IND Vs AUS ટી20 મૅચની છેલ્લી ઓવરમાં શું થયું કે જીત તરફ આગળ વધેલી ભારતની ટીમ હારી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપની મહત્ત્વપૂર્ણ મૅચમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે નવ રનથી પરાજિત થતાં ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા ખૂબ જ ઝાંખી પડી ગઈ છે. હવે ભારતની તમામ આશાઓ પાકિસ્તાન પર ટકેલી છે.
ઑસ્ટ્રેલિયા ગ્રૂપમાં સતત ચોથા વિજય સાથે સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ઑસ્ટ્રેલિયન ટીમે ફરી એક વાર એ બતાવ્યું કે કેવી રીતે મુશ્કેલ સ્થિતિમાંથી પોતાના પ્રદર્શનને બળે બહાર નીકળી શકાય છે અને ટીમનો આ જ અંદાજ તેને ચૅમ્પિયન પણ બનાવે છે.
ગ્રૂપ એની અંતિમ મૅચમાં જો પાકિસ્તાન ન્યૂઝીલૅન્ડને હરાવવામાં સફળ થાય તો જ ભારતની સેમિફાઇનલની આશા જીવિત રહેશે. જો એવું થાય તો ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડના ચાર-ચાર પૉઇન્ટ થઈ જશે અને નેટ રનરેટના આધારે નિર્ણય થશે.
આવી સ્થિતિમાં ન્યૂઝીલૅન્ડ ભારત કરતા નેટ રનરેટ મામલે પાછળ જ રહેવાનું અને પાકિસ્તાન માટે માઇનસ રનરેટને પૉઝિટિવમાં લાવવાનું કામ ઘણું મુશ્કેલ હશે. જોકે, ન્યૂઝીલૅન્ડનો વિજય ભારતીય અભિયાનનો અંત આણી દેશે.
અંતિમ ઓવરમાં નિશ્ચિત થઈ ભારતની હાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે જ્યારે 19મી ઓવરમાં હરમનપ્રીતના બે ચોગ્ગાના બળે 14 રન બનાવી લીધા ત્યારે ટીમ જીત તરફ આગળ ધપતી દેખાવા લાગી.
ભારતે અંતિમ ઓવરમાં જીત માટે 14 રન બનાવવાના હતા. સદરલૅન્ડે આ ઓવરમાં ચાર વિકેટ ખેરવીને જીત તરફ આગળ વધી રહેલી ભારતીય ટીમને હાર તરફ ધકેલી દીધી.
સદરલૅન્ડે બીજા બૉલ પર પૂજા વસ્ત્રકરને બોલ્ડ કરી દીધાં. આ જ ઓવરના પાંચમા બૉલે શ્રેયાંકા પાટીલ વાઇડ આઉટ થઈ ગયાં.
અમ્પાયરે બૉલ વાઇડ આપ્યો. હરમીનપ્રીત આ બૉલ પર દોડીને રન લેવા માગતાં હતાં. આ સમયે શ્રેયાંકાનો પગ બહાર હોવાના કારણે વિકેટકીપરે તેમને આઉટ કરી દીધાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થર્ડ અમ્પાયરે તેમને આઉટ જાહેર કર્યાં. બીજા જ બૉલ પર રાધા યાદવ એલબીડબ્લ્યૂ આઉટ થયાં, જે બાદ ભારતની હાર નિશ્ચિત થઈ ગઈ.
ઋચા ઘોષે નિરાશ કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઋચા ઘોષ પોતાના આક્રામક અંદાજ માટે ઓળખાય છે. પરંતુ તેઓ આ ચૅમ્પિયનશિપમાં ખાસ રન બનાવી શક્યાં નથી.
દીપ્તિ શર્માની સાથે એક મહત્ત્વપૂર્ણ પાર્ટશિપ પછી જો ઋચા ઘોષ વિકેટ પર ટકી રહ્યાં હોત તો ભારત આ મૅચ હાર્યું ન હોત, પણ તેઓ રન લેવાના પ્રયાસમાં આઉટ થઈ ગયાં અને ભારતની મુશ્કેલીઓ વધતી ગઈ હતી.
ઋચા ઘોષે બૅટિંગમાં તો હતાશ કર્યાં જ સાથે તેમણે વિકેટકીપિંગમાં પણ કંઈ ખાસ ન કર્યું. તેઓ અનેક વખત લેગ તરફ આવતા બૉલને રોકવામાં નિષ્ફળ રહ્યાં. આના માટે જોરદાર ફુટવર્કની જરૂર હોય છે પણ તેઓ આવું કરતાં ન દેખાયાં, અને તેના કારણે અનેક ચોક્કા નીકળી ગયા.
ઓપનર શેફાલી વર્માએ ઝડપી શરૂઆત કરી પણ બહુ સંયમ ન રાખી શક્યાં અને તેના કારણે તેઓ વધુ લાંબું ન ટકી શક્યાં. આવી જ રીતે જેમિના પણ જોશમાં આવીને આઉટ થઈ ગયાં. બીજાં ઓપનર મંધાનાની નિષ્ફળતાએ ભારતની મુશ્કેલી પણ વધારી દીધી.
ઍલિસ પૅરીની ઇનિંગ્સ નિર્ણાયક રહી

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાએ એક સમયે 15 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ 135 રનની આસપાસ ખતમ થઈ જશે.
પરંતુ એલિસ પૅરીએ 16મી ઓવરમાં શ્રેયાંકાના બૉલ પર એક છગ્ગો અને એક ચોક્કો ફટકારીને 14 રન બનાવીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
એલિસ પૅરી ટીમનો સ્કોર જ્યારે 134 રન થયો હતો ત્યારે તેઓ આઉટ થઈ ગયાં હતાં. ત્યાર સુધી તેઓ પોતાનું કામ કરી ગયાં હતાં.
એલિસ પૅરીએ 23 રનોમાં 139થી વધારેના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરીને 32 રન બનાવ્યા, જેમાં બે ચોક્કા અને એક છગ્ગો સામેલ હતો.
સાચા અર્થમાં ઑસ્ટ્રેલિયા પછીનાં બૅટ્સમૅનની વિકેટ ભલે જલદી ગુમાવી પણ ખેલાડીઓએ રન બનાવવાની ઝડપ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો અને તેનું જ પરિણામ હતું કે તેઓ આઠ વિકેટ ગુમાવીને 151 રન સુધી પહોંચાડવામાં સફળ થઈ ગયાં.
રેણુકાએ લીધેલી વિકેટનો ફાયદો પણ ન ઉઠાવી શકી ટીમ
રેણુકાસિંહે ભારતને આ મહત્ત્વપૂર્ણ મૅચમાં સારી શરૂઆત અપાવી.
તેમણે પોતાની બીજી ઓવરમાં સતત બે બૉલ પર ઓપનર બેથ મૂની અને જ્યૉર્જિયા વારેહમની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાની ટીમને દબાણમાં લાવી.
ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ ઓવરમાં 17 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
રેણુકા ઇનસ્વિંગ કરીને ઑસ્ટ્રેલિયાનાં બૅટ્સમૅનને સતત પરેશાન કરતાં રહ્યાં.
તેમણે પ્રથમ બે ઓવરમાં 15 રન આફીને બે વિકેટ લીધી.
રેણુકા સહિત ભારતીય બૉલરોની બૉલિંગની જ કમાલ હતી કે ઑસ્ટ્રેલિયાની ટીમ પાવરપ્લેની છ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 37 રન જ બનાવી શકી. જોકે ત્યાર બાદ પણ ટીમ 150ને પાર નીકળી ગઈ.
હૅરિસ અને મૅકગ્રાએ કેવી રીતે ઑસ્ટ્રેલિયાની ટીમને આગળ વધારે

ઇમેજ સ્રોત, Getty Images
ઓપનર ગ્રેસ હૅરિસ અને આ મૅચમાં કૅપ્ટન રહેલાં તાહિલા મૅકગ્રાએ સંભાળીને શરૂઆત કરીને ટીમને ધીમે-ધીમે દબાણમાંથી બહાર કાઢી.
આ જોડીએ ત્રણ વિકેટની પાર્ટનરશિપમાં 62 રન જોડીને કેટલીક હદ સુધી પોતાની જવાબદારી પૂરી કરી.
હૅરિસ અને તાહિલા જ્યારે ખતરનાક બનતી દેખાઈ ત્યારે 12મી ઓવરમાં રાધા યાદવને બૉલિંગ આપવી સફળ રહી.
તેમની પ્રથમ ઓવરમાં બંને બૅટ્સમૅનને એક-એક જીવનદાન મળ્યા બાદ રાધા આ પાર્ટનરશિપને તોડવામાં સફળ થઈ ગયાં.
હરમનપ્રીત કૌરે ગ્રેસ હૅરિસનો કૅચ છોડ્યો ત્યાર બાદ તાહિલા મૅકગ્રાનો કૅચ પણ છૂટી ગયો.
પરંતુ આ ઓવરના પાંચમા બૉલ પર તેઓ તાબિલા મૅકગ્રાને સ્પિન બૉલ પર સ્ટમ્પ આઉટ કર્યાં. તાહિલા મૅકગ્રાએ 26 બૉલમાં 32 રનની ઇનિંગ્સ રમી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












