વિમાન દુર્ઘટના : પુત્રનું લંડનમાં પ્લેન ક્રૅશમાં મોત અને માતાપિતાનું અમદાવાદમાં મોત, પરિવાર પર શી વીતી હશે?

ઇમેજ સ્રોત, VAISHALI BAXI
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"બૅગ ડ્રૉપ કરી દીધી, સિક્યૉરિટી કમ્પ્પીટ. હવે ગેટ નંબર માટે રાહ જોઈએ છીએ. તમારા બધાના પ્રેમ માટે હરિનો ખૂબ આભાર. સદાય આશીર્વાદ અને ફરી જલદીથી મળીશું. હરિ તમને બધાને ખૂબ ખુશ રાખે. સારું સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના. લવ યુ ઑલ. જય સિયારામ."
નેહલ પરમારનો આ છેલ્લો મૅસેજ છે જે તેમણે અમદાવાદ ઍરપૉર્ટ ખાતેથી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસતાં પહેલાં તેમના પરિવારના વૉટ્સઍપ ગ્રૂપમાં મૂક્યો હતો.
51 વર્ષનાં નેહલબહેન અને 60 વર્ષનાં તેમના પતિ શૈલેશભાઈ પરમારનું આ વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દંપતી મૂળ જામનગરનું હતું પરંતુ છેલ્લાં 20 વર્ષથી લંડન ખાતે રહેતું હતું.
અમદાવાદમાં 12 જૂને 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સાથે ઍર ઇન્ડિયાનું લંડન જવા નીકળેલું બૉઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયું. આ દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયાં હતાં. તેમાં જામનગરનું આ દંપતી પણ હતું.
આ દંપતીના એકના એક પુત્રનું પણ પ્લેન ક્રૅશમાં જ મોત થયું હતું. દંપતીનો 27 વર્ષનો દીકરો હિત લંડનમાં પાયલટની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. ટ્રેનિંગ દરમિયાન થયેલાં પ્લેન ક્રૅશમાં વર્ષ 2022માં તેનું મોત થયું હતું.
નેહલબહેન અને શૈલેશભાઈના પરિવારનું કહેવું છે કે હજુ તેઓ ભાણેજના મોતના આઘાતમાંથી બહાર પણ આવ્યા નહોતા ત્યાં દીકરી અને જમાઈના જવાનો આઘાત સહન કરવાનો વારો આવ્યો.
શૈલેષભાઈ પરમારનાં માતા અને નાના ભાઈ તથા તેમનો પરિવાર પણ લંડનમાં જ રહે છે. ઘટના સમયે તેઓ લંડનમાં જ હતાં. ઘટના અંગે જાણ થતાં તેઓ અમદાવાદ આવ્યાં હતાં. હાલ તેઓ લંડન પરત ફર્યાં છે.
નેહલ અને શૈલેશ પરમાર લંડનમાં શું કરતાં હતાં?

ઇમેજ સ્રોત, VAISHALI BAXI
નેહલબહેનનાં કાકી ચૈતનાબહેન બક્ષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "નેહલ અને શૈલેષભાઈ 20 વર્ષથી લંડનમાં રહેતાં હતાં. પહેલા શૈલેષભાઈ લંડન ગયા હતા. બાદમાં નેહલ પણ લંડન પહોંચી ગયાં હતાં. શૈલેષભાઈ લંડન શહેરમાં જ એક એક કૉલેજમાં ફિઝિક્સના પ્રોફેસર હતા અને નેહલ NHS (નૅશનલ હેલ્થ સર્વિસ)માં ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતાં હતાં. તેમના પરિવારમાં એક જ દીકરો હતો. તેમનો પરિવાર ખૂબ જ ખુશ હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેહલબહેનનાં નાનાં બહેન વૈશાલી બક્ષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "20 ફેબ્રુઆરી 2022ના રોજ મારાં બહેનના 27 વર્ષના એકના એક દીકરા હિતનું મોત થયું હતું. હિત પાઇલટની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. જે દિવસે તેનુ વિમાન ક્રૅશ થયું તે દિવસ તેની ટ્રેનિંગનો છેલ્લો દિવસ હતો."
ચૈતનાબહેન બક્ષી જણાવે છે કે "અમારા ભાણેજ (હિત)ના મોતના દુ:ખથી અમે બહાર પણ નહોતાં આવ્યાં અને અમારાં દીકરી-જમાઈ જતાં રહ્યાં .તેમનાં માતાપિતા તો અત્યારે ગમગીન અને ચૂપચાપ છે. માબાપ માટે આનાથી સૌથી મોટું દુ:ખ બીજું કયું હોય શકે?"
વૈશાલી બક્ષી કહે છે કે "ભાણેજ હિતના મોત બાદ મારાં બહેન અને જીજાજી ખુબ જ ભાંગી પડ્યાં હતાં. તેઓ બંને ત્યારબાદ આધ્યાત્મિકતા તરફ વળી ગયાં હતાં. તેને કારણે તેમને જીવવાની હિંમત મળતી હતી."
વૈશાલી બક્ષી કહે છે કે "મારાં બહેન અને જીજાજી છેલ્લે વર્ષ 2022માં ભારત આવ્યાં હતાં. મમ્મીની તબીયત ખરાબ હોવાને કારણે 3 વર્ષ બાદ તેઓ જામનગર આવ્યાં હતાં."
નેહલ અને શૈલેશભાઈએ પ્રેમલગ્ન કર્યાં હતાં

ઇમેજ સ્રોત, VAISHALI BAXI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નેહલબહેન અને શૈલેશભાઈએ આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યાં હતાં. તેઓ હંમેશાં બંને જ્યાં જાય ત્યાં સાથે જ જતાં હતાં.
પરિવારે આપેલી માહિતી અનુસાર નેહલબહેનનાં માતાની તબીયત ખરાબ રહેતી હોવાથી તેઓ ખબરઅંતર પૂછવા માટે ભારત આવ્યાં હતાં.
30મી મે ના રોજ તેમની લંડન પરત જવાની ટિકિટ કરાવી હતી. પરંતુ તે પહેલાં જ તેમના પિતાને કૅન્સરની બીમારી હોવાનું નિદાન થતાં તેમણે ટિકિટ કૅન્સલ કરાવી અને અહીં રોકાઈ ગયાં હતાં.
શૈલેષભાઈને લંડન હતા તેમના સસરાની બીમારીની જાણ થતાં તેઓ પણ જામનગર આવી ગયા હતા. પછી બંનેએ સાથે જ લંડન જવાનું નક્કી કર્યું હતું.
ચૈતનાબહેન કહે છે કે "શૈલેષ પરમાર જામનગરની ડી. કે. વી. કૉલેજમાં સાયન્સ વિભાગમાં અધ્યાપક હતા."
તેઓ આ દંપતીના પ્રેમલગ્નની વાત કરતાં કહે છે, "નેહલબહેને આ કૉલેજમાં બીએસસીમાં પ્રવેશ લીધો હતો. ત્યારબાદ તેમને એકબીજાને પ્રેમ થઈ ગયો હતો. શૈલેષભાઈ અલગ જ્ઞાતિના હતા. નેહલબહેને પરિવારને તેમના પ્રેમ અંગે વાત કરી હતી."
"આજથી 33 વર્ષ પહેલાંની વાત કરીએ તો આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરવા માટે પરિવારને મનાવવો અઘરો હતો. શરૂઆતમાં પરિવારના સભ્યો રાજી ન હતા. પરંતુ તે બંનેએ ખૂબ જ ધીરજ રાખીને પરિવારને લગ્ન માટે મનાવ્યો હતો. તેમની બન્નેની વચ્ચે ખુબ જ પ્રેમ હતો. તેઓ હંમેશાં સાથે જ રહેતાં હતાં અને અંતિમ સમયે પણ સાથે જ રહ્યાં."
ઘટનાની ખબર મળતા નેહલ-શૈલેશનો પરિવાર ભાંગી પડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
પ્લેન ક્રૅશ દુર્ઘટના અંગે વૈશાલી બક્ષી જણાવે છે કે "એ દિવસે બપોરે 1.45 વાગે મને અમદાવાદમાં રહેતા મારા કાકાના દીકરાનો ફોન આવ્યો કે અમદાવાદથી લંડન જતું ઍર ઇન્ડિયાનુ પ્લેન ક્રૅશ થયું છે. અમને ખબર હતી કે માંરા બહેન અને જીજાજી આ જ વિમાનમાં જ હતાં. મારા કાકાનો દીકરોને તાત્કાલીક સિવિલ પહોંચ્યો હતો અને અમે પણ તરત જ અમદાવાદ જવા રવાના થયાં."
"મારા ભાણેજને પણ પ્લેન ક્રૅશમાં જ અમે ગુમાવ્યો હતો. પ્લેન ક્રૅશ શબ્દ સાંભળીને જ જાણે કે અમારા પર આભ તૂટી પડ્યું હતું. અમે પ્રાર્થના કરતાં હતાં કે તેઓ બચી જાય. પરંતુ જ્યારે અમે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે ખબર પડી તે વિમાનમાં કોઈના બચવાની સંભાવના નથી."
"શરૂઆતમાં તો અમે મારાં માતાપિતાને જાણ ન કરી. બીજા દિવસે ઘરે પહોંચીને અમે આ વાત કરી. માતાપિતા તો સાવ ભાંગી પડ્યાં છે."
આજે પણ પરિવાર 7-30 વાગ્યે નેહલ-શૈલેશના વીડિયો કૉલની રાહ જુએ છે

ઇમેજ સ્રોત, VAISHALI BAXI
ચૈતનાબહેન કહે છે કે "નેહલ અને શૈલેષભાઈ હંમેશા જામનગરથી મુંબઈ અને મુંબઈથી લંડનની ફ્લાઇટમાં જતાં હતાં. પરંતુ આ વખતે જાણે કેમ તેમણે અમદાવાદથી લંડનની સીધી ફ્લાઇટ પકડી હતી."
ચૈતનાબહેન કહે છે કે "નેહલ અને શૈલેષભાઈ એ દિવસે વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા માટે નિકળ્યાં હતાં. નેહલે એ દિવસે ઍરપૉર્ટથી તેમનાં માતાપિતાને કૉલ કર્યો હતો."
"તેમણે કહ્યું હતું કે તેઓ સમયસર ઍરપૉર્ટ પહોંચી ગયાં છે. થોડીવારમાં અમારું પ્લેન ઉપડશે. અમે લંડન પહોંચીશું ત્યારે રાત હશે. તમે જાગતા નહીં. અમે મૅસેજ કરી દઈશું. અને પછી આ વાત કર્યા બાદ તેમણે અમારા પરિવારના વૉટ્સઍપ ગ્રૂપમાં મૅસેજ પણ મૂક્યો હતો."
વૈશાલી બક્ષીએ જણાવ્યું કે "નેહલ રોજ ઑફિસ જાય તે સમયે ભારતમાં સાંજે 7.30 થી 8 વાગ્યાના સમયમાં માતાપિતાને વીડિયો કૉલ કરતાં હતાં. એક પણ દિવસ એવો ન હોય કે તેઓ કૉલ ન કરે. આજે પણ તેમનાં માતાપિતા રોજ સાંજે 7-30 વાગ્યે તેમના વીડિયો કૉલ આવવાની રાહ જોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












