ભાડાના મકાનમાં રહેતા હાર્દિક પંડ્યાની વર્લ્ડ કપના 'હિરો' બનવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
હાર્દિક પંડ્યાએ થોડા સમય પહેલાં જ જબરદસ્ત વાપસી કરી હતી. ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) દરમિયાન તેમણે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યા લીધી હતી. ત્યારબાદ પ્રશંસકોએ તેમને દરેક ગ્રાઉન્ડ પર નિશાન બનાવ્યા હતા.
જોકે, હાર્દિકે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં જબરદસ્ત પ્રદર્શન કરીને વાપસી કરી હતી અને કેટલાક લોકોએ તેમને વર્લ્ડ કપના 'હિરો' પણ ગણાવ્યા હતા.
વર્લ્ડ કપની આખી ટૂર્નામેન્ટ દરમિયાન હાર્દિકે મહત્ત્પૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાર્દિક પોતાની બૉલિંગ અને મિડલ ઑર્ડરમાં કોઇ પણ સ્થાને બેટિંગ કરવાની ક્ષમતાને કારણે ટીમને એક સંતુલન સર્જતા રહ્યા હતા.
દક્ષિણ આફ્રિકા સામેના ફાઇનલ મુકાબલામાં મહત્ત્વપૂર્ણ ઓવરોમાં બૉલિંગ કરીને પંડ્યાએ ભારતની જીતમાં યોગદાન આપ્યુ હતું.
સુરતથી ક્રિકેટ રમવાની શરૂઆત

ઇમેજ સ્રોત, TWITTER/HARDIK PANDYA
હાર્દિક કારકિર્દીના પ્રારંભથી જ મેદાન પર કંઈક હોય છે તો મેદાન બહાર અલગ જ રૂપમાં જોવા મળે છે.
તેઓ મોંઘીદાટ ઘડિયાળ, કાર અને ટ્રાવેલિંગના શોખીન છે. જોકે, બાળપણમાં આ તમામ સવલતોથી વંચિત રહ્યા હતા.
હાર્દિકના પિતા હિમાંશુભાઈએ એક વખત કહ્યું હતું કે તેઓ સાવ ગરીબ પરિવારમાંથી આવતા નથી, પરંતુ આજે એમ કહી શકાય કે હાર્દિકનો પરિવાર સાવ ગરીબ નહીં પણ આર્થિક રીતે થોડા વંચિત પરિવારમાં સામેલ હતો.
તેમ છતાં હાર્દિકનાં માતાપિતાએ બંને દીકરાઓને ક્રિકેટની તાલીમ અપાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરત નજીક ચોર્યાસી ગામમાં 1993ની 11મી ઑક્ટોબરે હાર્દિક પંડ્યાનો જન્મ થયો. આ સમયે તેમનો પરિવાર સુરતમાં રહેતો હતો, એટલે સ્વાભાવિકપણે જ તેમનું બાળપણ સુરતમાં પસાર થયું હતું.
ચાર વર્ષના હાર્દિક ટેનિસ બૉલથી તાલીમ લેતા હતા, તો ભાઈ કૃણાલ પંડ્યા સિઝન બૉલથી ટ્રેનિંગ લેતા. રાંદેરના ભાણકી સ્ટેડિયમમાં હાર્દિકની તાલીમ શરૂ થઈ હતી.
એ વખતે સુરત કૉર્પોરેશનના સમીર વ્યાસ કોચિંગ આપતા હતા. જ્યારે તેમની સંસ્થા વડોદરામાં કિરણ મોરેની ઍકેડેમી સાથે સંકળાયેલી હોવાથી હાર્દિક તથા પંડ્યા પરિવારે વડોદરા જઈને વસવાટ કરવાનો નિર્ણય લીધો.
આમ હાર્દિકનો બરોડા સાથે નાતો જોડાયો. અત્યારે હાર્દિક એટલે વડોદરાનો અથવા તો વડોદરા એટલે હાર્દિકનું વતન એ વાત જગજાહેર છે. જોકે તેમણે કારકિર્દીનો પ્રારંભ સુરતથી કર્યો હતો.
બરોડાના પૂર્વ રણજી ક્રિકેટર નારાયણ સાઠમ અને ભારતીય ક્રિકેટર કિરણ મોરેએ હાર્દિક પંડયાના ઘડતરમાં ઘણી મોટી ભૂમિકા અદા કરી છે.
લાગણી છુપાવવામાં અક્ષમ

ઇમેજ સ્રોત, TWITTER/HARDIK PANDYA
ભારતીય ટીમની જીતમાં ઘણી વાર મહત્ત્વની ભૂમિકા ભજવનાર હાર્દિકને તેમના આત્મવિશ્વાસ માટે યાદ રખાય છે, જોકે એ જ આત્મવિશ્વાસ તેમના બાળપણમાં 'ઍટિટ્યૂડ પ્રૉબ્લેમ' માનવામાં આવતો હતો.
હાર્દિકનો અભ્યાસ માત્ર નવ ધોરણથી જ અટકી ગયો હતો. જેના વિશે તેમના પિતા કહેતા હતા કે, "મારે તેને સારો ક્રિકેટર બનાવવો હતો, એટલે નબળા અભ્યાસને અમે એક તરફ ધકેલી દીધો હતો."
તેઓ પોતાની લાગણી છુપાવી શકતા નથી અને આવા જ એક કારણસર હાર્દિકને બરોડાની સ્ટેટ એજ ગ્રૂપ ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.
બાકી તેમના પ્રદર્શનને આધારે તેઓ હંમેશાં ટીમમાં સ્થાન હાંસલ કરતા રહેતા હતા.
18 વર્ષની વય સુધી લેગ સ્પિનર તરીકે રમ્યા બાદ અચાનક જ તેઓ ફાસ્ટ બૉલર બની ગયા. કેમ કે તેમનામાં રહેલી ઝડપી બૉલરની પ્રતિભા બરોડાના કોચ સનતકુમારે પારખી લીધી હતી અને તેમના કહેવાથી જ હાર્દિકે લેગ સ્પિન બૉલિંગ છોડીને ફાસ્ટ બૉલિંગ પર હાથ અજમાવ્યો.
નતાશા સાથે લગ્ન

ઇમેજ સ્રોત, TWITTER/HARDIK PANDYA
હાર્દિકનાં જીવન અને કારકિર્દીમાં ઘણા ઉતારચડાવ આવ્યા છે. ગોરવામાં ભાડાના મકાનમાં રહેતો પંડ્યા પરિવાર આજે દિવાળીપુરા વિસ્તારમાં 6000 ચોરસ ફૂટના પેન્ટહાઉસ સાથેના ઍપાર્ટમૅન્ટમાં રહે છે.
આ ફેરફાર તો સ્વાભાવિક છે પરંતુ હાર્દિક ગોલ્ડ રિસ્ટ વૉચ, વિદેશી કાર અને ડિઝાઇનર કપડાંના શોખીન પણ છે.
તેમનો પરિચય નતાશા સાથે થયો હતો. બોલીવૂડમાં મૉડલ, અભિનેત્રી, ડાન્સર અને ફિલ્મનિર્માતા એવાં નતાશાએ હિન્દી ઉપરાંત તામિલ, કન્નડ સહિત ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.
નતાશા અને હાર્દિકની પહેલી મુલાકાત પણ રસપ્રદ હતી.
અડધી રાત્રે એક એવી જગ્યાએ હાર્દિક માથામાં હૅટ, મોંઘી વૉચ અને કંઈક અચરજ પમાડે તેવા પહેરવેશમાં દેખાયા હતા અને નતાશા તેમના તરફ આકર્ષાયાં હતાં.
થોડા સમય ડેટિંગ અને પછી લગ્ન, આજે નતાશા-હાર્દિક એક પુત્રનાં માતાપિતા છે. 2024માં બંનેના છૂટાછેડા વિષે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.
બે ગુજરાતીઓની સાથે કારકિર્દીની શરૂઆત

ઇમેજ સ્રોત, GARETH COPLEY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાર્દિકની ક્રિકેટ કારકિર્દી પર પણ એક નજર નાખવા જેવી છે કેમ કે આ તો તેમની મુખ્ય યાત્રા છે અને તેમાં પણ અંગત જીવન જેટલો જ રોમાંચ ભરેલો છે.
હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહમાં સામ્યતા જોવા જઈએ તો બંને ગુજરાતી છે અને બંને લગભગ 100 કિલોમીટરના અંતરમાં જ રમેલા છે અને ઉછરેલા છે.
જોકે, ખાસ વાત એ છે કે 2016ની 26મી જાન્યુઆરીએ આ બંનેએ એક સાથે જ પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ધોનીની ભારતીય ટીમ ઍડિલેડમાં ટી-20 મૅચ રમી રહી હતી. ત્યારે બુમરાહને તો ત્યાર બાદની વન-ડે ટીમ માટે સામેલ કરાયા પરંતુ આશ્ચર્ય સર્જવા માટે જાણીતા ધોનીએ તેમને સીધા ટી20 ટીમમાં સામેલ કરી દીધા.
ઑસ્ટ્રેલિયા સામેની એ મૅચ ભારતે આસાનીથી જીતી લીધી. જેમાં આ બંને ગુજરાતી ક્રિકેટરની બેટિંગ તો આવી જ નહીં, પરંતુ બૉલિંગમાં બુમરાહે ત્રણ અને હાર્દિકે બે વિકેટ ખેરવી હતી.
એ પછી તો શ્રીલંકા સામેની રાંચી ખાતેની મૅચમાં હાર્દિકને યુવરાજ અને ધોની કરતાં વહેલા ઉતારવામાં આવ્યા હતા અને વડોદરાના આ બૅટરે માત્ર 14 બૉલમાં 27 રન ફટકારીને ભારતને વિજય અપાવી દીધો હતો.
આવી જ રીતે તેમણે પાકિસ્તાન સામે વેધક બૉલિંગ કરીને માત્ર આઠ રનમાં ત્રણ વિકેટ ખેરવીને ભારતની આ કટ્ટર હરીફ ટીમને માત્ર 83 રનમાં ઑલઆઉટ કરવામાં ટીમની મદદ કરી.
માત્ર ટી-20 જ નહીં પણ વન-ડે અને ટેસ્ટમાં પણ હાર્દિક પંડ્યાના ચમકારા સતત જોવા મળતા હતા અને આજેય મળી રહ્યા છે.
વિવાદોથી લઈને કપ્તાન સુધી

ઇમેજ સ્રોત, Getty Images
2019ની આસપાસ કોફી વિથ કરણ શોમાં મહિલાઓ વિશે અભદ્ર કૉમેન્ટ કરવા બદલ તેમને (અને લોકેશ રાહુલને) ન્યૂઝીલૅન્ડના પ્રવાસેથી અધવચ્ચે જ પરત બોલાવી લેવાયા હતા.
બંને ખેલાડીઓને આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને કેટલીક સજા થઈ હતી.
હાર્દિક પંડ્યામાં એક શ્રેષ્ઠ ઑલરાઉન્ડરનાં તમામ લક્ષણો છે પરંતુ અમુક સમય સુધી તેની કૅપ્ટન તરીકેની તેમની પ્રતિભાની કસોટી થઈ ન હતી.
આ વર્ષે આઈપીએલનો પ્રારંભ થયો ત્યારે ક્રિકેટ પંડિતો જેને સૌથી નબળી ટીમ માનતા હતા તે ગુજરાત ટાઇટન્સે ખિતાબ પોતાના નામે કર્યો હતો.
એ બાદ તેમણે ટી20માં ભારતીય ટીમની કપ્તાની પણ સંભાળી હતી.












