પ્રિ-ડાયાબિટીસ શું છે? કઈ ચીજોનો ખ્યાલ રાખવાથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો ઘટાડી શકાય?

બીબીસી ગુજરાતી ટાઈપ-2 ડાયાબિટીસ પ્રિ-ડાયાબિટીસ વજન તંદુરસ્ત આહાર આરોગ્ય હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ન્યૂઝ

(આ રિપોર્ટ પ્રિ-ડાયાબિટીસ વિશે છે જે ટાઇપ-2 ડાયાબિટીસનો પહેલો તબક્કો હોય છે. તેમાં ઝડપથી વજન ઘટાડવાને લગતી માહિતી અપાઈ છે, જે કેટલાક લોકોને વિચલિત કરી શકે છે. તેથી માત્ર ડૉક્ટરો અને નિષ્ણાતોની સલાહ અને દેખરેખ હેઠળ જ તેને લાગુ કરો.)

પ્રિ-ડાયાબિટીસનો અર્થ એ થયો કે તમારા લોહીમાં શુગરનો સ્તર સામાન્ય કરતા વધુ છે. એટલું જ નહીં, તેને ટાઇપ-2 ડાયાબિટીસ ગણવામાં આવશે.

ડાયાબિટીસ યુકેના સિનિયર ક્લિનિકલ ઍડવાઇઝર ઍસ્થર વૉલ્ડન કહે છે કે તમે તમારી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરો, ખાસ કરીને ડાયટમાં ફેરફાર કરવામાં આવે તો ટાઇપ-2 ડાયાબિટીસને અટકાવી શકાય છે. એટલું જ નહીં, પ્રિ-ડાયાબિટીસમાંથી સંપૂર્ણ બહાર પણ નીકળી શકાય છે.

ઍસ્થર વૉલ્ડેન કહે છે કે કેટલાક લોકોને જ્યારે ખબર પડે કે તેમને પ્રિ-ડાયાબિટીસ છે, ત્યારે તેમને લાગે છે કે હવે તેમને ચોક્કસ ટાઇપ-2 ડાયાબિટીસ થશે. પરંતુ ઘણા લોકો પોતાનું જોખમ ઘટાડી શકે છે. યોગ્ય મદદ મળે તો 50 ટકા કિસ્સામાં ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી અથવા ટાળી શકાય છે. આરોગ્યપ્રદ ખોરાક લઈને, શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરીને અને વજનને નિયંત્રિત કરવાથી મદદ મળે છે."

બીબીસી ઍક્સપ્લેનર, બીબીસી ગુજરાતી સાથે સમજો

તમને પ્રિ-ડાયાબિટીસ છે તેની કેવી રીતે ખબર પડે?

પ્રિ-ડાયાબિટીસમાં કોઈ લક્ષણ જોવા નથી મળતાં. તેથી તમને ખબર ન હોવા છતાં તમે તે સ્ટેજમાં હોવ તે શક્ય છે.

નૉટિંઘમ યુનિવર્સિટીમાં ન્યુટ્રિશન અને ડાયટેટિક્સનાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર અમેન્ડા એવરી કહે છે કે, "કમનસીબે લોકોને પ્રિ-ડાયાબિટીસની ખબર ત્યારે જ પડે છે, જ્યારે રૂટિન ચેક-અપ દરમિયાન બ્લડ ગ્લુકોઝનું લેવલ વધી ગયેલું જણાય."

પ્રિ-ડાયાબિટીસનો ખતરો ઘણાં કારણોથી વધી શકે. જેમ કે તમારી ઉંમર, વંશ, ડાયટ અને વજન. આ બધાની ખાસ ભૂમિકા હોય છે.

ડૉક્ટર અમેન્ડા એવરી જણાવે છે કે, "ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ)માં બને છે અને તે લોહીમાં શુગરનું લેવલ સામાન્ય રાખવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય, ખાસ કરીને પેટની આસપાસ વજન હોય, ત્યારે ઇન્સ્યુલિન માટે ગ્લુકોઝ કન્ટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. વાસ્તવમાં શરીરમાં ચરબી વધી જાય ત્યારે ઇન્સ્યુલિનની અસર પ્રત્યે કોશિકાઓ ઓછી સંવેદનશીલ બને છે. તેને કન્ટ્રોલ કરવા શરીર વધારે ઇન્સ્યુલિન બનાવવા પ્રયાસ કરે છે, પરંતુ તે લાંબો સમય ટકી શકતું નથી."

જેનાથી શરીરમાં ચરબી વધે તેવી લાઇફસ્ટાઇલ અને ખાનપાનની આદતોથી પ્રિ-ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે.

પ્રિ-ડાયાબિટીસ હોય તો ખાનપાનની આદતો કેવી રીતે બદલવી?

એસ્થર વૉલ્ડેન કહે છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે. તેથી પ્રિ-ડાયાબિટીસ ધરાવતા બધા લોકો માટે ખોરાકની એક ચોક્કસ રીત ન હોઈ શકે.

જોકે, કેટલાક ખોરાકના કારણે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે. જેમ કે વધુ ચરબીયુક્ત આહાર, હાઈ-જીઆઈ (ગ્લાઈસેમિક ઈન્ડેક્સ), ઓછા ફાઇબરવાળો આહાર.

રિસર્ચ પ્રમાણે ચાર વાતો પર ધ્યાન આપવાથી ટાઇપ-2 ડાયાબિટીસને રોકી શકાય છે. શક્ય છે કે તેને સંપૂર્ણપણે ટાળી પણ શકાય.

1. તમારું વજન 10 ટકા ઘટાડો

વજન ઘટાડવાનું વિચારતા પહેલાં હંમેશાં તમારા ડૉક્ટરની સલાહ લો. તેમને પૂછો કે શું પ્રિ-ડાયાબિટીસ વજન સાથે તમારો કોઈ સંબંધ છે કે કેમ. થોડું વજન ઘટાડવાથી તમારી તંદુરસ્તીને નુકસાન નહીં થાય તે પણ જાણો.

પ્રોફેસર રૉય ટેલર એક ડૉક્ટર, રિસર્ચ અને 'લાઇફ વિધાઉટ ડાયાબિટી'સ પુસ્તકના લેખક છે. તેમણે 2011માં રિસર્ચ કરીને સાબિત કર્યું કે ટાઇપ-2 ડાયાબિટીસને ઊલટાવી શકાય છે.

તેઓ કહે છે, "મોટા ભાગના લોકો પોતાનું વજન 10 ટકા સુધી ઘટાડે તો સમસ્યા દૂર થાય છે, કારણ કે તેનાથી લીવરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે."

"દશ વર્ષ અગાઉ આ વાતને એક ચમત્કાર ગણવામાં આવતી હતી. ત્યાર પછી ફુલ ડાયાબિટીસ થવાનો ખતરો સંપૂર્ણ ખતમ થઈ જાય છે. શરત એટલી કે ફરીથી વજન વધવું ન જોઈએ."

સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે કેટલા કિલો વજન ઘટાડ્યું તેના કરતા કુલ વજનમાંથી કેટલા ટકા વજન ઘટાડ્યું તે વધુ મહત્ત્વનું છે.

બીબીસી ગુજરાતી ટાઈપ-2 ડાયાબિટીસ પ્રિ-ડાયાબિટીસ વજન તંદુરસ્ત આહાર આરોગ્ય હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લીલા શાકભાજી અને આખા ધાન્ય શરીર માટે વધુ ફાયદાકારક છે.

પ્રોફેસર ટેલર કહે છે, "સ્થૂળકાયની પરિભાષા અહીં એટલું મહત્ત્વ નથી ધરાવતી. પ્રિ-ડાયાબિટીસની સ્થિતિ ત્યારે પેદા થાય જ્યારે વ્યક્તિ પોતાના શરીરની તુલનામાં ચરબીની સીમા (પર્સનલ ફેટ થ્રેસહોલ્ડ)ને વટાવી જાય, અને તે કોઈ પણ વજન પર હોઈ શકે છે."

તેનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિ માટે આ લિમિટ અલગ હોય છે. તેથી જે લોકો સ્થૂળકાયની કૅટેગરીમાં આવતા ન હોય, તેમને પણ પ્રિ-ડાયાબિટીસનો ખતરો હોઈ શકે છે.

નિષ્ણાતો સામાન્ય રીતે અચાનક વજન ઘટાડે તેવો આહાર ન લેવાની સલાહ આપે છે, પરંતુ ટેલરના કહેવા પ્રમાણે પ્રિ-ડાયાબિટીસના મામલામાં તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પ્રોફેસર ટેલર મુજબ, "દરેક વ્યક્તિ અલગ હોય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ઝડપથી વજન ઘટાડવાની પદ્ધતિ (જેમ કે રોજના માત્ર 800 કેલેરી લેવી)થી ઘણી વાર જોવા મળ્યું છે કે ટાઇપ-2 ડાયાબિટીસ ખતમ થઈ શકે છે."

જોકે, આ દરમિયાન તમારા શરીરને જરૂરી પોષક તત્ત્વો મળે તે જરૂરી છે.

2. પોતાનું ઘટાડેલું વજન જાળવી રાખો

કેટલાક લોકો ખૂબ જ ઓછી કેલરીવાળા આહારનું પાલન કરીને ઝડપથી ઘણું વજન ઘટાડે છે, પરંતુ લાંબા સમય સુધી આવા આહારને ચાલુ રાખવું શક્ય નથી. તેથી, લાંબા સમય સુધી તમારું વજન ઓછું રાખવાનો માર્ગ શોધવો મહત્વપૂર્ણ છે.

ડાયાબિટીસ યુકે મુજબ શાકાહારી, વીગન ડાયટ અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ મર્યાદિત રાખવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. ચુસ્ત આહાર કરતાં તેનું પાલન કરવું વધુ સરળ છે.

તેમાં ખોરાક પણ અલગ પ્રકારનો હોય છે. તેમાં સારું ફાઇબર હોય છે અને તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ (જીઆઈ) નીચો હોઈ શકે છે. તે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે.

બીબીસી ગુજરાતી ટાઈપ-2 ડાયાબિટીસ પ્રિ-ડાયાબિટીસ વજન તંદુરસ્ત આહાર આરોગ્ય હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વજનને નિયંત્રણમાં રાખવાથી ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખી શકાય છે
3. આ ચીજો ખાવાપીવાનું ટાળો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંશોધનો પ્રમાણે ચોક્કસ ખોરાક અને પીણાં ટાઇપ-2 ડાયાબિટીસના જોખમમાં વધારો કરે છે. તેથી તમારા દૈનિક આહારમાં આ ખોરાક ઓછો કરવો ફાયદાકારક હોઈ શકે છે. વોલ્ડન મુજબ આમાં શામેલ છેઃ

ગળ્યા પીણાં (શુગરયુક્ત ડ્રીંક્સ)

ગળ્યા પીણા ટાળવા જોઈએ કારણ કે તેમાં બહુ વધારે કૅલેરી હોય છે, પરંતુ પેટ ભરાઈ ગયાનો અનુભવ નથી થતો. તે તમારા લોહીમાં શુગરનું પ્રમાણ ઝડપથી વધારી દે છે જેની અસર ઇન્સ્યુલિન પર પડે છે અને શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા પેદા થઈ શકે છે.

રેડ અને પ્રોસેસ્ડ મીટ (જેમ કે બીફ, લેમ્બ, પોર્ક, હેમ અને સૉસેજ)

વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ વધારે પડતું લાલ કે પ્રોસેસ્ડ માંસ ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે.

રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ (ગળ્યા સ્નૅક્સ, વ્હાઇટ બ્રેડ)

રિસર્ચ પ્રમાણે વધારે સ્ટાર્ચ અને ઓછું ફાઇબર લેવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે. મોટા ભાગે તે રિફાઇન્ડ કાર્બ્સમાં મળી આવે છે કારણ કે તેની ઉત્પાદન પ્રક્રિયામાં ફાઇબર દૂર કરાય છે. તેથી તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે.

બટાટા (ખાસ કરીને ફ્રૅન્ચ ફ્રાઈઝ)

ડાયાબિટીસ યુકે પ્રમાણે વારંવાર બટાટા ખાવાથી પણ ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. કારણ કે બટાટામાં જીઆઈ (ગ્લાઇસેમિક ઇન્ડેક્સ) બહુ ઊંચો હોય છે. એક અભ્યાસ મુજબ બટાટાની જગ્યાએ આખા ધાન્ય (અનાજ) ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે.

4. આ ચીજો વધારે ખાવ
બીબીસી ગુજરાતી ટાઈપ-2 ડાયાબિટીસ પ્રિ-ડાયાબિટીસ વજન તંદુરસ્ત આહાર આરોગ્ય હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કમરનો ઘેરાવો અને પેટ વધારે પડતું મોટું હોય તો ડાયાબિટીસનું જોખમ રહે છે

વાલ્ડેન કહે છે કે રિસર્ચ પ્રમાણે કેટલીક ખાવાપીવાની ચીજોનો સંબંધ ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવા સાથે છે.

ફળ અને શાકભાજી (ખાસ કરીને લીલા પાંદડાવાળા શાક, દ્રાક્ષ અને સફરજન)

2012ના એક સ્ટડી પ્રમાણે મૂળવાળા શાકભાજી અને લીલા પાંદડાં ધરાવતા શાકભાજીથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. 2013ના એક અભ્યાસ પ્રમાણે બ્લૂબેરી, દ્રાક્ષ અને સફરજન જેવા કેટલાક ફળ પણ ડાયાબિટીસનો ખતરો ઘટાડી શકે છે.

ધાન્ય

કેટલાક રિસર્ચ પ્રમાણે ખોરાકમાં આખા ધાન્યનું પ્રમાણ વધારવાથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો ઘટે છે. 2015ના એક અભ્યાસ મુજબ રોજના ત્રણ આખા ધાન્ય (લગભગ 45 ગ્રામ) ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 20 ટકા સુધી ઘટી શકે છે.

દહીં અને ચીઝ

રોજ ડેરી પ્રોડક્ટ ખાતા લોકોમાં ડાયાબિટીસનો ખતરો પાંચ ટકા ઘટી શકે છે. ઓછી ફેટવાળા ડેરી પ્રોડક્ટથી આ જોખમ 10 ટકા ઘટી શકે. 2016ના એક સ્ટડી પ્રમાણે નિયમિત રીતે દહીં ખાવાથી ડાયાબિટીસનું જોખમ 14 ટકા સુધી ઘટી શકે.

ખાંડ વગરની ચા અને કૉફી

એક સ્ટડી મુજબ જે લોકો નિયમિત કૉફી પીતા હોય (કેફિનયુક્ત અથવા ડિકૅફ) તેમાં ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી જોવા મળે છે. બીજા અભ્યાસ મુજબ રોજ બ્લૅક કે ગ્રીન ટી પીનારા લોકોમાં પણ ડાયાબિટીસનો ખતરો ઓછો હોય છે.

ડાયાબિટીસથી ડરો નહીં

તમને પ્રિ-ડાયાબિટીસ છે તે જાણ્યા પછી તમે ગભરાઈ શકો છો. પરંતુ ડૉક્ટર અમેન્ડા એવરી કહે છે કે તેને એક પ્રેરણા તરીકે જુઓ, જેનાથી તમે તમારું આરોગ્ય સુધારી શકો છો. તમે ટાઇપ-2 ડાયાબિટીસને સંપૂર્ણપણે અટકાવી પણ શકો.

તમારા ડાયટને સંપૂર્ણપણે સુધારવું કે બદલવું મુશ્કેલ લાગતું હોય તો નાના અને સરળ પગલાંથી શરૂઆત કરો એમ એવરી કહે છે.

તેઓ કહે છે, "ડાયટમાં નાના નાના ફેરફાર પણ મોટું પરિવર્તન લાવી શકે. ખાસ કરીને વજન તંદુરસ્ત સ્તરે આવી જાય ત્યારે."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન