કચ્છના આદિપુરમાં 125 જેટલાં ગેરકાયદેસર દબાણો તોડી પડાયાં, લોકોની શું સ્થિતિ થઈ?
કચ્છના ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં તંત્ર દ્વારા 'ગેરકાયદેસર બાંધકામો' પર કાર્યવાહી કરવામાં આવતાં અસરગ્રસ્તોની હાલત કફોડી થઈ છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશને વિવિધ ટીમોને સાથે રાખીને આદિપુર જીઆઇડીસી વિસ્તારમાં અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર બંધાયેલાં 'ગેરકાયદેસર દબાણો' દૂર કર્યાં હતાં.
સ્થાનિકોના વિરોધ વચ્ચે હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહીના લીધે આખો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
આ કામગીરીમાં 123 કાચાં-પાકાં મકાનો અને 2 કૉમર્શિયલ પ્લૉટ સહિત કુલ 125 જેટલાં દબાણો તોડી પાડવામાં આવ્યાં છે.
જેમનાં ઘરો તૂટ્યાં છે તે લોકોનો દાવો હતો કે છેલ્લાં 60 વર્ષથી તેઓ અહીં રહેતા હતા અને તેમને તંત્રે પૂરતો સમય પણ નથી આપ્યો.
આ આખા મામલે ગાંધીધામ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજે જણાવ્યું હતું કે તમામને નોટિસો આપવામાં આવી હતી. જોકે, અસરગ્રસ્તો માટેની વૈકલ્પિક વ્યવસ્થા વિશે તેમણે કંઈ કહ્યું નહોતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



