અમદાવાદ પ્લેન ક્રૅશ : દીકરીને દુર્ઘટનામાં ગુમાવી એકલાં પડી ગયેલાં માતાની કહાણી
દીવના એક બગીચામાં ટહેલતાં મટ્ટુમા થોડાં ગમગીન જણાય છે. તેમનાં દીકરી રમીલા પ્રેમજીનું અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું અને પોતાની પાંચ દીકરીઓમાંની સૌથી મોટાં દીકરીના આ રીતે અકાળે થયેલ અવસાનના આઘાતમાંથી મટ્ટુમા હજુ પણ બહાર આવી શક્યાં નથી.
રમીલા ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઈ રહ્યાં હતાં, પરંતુ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી ઊડ્યા બાદ ગણતરીની ઘડીઓમાં જ તૂટી પડ્યું અને અગનગોળો બની ગયું હતું.
મટ્ટુમાનાં ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓમાં રમીલા બીજા ક્રમે હતાં. તેમનાં આઠ સંતાનોમાં પુત્ર રમેશ સૌથી મોટા છે. મટ્ટુમાના પતિ પ્રેમજી બામણીયા કડિયાનું કામ કરતા હતા.
દીકરીની અણધારી વિદાયના દુઃખ સાથે ભૂતકાળ વાગોળતી વખતે મટ્ટુમાના કરચલીવાળા ચહેરા અને ઊંડી આંખોમાં ભાવપરિવર્તન નોંધવું મુશ્કેલ લાગતું હતું.
રમીલાના ગરીબીમાં વીતેલા જીવન અને તેમના અકાળ અવસાન વિશે વાત કરતાં વૃદ્ધ મટ્ટુમા ઢીલાં પડવા લાગે છે એટલે રમેશનાં પત્ની વસંતરા તેમને સાંત્વના આપે છે.
રમેશ અને વસંતરા પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં રહે છે, પરંતુ રમીલાનું મૃત્યુ થતાં તેઓ દીવ આવી ગયાં છે અને મટ્ટુમા સાથે મોટા ભાગનો સમય ગાળે છે.
વસંતરા કહે છે કે બ્રિટનના પાટનગર લંડનમાં રહેતાં રમીલાનાં ચારમાંથી ત્રણ બાળકો પણ રમીલાના મૃત્યુ બાદની ધાર્મિક-સામાજિક વિધિઓ કરવા માટે દીવના ફુદામમાં આવી ગયાં છે. પરંતુ તેમના પતિ હેમંત બીમાર છે અને દીવ આવી શક્યા નથી.
મટ્ટુમા કહે છે કે તેમના પતિ પ્રેમજીનો જન્મ દીવ પર જયારે ફિરંગીઓ(પોર્ટુગીઝ)ના શાસન વખતે થયો હતો.
દીવ ગુજરાતના ઊના નજીકના દરિયાકાંઠે આવેલો એક ટાપુ છે અને ફિરંગીઓએ આ ટાપુ પર 16મી સદીના મધ્ય ભાગમાં આધિપત્ય જમાવ્યું હતું.
એ જ રીતે આફ્રિકા ખંડના પૂર્વ કિનારે આવેલા મોઝામ્બિક દેશમાં પણ ફિરંગીઓએ તેમનું શાસન સ્થાપ્યું હતું.
80 વર્ષનું આયુષ્ય વટાવી ચૂકેલાં મટ્ટુમા કહે છે કે પ્રેમજી સાથે વિવાહ થયાના ટૂંક સમયમાં જ તેઓ અને તેમના પતિ કામની શોધમાં મોઝામ્બિક જતાં રહ્યાં હતાં.
હવે મોટા બગીચાવાળા બે માળના બંગલામાં રહેતાં મટ્ટુમા કહે છે, "મારાં આઠેય સંતાનોનો જન્મ મોઝામ્બિકમાં થયો હતો. પરંતુ ત્યાં પણ યુદ્ધ ફાટી નીકળતાં 1970ના દાયકાની શરૂઆતમાં અમારે બધાને દીવ પાછા ફરવાની ફરજ પડી. દીવમાં તો અમારી પાસે ગરીબી જ હતી."
"ગરીબીમાંથી બહાર નીકળવા મારા પતિ કામની શોધમાં પોર્ટુગલ ગયા. પછી રમેશ પણ પોર્ટુગલ ગયો. એ બાદ રમેશ તેનાથી નાનાં સાત ભાઈ-બહેનોને એક પછી એક કરીને લંડન લઈ ગયો."
નોંધનીય છે કે ભારતમાં દીવ ઉપરાંત, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ગોવા પર પણ ફિરંગીઓનું રાજ હતું.
પરંતુ 19 ડિસેમ્બર 1961ના રોજ ભારત સરકારે લશ્કર મોકલી દીવ-દમણ અને ગોવાને ફિરંગીઓના શાસનમાંથી મુક્ત કર્યાં હતાં.
સ્થાનિક લોકોની આઝાદી માટેની ચળવળને કારણે દાદરા અને નગર હવેલી 1954માં જ ફિરંગીઓના શાસનમાંથી આઝાદ થઈ ગયું હતું.
એ જ રીતે, મોઝામ્બિક પણ 1975માં ફિરંગીઓના શાસનમાંથી મુક્ત થયું હતું.
દીવ, દમણ અને ગોવા તેમજ મોઝામ્બિક પરથી આધિપત્ય ગુમાવ્યા બાદ ફિરંગીઓએ આ પ્રદેશોના સ્થાનિક રહેવાસીઓ માટે કરેલ એક ખાસ વ્યવસ્થા થકી રમેશ અને તેમનાં સાત ભાઈબહેનોને પોર્ટુગલનું નાગરિકત્વ મળી ગયું છે.
વસંતરા જણાવે છે કે તેઓ પોતાના પતિ સાથે લિસ્બનમાં રહે છે, જયારે રમેશનાં બે ભાઈ અને પાંચ બહેનો પોર્ટુગલના પાસપૉર્ટના આધારે પોતપોતાના પરિવારો સાથે લંડનમાં રહે છે.
તેમણે ઉમેર્યું કે રમેશના ભાઈ હરીશનું ચારેક વર્ષ પહેલાં બીમારીના કારણે મૃત્યુ થયું હતું, પરંતુ તેમનો પરિવાર પણ લંડનમાં જ રહે છે.
પ્રેમજીનું 2009માં મૃત્યુ થયું હતું.
મટ્ટુમાનો પરિવાર યુરોપ ખંડના બે દેશમાં ફેલાયેલો છે, પરંતુ મટ્ટુમા પોતે દીવમાં જ રહેવાનું પસંદ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



