રહ્યા હતા. મેં તેમને બોલાવ્યા. તેઓ દરવાજે આવ્યા અને હું તેની પાછળ સંતાઈ ગઈ.
મિસ્ટર પિકરિંગે મારા પિતાને કહ્યું, “ઓ'સુલિવાન, પેરન્ટ-ટીચર મિટિંગમાં તમે આવશો એવી મને આશા હતી. તમારી દીકરી કેટલી હોશિયાર છે, તેનામાં કેટલી ક્ષમતા છે અને તે કેટલી સ્માર્ટ છે એ હું તમને જણાવવા ઇચ્છતો હતો. તમે તેને પ્રોત્સાહન આપતા નથી અને તે બદલ તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.”
મારા પિતા જે શરમ અનુભવતા હતા તે હું તેમના અવાજમાં સાંભળી શકતી હતી.
મારા વિશે બહુ ઓછું જાણતા અને મારા પિતાની અવજ્ઞા કરતા મિસ્ટર પિકરિંગ છેક મારા ઘરે આવ્યા હતા. તેઓ મને બહુ શક્તિશાળી લાગ્યા હતા. તેમણે જે કર્યું તેના માટે હું તેમની કાયમ આભારી રહીશ.
જોકે, મારું જીવન અસ્તવ્યસ્ત હતું અને તેને કારણે હું પરીક્ષામાં નાપાસ થવા લાગી હતી.
હું ક્રોધી બાળક હતી, બળવાખોર કિશોરી હતી. મારે શું કરવું જોઈએ તે કોઈ કહે તે મને પસંદ ન હતું.
હું 13 વર્ષની હતી ત્યારથી ગુનેગાર છું. હું નિયમિત રીતે સ્કૂલે જતી હતી, પણ અધવચ્ચે સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. હું શેરીઓમાં રખડતી હતી. દારૂ પીતી હતી અને સપ્તાહાંતે ડ્રગ્ઝનો નશો કરતી હતી. મેં તમામ ખરાબ કામ કર્યાં હતાં. તેની સાથે મેં એવું પણ વિચાર્યું હતું કે હું સારી બનવાનો પ્રયાસ કરીશ.

’15 વર્ષની વયે ગર્ભવતી’

મેં તમામ ખરાબ કામ કર્યાં હોવા છતાં 15 વર્ષની વયે હું નિષ્કપટ હતી. એક દિવસ હું મારી સખી સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા ગઈ હતી. તેમણે મારું પરીક્ષણ પણ કર્યું હતું.
મારી ટેસ્ટ કરી તે મહિલાએ કહ્યું, “કેટ્રિઓના તારી ટેસ્ટ પૉઝિટિવ છે.”
પૉઝિટિવનો અર્થ કંઈક સારું એવો થતો હશે, એવું વિચારીને મેં તેમને જવાબ આપ્યો, “અચ્છા. એ તો બહુ સારું. આભાર.”
તેમણે કહ્યું, “ના, ના, ના. તારી ટેસ્ટ પૉઝિટિવ છે.”
મેં કહ્યું, “મને આનંદ થયો. થેન્ક યુ.”
તેમણે કહ્યું, “કેટ્રિઓના, તું ગર્ભવતી છે.”
માય ગોડ. એ ક્ષણે મને સમજાયું કે હું ફરી ક્યારેય સ્કૂલે જઈ શકીશ નહીં. વધતાં જતાં પેટ સાથે શિક્ષકોની સમક્ષ જવાનું શક્ય ન હતું. હું એક ફોન બૂથ પર ગઈ અને મારા બૉયફ્રેન્ડને ફોન કર્યો. હું પ્રૅગ્નન્ટ છું એવું મેં જણાવ્યું ત્યારે તેણે મને એમ કહ્યું કે “તું મને પછી ફોન કરીશ? અત્યારે હું થાકી ગયો છું.”
તેથી એ એકલતામાં મેં મારી જાતને સંકોરી. હું શાંતિથી બેઠી. પાછળ ઝૂકી અને કહ્યું, “હું વધારે પ્રયાસ નહીં કરી શકું. હું બહુ દૂર પહોંચી ગઈ છું.”
મને યાદ છે કે એક દિવસ હું ઘરે આવી ત્યારે બધા લિવિંગ રૂમમાં બેઠા હતા. કોઈ ગડબડ થઈ હતી, કારણ કે મારા ભાઈની આંખ લાલ થઈ ગઈ હતી. મારાં મમ્મીએ કહ્યું કે, “હવે તું આ ઘરમાં રહી નહીં શકે. અમે ઇચ્છીએ છીએ કે તું ચાલી જા.” તેમણે મને ઘરની બહાર કાઢી મૂકી.
એ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમયગાળો હતો. હું એક આશ્રયસ્થાનમાં રહેવા ગઈ. ત્યાં મને મળવા કોઈ આવતું ન હતું. હું એકલી હતી. સાવ એકલી.

‘જેમ તેમ હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો’
કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજામાંના પીપહોલમાંથી બહાર જોયું તો મિસ્ટર પિકરિંગ ઊભા હતા. મને આશ્ચર્ય થયું.
તેમણે કહ્યું, “તને મળીને હું ખૂબ જ ખુશ છું. મેં બધી વ્યવસ્થા કરી છે. મેં એવી વ્યવસ્થા કરી છે કે તું સપ્તાહમાં બે વખત સ્કૂલે આવી શકીશ અને હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પૂર્ણ કરવા માટે ભાષા, સાહિત્ય અને ગણિતના વર્ગો ભરી શકીશ. બાળકોની સંભાળની વ્યવસ્થા છે. તેથી તું એ કરી શકીશ.”
હું ખરેખર એમ કહેવા ઇચ્છતી હતી કે હું સ્કૂલે આવી શકીશ નહીં. હું એક સંતાનની માતા છું, પરંતુ મિસ્ટર પિકરિંગને મારામાં વિશ્વાસ હતો. તેમને મારામાં ભરોસો હતો, તેથી મારે પ્રયાસ કરવો જોઈએ. તેથી મેં તેમને હા પાડી.
મેં અભ્યાસ પૂર્ણ કર્યો. હાઈસ્કૂલ સુધીના અભ્યાસ પછી હું ફરી ગરીબ સ્ત્રી બની ગઈ હતી અને દારૂ, ડ્રગ્ઝ તથા વ્યસની બની ગઈ હતી. મારા શિક્ષણે મારા જીવનમાં પરિવર્તન લાવવા માટે જે પ્રોત્સાહન આપ્યું હતું તેનો ઉપયોગ કરવામાં અસમર્થ હતી.
હું મારી માતા જેવી બનવા ઇચ્છતી ન હતી. હું તેનાથી સારી બનવા ઇચ્છતી હતી. તેથી મારા પુત્રએ જીવનમાં અને ભાવનાત્મક સુધારો કેવી રીતે કરવો તે વિચારવાની ફરજ મને પાડી હતી.
એ વખતે હું રેલવે સ્ટેશન પર સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. એ મારા જીવનમાં જોયેલી સૌથી ગંદી જગ્યા હતી. આ બધું શું ચાલી રહ્યું છે એવું વિચારીને હું શૌચાલયની સફાઈ કરતી હતી એ મને યાદ છે.
કશુંક અલગ કર્યું હોય એવી કોઈ વ્યક્તિ વિશે હું જાણતી ન હતી. કૉલેજમાં અભ્યાસ કર્યો હોય તેવા કોઈને હું ઓળખતી ન હતી. જેની સાથે સંધાન અનુભવી શકાય એવું કશું જ હું જાણતી ન હતી.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૉલેજમાં પ્રોફેસર અને પ્રેરણાસ્રોત બન્યાં
હું ડબલિનમાં હતી ત્યારે ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરતી એક જૂની સખી સાથે મારી મુલાકાત થઈ હતી. તે પણ મારી માફક ગરીબ પરિવારની હતી. તેથી મેં વિચાર્યું કે જો તે કરી શકે તો હું પણ કરી શકું.
હું ટ્રિનિટી કૉલેજના પ્રિન્સિપાલને મળવા ગઈ. તેમની ઑફિસના દરવાજે ટકોરા માર્યા અને તેમણે મને પ્રતિસાદ આપ્યો.
મેં થોથવાતી જીભે તેમને કહ્યું, “કરેન મારી સખી છે અને તેણે મને જણાવ્યું છે કે તે અહીં અભ્યાસ કરે છે. મને વાંચવું ગમે છે અને હું મારું જીવન બદલવા ઇચ્છું છું.”
તેમણે મને ખુરશી પર બેસવા અને મારી જીવનકથા જણાવવા કહ્યું. તે ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ માટેનો મારો ઇન્ટરવ્યૂ હતો એ હું જાણતી ન હતી.
અભ્યાસ કરવા ક્લાસમાં ફરી દાખલ થઈ ત્યારે મને લાગ્યું કે હું સાચા રસ્તે આવી ગઈ છું. મારી પાસે અદ્ભુત આવડત છે. તેમણે મને પ્રોત્સાહિત કરવી જોઈએ, જેથી હું તે આવડતનો ઉપયોગ કરી શકું.
મારે રેમેડીયલ કોર્સ કરવો પડ્યો હતો. એ પછી મેં સાઇકૉલૉજીમાં ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો. ઓનર્સ સાથે સ્નાતક થયા પછી મેં ડૉક્ટરેટ પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ મારી યુનિવર્સિટીએ મને અધ્યાપન શરૂ કરવા આમંત્રણ આપ્યું હતું.
હું ક્લાસમાં લેક્ચર આપું છું ત્યારે દરેક વખતે મારી પોતાની કથાથી શરૂઆત કરું છું. હું વિદ્યાર્થીઓને જણાવું છું કે હું ક્યાંથી આવી છું, મારો પરિવાર કોણ છે અને મારો ઉછેર કેવી રીતે થયો હતો.
મને અલગ હોવાની અનુભૂતિ થાય છે. તેની સાથે હું એવું પણ માનું છું કે મારે મારી જાત પ્રત્યે સાચા રહેવું જોઈએ. મારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે મારા જેવા લોકો પણ બીજા બધાની માફક સિદ્ધિ મેળવી શકે છે તે લોકો જાણે.














