દવા સમજીને બાળકોને ઝેર પીવડાવ્યું, જમ્મુથી ગામ્બિયા સુધી કફ સિરપનો કેર

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, લામિનના પરિવારે જણાવ્યું હતું કે કથિત રીતે ઝેરી કફ સિરપ પીવાના સાત દિવસમાં તેનું મૃત્યુ થયું હતું.
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, ધ ગામ્બિયા અને જમ્મુથી

દોઢ વર્ષનો શ્રેયાંશ, ત્રણ વર્ષનો લામિન, ત્રણ વર્ષની સુરભિ શર્મા, 22 મહિનાની અમીનાટા, અઢી વર્ષનો અનિરુદ્ધ અને બીજાં અનેક બાળકો. આ ભારત અને ગામ્બિયાનાં એ બાળકો છે, જેમને તેમના માતા-પિતાએ નજર સામે મૃત્યુ પામતા જોયાં છે. બે મહિનાથી માંડીને પાંચ વર્ષની વય સુધીનાં બાળકો.

તેનું કારણ હતું ખાંસીની કથિત ઝેરીલી દવા ખાવાથી તેમના શરીરમાંથી પેશાબ નીકળવાનું બંધ થઈ જવું, શરીરમાં સોજા અને કિડનીમાં નુકસાન. બાળકો રડતાં હતાં, પરંતુ પોતાની પીડા જણાવી શકતાં નહોતાં.

ગત વર્ષે જુલાઈ અને ઑક્ટોબર દરમિયાન ગામ્બિયામાં લગભગ 70 બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે ડિસેમ્બર, 2019 અને જાન્યુઆરી, 2020 દરમિયાન જમ્મુના રામનગરમાં કમસે કમ 12 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

આ બાળકોનાં મૃત્યુ માટે ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામા આવેલા કફ સિરપને જવાબદાર ગણાવવામાં આવે છે. કંપનીઓએ આ આરોપને ખોટો ગણાવ્યો છે, પરંતુ પીડિત પરિવારોને તેમના પર વિશ્વાસ નથી. જમ્મુ પોલીસ બાળકોનાં મોતની તપાસ કરી રહી છે અને મામલો અદાલતમાં છે.

બીજી તરફ ગામ્બિયામાં બાળકોના મૃત્યુની તપાસ બાદ સરકારી અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં એક ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપને બાળકોનાં મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.

બીબીસી

એકસમાન પીડા

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગત વર્ષે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે ગામ્બિયામાં લગભગ 70 બાળકોનાં મોત થયા હતા.

જમ્મુ અને ગામ્બિયા વચ્ચે લગભગ 10,000 કિલોમીટરનું અંતર છે, પણ તેમની પીડા એકસમાન છે. તેમની ન્યાય માટેની લડાઈ એકસમાન છે, જે હજુ પણ ચાલી રહી છે.

ગામ્બિયાની લગભગ પાંચ લાખની વસ્તીવાળી રાજધાની બૈંજુલમાં રહેતા ત્રણ વર્ષના લામિનનો મૃતકોમાં સમાવેશ થાય છે. પીતા વાહન ચલાવતા હોય ત્યારે તેમના ખોળામાં બેસવાનું લામિનને બહુ પસંદ હતું.

ગયા સપ્ટેમ્બરમાં લામિનને તાવ આવ્યો ત્યારે ડૉક્ટરે જે દવાઓ લખી આપી હતી તેમાં એક કફ સિરપ પણ હતું. લામિનને દવા નહોતી પીવી પણ તેનો પરિવાર ઇચ્છતો હતો કે દીકરો જલદી સાજો થઈ જાય.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડ્રાઇવર તરીકે કામ કરતા તેના પિતા એબ્રિમા સાનિયા એ ક્ષણને યાદ કરતાં કહે છે, “મેં લામિનને દવા ખાવા બળજબરી કરી હતી.” એબ્રિમા એ ક્ષણને કદાચ ક્યારેય ભૂલી નહીં શકે. એ ક્ષણને યાદ કરતાં તેઓ રડી પડે છે.

દવા લીધાના થોડા સમય પછી જ લામિનનો ખોરાક તથા પેશાબનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે લામિનને કિડનીની સમસ્યા હતી. તેના હોઠ કાળ થવા લાગ્યા હતા.

એબ્રિમા કહે છે, “લામિને મારી તરફ, મારી આંખોમાં જોયું. મેં તેને પૂછ્યું, તને શું થઈ ગયું? મને તેનો ચહેરો, તેની આંખો હંમેશાં યાદ રહેશે, કારણ કે એ મારી આંખોમાં જોઈ રહ્યો હતો અને હું પણ તેની આંખોમાં જોઈ રહ્યો હતો.”

પરિવારના જણાવ્યા મુજબ, કફ સિરપ પીધાના સાત દિવસમાં લામિન મૃત્યુ પામ્યો હતો.

બાળકનું આ રીતે અચાનક અવસાન થવાના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા માતા-પિતા, તેમના દીકરાએ પીડાથી કરાંજતાં કેવી રીતે દુનિયા છોડી તે યાદ કરે છે.

એક પિતાએ કહ્યું, “મારી દીકરી સતત ચીસો પાડતી હતી. આખરે તેના મોંમાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો. છેલ્લી ક્ષણોમાં એ તેની માતાનું નામ લઈ રહી હતી, જાણે કે માતા પાસે મદદ માગતી હોય.”

22 મહિનાની અમીનાટા લામિનના ઘરની નજીક જ રહેતી હતી. અમીનાટાનાં માતા-પિતાને પણ સમજાયું ન હતું કે તેમની દીકરી સાથે શું થઈ રહ્યું છે. લાકડાં વેચીને ગુજરાન ચલાવતા અમીનાટાના પિતા મોમોદુ ડૈંબેલે દીકરીને વધુ સારી, પરંતુ મોંઘી સારવાર મળે એ માટે પાડોશના સેનેગલ દેશમાં પણ મોકલી હતી.

એ દિવસોને યાદ કરતાં મોમોદુ કહે છે, “તેનું શરીર ફૂલી રહ્યું હતું. એ ખતમ થઈ રહી હતી. તેના શરીરમાં શું થઈ રહ્યું છે એ અમે સમજી શકતા નહોતા.”

મોમોદુએ દીકરીનો ચહેરો છેલ્લી વખત એક વીડિયો કૉલમાં જોયો હતો. અમીનાટા સેનેગલની એક હૉસ્પિટલના ખાટલા પર બેભાન પડી હતી. મોમોદુ કહે છે, “મને તેનું માથું હલતું દેખાતું હતું. મારે તેને કહેવું હતું કે આ હું છું, તેના પપ્પા.” એ વીડિયો કૉલની થોડી મિનિટ પછી અમીનાટા મૃત્યુ પામી હતી.

બીબીસી ગુજરાતી

ગામ્બિયામાં મોતનો સિલસિલો અને તપાસ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કેટલાક પરિવારોએ કૉર્ટનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય અદાલતોનો સંપર્ક કરવામાં અચકાશે નહીં.

વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકીની એક ગામ્બિયામાં આરોગ્ય અધિકારીઓને ગત વર્ષના જુલાઈમાં એક્યૂટ કિડની ઇન્જરી(એકેઆઈ)ના કેસોમાં વૃદ્ધિ જોવા મળી હતી. પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોમાં આ તકલીફ જોવા મળતી હતી.

એકેઆઈનો અર્થ કિડનીમાં ગડબડ. તેની અસર શરીરનાં બીજાં અંગો પર થાય છે. તેમાં મૃત્યુ પણ થઈ શકે છે.

એ પછી ગામ્બિયા સરકારે જાહેર કર્યું હતું કે એકેઆઈને લીધે 69 બાળકો મૃત્યુ પામ્યાં છે. ગામ્બિયાની આ સૂચનાને પગલે વિશ્વ આરોગ્ય સંગઠને આ બાબતે તપાસ શરૂ કરી હતી.

વિશ્વ આરોગ્ય સંગઠને ગયા ઑક્ટોબરમાં જણાવ્યું હતું કે આ મામલાને કફ સિરપ સાથે સંબંધ છે. તે સિરપ 'મેડન ફાર્માસ્યુટિકલ્સ' નામની ભારતીય કંપનીએ બનાવ્યું હોવાનું વિશ્વ આરોગ્ય સંગઠનના ઍલર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, તેણે આ કંપની દ્વારા ઉત્પાદિત ચાર કફ સિરપનાં સૅમ્પલની તપાસ કરી હતી અને એવું તારણ કાઢ્યું હતું કે તે કફ સિરપમાં પ્રસ્થાપિત માત્રાથી વધુ પ્રમાણમાં ડાઇડથિલીન ગ્લાઇકોલ અને ઈથિલીન ગ્લાઇકોલ હતું. આ બન્ને ઝેરીલા પદાર્થ છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, તેને કારણે પેટમાં પીડા, ઊલટી, અતિસાર, પેશાબ કરવામાં તકલીફ, માથાનો દુખાવો, માનસિક સ્થિતિમાં ફેરફાર અને એક્યૂડ કિડની ઈન્જરી થઈ શકે છે, જે મોતનું કારણ બની શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠને જે ચાર કફ સિરપનાં નામ આપ્યાં હતાં, તેમાં પ્રોમિથાઝાઈન ઓરલ સોલ્યુશન, કોફેક્સામલિન બેબી કફ સિરપ, મેકઓફ બેબી કફ સિરપ અને મેગરિપ એન કૉલ્ડ સિરપનો સમાવેશ થાય છે. આ બધા કફ સિરપનું ઉત્પાદન મેડન ફાર્માસ્યુટિકલ્સ કરે છે.

એ પછી ભારત સરકાર સક્રીય થઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

ગામ્બિયામાં બાળકોનાં મૃત્યુ વિશેનો સંસદીય તપાસ સમિતિનો અહેવાલ અને તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા એક્યૂટ કિડની ઈન્જરી રિપોર્ટમાં મેડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ઉત્પાદિત ‘દૂષિત’ કફ સિરપને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.

જાણકારો અને પુરાવાના આધારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે કફ સિરપમાં એથલિન ગ્લાઇકોલ અને ડાઇડથિલીન ગ્લાઇકોલનું પ્રમાણ એટલું વધારે હતું કે તે પીવાથી મૃત્યુ થાય.

મેડન ફાર્માસ્યુટિકલ્સ અને ભારત સરકાર તે આરોપને સતત ઈનકાર કરતાં રહ્યાં છે.

ભારત સરકારના જણાવ્યા મુજબ, મેડનના કફ સિરપના સેમ્પલની તપાસમાં જાણવા મળ્યું હતું કે તે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનાં હતાં.

બીબીસી ગુજરાતી

ભારત સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અબ્રિમા એ ક્ષણ ભાગ્યે જ ભૂલી શકશેે જ્યારે તેણે તેના પુત્રને કફ સિરપ આપી હતી.

પહેલી ઑગસ્ટે સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ગામ્બિયાના મામલામાં તપાસ કરવાથી જાણવા મળ્યું છે કે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસનું ઉલ્લંઘન થયું હતું. એ પછી મેડન ફાર્માસ્યુટિકલ્સને શોકોઝ નોટિસ મોકલવામાં આવી હતી અને કંપનીને સોનીપતમાં તમામ પ્રકારનું ઉત્પાદન તત્કાલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મેડન ફાર્માસ્યુટિકલ્સનો પક્ષ જાણવા માટે બીબીસીએ તેનો સંપર્ક કર્યો હતો અને અમે તેમની ઓફિસે પણ ગયા હતા, પરંતુ કોઈ સાથે વાત થઈ શકી ન હતી.

જોકે, કંપનીએ રૉઇટર્સ સમાચાર સંસ્થા સાથે અગાઉ વાત કરતાં કંપનીએ જણાવ્યું હતું કે તેમને ભારતીય નિયમન તથા ન્યાય પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે કશું ખોટું કર્યું નથી.

ફાર્માસ્યુટિકલ્સ ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, 2022-23માં ભારતે ગામ્બિયામાં 90.09 લાખ ડૉલરના મૂલ્યની દવાઓ મોકલી હતી, જ્યારે એ જ વર્ષે આફ્રિકામાં 3.646 અબજ ડૉલરની દવાઓ મોકલવામાં આવી હતી.

ગામ્બિયાની નેશનલ ઍસેમ્બ્લીના એક સભ્ય યાયદા સાનયાંગે કહ્યું હતું, “મને મારાં બાળકો માટે દવા લેતાં ડરવા લાગ્યો હતો. બધું ડરામણું અને ચિંતાજનક હતું.”

ગામ્બિયામાં આયાતી દવાઓની તપાસ માટેની લૅબોરેટરી સુધ્ધાં નથી અને બીજા આફ્રિકન દેશોની માફક અહીં પણ ભારતમાંથી મોટા પ્રમાણમાં દવાઓની આયાત કરવામાં આવે છે.

જોકે, માત્ર ગામ્બિયા જ નહીં, ઉઝબેકિસ્તાન, ઇરાક અને કેમરૂનમાં પણ ભારતીય કફ સિરપ સંબંધી મામલાઓમાં રિપોર્ટ બહાર આવ્યા બાદ ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ સબંધે સવાલો વધ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વિશ્વ આરોગ્ય સંગઠનએ ઇરાક વિશેની એક લેટેસ્ટ ઍલર્ટમાં જણાવ્યું છે કે કફ સિરપમાં અસ્વીકાર્ય પ્રમાણમાં ડાઇથિલીન ગ્લાઇકોલ (0.25 ટકા) અને એથિલીન ગ્લાઇકોલ (2.1 ટકા) કન્ટેમિનેન્ટ છે.

ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ ઉદય ભાસ્કરના જણાવ્યા મુજબ, “ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને અન્ય સ્થળોએ બનેલી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. તેનાથી ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓની છાપ ખરડાઈ છે, પરંતુ અમારી નિકાસ પર તેની કોઈ અસર થઈ નથી.”

ભારત સરકારે ફાર્મા કંપનીઓને જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંગઠનનાં ધારાધોરણ મુજબની પદ્ધતિ અનુસાર જ ઉત્પાદન કરો. આ માટે કંપનીઓને ડેડલાઈન પણ આપવામાં આવી છે.

ભારતમાં દવાઓ બનાવતી લગભગ 3,000 કંપનીઓનાં લગભગ 10,000 ઉત્પાદન-એકમો છે. 2030 સુધીમાં આ ઉદ્યોગનું કદ વિકસીને 130 અબજ ડૉલરનું થઈ શકે છે.

ઉદય ભાસ્કરના કહેવા મુજબ, “આ દુર્ઘટના અને WHOએ જે ઍલર્ટ જાહેર કર્યું છે એ પછી અનેક દેશો પુનર્વિચાર કરી રહ્યા છે. તેઓ સતત પૂછપરછ કરી રહ્યા છે. તે આસાન નથી.”

કફ સિરપ સંબંધી આરોપોનું ભારત સરકાર તથા ભારતીય કંપનીએ ખંડન કર્યું છે, પરંતુ ગામ્બિયામાં અમે જેટલા લોકો સાથે વાત કરી તે બધાને તેના પર ભરોસો નથી.

બાળકોનાં મત્યુની તપાસનો અહેવાલ નેશનલ 'ઍસેમ્બ્લીની સિલેક્ટ કમિટી ઑન હેલ્થે' તૈયાર કર્યો હતો. તેના વડા અમાડુ કામરા કહે છે, “હું તેની સાથે તદ્દન અસહમત છું, કારણ કે અમારી પાસે પુરાવા છે. અમે તે દવાઓની તપાસ કરી છે. એ દવાઓમાં અસ્વીકાર્ય પ્રમાણમાં એથલીન ગ્લાઈકોલ અને ડાઈથિલીન ગ્લાઈકોલ હતું. તેનું ઉત્પાદન મેડને કર્યું હતું અને તેને ભારતથી સીધું આયાત કરવામાં આવ્યું હતું.”

બીબીસી ગુજરાતી

બાળકોનાં મૃત્યુને કારણે, ભારતમાં ઉત્પાદિત દવાઓ બાબતે ઘણા લોકોના મનમાં અવિશ્વાસ સર્જાયો છે.

પોતાના નવ મહિનાના પુત્રને ગુમાવી ચુકેલા લામિન ડાંસો કહે છે, “કોઈ દવા ભારતમાં બની છે એવું જોઉં ત્યારે હું એ દવાને અડી પણ શકતો નથી.”

જોકે, જાણકારોના જણાવ્યા મુજબ, ગામ્બિયાએ હાલ તો ભારતમાં ઉત્પાદિત દવાઓ પર જ નિર્ભર રહેવું પડશે.

ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર મુસ્તફા દારબોઈ કહે છે, “મેં જે દવાવિક્રેતાઓ સાથે વાત કરી હતી એ પૈકીના મોટા ભાગના ભારતમાં ઉત્પાદિત દવાઓ આયાત કરી રહ્યા છે. તે અમેરિકા તથા યુરોપમાંથી આયાત કરવામાં આવતી દવાઓ કરતાં સસ્તી છે.”

તપાસના તાજા અહેવાલમાં અનેક પગલાં લેવાનું જણાવવામાં આવ્યું છે અને ડ્રગ રેગ્યુલેટર સંસ્થા મેડિસિન્સ કંટ્રોલ એજન્સીના ટોચના બે અધિકારીને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ પીડિતોના પરિવારજનો તેનાથી ખુશ નથી. તેઓ ન્યાયની માગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગામ્બિયાની આરોગ્ય વ્યવસ્થામાં છેલ્લા એક વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી.

પરિવારોના જૂથના પ્રવક્તા એબ્રિમા સેડી કહે છે, “આરોગ્યમંત્રી સહિતના જે લોકો આ ગુનામાં સામેલ હતા તેમની સામે અદાલતે અત્યંત આકરું વલણ અપનાવવું જોઈએ.”

કેટલાક પરિવારોએ મેડન ફાર્મા અને સ્થાનિક સત્તાવાર સંસ્થાઓ વિરુદ્ધ ગામ્બિયાની કોર્ટમાં ધા નાખી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય અદાલતના દરવાજા ખખડાવતા પણ ખચકાશે નહીં.

બીબીસી ગુજરાતી

જમ્મુમાં પણ ન્યાયનો પોકાર

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અમીનાટાના પિતાએ છેલ્લી વાર તેમની પુત્રીનો ચહેરો વીડિયો કૉલમાં જોયો હતો.

જમ્મુના રામનગરમાંથી પણ ન્યાયની માગ કરવામાં આવી રહી છે. જમ્મુમાં ડિસેમ્બર, 2019 અને જાન્યુઆરી, 2020 દરમિયાન પાંચ વર્ષથી ઓછી વયનાં કમસે કમ 12 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

હેલ્થ ઍક્ટિવિસ્ટ દિનેશ ઠાકુર અને વકીલ પ્રશાંત રેડ્ડીએ તેમના પુસ્તક ‘ધ ટ્રુથ પિલ’માં રામનગરની ઘટનાને ભારતમાં ઝેરથી થયેલાં મૃત્યુની પાંચમી મોટી ઘટના ગણાવી છે.

આ પુસ્તકમાં જમ્મુ પહેલાં ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી અને બિહારમાં પણ ઝેરીલા ડીઈજીને લીધે થયેલાં મૃત્યુનો ઉલ્લેખ છે. મૃતકો પૈકીના મોટા ભાગના ગરીબ વર્ગના હતા.

જમ્મુમાં મૃત્યુ પામેલાં બાળકોમાં અઢી વર્ષનો અનિરુદ્ધ પણ હતો. મોતના ત્રણ દિવસ પહેલાં રેકૉર્ડ કરવામાં આવેલા એક વીડિયોમાં અનિરુદ્ધ હૉસ્પિટલના પલંગ પર નિશ્ચેત અવસ્થામાં સૂતેલો જોવા મળે છે. તેના હાથ તાર સાથે જોડાયેલા છે અને પાછળ મશીનનો બીપ-બીપ અવાજ સંભળાય છે. માતા વીણાકુમારી તેને ચમચા વડે ભોજન કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અનિરુદ્ધને થોડા દિવસ પહેલાં તાવ આવ્યો હતો અને છાતીમાં ઇન્ફેક્શન થયું હતું. એ પછી માતા-પિતાએ તેને કફ સિરપ પીવડાવ્યો હતો.

એ કફ સિરપ ઘર નજીકના એક કેમિસ્ટ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. એ વિસ્તારમાં બાળકોના કોઈ સારા ડૉક્ટર ન હોવાને લીધે અનેક પરિવારો તે કેમિસ્ટ પાસેથી જ બાળકોની દવા ખરીદતા હોય છે અને બાળકોને આપતા હોય છે.

પરિવારના જણાવ્યા મુજબ, કફ સિરપ પીધા પછી અનિરુદ્ધનો પેશાબ અટકી ગયો હતો. તેના પગ પર સોજા ચડી ગયા હતા અને જે કંઈ ખાતો હતો તો ઊલટી થઈ જતી હતી.

બાદમાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે અનિરુદ્ધની કિડનીને ગંભીર નુકસાન થયું હતું.

અનિરુદ્ધના પિતા અશોકકુમારે કહ્યું, “અમારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આવું કેવી રીતે બને? ઊલટી થવાથી, અતિસારથી કિડનીને નુકસાન ન થાય.”

અનિરુદ્ધને બ્રેઇન હેમરેજ થવામાં લાંબો સમય ન થયો.

અશોકકુમારે કહ્યું, “અનિરુદ્ધને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. નાકમાંથી લોહી વહેવા લાગ્યુ હતું. તેનાં ફેફસાં ફાટી ગયાં હતાં. ડૉક્ટરે કહ્યું હતું કે અનિરુદ્ધ 99 ટકા ખતમ થઈ ગયો છે. એ નવમી જાન્યુઆરીને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ.”

બે મહિનાનો ઈફાન, જાફરઉદ્દીન અને મુરફાબીબીનું પહેલું સંતાન હતો. તેમની પાસે ઈફાનનો ફોટો સુધ્ધાં નથી. તેમના જણાવ્યા મુજબ, કફ સિરપ પીધાના દસ દિવસમાં જ ઈફાનનું મૃત્યુ થયું હતું.

મુરફાબીબીએ કહ્યું, “ઈફાન ત્યારે બહુ પરેશાન હતો. તેને ઊલટી થાય ત્યારે સુઈને રડવા લાગતો હતો. તેણે દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. તે બેભાન થઈ જતો હતો.”

બીબીસી ગુજરાતી

જમ્મુમાં મૃત્યુની તપાસ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અશોક કુમાર અને વીણા કુમારીનો ત્રણ વર્ષનો પુત્ર અનિરુદ્ધ પણ જમ્મુમાં મૃત્યુ પામનારા લોકોમાં સામેલ હતો.

જમ્મુમાં સ્થાનિક કર્મશીલ સુકેશ ખજુરિયા રામનગરમાં થયેલાં બાળકોનાં મૃત્યુ બાબતે સતત લખતા-બોલતા રહ્યા છે.

સુકેશ કહે છે, “બધા કમોતે મર્યાં છે અને જે કંપનીએ આ દવા બનાવી, જે ડ્રગ કંટ્રોલરના ઓફિસર હતા તેણે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નથી. તેણે કોઈ ચેકિંગ વિના ગેરકાયદે દવાનું વેચાણ થવા દીધું હતું. સરકારે એ સમયે નોંધ લીધી હોત તો ગામ્બિયામાં આવું થયું ન હોત.”

જમ્મુ અને કાશ્મીરનાં ડ્રગ કંટ્રોલર લોતિકા ખજૂરિયા કહે છે, “લીગલ સૅમ્પલ લઈને અમે પહેલાં તેને પ્રાદેશિક ડ્રગ લૅબોરેટરી, ચંડીગઢ મોકલ્યું હતું. ત્યાંથી મળેલા રિપોર્ટ મુજબ, તેમાં ડાઇથિલીન ગ્લાઇકોલ 34 ટકાથી વધારે હતું. તે ફાઈનલ રિપોર્ટ ન હતો. એ પછી અમે સીડીએલ કોલકાતાની એપલેટ લૅબોરેટરીમાં સૅમ્પલ મોકલ્યું હતું. તેના અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું હતું કે કફ સિરપમાં ડાઇથિલીન ગ્લાઇકોલ 34 ટકાથી વધારે હતું. એ પછી અમે તપાસ શરૂ કરી હતી.”

બાળકોના ડૉક્ટર ભવનીત ભારતી, રામનગરમાં બાળકોનાં મૃત્યુની તપાસકર્તા એક ટીમના વડા હતા.

ભવનીત ભારતી કહે છે, “ટોક્સિન આપવાની સાથે જ બાળકોની કિડની ફેઈલ થઈ ગઈ હતી. તેમના દિમાગ પર અસર થઈ હોત તો શારીરિક અક્ષમતા આવી હોત. તેમને વૅન્ટિલેશનની જરૂર પડી શકે, કારણ અનેક બાળકોને વૅન્ટિલેટર પણ રાખવા પડ્યાં હતાં.”

પોલીસે આ ઘટનાની તપાસ કરી હતી અને હવે મામલો કોર્ટમાં છે.

આ કિસ્સામાં ડિજિટલ વિઝન નામની કંપની પર આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેના માલિક પરસોતમ ગોયલનો દાવો છે કે તેમની કંપનીએ બનાવેલ કફ સિરપ બાળકોએ પીધો જ ન હતો.

હિમાચલ પ્રદેશમાં તેમની ફેકટરીમાં પરસોતમ ગોયલ સાથે ફોન પર વાત થઈ હતી.

તેમણે કહ્યું હતું, “અમે બાળકોને હત્યા કરવા થોડા બેઠા છીએ. અમે કોઈનાં બાળકોની હત્યા શા માટે કરીએ? અમે તો દવા બનાવીએ છીએ. ઝેર નથી બનાવતા. અમે ભગવાનથી ડરનારા લોકો છીએ. અમે આવું કામ કરતા જ નથી. કોઈને અમારે અન્યાય શા માટે કરવો જોઈએ?”

અમને જણાવવામાં આવ્યું હતું કે બાળકોનાં મૃત્યુ પછી છ માસ સુધી આ ફેકટરી બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ અદાલતના આદેશ પછી ફેકટરી ફરી શરૂ કરવામાં આવી હતી.

કર્મશીલ અને લેખક દિનેશ ઠાકુર સિસ્ટમમાં પારદર્શકતાની ઓછપનો આક્ષેપ કરે છે. તેમનો દાવો છે કે ભારતીય કંપનીઓ અમેરિકા તથા યુરોપ માટે દવાનું ઉત્પાદન કરે છે ત્યારે માપદંડ અલગ હોય છે અને ભારત તથા આફ્રિકા માટે દવા બનાવતી હોય ત્યારે માપદંડ અલગ હોય છે. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ ઉદય ભાસ્કર આ આરોપો સાથે સહમત નથી.

તેઓ કહે છે, “આફ્રિકા અમારું ત્રીજું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે. દક્ષિણ આફ્રિકા, ઘાના, નાઇજીરિયા એવા ઘણા દેશ છે, જ્યાંની નિયામક સંસ્થાઓ બહુ મજબૂત છે.”

બીબીસી ગુજરાતી

બચી ગયેલાં બાળકોની કહાણી

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પવનના પિતા શંભુરામ મજૂરી કરીને રોજના 400 થી 500 રૂપિયા કમાય છે.

રામનગરમાં કેટલાક પરિવારો એવા છે, જેમનાં બાળકોએ કથિત ઝેરીલો કફ સિરપ પીધો અને બચી ગયા હતા.

પવનકુમારના પરિવારના જણાવ્યા મુજબ, તેઓ 15 મહિનાના હતા ત્યારે તેમને એ જ કથિત ઝેરીલો કફ સિરપ આપવામાં આવ્યો હતો.

પવન ત્રણ મહિના હૉસ્પિટલમાં રહ્યા હતા અને તેમની સારવાર આજે પણ ચાલુ છે. પવનના પિતા શંભુરામ મજૂરી કરીને રોજ રૂ. 400-500 કમાય છે.

શંભુરામે કહે છે, “પવનની આંખોમાં તેજ પણ ઓછું છે અને તેનો એક કાન તદ્દન ખરાબ થઈ ગયો છે. ડૉક્ટર કહે છે કે પવન મોટો થશે પછી કોઈ કામ નહીં કરી શકે. દોડી નહીં શકે. વજન નહીં ઉઠાવી શકે.”

છ વર્ષનો પવન 30થી વધુ દિવસ કોમામાં રહ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, તે જોઈ કે સાંભળી શકતો નથી.

તેના મમ્મી પ્રિયા વર્મા કહે છે, “પવનની આંખ અને કાનની નસોને નુકસાન થયું હોવાનું ડૉક્ટર કહે છે. તે પૂર્વવત્ થશે કે નહીં તે પણ નક્કી નથી. ડૉક્ટરે કહ્યું છે કે બધું ભગવાન પર છોડી દો.”

પવન એકલો રહી શકતો નથી. તેની સાથે સતત કોઈ હોય તે જરૂરી છે. અન્યથા તેને ડર લાગે છે કે બધા તેને એકલો છોડીને ચાલ્યા ગયા છે. પરિવાર બાળકોની સારવાર માટે સરકારી મદદ ઇચ્છે છે, જેથી ભવિષ્યમાં તેઓ ન હોય તો બાળકો પોતાને જાતે સંભાળી શકે.

બે વર્ષનો બન્ના, ત્રણ વર્ષની અંકિતા, 11 મહિનાની જાહ્નવી, 10 મહિનાની આઈસાટૂ, એક વર્ષ સાત મહિનાનો મૂસા અને બીજાં ઘણાં બાળકો.

પરિવાર ઇચ્છે છે કે દોષી લોકો સામે કાયદો આકરી કાર્યવાહી કરે. પરિવારો જાણે છે કે આ લડાઈ લાંબી ચાલવાની છે અને તે આસાન નહીં હોય. પોતાના બે મહિનાના પુત્ર ઈફાનને ગુમાવી ચૂકેલા જાફરુદ્દીન કહે છે, “ન્યાય મળવો જોઈએ.”

ગામ્બિયા હોય કે જમ્મુ, બન્ને જગ્યાએ કફ સિરપને કારણે જ મોટા પ્રમાણમાં બાળકો મૃત્યુ પામ્યાં હોવાનો આરોપ છે. ઘણા કિસ્સામાં તપાસ પૂર્ણ થઈ નથી અને અન્ય કિસ્સામાં તો કાર્યવાહી શરૂ જ થઈ નથી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી